શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વના સંસ્કૃત વિદ્વાન છે?

આર્ય આક્રમણની ખોટી માન્યતા ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ ભારત વિખંડન ભારતીય મહાગાથા

જેઓ મારું પુસ્તક “ઘી બૅટલ ફોર સંસ્કૃત ” વાંચી રહ્યા છે અથવા વાંચવાના છે એમને ખ્યાલ હશે જ કે મારું મોટા ભાગનું ધ્યાન પ્રખ્યાત અમેરિકન ઈન્ડોલોજિસ્ટ શેલ્ડોન પોલોક પર કેન્દ્રિત કરેલું છે, જેને હું અમેરિકન ઑરિએંટલિઝમ તરીકે વર્ણવું છું એનો એ બહુ વગદાર અને ખ્યાતનામ પ્રતિનિધિ છે.

મેં એમને મારા આ કાર્યમાં શા માટે પસંદ કર્યા અને મારી એમની સાથે કેવી ચર્ચા-વિચારણા  થઈ એ હું સમજાવવા માંગુ છું. હું શક્ય એટલી ચોખવટ કરવા ઈચ્છું છું કે શા માટે મેં એમની મુલાકાત લીધી અને મારા વ્યક્તિગત વાર્તાલાપના અને એમના પુસ્તકો/લેખોના વાંચન દ્વારા મારાં અનુભવ કેવા રહ્યા.

અન્ય વિદ્વાનોના લેખોનું વિવરણ કરવાને બદલે નીચે મુજબના કારણોને લીધે હું પોલોક પર ધ્યાન કેન્દ્રિત  કરું છું.

* ખૂબ શક્તિશાળી વિચારધારાની સાથે ચર્ચા-વિચારણાનો દોર સ્થાપિત કરવા માટે વ્યક્તિએ જે ઉચ્ચ કક્ષાના વિદ્વાન હોય અને જેમણે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરેલ હોય એમના કાર્યનું વિવરણ કરીને એમને પ્રત્યુત્તર દેવો ઘટે, નહીં કે સૌથી નબળા અને કમજોર વિદ્વાનો સાથે. ભારતનો પણ પ્રાચીન સમયથી આ જ માર્ગ રહ્યો છે. પોલોક સમકાલીન સમયના સૌથી મહત્વના અમેરિકન ઓરિએંટલિઝમના પ્રતિનિધિપદની લાયકાત ધરાવે છે જેની હું નીચે પ્રમાણે ચોખવટ કરું છું.

* પોલોકને નેતા તરીકે પસંદ કરીને હું એમને, એમના વિદ્યાર્થીઓને અને એમના સહકાર્યકર્તાઓને ખુલ્લા મનથી ચર્ચા અને વાર્તાલાપ કરવા નિમંત્રુ છું જેથી પરસ્પર વધું સારી સમજૂતી સાધવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. હકીકતમાં, આ પુસ્તક અમેરિકન ઓરિએંટલિસ્ટસની છાવણી સાથે એમના સંસ્કૃત અને ભારત વિષેના અભ્યાસની રીત ઉપર એક સહજ ચર્ચા-વિચારણા શરૂ કરી રહ્યું છે.

* મારો કેન્દ્રિત અભિગમ મને અમેરિકન ઓરિએંટલિસ્ટસના લખાણોમાં ઊંડે સુધી જવા અને એના દ્વારા મારું દ્રષ્ટિબિંદુ રજુ કરવા પ્રેરિત કરે છે. હું ભાવાત્મક આડીઅવળી વાતો કરવાને બદલે ચોક્કસ વાસ્તવિક રજુઆત કરી શકું છું.

* પોલોકના લખાણો એક આખી વિદ્વાનોની પેઢીને અને મુખ્ય પ્રસાર માધ્યમોના અગ્રણીઓને પણ શિક્ષિત કરે છે અને એ બાબતમાં એમણે અન્ય પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સોની સરખામણીમાં અપૂર્વ પ્રભાવ પાડ્યો છે.

* તેઓ ઘણી હદ સુધી “દેશીઓ” સાથે ભળી ગયેલા અને અનેક ભારતીય સંસ્થાઓમાં એકરૂપ થયેલ છે, જેને કારણે એમનો પ્રભાવ અને એમનું સામર્થ્ય નાટકીય રીતે ખૂબ વધી જાય છે. આને કારણે આપણે સંસ્કૃતના અભ્યાસને સંસ્કૃતના ધ્રુવીકરણ તરીકે વર્ણવી શકીયે.

