હિંદુ ગુડ ન્યૂઝ

વિશ્વ આજે પરિવર્તનકાળના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિકરણ, રાષ્ટ્રીય સરહદોની પાર લોકોની વધતી જતી અવરજવર, પર્યાવરણની સમસ્યા, ધર્મને લઈને વધતો ટકરાવ , સુધરતી આર્થિક સ્થિતિ અને બહુ-ધ્રુવી (મલ્ટી-પોલાર) વિશ્વ જેવી બાબતો ચિરકાલીન માનવજાતની દુવિધાઓ અને પ્રશ્નોને ઉકેલવા માટે આપણી વિચારવાની પદ્ધતિમાં બદલાવ માંગે છે.

આજની સમસ્યાઓના નિરાકરણ માટે સુચવાયેલા ઘણા ઉત્તરો ચવાઈ ગયેલા, જૂના અને અપૂરતા છે. એ ઉકેલોને વિશ્વભરમાં ફેલાવવા માટે ઉભી કરાયેલી સંસ્થાઓ પશ્ચિમના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ છેલ્લા લગભગ પાંચસો વર્ષથી વૈશ્વિક બાબતો ઉપર વર્ચસ્વ ધરાવે છે. અને આ દ્રષ્ટિકોણનું ઘડતર યુરોપ અને અમેરિકાના ઈતિહાસ, દંતકથાઓ, બૌદ્ધિક પરંપરા અને ધર્મને લગતી માન્યતાઓને ધ્યાનમાં રાખીને થયું છે.

જયારે આજે હવે લોલક ફરી વાર એશિયા અને આર્થિક રીતે ઉભરી રહેલા દેશો તરફ જઈ રહ્યું છે અને એમની સંસ્કૃતિનો અવાજ પણ હવે જયારે સંભળાઈ રહ્યો છે ત્યારે આપણે વિસરાઈ ગયેલી આપણી ગરિમા ફરી મેળવવાને આરે ઊભા છીએ. આપણામાંના ઘણા આપણી ટેવ પ્રમાણે વિશ્વના આવા ભિન્ન ભિન્ન વિચારોને અવગણશે પણ ખરાં-ખાસ કરીને જયારે તેઓ લાંબા સમયથી ચાલી આવેલી માન્યતાઓને પડકારતા હોય ત્યારે. અથવા આપણે એવા નવા આદર્શો સ્થાપિત કરીએ કે જે ભલે પશ્ચિમની આજની ગૌરવાન્વિત સ્થિતિને હાનિ પહોચાડવા છતાં પણ વિશ્વને નવી દિશા આપે, જે ન માત્ર પશ્ચિમ માટે પણ સમગ્ર માનવજાત માટે લાભદાયી હોય.

ખ્રિસ્તીઓ દ્વારા વપરાતી ઉક્તિ “ગુડ ન્યૂઝ”(સારા સમાચાર) જૂની અમુક માન્યતાઓમાંથી એક છે જે આપણે સૌએ સાંભળી છે. (આ “ગુડ ન્યૂઝ” એ “ગોસ્પેલ” શબ્દનો અક્ષરશઃ અર્થ છે જે બાઈબલમાં અપાયેલ ઈશુના જીવન વિષેનો અહેવાલ છે). આ ક્રિશ્ચિયન “ગુડ ન્યૂઝ”ને મોટે ભાગે ભગવાનના એ “બચાવવાના” કાર્ય સાથે જોડવામાં આવે છે જે માનવજાતના પ્રાયશ્ચિત માટે એમના એક માત્ર પુત્ર ઈશુએ ક્રોસ ઉપર આપેલુ બલિદાન હતું.

તેમ છતાં હિંદુઓને આવા પ્રાયશ્ચિતની કોઈ આવશ્યકતા નથી. કારણ કે હિંદુઓ માને છે કે કોઈ પણ મનુષ્ય મૂળથી પાપી નથી. માત્ર એટલું જ નહીં પણ તે ઈશ્વરનો અંશ છે. અને આપણામાંના દરેક ઈશુની જેમ જ ઈશ્વરના અંશ છીએ અને આપણી અંદર રહેલા દૈવી તત્વને અહીં અને હમણા જ આવિષ્કાર કરી શકવા માટે સંપન્ન છીએ-તે પણ કોઈનાયે ભૂતકાળના બલિદાન વગર. આ સુલભ સામર્થ્યના વિચારને સમજાવવા માટે મેં આ શબ્દ પ્રયોગ” હિન્દૂ ગુડ ન્યૂઝ“(હિન્દુઓ માટે સારા સમાચાર) નો અહીં ઉપયોગ કર્યો છે.

