“જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર

મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્ર વિશ્વનું એવું મનાય છે. આ દાવા પ્રમાણે પશ્ચિમ એ જ સમગ્ર વિશ્વના ઈતિહાસનો ચાલક અને પશ્ચિમ જ અંતિમ ઈચ્છનીય લક્ષ્ય છે. પશ્ચિમ એક આદર્શ નમૂનો પ્રસ્તુત કરે છે જે મુજબ સર્વે સભ્યતાઓ અને સંસ્કૃતિઓએ તોડ-મરોડ, કાંટ-છાંટ કરીને એ માન્યતાને અનુરૂપ થવાનું અને નહીં તો પછી કાં તો લુપ્ત થઈ જાય અથવા તો અવગણિત ઉપેક્ષિત બની જાય.

એ વાત તો સાચી જ છે જે વૈશ્વિક હોય તેને માત્ર કોઈ પણ એક માન્યતાના ચોકઠાંમાં બેસાડી ન જ શકાય, પછી તે પશ્ચિમી હોય, ચાઈનીઝ હોય, ફ્રેન્ચ હોય કે પછી અન્ય કોઈ પણ હોય. કોઈ એક દેશની માન્યતા કદાપિ વૈશ્વિક ન હોય, એ તો માત્ર કોઈ ચોક્કસ સંસ્કૃતિની વિશ્વ વિષેની માન્યતા અને અનુભૂતિ જ હોઈ શકે. “પશ્ચિમી એ જ વૈશ્વિક” એ શબ્દપ્રયોગ વિરોધાભાસી છે અને આવી માનસિક પરિસ્થિતિથી જન્મેલા અહંકાર ઉપર હું પ્રકાશ પાડવા ઈચ્છુ છું. પોતાની સંસ્કૃતિ જે પૃથ્વીના ઉત્તર-પશ્ચિમ અર્ધગોળાર્ધ પ્રદેશ(જેની માનવજાતિ વિશ્વની વસ્તીના વીસ ટકાથી પણ ઓછી છે અને સતત ઘટી રહી છે)ના અદ્વિતીય ઈતિહાસ, ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, દંતકથાઓ, પવિત્ર સાહિત્ય, ધર્મ, સામ્રાજ્ય અને સ્થાનિક પ્રજા તેમજ જનજાતિ વચ્ચેના સંઘર્ષમાંથી ઉદ્ભવી છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે પશ્ચિમ એવું સમજે છે કે એનું જ્ઞાન, જ્ઞાનશાસ્ત્ર, એનો ઈતિહાસ, એની દંતકથાઓ અને એના ધર્મો વિશ્વની સમગ્ર માનવજાતિ માટે એક આદર્શ બને.

આ માનસિક્તા અન્ય સભ્યતાઓએ શીખેલા અનોખા માર્ગ અને બોધપાઠને અવગણે છે અને જે એમની પોતાની ભૌગોલિક પરિસ્થિતિ, ઈતિહાસ(જે ઘણી વખત તો પશ્ચિમના ઈતિહાસ કરતા ય ઘણો જૂનો હતો), ધર્મો અને આદ્યાત્મિક પરંપરાઓથી પ્રભાવિત થયા હોય. ભિન્ન-ભિન્ન સભ્યતાઓની પોતપોતાની નિરાળી અનુભૂતિઓ હંમેશા વિનિમયક્ષમ (પરસ્પર બદલી શકાય) હોય જ એવું જરૂરી નથી. તેમ છતાં પશ્ચિમ દ્રઢતાપૂર્વક માને છે કે જગતનો આકાર અને એનો ઈતિહાસ પશ્ચિમે નક્કી કરેલા લક્ષ્ય પ્રમાણે સિદ્ધ થવો જોઈએ-ભલે પછી તે મોક્ષ(salvation) હોય કે બિનસાંપ્રદાયિક વિકાસ હોય-અને તે પોતાના આદર્શોને અન્ય સંસ્કૃતિ ઉપર ઠોકી બેસાડવા માંગે છે, ઘણી વખત જબરદસ્તીથી.

વિશ્વ કેવું હોવું જોઈએ એવી ચોક્કસ રૂપરેખા સાથે સંચાલકના હોદ્દા પર વિરાજમાન થઈને સમગ્ર પશ્ચિમ જગત અનેક ધ્યેયો સિદ્ધ કરવા તત્પર છે-ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક (વસાહતવાદ); જેથી આ પ્રકારનું પશ્ચિમીકરણ સ્થાપી શકાય. જ્યારે આવા પ્રયત્નો વિષમ અને અસંગત દ્રષ્ટિકોણો સાથે ટકરાય છે ત્યારે તેમની પ્રતિક્રિયા તેમની જૂની અને જાણીતી રીતોમાંની એકાદ હોય છે-સંસ્કૃતિ સંક્રમણ, ધર્મ-પરિવર્તન, સંસ્થાનવાદ, એકલા પાડી દેવા, અનાદર, જાતિસંહાર અને બંધબેસતી પાઘડી પહેરી લેવી વગેરે.
આ પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે હંમેશા પશ્ચિમી ઓળખ માનવજાતના બધા જ વ્યવહારમાં સૌથી ઊંચે હોવી જોઈએ અને પ્રત્યેક સંઘર્ષ અથવા ઘર્ષણ)માં એનું ભવ્ય કથાનક વધુ ને વધુ પ્રબળ થતું રહેવું જોઈએ અને શેષ જગત પશ્ચિમ દ્વારા નિર્ધારિત એવી નિયતિ માટે પશ્ચિમના માત્ર એક હિસ્સા તરીકે પાત્ર ભજવે.