* મારો આ માર્ગ મારા અગાઉના પુસ્તકોની સાથે સુસંગત છે. મેં દરેક પુસ્તકમાં એક મોટા મુદ્દાને પરિપ્રેક્ષ્યમાં રાખ્યું હતું જેને મારા મતે આપણા ધર્મિક પરંપરાના વિદ્વાનોએ જોઈએ એટલું ગંભીરતાથી લીધું નથી. એટલે મેં એના મુખ્ય પ્રતિનિધિને પડકાર આપ્યો છે, આમંત્ર્યો છે.

* આ આખી ચર્ચા-વિચારણા અને વાર્તાલાપની પ્રક્રિયા સંસ્કૃત પરંપરાના પૂર્વપક્ષની પ્રણાલી અનુસાર હોવી જોઈએ એ મારી સમજનો આધાર છે, અને આ સમજ મને પ્રભાવિત કરે છે. જેઓ એનો સ્વીકાર કરે છે એમની જવાબદારી ખૂબ વધી જાય છે. અને એ જરૂરી બને છે કે સામા પક્ષના લખાણો/વિચારો ઉપર ગંભીરતાથી અભ્યાસ કરાય અને સીધેસીધા વાર્તાલાપમાં ઉતરાય અને મતમતાંતરોને દબાવી દેવાને બદલે પૂરેપૂરા તપાસવા અને જગજાહેર કરવા.

મારી ખૂબ દ્રઢ અને વધી રહેલી માન્યતા કે પરંપરાગત હિન્દુ વિદ્વાનો, જેઓ વ્યક્તિગત રીતે સંસ્કૃતની અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે અને વિદ્વતાના ધરોહર છે તેઓ આ પડકારનો સામનો કરવામાં ઉણાં ઉતર્યા છે, જેના કારણો મારા લખાણમાં મેં સમજાવ્યા છે.

પોલોક એ એક સક્ષમ પ્રતિસ્પર્ધી, ઈન્ડોલોજિસ્ટ અને સંસ્કૃતના વિદ્વાન છે જેમનું વિષય પ્રત્યેનું જ્ઞાન નિર્વિવાદપણે ઉત્તમ અને સમર્પિત છે. મારા છેલ્લા પુસ્તકમાં એમને કેન્દ્રમાં રાખવાના મારા નિર્ણયથી,જે વિચારધારાનો હું વિરોધ કરું છું એના સૌથી સંભવિત સક્ષમ પ્રતિનિધિને અને જે આ વિચારધારાના  હિમાયતી છે,  એમને મેં પડકાર્યા છે, અને તેમની સાથે હું પરસ્પર સમ્માનપૂર્વક ચર્ચા-વિચારણા કરવા ઈચ્છુ છું. ખરેખર મને પ્રારંભમાં જ જણાવી દેવા દયો કે એમના આ કાર્યની સમીક્ષા કરવા માટે મારી જાતને એમના વિશાળ બહોળા વિદ્વતાભર્યા કાર્યમાં ડુબાડી દેવી પડી અને એમણે ઉપયોગમાં લીધેલા અનેક સ્ત્રોતોનો પણ અભ્યાસ કરવો પડયો હતો. તે જ રીતે મારે આપણા ભારતીય વિદ્વાનો દ્વારા તેમજ અન્ય વિદ્વાનો દ્વારા રચાયેલા ઘણા બધા વિશાળ લખાણોનો અભ્યાસ પણ કરવો પડયો. આમ કરતા હું ઘણું શીખ્યો અને એમના માટે મને ઘણી માનની લાગણી પણ થઈ. હું માનું છું કે તેઓ જે વિષયના અભ્યાસુ છે તે પ્રત્યે તેઓ સંનિષ્ઠ છે અને એમને એ વિષય પ્રત્યે પ્રેમ છે અને એમનો ઉદ્દેશ પ્રશંસનીય છે.