આવા સારા સમાચાર તો “હિન્દૂ ગુડ ન્યૂઝ”™ની માત્ર એક ઝલક છે જે મનુષ્યની પોતાની શક્તિને ઉન્નતિ પ્રદાન કરે છે અને પરમાત્મા, મનુષ્ય અને બ્રહ્માંડની અનિવાર્ય એકતા ઉપર ભાર મૂકે છે અને પ્રતિપાદિત કરે છે કે એકરૂપતા કરતા વૈવિધ્યતા એ જ સત્યની સાચી ઓળખ છે. આવા વિશ્વદર્શનના કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:

* ખ્રિસ્તી ધર્મની લાક્ષણિકતા મુજબ “ઓરિજિનલ સીન”(મૂળ પાપ) જેવું કશું નથી. આપણે સૌ મૂળથી દૈવી જીવો છીએ જે સંસ્કૃત શબ્દ પ્રયોગ “સત-ચિત્ત-આનંદ” દ્વારા દર્શાવાયું છે.

* ખ્રિસ્તી અને અન્ય અબ્રાહામિક ધર્મોની માન્યતા મુજબ માત્ર ઐતિહાસિક પયગંબર કે તારણહાર જ આધ્યાત્મિક સત્યનો માર્ગ જાણે છે એવું નથી. યોગ અને એને લગતી આધ્યાત્મિક આચરણની રીતો આપણને ઈતિહાસથી મુક્તિ અપાવી શકે છે-ઈતિહાસને આધારે ઘડાયેલ સાંપ્રદાયિકતા, જાતિવાદ, આનુવંશિકતા, કોઈ ખાસ ઐતિહાસિક ઘટનાને આધારે કરાતા વિશેષાધિકારના દાવા વગેરે. એટલે, આપણે ઐતિહાસિક પયગંબર કે એમના કારણે ઉભી થયેલી કોઈ સંસ્થા ઉપર આધાર નથી રાખતા.

* ધર્મ ને વિજ્ઞાનની વચ્ચે ક્યારે ય કોઈ સંઘર્ષ નથી અને ભૂતકાળમાં ય ક્યારેય આવો સંઘર્ષ આપણી ધર્મિક પરંપરામાં નથી થયો.

* જગતની ઉત્પત્તિની બાબતમાં પશ્ચિમની માન્યતા અને દંતકથા મુજબ અંધાધૂંધીનો કોઈ ડર રાખવાની આવશ્યકતા નથી. નકારાત્મક ભાવથી જેને અંધાધૂંધી ગણવામાં આવે છે તે પરમ સત્યનો કુદરતી અને સામાન્ય આવિર્ભાવ છે. તે માત્ર મનુષ્યની સમજની પરાકાષ્ટાથી પર હોવાથી પ્રકૃતિની ગૂંચવણને ભયજનક અને અનિષ્ટ ગણવામાં આવે છે અને એટલે જ એનો જડમૂળથી નાશ કરવાનો વિચાર કરાતો હોય છે.

* પ્રકૃતિનું માન જાળવીને જીવીયે તો અતિશય આનંદમય જીવન શક્ય છે. ઉન્નતિ અને વિકાસ માટે પ્રકૃતિનો ધ્વંસ કરવાની આવશ્યકતા નથી-હકીકતમાં તો જો આપણે પ્રકૃતિના બધા તત્વોના, જે આપણને સદા પોષે છે, તેમની તરફ પરસ્પર સંબંધોની આમન્યા આપણે રાખીએ તો આપણો વિકાસ વધું ઝડપથી થઈ શકે છે.

* આપણી અંતિમ સંભાવના સુધી પહોંચવા માટે આપણને કોઈ પણ એકહથ્થુ કેન્દ્રીય ધર્મ સત્તાની બિલકુલ આવશ્યકતા નથી. દરેક વ્યક્તિ ભૂતકાળના આદર્શ પ્રતિરુપ પૂર્વજો દ્વારા થયેલ આવિષ્કાર અને પ્રયોગોને માર્ગદર્શક તરીકે લઈને પોતે પ્રયોગો કરીને પોતાનો પંથ શોધી શકે છે.

* પ્રત્યેક ધર્મ અને પરંપરા માટે પરસ્પર સમ્માન એ હિન્દૂ ધર્મનો સિદ્ધાંત રહ્યો છે. આ રાજકીય કારણ માટે કરાયેલી બાંધછોડ નથી કે નથી બહારથી પરાણે ઠોકી બેસાડાયેલી આવશ્યકતા. અને આ સિદ્ધાંત અન્ય ધર્મને અનુસરતા લોકો માટે રખાતી સહિષ્ણુતાથી ખુબ આગળ જાય છે. આપણે અનોખાપણા(અમારો જ ધર્મ શ્રેષ્ઠ અને સાચો)ના દાવાને કે બીજાને પોતાના ધર્મમાં પરિવર્તન કરવાના અધિકૃત આદેશને નકારીએ છીએ.

મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલ
9
Hindu Good NewsCategories: Gujarati Articles

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: