સનાતન ધર્મની પ્રચલિત માન્યતાઓનો નિષેધ
એવી ધારણા વ્યાપક રીતે ફેલાયેલી છે કે અદ્વૈત એટલે દુનિયાદારીના ઉત્તરદાયિત્વથી પલાયન થઈ જવું. આ એક એવી તર્કહીન દલીલ (હાથમાં આવી ગઈ) છે કે જેને આધારે વેદાંતને નિમ્નલિખિત કારણોસર અવગણવામાં આવે છે.
* વ્યક્તિના જીવનના અભ્યુદયનો અવકાશ નથી કારણ કે વેદાંત હિમાયત કરે છે કે જીવ માત્ર જે અનુભવે છે તે માયા છે એટલે આ સ્થિતિને સુધારવાની કે બદલવાની આવશ્યકતા નથી.
* એ ગરીબાઈને, સામાજિક દુર્વ્યવહારને સમર્થન આપે છે એટલે એ સામાજિક રીતે અવિશ્વસનીય છે.
* તેથી, આવી પ્રજા સ્વાભાવિક રીતે જ “પ્રગતિશીલ” પશ્ચિમ ઉપર અવલંબિત છે.
અંગ્રેજોના ભારતમાં શાસન સમયના ઘણા લેખકોએ મૂળ સ્ત્રોતને બદલે અંગ્રેજ શાસન દ્વારા વેદાંતના વ્યાખ્યાયિત કરાયેલા ગ્રંથોને મૂળ સ્ત્રોત તરીકે લઈને આવી માન્યતા વિકસાવી હતી અને ઘણાં હિન્દુઓએ એમને આ કાર્યમાં પર્યાપ્ત મદદ પણ કરી હતી. હું ક્યારેક આને “પોપ-વેદાંત” તરીકે ઓળખાવું છું, અને આને “નિઓ-વેદાંત(નવું વેદાંત)” પણ કહી શકાય.
આ માન્યતા ઘણીં પ્રબળ થઈ છે અને શિક્ષણક્ષેત્રમાં, રાજકીય શાસનવ્યવસ્થામાં, પ્રસાર માધ્યમોમાં અને લોકભોગ્ય મનોરંજનના ક્ષેત્રમાં જડબેસલાક રીતે, પશ્ચિમ અને ભારત એમ બંને સમાજમાં, સ્થાપિત થઈ ગયેલી છે.
કેન વિલ્બરના પ્રપંચભર્યા દાવા
કેન વિલ્બર આ માન્યતાનો ઉપયોગ કરીને દાવો કરે છે કે (સનાતન) ધર્મ જે પ્રસ્તુત કરે છે તેને એનો સિદ્ધાંત હટાવી દે છે. એ સ્થાપિત કરવા માટે તેઓ નિમ્નલિખિત તર્કબદ્ધ દલીલો કરે છે.
* તેઓ હિન્દૂ ધર્મને “અદ્વૈત હિન્દુઈઝમ” ગણાવે છે અને અન્ય વિચારધારાઓને સંપૂર્ણપણે અવગણે છે.
* તેઓ “અદ્વૈત હિન્દુઈઝમ”નું ખોટું અર્થઘટન કરીને પ્રચલિત માન્યતાઓનો નિષેધ કરવા માટેના સિદ્ધાંત સાથે બંધબેસતું કરવા પ્રયત્નશીલ છે.
* તેઓ “અદ્વૈત હિન્દુઈઝમ”ની એવી રીતે પ્રશંસા કરે છે કે જેથી અમુક ભોળા લોકો સંતુષ્ટ થાય છે કે જ્યાં આવશ્યક હતું ત્યાં તેમણે શ્રેય આપ્યું છે.
* તેઓ શ્રી અરવિંદના બોધપાઠોને આ અથવા આવા જ “વિશ્વદર્શન” તરીકે પ્રસ્તુત કરે છે-શ્રી અરવિંદે વૈદિક જ્ઞાનનું આવું અર્થઘટન કરવાની ઘસીને ના પડી હતી, તેમ છતાં.
* તે પછી તેઓ વિપુલ માત્રામાં ભિન્ન ભિન્ન ધર્મિક સંપ્રદાયોમાંથી વિચારો લઈને પોતાના વિચારો તરીકે પ્રસ્તુત કરે છે- ઉદાહરણ તરીકે શ્રી અરવિંદ, માધ્યમિક બુદ્ધિઝમ, કાશ્મીર શૈવ પંથ વગેરે- અને એવો દાવો કરે છે કે સનાતન ધર્મ જે પ્રશ્નોથી પીડાય છે તે પ્રશ્નોનું તેમણે સમાધાન મેળવી લીધું છે. હું આને “intellectual” arsonist (દ્વેષભાવથી આગ લગાવીને ભાગી જનાર ચોર) તરીકે ઓળખાવું છું જે પહેલા ચોરી કરે છે અને પછી પ્રમાણનો નાશ કરવા માટે આગ લગાવી દે છે.