પોલોક એવા વિચારોને ટેકો આપે છે, દ્રઢતાથી માને છે અને એવું પૃથ્થકરણ કરે છે જેની સામે એવા લોકોની આંખો જરૂર પહોળી થવી જોઈએ જેઓ ભારતના વૈદિક વારસાની કિંમત સમજે છે અને ઈચ્છે છે કે આ વારસો આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણસ્ત્રોત બની રહે. અન્ય બાબતોમાં એક વાત એ છે કે તેઓ હિન્દુ ધર્મના મિત્ર તો નથી જ-હકીકતમાં કોઈ પણ ધર્મના નહીં-જ્યા સુધી હું પારખી શકું છું અને તેઓ બહું આસાનીથી/સહજતાથી એની આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુને અવગણે છે, જે ખરેખર તો આપણા ધર્મનું સામર્થ્ય છે. તદુપરાંત તેઓ એમની રાજકીય વફાદારીને છુપાવતા નથી અને ક્યારે પણ ભારતના સંદર્ભમાં વામપંથીઓ અને બિનસાંપ્રદાયિકોની વિચારશરણી મુજબ પક્ષપાત કરતા તેમજ આ બળોને ઉત્તેજન આપીને હસ્તક્ષેપ કરતા જરા યે ખચકાટ અનુભવતા નથી, અને સાથે સાથે ધનિક મૂડીવાદીઓ પાસેથી ભંડોળ પણ લેતા હોય છે. એકંદરે એમાં કાંઈ ખોટું નથી અને એમને પોતાની રીતે પોતાનો મત વ્યક્ત કરવાનો હક્ક છે પણ તેઓ મોટે ભાગે પોતાના આવા દ્રષ્ટિબિંદુ અને પોતાની વિચારધારા, જોડાણો અને એમને મળતા ટેકા બાબત પારદર્શક નથી. તેઓ આ બાબત જાગરૂક નથી કે એમનું આવું રાજકારણ આપણી પરંપરાના એમના અભ્યાસને અસર કરે છે અને મારું માનવું છે કે ખાસ કરીને વિકૃત રીતે અને  છેતરામણી રીતે અસર કરે છે.

હું ઈચ્છું છું કે વાચકો સર્વપ્રથમ પોલોકની સિદ્ધિઓની અને એમની ઈન્ડોલોજી વિષયમાં ભૂમિકાની કદર કરે, જેથી તેઓ વધું સારી રીતે સમજી શકશે કે હું શું કરવા ધારું છે અને આ કાર્ય સંપન્ન કરવામાં મારે કેટલી કઠિણાઈઓનો સામનો કરવો પડી શકે.

તો, પહેલા મને પ્રોફેસર પોલોકનો અને એમના કાર્યનો પરિચય આપવા દયો, ખાસ કરીને એમના માટે જેઓએ એમને વિસ્તારથી વાંચ્યા નથી.

શેલ્ડોન પોલોકે હાર્વર્ડ યુનિવર્સિટીમાં લૅટિન અને ગ્રીક ભાષાઓનો અભ્યાસ કર્યો હતો અને એને કારણે એમનો સામાન્યતયા ફિલોલોજી (ભાષાશાસ્ત્ર) પ્રત્યેના અને ખાસ કરીને સંસ્કૃત પ્રત્યેના અભિગમમાં સારો એવો પ્રભાવ પડ્યો. ખ્યાતનામ ઈન્ડોલોજિસ્ટ ડેનિયેલ ઈંગ્લ્સના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતના અભ્યાસમાં હાર્વર્ડમાંથી પી. એચ. ડી.મેળવ્યા પછી, એમણે ખૂબ ખંતપૂર્વક થોડા દાયકા સંસ્કૃતના વિવિધ વિષયોના અભ્યાસમાં ગાળ્યાં. ફળસ્વરૂપે જે પ્રકાશનો બહાર પડ્યા એમાં અનેક વિષયોને આવરી લેવાયાં અને આનું સમકક્ષ કાર્ય ભાગ્યે જ કોઈ પણ પાશ્ચાત્ય પંડિતે કે ભારતીય પંડિતે આ પહેલાં કર્યું હોય.

એમણે પહેલો અભ્યાસ રામાયણ વિષય ઉપર એંશીના દાયકામાં કર્યો. સભાનપણે એમણે અન્ય પાશ્ચાત્ય ઈન્ડોલોજિસ્ટ્સથી પોતાનો ભિન્ન મત વ્યક્ત કર્યો.