અન્ય સભ્યતાઓના લાભદાયક સાંસ્કૃતિક પરિમાણોને હડપ કરી લેવાના જે પશ્ચિમી માળખાંમાં બંધબેસતાં આવી શકે, જે પશ્ચિમને વધુ સમૃદ્ધ કરી શકે અને જે સંસ્કૃતિમાંથી એ ગ્રહણ કરાયું હોય એને મૂળમાંથી ઉખેડી નંખાય છે, ઉજ્જડ બનાવી દેવાય છે, એની સંબદ્ધતા અને ફળદ્રુપતાને તહસ-નહસ કરી દેવાય છે. જ્યારે કોઈ સભ્યતાની એકતાને ભંગ કરી દેવાય છે ત્યારે એમાંના અમુક ઘટકોને લઈને એનું રૂપ-પરિવર્તન કરીને પશ્ચિમી વર્ગીકરણમાં બંધબેસતું કરી દેવાય છે. એ કાર્ય યોજનાબદ્ધ તસ્કરી અને સાંસ્કૃતિક જાતિસંહારનો જ એક પ્રકાર ગણી શકાય.
વિશ્વમાં પોતાના ઉત્કૃષ્ટ સ્થાનને ઉચિત સિદ્ધ કરવા માટે કરાતા મહાન દાવાઓ માટે અનેક કારણો છે જે વિષે આ બ્લોગમાં લખવાનો અવકાશ નથી પણ મારા પુસ્તકમાં એની વિસ્તારથી ચર્ચા કરેલી છે. હિબ્રેઈઝમ (the Judeo-Christian heritage) અને હેલેનિઝમ (the Greek heritage) એ બંનેની દ્વૈતવાદ અને દ્વિગુણવાદમાં દ્રઢ માન્યતાએ પશ્ચિમી ઓળખ અને સર્વ-શ્રેષ્ઠતા માટે મહત્તમ ભાગ ભજવ્યો છે.

ઓળખ અને વારસાને વ્યાખ્યાયિત કરવા, પ્રબળ બનાવવા અને એનો વ્યાપ વધારવા માટેનું અન્વેષણ એ પણ યુરોપના કબીલાઓ અને ભિન્ન-ભિન્ન જાતિઓ વચ્ચેના સંઘર્ષ અને હરીફાઈની ફળશ્રુતિ જ હતી. તાજેતરમાં સર્વે યુરોપિયનો એક સમૂહમાં “પશ્ચિમ” તરીકે જોડાયા (જ્યારે અન્ય “શેષ” બની ગયા) એ પહેલા છેલ્લા થોડા દાયકાઓ અગાઉ સાંસ્કૃતિક અને સભ્યતા માટે પોતાનો કક્કો ખરો સિદ્ધ કરવા માટે ફ્રેન્ચ, ઈટાલિઅન્સ, જર્મન્સ જેવા વિભિન્ન સમાજો વચ્ચે સંઘર્ષ અને વૈમનસ્ય તીવ્ર હતાં.
હકીકતમાં જર્મન વિચારક અને તત્ત્વજ્ઞ હેગલ (Hegel)નો “પશ્ચિમ”ની ઓળખ ઉપર દૂરગામી પ્રભાવ રહ્યો છે.રાષ્ટ્રીય ઓળખ સ્થાપિત કરવાના શરૂઆતના તબક્કામાં ફ્રેન્ચ અને ઈટાલિઅન્સ સામે પછડાટ ખાધેલા જર્મનીની ઓળખને પ્રથમ પુન:જીવિત કરવા માટે એમણે કરેલા પ્રયાસો થકી આ બન્યું. યુરોપિયન વિચારોના પ્રચંડ વિદ્વાનોમાંના એ એક ગણાયાં. એમણે એક પ્રખર અને પ્રભાવશાળી ઈતિહાસનું તત્ત્વદર્શન સ્થાપિત કર્યું જેમાં બધી સભ્યતાઓના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને એક સીધી લીટીમાં એક આદર્શ વ્યવસ્થા તરીકે પ્રસ્તુત કરી.

હેગલના મત મુજબ આ એક વૈશ્વિક વિચારધારા છે (વેલ્ટગાઈસ્ટ-Weltgeist) જે અનેક સોપાનોમાં પ્રવાસ આદરે
છે અને છેવટે આત્મજ્ઞાનની ઉચ્ચત્તમ સીમાએ પહોંચે છે. આ વિચારધારા ધીમે ધીમે નિમ્ન સ્તરથી ઉચ્ચત્તમ સ્તર સુધી વિભિન્ન રાષ્ટ્રો સાથે વિકસે છે અને દરેક સ્તર પર વિભિન્ન રાષ્ટ્રો પૈકી કોઈ એક રાષ્ટ્રનું સ્થાન હોય છે. એમણે પોતાના આ આદર્શને વૈશ્વિક ગણાવ્યો અને આ વૈશ્વિક આદર્શ મુજબ ઈતિહાસની વૈશ્વિક યાત્રા પૂર્વથી પશ્ચિમ તરફ થઈ જેમાં યુરોપ આ યાત્રાના અંતિમ ચરણથી બીજું છે. એશિયા(નિકટપૂર્વ)થી આ યાત્રાની શરૂઆત થઈ અને એના આ વૈશ્વિક દર્શનમાં ભારતનો કોઈ જ “ઈતિહાસ” નથી. હેગલના મત મુજબ માત્ર પશ્ચિમ જ તર્કબુદ્ધિથી સંપન્ન કરાયેલું છે અને એટલે ઈશ્વરની યોજના મુજબ વૈશ્વિક ઈતિહાસના નિયંત્રણ માટેનું કેન્દ્રીય પ્રતિનિધિત્વ કરવા માત્ર યુરોપ જ દાવેદાર છે.

આવાં જાતિવાદથી અને સ્વકેન્દ્રીયવાદથી પ્રચુર વિચારોના આધાર ઉપર પશ્ચિમની મોટા ભાગની ઓળખ સ્થાપિત થયેલી છે અને એ જ કારણો સંસ્થાનવાદ અને ધર્મપરિવર્તનને ન્યાયસંગત સિદ્ધ કરે છે. ભારતના “ઈતિહાસ વિનાના” અસ્તિત્વને લગતા હેગેલિયન વિચારો મોટા ભાગે ભારતની ભૂતકાળમાં કરાયેલી અવગણનાના મૂળમાં રહેલા છે અને આ વિચારો આજે પણ તેઓના ભારત વિષેના દ્રષ્ટિકોણને ઘડવામાં કારણભૂત છે. હેગલ પશ્ચિમને “પશ્ચિમ એ જ વૈશ્વિક” એવી સંકીર્ણ માન્યતા તરફ દોરી ગયા અને ભારતમાં શું ખોટું છે તે વિષેના વિચારોને દ્રઢ બનાવ્યાં. જે હદ સુધી પશ્ચિમી વિદ્વાનો હેગલની આવી એકતરફી ઈતિહાસને લગતી માન્યતા(અનેક માર્ક્સિસ્ટ, માનવતાવાદી ઈતિહાસના વિધાનો અને અન્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જે આ માન્યતાને આધારે ઘડાયાથી પ્રભાવિત થયા એ ખુબ જ આશ્ચર્યજનક છે. હેગલના ઈતિહાસને લગતા આ સિદ્ધાંતોએ “ઉદારપંથી સર્વશ્રેષ્ઠ પશ્ચિમ” વિચારને ઉજાગર કર્યો અને આ વિચારના ઓઠા હેઠળ આજે “વૈશ્વિકતા”ને સ્થાપિત કરી દીધી છે.

આ યુરોપિયન પૂર્વકલ્પિત પ્રબોધનો પશ્ચિમના શિક્ષણક્ષેત્રે, તત્ત્વજ્ઞાનમાં, સમાજશિક્ષણના અભ્યાસમાં અને અધૂરામાં પૂરું વિજ્ઞાન વિષયક કાર્યપ્રણાલીમાં પણ અંત:સ્થાપિત થઈ ગયા છે. ત્યાર બાદ આનો પ્રભાવ “ઈન્ડોલોજી”ના અભ્યાસ ઉપર પડ્યો અને એનું ભૂત દક્ષિણ એશિયાને લગતા અભ્યાસને વળગ્યું.

હું મારા પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”માં પશ્ચિમના પોતાની માન્યતાઓને “વૈશ્વિક” રૂપ આપવાના આ વળગણને પડકારું છું. મેં પશ્ચિમ અને ભારતીય સભ્યતા વચ્ચે અમુક મહત્ત્વના ભેદ બાબત ખુલાસો કર્યો છે અને હું પ્રસ્તુત કરું છું કે એક વખત આ ભેદને અવગણવાને બદલે જો સ્વીકારવામાં આવે તો આજના સમયના ઘણા પીડાદાયક પ્રશ્નોને ઉકેલવામાં નવા માર્ગો જડી શકે.

પ્રકાશિત: ૯ માર્ચ ૨૦૧૨
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદ: ઉદિત શાહ
સમીક્ષા: અલકેશ પટેલChallenging Western UniversalismCategories: Gujarati Articles

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: