ધર્મ અંગે ગાંધીજી અને પશ્ચિમની સમજ વચ્ચે તફાવત

ભારત વિખંડન વ્યાખ્યાન

મહાત્મા ગાંધીએ સંસ્કૃતના કેટલાક મૂળ શબ્દોનો ઉપયોગ કરીને સ્વધર્મ (મારો ધર્મ) શબ્દપ્રયોગ કર્યો હતો. અંગ્રેજીમાં આ માટે કોઈ સચોટ પર્યાય નથી. એમાંનો એક શબ્દ “સત્ય” હતો, જેનું તેઓ આચરણ કરતા હતા. પાશ્ચાત્ય જગતની “ટ્રુથ(truth)”ની પરિભાષાથી ભિન્ન એવું આ સત્ય એ બૌદ્ધિક પ્રસ્તાવ નહીં પણ એક જીવન જીવવાનો પંથ છે જે વ્યક્તિના આચરણ દ્વારા જીવનમાં ગૂંથાઈ જાય છે. આ સત્ય કોઈ પુસ્તકમાં પરિભાષિત કરાયું નથી કે કોઈ કાયદાપોથીમાં આલેખાયું નથી. એ અમૂર્તનું મૂર્તિકરણ કે વર્ગીકરણ કરવાનો કોઈ અવકાશ નથી; એ તો વ્યક્તિન જીવમાં વસેલું છે અને એને વ્યક્તિથી વિભાજીત કરવું શક્ય નથી. આ તાર્કિક વિશિષ્ટતા ગાંધીના ધર્મના કેન્દ્રમાં છે.

એમનો આગ્રહ હતો કે સત્યાગ્રહ એ એક સવિનય કાનૂનભંગ કરવાનો માર્ગ છે જેનું વ્યક્તિએ પોતે જાતે પાલન કરવાનું હોય, એને સિદ્ધાંતોમાં કે સંસ્થાઓમાં બાંધવાનું ન હોય. ત્યાર બાદ, એમની આ રીતે અમેરિકામાં (નાગરિક અધિકારની લડત માટે) રેવ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રેરિત કર્યા . એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ તથા અન્ય એમણે દીર્ઘકાલીન સમાજવ્યવસ્થાનો માત્ર ઉપદેશ નથી આપ્યો પણ એમણે જીવી બતાવ્યું. દિલ્હીની ગાંધી લાઈબ્રેરીમાં તેમની અંગત રોજબરોજની ચીજો જેવી કે, એમના ચશ્મા, પગરખાં, એક કલમ તથા થોડાં ધોતિયાં રાખવામાં આવ્યાં છે એ તેમના સરળ જીવનસંદેશના પ્રતીકો છે.

આપણા આ ધર્મનો અન્ય પાયાનો ઘટક “અહિંસા” શબ્દ સાથે સંકળાયેલો છે જેનું ખુબ જ સરળ ભાષાંતર ભલે “અહિંસા” તરીકે કરાય છે પણ એ સામાન્ય રીતે પ્રચલિત “શાંતિવાદ” થી ભિન્ન છે. એ ઘટકનું ફલક ઘણું વિશાળ છે. હિંસાનો અર્થ છે કોઈને હાનિ પહોંચાડવી. અહિંસા એટલે હાનિ નહીં કરવી. ધર્મની ખુબ ઊંડી કલ્પના મુજબ પ્રકૃતિના બધા તત્ત્વો પવિત્ર છે એટલે પર્યાવરણને હાનિ કરવી એ હિંસા ગણાય છે. પ્રાણીઓને હાનિ કરવી એ પણ હિંસા ગણાય છે એટલે જ શાકાહારીપણું એ અહિંસાની એક મહ્ત્વની ખાસિયત ગણાય છે.ગાંધીજીએ દલીલ કરી હતી કે માંસાહાર કરતાં શાકાહારથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે એટલે શાકાહારી સમાજ માંસાહારી સમાજ કરતાં વધુ પર્યાવરણ-તરફી (પર્યાવરણની દીર્ઘકાલીન “જૈસે-થે” સ્થિતિની જાળવણી માટે) છે.આધુનિક યુગની “ઈકો-ફેમિનિઝમ” ની(પર્યાવરણ અને સ્ત્રી-સ્વાંતત્ર્યને જોડતી) ચળવળ ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને સાઠના દાયકામાં અમેરિકામાં ચાલુ થઈ હતી.