જે પંડિતોએ સંસ્કૃતની પરંપરાના ગુણગાન ગાયા એમની એમણે આલોચના કરી અને સંસ્કૃતના ગ્રંથોના અર્થઘટન માટે “પોલિટિકલ ફિલોલોજી” (રાજકીય ભાષાશાસ્ત્ર)ની પદ્ધતિનો ઉપયોગ કરવાની દલીલ કરી. એમણે પસંદ કરેલો માર્ગ ઈંગલ્સ અને અન્ય જર્મન ઈન્ડોલોજિસ્ટ્સોથી ધરમૂળથી ભિન્ન હતો કારણ કે “અંદરના” (એટલે કે ભારતીય) લોકોના દૃષ્ટિબિન્દુને પ્રતિનિધિત્વ આપવાના એમના ધ્યેય સાથે પોલોક સંમત્ત ન હતા. એમના ત્યારબાદના કાર્યમાં આ વક્રપંથ ચાલું રાખ્યો અને સંસ્કૃતની સંસ્કૃતિ અને પરંપરાને શ્રેષ્ઠીઓના સમાજ પરના પ્રભુત્વ જાળવી રાખવાના અને સ્ત્રીઓ, દલિતો અને મુસ્લિમોના દમન માટેનું સાધન હોવાની બાબત ગણાવી.

એમની કારકિર્દીની પરાકાષ્ઠાએ તેઓ પહોંચ્યા એમની એક મહાન કૃતિ “ધી લેંગ્વેજ ઑફ ધી ગૉડ્સ ઈન ધી વર્લ્ડ ઑફ મેન : સંસ્કૃત, કલ્ચર ઍન્ડ પાવર ઈન પ્રિ-મૉડર્ન ઈન્ડિયા “થી, જે એમનું ખરેખર એક ખૂબ મહત્વનું કાર્ય કહી શકાય અને જેને પણ પોલોક સાથે એમના વલણ બાબત જો ચર્ચામાં ઉતરવું હોય તો એને વાંચવું જરૂરી છે. પોલોકની પ્રતિષ્ઠા શિક્ષણના અને એની બહારના એમ બંને ક્ષેત્રમાં ઘણી ફેલાયેલી છે અને તે પણ ભારતમાં અને અમેરિકામાં એમ બંને દેશોમાં.

રહી તેમની કેટલાંક સિદ્ધિઓ:

* તેઓ પ્રતિષ્ઠિત “અમેરિકન એકેડેમી ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ” ના સદસ્ય છે અને હાલ કોલંબિયા યુનિવર્સિટીના મધ્ય-પૂર્વ, દક્ષિણ-એશિયા અને આફ્રિકન અભ્યાસના “chaired” અધ્યાપક છે.

* “ધી લેંગ્વેજ ઑફ ધી ગૉડ્સ ઈન ધી વર્લ્ડ ઑફ મેન: સંસ્કૃત, કલ્ચર ઍન્ડ પાવર ઈન પ્રિ-મૉડર્ન ઈન્ડિયા (2006)”ને “એસોસિએશન ઑફ એશિયન સ્ટડિઝ” તરફથી એમને “કુમારસ્વામી” તેમજ “લિયોનેલ ટ્રિલ્લિંગ” પુરસ્કારો મળ્યાં.

* “મેલ્લોન ફાઉન્ડેશન” તરફથી એમને “Distinguished Achievement Award” એનાયત કરાયો.

* “લેન્ગવૅજ, કલ્ચર એન્ડ પાવર” નામની પરિષદનું એમના વિદ્યાર્થીઓ દ્વારા સન 2008માં આયોજન કરાયું ત્યારે અમુક ખૂબ જ માનનીય ઈન્ડોલોજિસ્ટ્સોએ પણ એમને બિરદાવવા ભાગ લીધો હતો.

* “Clay Sanskrit Library” ના “જનરલ એડિટર” રહી ચુક્યા છે અને એના માટે અમુક પુસ્તકોનું સંપાદન અને ભાષાંતર પણ કર્યુ હતુ.

* “યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા પ્રેસ”, “ધી યુનિવર્સિટી ઑફ ચિકાગો પ્રેસ”, અને “ધી કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ” ના સહયોગથી ચાલતી સંસ્થા ” સાઉથ એશિયા એક્રોસ ધી ડિસિપ્લિન્સ”ના સહ-સંપાદક પણ રહી ચુક્યાં છે.