* ત્યાર બાદ, તેઓ દાવો કરે છે કે તેઓએ એવી ચેતના પ્રાપ્ત કરી લીધી છે જેમાં શ્રી અરવિંદ અને એમની પહેલાં થઈ ગયેલા સૌ ઋષિઓથી, ગૌતમ બુદ્ધ સહિત, પોતે વધુ આગળ વધી ગયા છે.
* આ પરિકલ્પનાને તેઓ પોતાના વિશિષ્ટ સિદ્ધાંત તરીકે ઓળખાવે છે અને એને તેઓએ “અખંડ ક્રિશ્ચિઆનિટી”, “અખંડ જ્યુડાઈઝમ” વગેરેમાં વિલીનીકરણ કરવાનું શરુ કરી દીધું છે.
વિડંબના એ છે કે એમની આ સંસ્થામાં “અખંડ હિન્દુઈઝમ”ની કોઈ ચળવળ નથી અને સંભવતયા એટલા માટે કે “બુદ્ધિજીવી arsonist” ચોરી કર્યા બાદ સ્ત્રોતનો હંમેશા નાશ કરતો હોય છે. તેઓ જો એ જ રીતે “અખંડ હિન્દુઈઝમ”ને પણ પ્રોત્સાહિત કરે તો, જેનો મેં તેમના લોકો સામે પ્રસ્તાવ રજુ કર્યો હતો, તે દર્શાવશે કે તેમના આ “અખંડતા”ના સિદ્ધાંતમાં નવું કે મૌલિક લગભગ કશું જ દર્શાવવા માટે નહીં હોય.
હું ભાગ્યે જ કોઈ એવા વેદાંત શિક્ષકને મળ્યો છું જેમને આવી રમતો કે આવા કોઈ છળ વિષે જાણકારી હોય જેમાં તેઓ વારંવાર ફસાતા હોય છે. જ્યારે એ બાબતનો ખુલાસો કરાય છે ત્યારે તેઓ એની ઉપેક્ષા કરે છે અને એવો અભિગમ પ્રસ્તુત કરે છે કે; આપણે સૌ એક જ છીએ, બધા પંથો એક જ જગ્યાએ લઈ જાય છે, બધાં ધર્મો એક સમાન છે વગેરે વગેરે. ઘણા તો આ વિલ્બરના પક્ષમાં સીધી કે આડકતરી રીતે જોડાઈ ગયા પણ છે.
સનાતન ધર્મની પ્રચલિત માન્યતાઓના નિષેધનું ખંડન
મારું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ” વિસ્તારથી સમજાવે છે કે રામાનુજ અને ત્યાર પછી શ્રી જીવા ગોસ્વામી બહુ જ સ્પષ્ટ હતા કે અદ્વૈતનો અર્થ એવો નથી કે વિવિધતા ખોટી છે. ભાવાર્થ એ છે કે વિવિધતા એકતા ઉપર અવલંબિત છે. અને જીવને માટે બધી જ વિવિધતા એ “એક”ના જ રૂપો છે. જેમ સ્મિત એ મુખ ઉપર આધારિત છે અને તે મુખ વગર સંભવિત નથી. જો ચહેરો સત્ય હોય તો સ્મિત અને તેના અન્ય રૂપો પણ સત્ય હોય જ, ભલે એ સૌ રૂપો ચહેરાના અસ્તિત્વ ઉપર અવલંબિત કેમ ન હોય.
અન્ય એક ઉદાહરણ આ પરંપરામાં પ્રસ્તુત થતું હોય છે કે ભૂરા કમળનો ભૂરો રંગ કમળથી ભિન્ન અસ્તિત્વ કદાપિ ધરાવી ન શકે. આ સંબંધ છે “એક” અને “વિવિધ” વચ્ચે. “લીલા” એટલે કે “ઈશ્વરની માયા” અન્ય એક રૂપક છે આ વિવિધતાને સમજવા માટે, જેને “બ્રહ્મ (સગુણ બ્રહ્મ)” તરીકે અથવા લીલા તરીકે ગણી શકાય.
જાહેર જીવનમાં કદાચ સૌથી પ્રતિષ્ઠિત વેદાંતના જ્ઞાતા સ્વામી દયાનંદ સરસ્વતીને મેં આ વિષે પ્રશ્ન કર્યો હતો. જો આ સંસાર માયા છે તો શા માટે આપણે આપણો ધર્મ બજાવીએ છીએ, શા માટે આપણે બધાં કર્મો કરીએ છીએ, શા માટે ધર્મપરિવર્તન થાય છે તો ઉદ્વેગ અનુભવીએ છીએ, શા માટે રોગના ઉપચાર માટે પ્રયત્ન કરીએ છીએ અને શા માટે નિરાધારની મદદે આવીએ છીએ, શા માટે બાળકોને ઉછેરીએ છીએ? વગેરે વગેરે. આ ચર્ચા અનેક વખત મેં કરી હતી. તેઓ એકદમ સ્પષ્ટપણે ખુલાસો કરે છે કે આપણા ધર્મ અને કર્મના જ ભાગ સમજીને જેમાં રહીએ છીએ તે જગતની વિવિધતા સાથે વ્યવહાર કરવો જોઈએ વગેરે.
શ્રીમદ્ ભગવદ્દગીતાનો પણ આ જ સંદેશ છે. અર્જુન સૌ પ્રથમ પોતાના કર્તવ્યથી વિમુખ થવા માટે પલાયનવાદની માનસિકતાથી ભરપૂર દલીલો કરે છે. શ્રી કૃષ્ણ એને સમજાવવા માટે ૧૮ અધ્યાય સુધી સંભાષણ કરે છે કે ફળની અને કર્તાપણાની ભાવના વિના જગતમાં પોતાનું કર્મ કરવું શા માટે આવશ્યક છે. સમસ્યા એ છે કે સંસ્કૃત શબ્દ “મિથ્યા”નો અનુવાદ “અવાસ્તવિક/જૂઠું” જ ખોટો કરાયો છે. જ્યારે એનો સાચો અર્થ થાય છે “પ્રાસંગિક” અથવા “સાપેક્ષ” અસ્તિત્વ.
ભલે તમારાં કાર્યાલયમાં તમારું આજનું કાર્ય “કાયમી” નથી છતાં એ તમારે આજે તમારી પુરેપુરી ક્ષમતાથી બજાવવું પડે છે. એ ક્ષણિક કે સાપેક્ષ હોઈ શકે પણ “ખોટું” તો ન જ હોઈ શકે. એ જ રીતે “માયા” શબ્દનો બધું “ભ્રમિત” છે એવો ખોટો અનુવાદ કરાયો છે જ્યારે સાચો અર્થ એ થાય છે કે જગત વિષેની આપણી માન્યતા ભ્રમિત છે જ્યાં સુધી આપણને “જ્ઞાનપ્રાપ્તિ” નથી થતી.
શું એકતા અને વિવિધતા પરસ્પર વિરોધાભાસી છે?
ઉપર કરાયેલું વિવિધતાના પ્રકારનું અર્થઘટન આપણી પરંપરાના ઘણા વિદ્વાનોને વિવિધતા વિશેના મારા વિચારોને આલોચવા પ્રેરે છે. તેઓ વિચારે છે કે વિવિધતા વિશે ભાર દેવાથી આપણે એકતાથી દૂર થઈએ છીએ. તેઓ પૂછે છે કે શું આપણે માત્ર એકતા વિશે જ વાત ન કરવી જોઈએ? મારો પ્રતિભાવ એ છે કે ભેદ વિશે મક્કમપૂર્ણ બોલવાથી એકતાનો નિષેધ નથી થતો. એકતાના આપણા વિચારની એ મહાનતા છે કે “એકતા” પોતાની અંદર સૌ ભેદોને સમાવિષ્ટ કરવા સક્ષમ છે.
એટલે સનાતન ધર્મ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેના ભેદો આપણા જીવનમાં એટલા જ સાચા છે જેટલા ભેદો સુર અને અસુર વચ્ચે અથવા તમસ અને સાત્વિક વચ્ચે છે.
પ્રત્યેક વ્યક્તિની ભેદ વિશેની અનુભૂતિ તે પોતે ચેતનાના ક્યા સ્તર ઉપર છે એ ઉપર પણ અવલંબિત છે. જો એકતાનો મૂળ વિચાર તમારી ચેતનામાં જડબેસલાક સ્થાપિત હોય એવા ઋષિ (માત્ર શ્લોકોના સુંદર ઉચ્ચારણ કરી શકે તેવા અલબત્ત નહીં) જો તમે હો તો તમે સ્વેચ્છાથી સાહજિકતાથી આવશ્યક રીતે વર્તો-બધી વિવિધતાઓની વચ્ચે આ “એકતા”નો વિચાર જ તમને (તેમ વર્તવા) પ્રેરે છે. પરંતુ એ સ્તર ઉપર જો તમે ન હો તો તમારે સાચું અને ખોટું એનો ભેદ પારખવા માટે સજાગ થઈને પ્રયત્ન કરવો જોઈએ, જગતમાં ક્યાં શું છે-સાથે સાથે તમારી જાતને એ યાદ કરાવતા રહેવું જોઈએ કે એ સાપેક્ષ સ્તરની વિવિધતા “એકતા”ની જ અભિવ્યક્તિ છે.
આ વિષયને લગતું “વસુધૈવ કુટુંમ્બક્મ્”નું ગાણું છાશવારે ગવાતું હોય છે, જેનો અર્થ થાય છે કે “સમગ્ર વિશ્વ એક કુટુંબ” છે. એનો સંદર્ભ આપીને એવો દાવો કરાતો હોય છે કે વિશ્વમાં કોઈ ભિન્નતા નથી. પરંતુ, (આપણે હંમેશાં જોયું છે કે) એક જ કુટુંબના સભ્યોમાં પણ મતભેદો હોય છે. મહાભારતની કથામાં કૌરવો અને પાંડવો એક જ કુટુંબના સભ્યો હોવા છતાં યુદ્ધ કરે છે. સુર (દેવ) અને અસુર એક જ કુટુંબનાં સભ્યો છે છતાં પરસ્પર તાણમાં જ જીવે છે. માત્ર માનવો નહીં, પરંતુ સર્વે જીવો જેમ કે પ્રાણીઓ, વનસ્પતિ, એકકોષી સૂક્ષ્મ જીવો વગેરે સૌ “વસુધૈવ”ના જ અંશો છે અને તેમ છતાં આપણે આપણી વિવેકબુદ્ધિથી એ સર્વેમાં ભેદ કરીએ છીએ.
મોરોન સ્મૃતિ (બેવકૂફ સ્મૃતિ)
છેક નેવુંના દાયકાથી હું બેવકૂફીભર્યા કથનો અને આલોચનાત્મક વિધાનોને એક પુસ્તકમાં સંકલિત કરી રહ્યો છું અને એક દિવસ એને પ્રકાશિત કરવા ઈચ્છુ છું. એનું નામ હશે “મોરોન સ્મૃતિ (બેવકૂફ સ્મૃતિ)”. જે બેવકૂફો હંમેશાં ઉચ્ચારતા હોય છે અને સામે મારો જે પ્રતિભાવ હોય છે, ઉપરાંત આ લક્ષણો છેલ્લી થોડી સદીઓથી કઈ રીતે ચાલું થયા અને ભારતીય સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે ભળી ગયાં તે વિશે એમાં ચર્ચા કરું છું.
બેવકૂફોના તર્ક પ્રમાણે રોગી માણસને દવા આપવાને બદલે ઝેર પણ આપી શકાય કારણ કે બંને “બ્રહ્મ”ના જ રૂપો છે, પ્રસાદની જગ્યા “મળમૂત્ર” લઈ શકે કારણ કે આ તો બધો “ભ્રમ” છે, તમારે કોઈ કાયદાઓ પાળવાની આવશ્યકતા નથી, કારણ કે “ભ્રમ”થી વ્યાપ્ત આ જગતમાં માણસોએ બનાવેલા આ કાયદા છે અને એવાં પ્રકારની દલીલો કરાતી હોય છે. બીજા શબ્દોમાં કહું તો હું જે વાત કરું છું એ ગેરસમજ ઘણી હાનિકારક છે કારણ કે જ્યારે એ વાતને એના તાર્કિક નિષ્કર્ષ ઉપર જો લઈ જાઓ તો એને ફળસ્વરૂપે મોટા ભાગની વસ્તીનો બેવકૂફોથી ભરેલો સમાજ વર્તાશે જેઓ તદ્દન નકામા હશે.
આજે ફેલાયેલા બેવકૂફો એ મુસ્લિમ શાસન દરમિયાનની ગુલામી અને આ બેવકુફોની અંગ્રજોના શાસનકાળ દરમિયાન કરાયેલી સ્તુતિનું પરિણામ છે. કારણ કે બેવકૂફો ઉપર શાસન કરવું ઘણું સહેલું છે એમ કહીને કે તમારી ભવ્ય સંસ્કૃતિનો વારસો તમને પ્રચલિત માન્યતાઓનું ખંડન કરવા પ્રેરિત કરે છે અને તે રીતે અન્યોને આ દુન્યવી-જગતનો કારભાર ચલાવવાનો અધિકાર આપે છે.
પ્રકાશિત: ૧૪ માર્ચ ૨૦૧૨
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
Response To The Doctrine Of Sameness
Featured Image Credit -> https://www.flickr.com/photos/lucianvenutian/