અહિંસાને વ્યવહારમાં મુકવા માટે ઘણાં કૃતનિશ્ચયી રહેવું પડે છે જેમાં અથડામણ પણ થાય છે, જે અહિંસા એમણે અંગ્રેજ સામ્રાજ્યને પડકારતાં પાળી હતી અને જેને લીધે મોટે પાયે હિંસા થઈ હતી. અહિંસાનું આચરણ કોઈ લડાયક મિજાજની વ્યક્તિ હોય તે જ કરી શકે એ કથન એકદમ વિરોધાભાષી લાગે પણ ગાંધીજી લડાયક હતા . તેમને “શાંતિપ્રિય” અને “હાનિ પહોચાંડી શકે એવા નથી” એમ ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે. હકીકતમાં તેઓ ખુબ સાહસિક, આખાબોલા (જેને આજે આપણે “પોલિટિકલી-ઈનકરેક્ટ”:ગણીએ) અને કોઈથી ખરીદાઈ જાય એમ નહોતા.

કેવળ સંસ્કૃતિની જ આપણે વાત કરીયે તો એ એને પણ હિંસા લાગુ પડે છે. “કલચરલ જિનોસાઈડ(સંપૂર્ણ સંસ્કૃતિનું નિકંદન)” એટલે એક પ્રજા દ્વારા અન્ય પ્રજાના મૂળ ધર્મનો, ભાષાનો, પહેરવેશનો, જીવનપદ્ધતિનો, રીતિરિવાજોનો, પ્રસ્થાપિત રૂઢિઓનો અને એમનાં પ્રતીકચિહ્નોનો વ્યવસ્થિતપણે અને સમૂળગો નાશ અથવા આ સૌનું દમન. જે પ્રજાની વાત થાય છે ભલે પછી એને માનવતાવાદ હેઠળ ભૌતિક સહાય કરાય, શિક્ષણ અને આરોગ્યને લગતી મદદ કરાય, પણ જો એમની ઓળખનો, એમના ઈતિહાસનો, વંશપરંપરાનો અને એ સભ્યતાના પ્રકૃતિ સાથેના સંબંધનો જો વ્યવસ્થિતપણે નાશ કરવામાં આવે તો એ હિંસા જ ગણાય. “વિકાસ”નાં છેતરામણાં નામ હેઠળ આ જાતની હિંસા આજે ચાલુ જ છે. “યુનાઈટેડ નેશન્સ”ના “જિનોસાઈડ” કાયદાના મૂળ મુસદ્દામાંથી “કલચરલ જિનોસાઈડ” શબ્દપ્રયોગ હટાવી દેવાયો હતો.

ગાંધીજી આ પ્રકારની હિંસા પ્રત્યે પુરેપુરા સભાન હતા અને હંમેશ એનો ઉલ્લેખ કરતા. એમના મતે સાંસ્કૃતિક ભેદભાવને ભૂંસવાની નહીં પણ એનો ઉત્સવ ઉજવવાની આવશ્યકતા છે જે પણ સનાતન ધર્મની પ્રાચીન માન્યતા છે. સૃષ્ટિની રચનામાં ભારોભાર વિવિધતા છે. હકીકતમાં “યુનિ-વર્સ” નો એ જ તો અર્થ છે, અનેકમાં-એક. સૃષ્ટિની પ્રત્યેક જાતિમાં પેટા-જાતિ, તેની પણ પેટા-પેટા-જાતિ અને વળી એની ફરી પેટા-પેટા-પેટા-જાતિ એમ એ શૃંખલા લંબાયા જ કરે છે. એટલે સાંસ્કૃતિક એકરૂપતા કૃત્રિમ અને અવ્યવહારિક ગણાય. એટલે વિશ્વમાં માત્ર એક જ ધર્મ કે એક જ પ્રકારનો જીવવાનો પંથ ન હોવો જોઈએ. દરેક વ્યક્તિને પોતાના સંજોગો અને અભિરુચિ પ્રમાણે પોતાનો સ્વધર્મ પાળવા દેવો જોઈએ.

ગાંધીજી સાંસ્કૃતિક સંસ્થાનવાદ સામે પણ એટલું જ લડ્યા જેટલું ભૌતિક અને રાજકીય સંસ્થાનવાદ સામે. તેઓ ખ્રિસ્તી ધર્મના વિરોધી ન હતા અને ઘણી વાર ઈશુ ખ્રિસ્તને ટાંકતા યે ખરા . પણ તેઓ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓનો વિરોધ કરતા . તેઓ કહેતા કે એમણે માત્ર નિસ્વાર્થભાવે સેવા જ કરવી જોઈએ, ધર્મપરિવર્તન.નહીં. જો તેઓ કોઈ શાળા અથવા હોસ્પિટલ ચલાવવા ઈચ્છતા હોય અથવા ગરીબને ભોજન આપવું હોય તો એ માટે ધર્મપરિવર્તનની શરત ના હોવી જોઈએ.

વિવિધતાના સિધ્ધાંતને અંગીકાર કરીને તેઓ હંમેશ પરંપરાગત વસ્ત્ર ધોતિયું પહેરતાં, પગરખાં વિના અને ઉઘાડી છાતીએ બધે જતાં અને જમીન ઉપર ખુબ સહજતાથી બેસી શકતા. તેઓ જ્યારે 1931માં પંચમ જ્યોર્જનાં નિમંત્રણથી ઈંગ્લેન્ડ ગયા હતા ત્યારે પણ એ જ ઘસાયેલાં પગરખાં પહેરીને એમનાં સન્માન માટે યોજાએલા સમારંભમાં બકિંગહામ રાજમહેલમાં ગયા હતા, જે એમણે અંગ્રેજો દ્વારા ભારતીયોને મીઠું બનાવવાની મનાઈના કાયદાનો વિરોધ કરતાં સવિનય કાનૂનભંગની દાંડી-યાત્રા વખતે પહેર્યા હતાં. તેઓ સરળ ગામઠી ભાષામાં વાતો કરતાં અને સૌથી ગરીબ હોય એવા લોકો સાથે રહેતાં અને એથી શ્રેષ્ઠીઓ અને એમની વચ્ચેનાં સૌન્દર્ય વિષેની માન્યતા વિષેના ભેદ ઊડીને આંખે વળગતા.

તદુપરાંત, ગાંધીજીએ અન્ય એક શબ્દપ્રયોગ “સ્વદેશી” ઉપર ભાર મુક્યો હતો જેનો અર્થ થતો હતો “પોતાની જ ભૂમિનું” એટલે કે પોતાના દેશનું જ, અને આ એ જ વિચાર છે જે આજે પશ્ચિમમાં ચાલી રહેલી “સ્થાનિક ખરીદો”ની ચળવળનો છે. સ્થાનિક ખરીદી અને ઋતુનુસાર ખાદ્યપદાર્થનો ઉપભોગ એ વિચારોનાં મૂળમાં અહિંસાનો જ આદર્શ છે. પર્યાવરણ માટે અને વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે અહિંસા વધુ લાભદાયી છે કારણ કે તેઓનું જીવન સ્થાનિક ઉપલબ્ધિઓ સાથે અનુકૂળ થયેલું છે અને તેઓ જ્યાં વસે છે ત્યાંનાં સ્થાનિક વાતાવરણ સાથે તાણાંવાણાંની જેમ તેમનો સંબંધ બંધાયેલો છે. સ્વદેશીનો અર્થ એ થાય છે કે સ્થાનિક રીતે પેદા થતો ખોરાક ખાવો, સ્થાનિક રીતે બનતાં વસ્ત્રો પહેરવાં, અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક રીતે ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ખરીદવી. તેઓ પોતાનાં વસ્ત્રો જાતે બનાવતાં અને જાતે જ બકરીનું દૂધ દોહતાં હતાં.

તેઓ એ ધર્મિક (ધાર્મિક નહીં) સમાજના વિચારને સમર્થન આપતા જે ગ્રામીણ ક્ષેત્રે વિકેન્દ્રિત થયેલી સત્તા હોય અને જે નીચેનાં સ્તરથી ઉપર તરફ રચાયેલી હોય અને તે પ્રત્યેક વ્યક્તિને પૂરતું સ્વાતંત્ર્ય પ્રદાન કરે. આ વિચાર અંગ્રજોનાં ઉપરથી નીચે(ટોપ-ડાઉન)ની સત્તાનાં સિદ્ધાંત સાથે સીધો સંઘર્ષમાં આવ્યો. માનવીય હક્કો માટેનો પશ્ચિમનો જે માર્ગ છે એ પણ “ટોપ-ડાઉન” જ છે જેમાં રાજકીય કાર્યકરો, સમાજસેવકો અને બિન-સરકારી સંગઠનો, જેઓની પહોંચમાં પ્રસાર માધ્યમો અને સખાવતી ભંડોળ છે તેઓ આડતિયા તરીકે સ્થાન ગ્રહણ કરીને અન્યોનું ભલું કરવા માટેનો ભાર અને એની જવાબદારી સ્વીકારી લે છે. લોકોને પોતાના સત્યાગ્રહ (પોતાનું ભાવિ નિશ્ચિત કરવા) માટે સામર્થ્યશાળી બનાવવાના વિચારથી આ માર્ગ અસંગત છે.

અહિંસા એ માત્ર વાર્તાલાપ કે કાયદાનું સ્વરૂપ આપવા માટેનો વિષય નથી, પણ એ પ્રત્યેક વ્યક્તિ દ્વારા જીવનમાં ઉતારવા માટે છે. એને માટે સામાજિકપણે સક્રિયતાની અને છેક નીચેના સ્તરથી ઉપર સુધી લોકોમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા છે જેથી લોકો તેમની મેળે જ વિશ્વમાં જે બદલાવ લાવવા માંગે છે તેને અંગીકાર કરે. એટલે ક્રિયાશીલ અને દીર્ઘકાલીન સમાજ હોવો જોઈએ કે જેમાં નીચેનાં સ્તરના લોકોને એ સ્વતંત્રતા હોય કે એમને જે સત્ય લાગતું હોય તેને જીવનમાં ઉતારી શકે. આ કારણે જ અંગ્રેજો પાસે એમણે સ્વરાજની માંગણી કરી, નહીં કે સ્વરાજ મળે એટલે ” મારું કામ પત્યું” એ ભાવનાથી.

એટલે સ્વરાજ એ માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં પણ એથી ઉપરનો એક ઉમદા વિચાર છે જેમાં “કોઈ એક સત્તા”થી સ્વતંત્રતા તેમજ “વિવેકબુદ્ધિ” માટે સ્વતંત્રતા એ બંને સંભવ બને. પશ્ચિમમાં સ્વતંત્રતાનો અર્થ એવો છે કે વાહનની માલિકી માટે, હરવાં-ફરવાંની, ખરીદી કરવા માટેની સ્વતંત્રતા કે વાણી સ્વતંત્રતા વગેરે. બીજા શબ્દોમાં એ માત્ર બહિર્મુખી સ્વતંત્રતા જ ગણાય. પણ આવી સ્વતંત્રતા ક્રોધ, વાસના, ઈર્ષાવૃત્તિ, અમુક ખોટી આદતો કે મજબૂરીમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે અપૂરતી છે. વિવેકબુધ્ધિની સ્વતંત્રતામાં પહેલેથી ઘર કરી ગયેલી બાબતો અને અહમથી વ્યક્તિ મુક્ત રહે છે. ગાંધીજી હંમેશાં આ પ્રકારની આંતરિક કે બાહ્ય તત્ત્વોના આધાર વિનાની સ્વતંત્રતા અંગીકાર કરવા માટે ક્રિયાશીલ રહેતા.