* અત્યારે તેઓ “SARIT: Enriching Digital Collections in Indology”ના મુખ્ય તપાસનીશ છે જેને “National Endowment for the Humanities/Deutsche Forschungsgemeinschaft Bilateral Digital Humanities Program” દ્વારા ટેકો અપાયેલ છે.

* કોલંબિયા યુનિવર્સીટી ખાતે એમણે પહેલ કરી હોય એવા અનેકમાંનો એક “આંબેડકર સંસ્કૃત ફેલોશીપ પ્રોગ્રામ” છે જેનો હેતુ એક સ્થાપિત કરેલા કાયમી ભંડોળમાંથી દલિત વિદ્યાર્થીઓના, સંસ્કૃતના સ્નાતક થાય ત્યાં સુધી, અભ્યાસ માટે આર્થિક મદદ આપવી.

  • તેઓ એક યોજના ” Sanskrit Knowledge Systems on the Eve of Colonialism”ના નિર્દેશક  છે, જેમાં વિદ્વાનો એ અભ્યાસ કરશે કે સંસ્કૃતમાં જે જ્ઞાન ભારતના સંસ્થાનવાદ પહેલાં ઉત્પન્ન થયું તેની અવસ્થા શી હતી.
  • તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસના “Historical Sourcebooks in Classical Indian Thought” નામના કાર્યનું સંપાદન સંભાળી રહ્યાં છે અને અન્ય એક પુસ્તક “Liberation Philology” ઉપર પણ એમનું લેખનકાર્ય ચાલું છે.

આટલા બધા ઈનામો અને આટલી બધી એમની થઈ રહેલી કદર બતાવે છે કે મોટા ભાગના ભારતીય બુદ્ધિજીવીઓની નજરમાં એમનું સ્થાન બહું જૂજ બચેલા સંસ્કૃત સાહિત્ય વિષે અધિકારથી ખુલાસો કરી શકે કે બોલી શકે એવા એકનું પ્રસ્થાપિત કરી દીધું છે. એમની થયેલી કદરના થોડા ઉદાહરણ નીચે પ્રમાણે છે.

  • ભારતના રાષ્ટ્રપતિએ એમને સાહિત્યની નામાંકિત સેવા બદલ “Certificate of Honour for Sanskrit” અને ત્યારબાદ “પદ્મશ્રી” એવોર્ડથી નવાજયા.
  • “જયપુર લિટરરી ફેસ્ટિવલ”ના તેઓ છેલ્લા સાત વર્ષોથી એક નામાંકિત સાહિત્યકાર તરીકે હિસ્સો લઈ રહ્યાં છે અને પ્રતિષ્ઠિત સભાઓ અને પરિસંવાદોમાં એમને ભારતીય સમાજના શ્રેષ્ઠીઓ માટે ભારતની પરંપરાંનું અર્થઘટન કરવા આમંત્રણ અપાય છે.
  • તેહેલકા ન્યૂઝ મેગઝીન અને ભારતના NDTV નેટવર્ક દ્વારા એમના ઈન્ટરવ્યુ લેવાયા છે.
  • દિલ્હીમાં ” Centre for the Study of Developing Societies”ના સુવર્ણ જયંતીની ઉજવણીને પ્રસંગે તેઓ મુખ્ય વક્તા હતા.
  • ઈન્ફોસિસ તરફથી “Humanities and Social Sciences” માટે અપાતા ઈનામો માટેની રચાયેલી કમિટીના તેઓ જ્યુરી સભ્ય છે. “મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રરી ઑફ ઈન્ડિયા” (હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ)ના મુખ્ય સંપાદક તરીકેની પ્રતિષ્ઠા એમની કલગીમાં એક વધું પીછું ઉમેરે છે. તેમના આ પદ વિષે વધું ચર્ચા હું પાછળના પ્રકરણમાં કરીશ.

પોલોકના ઘણા ચાહકો છે અને તેઓ વિભિન્ન લોકોના જુદાં જુદાં જુથોમાં પ્રિય છે.

ભારતીય વામપંથીઓ સંસ્કૃતની પરંપરામાં રહેલા દમનકારી પુરાવાઓ આપીને લડાયક સ્વદેશાભિમાની હિન્દુ માનસિકતાને ઉઘાડી પાડવા માટે એમને એક અમૂલ્ય સહાયક તરીકે જુએ છે. તેમને માટે પોલોક ડી. ડી. કોસંબી(સ્વર્ગવાસી, સંસ્કૃતના વામપંથી વિદ્વાન)ના સન્માનનીય ઉત્તરાધિકારી છે અને પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિઓના પાશ્ચાત્ય સિદ્ધાંતોના જ્ઞાનને કારણે વધું સક્ષમ છે. વામપંથીઓ એમને વામપંથીઓની નવી વંશાવલીના સર્જક ગણીને બહુમાન આપે છે , અને તેમ છતાંય તેઓ ભંડોળ મૂડીવાદીઓ પાસેથી લે છે.

પાશ્ચાત્ય વિદ્વાનો એમને એક બૌદ્ધિકતાના ઈતિહાસના અજોડ પંડિત ગણે છે, અને એમની લાયકાતની સાબિતીને વધું બળ મળે છે એમના સંસ્કૃતના જ્ઞાનને કારણે જે એમના સમકાલીન સાથીઓમાં ભાગ્યે જ કોઈને હોય. સંસ્કૃત આધારિત પરંપરા ઉપરની સામાજિક પરિસ્થિતિઓને પાશ્ચાત્ય સિદ્ધાંતો લાગુ પાડવા માટે તેઓ એક નવીન પ્રતિનિધિ તરીકે ઊભરાયા છે.

ધનિક ભારતીયો એમના પોલોક સાથેના સંગાથને મહત્ત્વની સંસ્થાઓના “બોર્ડર્સ”માં પ્રવેશ મેળવવાની અને એમાં બેસવાની એક તક સમજે છે, જેથી તેમને છેલ્લે એવા દરબારમાં જોડાવાનો એક અમૂલ્ય કલ્પનાતીત અવકાશ જીવનમાં મળી શકે જેની રોથ્સચાઇલ્ડસ અને રોકફેલ્લર્સ જેવા  લોકોએ શોભા ચરમસીમા પર પહોંચાડી હોય. તેમના અમુક શુભેચ્છકો થોડા ભૌતિક લાભો, જેવા કે સમાજના શ્રેષ્ઠીઓ સાથે ઓળખાણ-પિછાણ,  મેળવીને પણ ચલાવી લે છે.

ભારતીય સંસ્કૃતના વિદ્વાનો માને છે કે પોલોકનું  ઊંચું સ્થાન એમના ક્ષેત્રના અભ્યાસને ગૌરવ અપાવે છે, જેની અન્યથા અત્યાર સુધી સમાજના વ્યવહારદક્ષ આધુનિક વિચારવાળા મોભીઓ દ્વારા મોટે ભાગે ઉપેક્ષા થઈ છે. તેઓ સૌ પોલોકને આ રીતે એમનો દૂત રહીને એમની ઉપર અનુગ્રહ કરતો હોય એવું માને છે; અમુક લોકો એવું પણ માને છે કે પોલોકની તરફ વફાદારી દર્શાવતા એમને પરદેશની યાત્રાનો લાભ મળી શકે અને પોતાના માટે ભંડોળ મળવાના નસીબ પણ ઉઘડી શકે.

પ્રણાલિકાગત હિન્દુ સંસ્થાઓ અમુક કિસ્સાઓમાં પોલોકથી અંજાયેલા છે, કારણ કે એમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ/જોડાણોને લીધે તેમને પણ પરાવર્તિત શાખમાં મ્હાલવાનો લાભ મળે છે. એમની હાજરીને કારણે તેઓની પરંપરાને કંઈક હદે વૈશ્વિક ચુનંદા શ્રેષ્ઠીઓ વચ્ચે, ભલે ગૌણ કેમ ના હોય, સ્થાન તો પ્રાપ્ત થાય છે. આ બાબતનું એક સારું ઉદાહરણ છે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શ્રીંગેરી શારદા પીઠમના વહીવટદારોનું, જેમણે પોલોકને વારસો જ જાણે આપી દેવાનો હોય એમ પીઠમના પ્રતિનિધિ/એલચી તરીકે ઉચ્ચ પદે સ્થાપી દેવાની ઈચ્છા રાખી હતી.