તેઓ અવારનવાર સમજાવતા કે અંગ્રેજોની અને ભારતની સભ્યતા વચ્ચે ઊંડો વૈચારિક સંઘર્ષ છે. અંગ્રેજો દ્વારા થઈ રહેલું બિનટકાઉ ઔદ્યોગિકરણ(જેને લીધે નૈસર્ગિક સ્રોતો ઝડપથી ખતમ થાય) એમની અતિ મહત્ત્વની ચિંતાનો વિષય હતી. આધુનિક યુગના ટકાઉ વિકાસનીતિના હિમાયતીઓમાં ગાંધીજી સૌ પ્રથમ ગણાઈ શકે. એમને એ પીડા રહેતી કે આ ઔદ્યોગિકરણવાળી અર્થવ્યવસ્થામાં વધુ ને વધુ ઉપભોગતાવાદને કારણે નૈસર્ગિક સ્ત્રોતોનું નિકંદન થઈ રહ્યું છે અને સ્વનિર્ભર ગામડાઓનો નાશ થઈ રહ્યો છે જે ભારતનો મહત્ત્વનો સામાજિક ઢાંચો છે.
જયારે એમણે અંગ્રેજોની જીવનશૈલી પ્રત્યે પોતાનું ધ્યાન સ્થાપિત કર્યું, એમની શોષણની, વર્ગીકરણની અને ઔદ્યોગિકરણનાં પરિણામસ્વરૂપ ઉપભોગતાવાદની નીતિઓને વખોડી, ત્યારે એમણે અન્ય (અહીં, અંગ્રેજો પ્રત્યે) સભ્યતાને નિહાળવાની દ્રષ્ટિ, લગભગ ઉશ્કેરવાની હદ સુધી, ઉલટાવી. આપણી ધર્મિક પરંપરા અનુસાર આ પ્રકારનાં અન્ય સભ્યતાના અભ્યાસને પૂર્વપક્ષ તરીકે ઓળખાય છે. એમનું એક નાનું પુસ્તક “હિન્દ સ્વરાજ્ય” એક સદી પહેલા પ્રકાશિત થયેલું જે અંગ્રેજોનાં સામ્રાજ્ય વિષેનાં પૂર્વપક્ષનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં તેઓ સંસ્થાનવાદને ભારતીય દ્રષ્ટિકોણથી ચકાસે છે અને જે ભારતીય શ્રેષ્ઠીઓ અંગ્રેજો સાથે ભળી ગયા હતાં એમની ટીકા પણ કરે છે.
એમણે શ્રીમદ્ ભગવદ્દગીતાના કુરુક્ષેત્ર(રણભૂમિ)ના સંદેશને જીવનમાં ઉતાર્યો અને ધર્મયુદ્ધ લડવાના હેતુથી પોતાનો ધર્મ પાળતા રહ્યા. બદનસીબે, એમના મૃત્યુ પછી એમના ઘણા આદર્શો એટલી હદે વ્યાખ્યાયિત કરાયા કે એ બધાંનો મૂળ ભાવ નષ્ટ થઈ ગયો. એ રીતે ગાંધીજીને એક સ્થાને પાળેલાં પ્રાણીની માફક સ્થાપિત કરી દીધાં અને એમના વિચારોને “ગાંધીવાદ” તરીકે પ્રચલિત કરી દીધા. ઘણા કહેવાતા “ગાંધીવાદી”ઓ સત્યાગ્રહમાં નહીં પણ સત્તાનાં કેન્દ્રીકરણના હિમાયતીઓના હિસ્સા બની ગયા છે. ગાંધીજીને મતે આ હિંસા છે.

મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: અલકેશ પટેલ
Gandhi’s Dharma and the West

Leave a Reply