ભારત સરકાર, પ્રસાર માધ્યમો અને બુદ્ધિજીવીઓ એમનું કામ ઉપરછલ્લું જ જુએ છે જેથી ડહાપણભર્યા ટુચકાં માટેનો સ્ત્રોત તરીકે એમનો ઉપયોગ કરી શકાય-ઓછામાં ઓછું હમણાં સુધી તો એવું જોયું છે. પોલોક એમને એક એવી ગાડી વર્તાય છે કે જેના વિશે વધું જાણ્યા વગર એની ઉપર આરામથી કૂદકો મારીને ચઢી જવાય.

ભોળા હિંદુઓ ખ્યાતનામ યુનિવર્સિટીનો  એક અમેરિકન તેમની સંસ્કૃતિના વારસાને પુષ્ટિ આપે છે એ માટે ગર્વ અનુભવે છે અને તેઓ આ વારસાને પ્રસિદ્ધિ અપાવવા માટે તેનું સન્માન કરે છે.

પોલોકે આપણી આ પરંપરાનું વિવેચન કરીને એક પડકાર ફેંક્યો છે જેમાં ભારતીય પરંપરાના પ્રતિનિધિઓ દ્વારા નજદીકથી જોવાની અને ઊંડા ઉતારવાની અને તપાસવાની આવશ્યકતા છે. આ ચર્ચા-વિચારણા હજી સુધી થઈ નથી. પાશ્ચાત્ય પંડિતો દ્વારા એમના કામનું અમુક હદે ખંડન કરાયું હોવા છતાં મોટે ભાગે એમને એક સંતની જેમ જ ઊંચી પાયરીએ બેસાડેલાં જણાય છે અને ભારતમાં જે હદ સુધી એમની સ્તુતિ થાય છે તે મોટે ભાગે ઉપરછલ્લા વાંચન અને પ્રસાર માધ્યમો દ્વારા થતી અતિરેકભરી પ્રસિદ્ધિને કારણે.

મારા માટે શેલ્ડોન પોલોક બહું મહત્વના છે ન માત્ર એમની અસાધારણ પ્રતિષ્ઠાને કારણે પણ એટલા માટે પણ કે તેઓ એક એવી વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે જેને હું અમેરિકન ઓરિએંટલિઝમ તરીકે ઓળખું છું. માત્ર પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિના સિદ્ધાંતો ઉપર મદાર ન રાખતા તેઓ આગ્રહપૂર્વક વામપંથી અને આધ્યાત્મિકતાથી વિરુદ્ધના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બાબતમાં તેઓ અમુક આધારવિહીન ધારણાઓથી અને અમેરિકન નેટીવ્સ લોકોના વંશિક નરસંહાર તેમજ ગુલામી પ્રથા ચલાવવાના ફળસ્વરૂપ થયેલી ગુનાહિત લાગણી તથા માનસિક યાતનાને લીધે ઘડાયેલ ઐતિહાસિક અનુભવથી તેમજ યુરોપિઅન ભાષાશાસ્ત્રથી પ્રેરાયેલા હોય એવું જણાય છે.

બ્રિટિશ સંસ્થાનવાદના ભારથી મુક્ત એવા પોલોક ખંધું ઓરિએંટલિઝમ લાદવા પ્રયત્નશીલ છે, જેના વિષે મેં મારા “Breaking India” પુસ્તકમાં પૃથ્થકરણ કરેલ છે. આ વિચારધારા હેઠળ ભારતના ભૂતકાળનું પૂર્વગ્રહયુક્ત પક્ષપાતી વાંચન અને આપણાં આજના પ્રશ્નોને જાતિ, વર્ગ, વંશ અને સ્ત્રીઓના દમનની સાથે સાંકળતા તેઓ આપણી સંસ્કૃતિની સિદ્ધિને આ પ્રશ્નોથી દુષિત થયેલી માને છે. હું એ વાતનો અસ્વીકાર નથી કરતો કે આ પ્રશ્નો અસ્તિત્વમાં છે અને તે પ્રશ્નોના મૂળિયા આપણા ભૂતકાળમાં છે, જેમ કે મોટા ભાગની સંસ્કૃતિમાં આવા પ્રશ્નો છે. પણ, આપણી આખી પરંપરાને માત્ર આ એક જ પરિપ્રેક્ષ્યમાં જોવી અને એ સંસ્કૃતિમાં પ્રાણ પૂરવાના, જીવિત કરવાના પ્રયાસોને એક જાતના રાષ્ટ્રીયવાદ કે ભગવાકરણ ગણાવીને ઉતારી પડવાથી આપણી સંસ્કૃતિ કે આપણા ભવિષ્યનું કોઈ  હિત  જળવાતું નથી.

મારું પુસ્તક ઈન્ડોલોજીના અમુક મહત્વના તણાવ પેદા કરતા મુદ્દાઓ ઉપર ધ્યાન આપે છે. આ પુસ્તક બે જુદાં જુદાં ચશ્માંથી બેઉં છાવણીઓ દ્વારા રજુ થયેલ મતોને જુએ છે: “અંદરના લોકો” જેઓ વેદિક દ્રષ્ટિ(જે સમગ્ર વિશ્વને એક કુટુંબ ગણે છે)માં માને છે અને “બહારના લોકો” જેઓ વેદોની આધ્યાત્મિકતાને અવગણે છે. પુસ્તકના મથાળાંની નીચેનું આ સૂત્ર આખા વિષયના મુખ્ય ત્રણ પ્રકારના વિવાદને આલેખી લે છે;

શું સંસ્કૃત રાજકીય છે કે પવિત્ર?

દમનકારી કે મુક્તિદાયક?

મૃત કે જીવિત?

આ દરેક જોડીમાં પ્રથમ વલણ “બહાર”નાઓનું અને દ્વિતીય વલણ “અંદર”નાઓનું દર્શાવે છે. એટલે, “બહાર”ના સંસ્કૃત અને સંસ્કૃતિને રાજકીય, દમનકારી અને મૃત સમજે છે. “અંદર”ના આ સાથે સંમત નહીં થાય અને આપણી સંસ્કૃતના આધાર ઉપર વિકસેલી સંસ્કૃતિને પવિત્ર, મુક્તિદાયક અને જીવિત માને છે.

પોલોકનું વિવરણ ગંભીર, જાણકારીસભર અને પ્રબળ પ્રતિબદ્ધતાવાળું છે; પણ એ લઘુદ્રષ્ટિવાળું અને માત્ર એક અટુલી “reductionist” રાજકીય વિચારધારામાં કેદ થયેલ છે. તેઓ એમની પ્રતિબદ્ધતા માટે માનના હકદાર છે અને એટલા જ  હકદાર એવા પ્રત્યુત્તર માટે કે જે અજ્ઞાનતા કે આડંબરવાળી ભારેખમ શબ્દપ્રયોગોવાળી ભાષાથી પર હોય. આ વિવેચન એવું હોવું જોઈએ કે એમના પ્રમાણભૂત કાર્યને આવશ્યક હોય ત્યાં સ્વીકારવું જોઈએ; પણ આપણી પરંપરાનું, એના આધ્યાત્મિક દ્રષ્ટિકોણના મૂળનું તથા એની વિકાસ અને બદલાવની ક્ષમતાનું દલીલથી સમર્થન પણ કરવું જોઈએ. આવા પ્રકારનો પડકાર હજી સુધી આપણા તરફથી અપાયો નથી.

એ બાબતની ચોખવટ કરવી આવશ્યક છે કે આજના ઈન્ડોલોજિસ્ટ્સમાં માત્ર થોડા લોકો જ અમેરિકન ઈન્ડોલોજિસ્ટ્સ છે. મારાં ઓરિએંટલિસ્ટસોને અપાતા આ પડકારને આખા સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના બધા વિદ્વાનોની જમાતને પડકાર તરીકે ગણવું ખોટું ગણાશે, કારણ કે એમાંના ઘણાઓએ  જે માનસિકતાનો હું વિરોધ કરું છું એ ફગાવી દેવા અને “અંદર”નાઓની માન્યતા સમજવા અને એને વાચા આપવા, તેમના પોતાની પ્રતિબદ્ધતાના દ્રષ્ટિકોણથી અને આચરણથી અથવા માત્ર સિદ્ધાંતને ખાતર, ઘણી જહેમત કરી છે. તેમ છતાં પોલોકની છાવણીનું પ્રભુત્વ અકાદમીમાં, પ્રસારમાધ્યમોમાં, શિક્ષણક્ષેત્રે અને લોકમતમાં ખાસ્સું છે. એટલે એમના કામની વિગતવાર ચર્ચા કરવી અત્યાવશ્યક છે.

1 thought on “શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વના સંસ્કૃત વિદ્વાન છે?

Leave a Reply