વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

એબ્રાહામિક ધર્મો ભારતીય મહાગાથા વ્યાખ્યાન હિન્દુ ધર્મ

ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું અહીં વાઘ અને હરણનું રૂપક વાપરીને એક સંસ્કૃતિને બીજી સંસ્કુતિ દ્વારા આત્મસાત્ કરવી, બંને વચ્ચેના ભેદ ઘટાડવા અને સમાનતા હોવાની વાત કરવી વગેરે બહાના હેઠળ જે કાર્યપદ્ધતિ ચલાવવામાં આવે છે એ દર્શાવવા માંગું છું. મુખ્ય મુદ્દો એ છે કે જે સંસ્કૃતિનું ભક્ષણ થયું એ અદ્રશ્ય થઈ જાય છે. આ હજમ થવાની ક્રિયામા યજમાન જયારે ખોરાક આરોગે છે ત્યારે ખોરાકમાં જે પોષણ આપનારા તત્વો હોય છે તેને યજમાનનું શરીર આત્મસાત્ કરી લે છે અને જે નકામા તત્વો હોય છે તેનો નિકાલ થઈ જાય છે.

જે રીતે શિકારી વાઘ શિકારને મારીને એના શરીરના ટુકડાને પોતાની જરૂરિયાત પ્રમાણે આરોગે છે તે જ રીતે પશ્ચિમ જે આજના સમયમાં એક પ્રબળ અને આક્રમકઃ સત્તા છે તે જેની સંસ્કૃતિને આત્મસાત્ કરવા માંગે છે તે નબળા સમાજના તત્ત્વોને પશ્ચિમની સંસ્કૃતિની ભાષા અને સામાજિક માળખામાં ગોઠવી દેવાય છે અને એ તત્વો એમના ઈતિહાસ અને પરિપ્રેક્ષ્યનો હિસ્સો બની જાય છે. આમ થતા આ તત્ત્વોનું મૂળ સ્ત્રોત સાથેનું જોડાણ લગભગ નષ્ટ થઈ જાય છે. જે સંસ્કૃતિને આ રીતે ફોલી ફોલીને હજમ કરાઈ એ સભ્યતાની સંસ્કૃતિ અને સામાજિક સંપત્તિનો નાશ થઈ જાય છે કારણ કે હજમ કરાયેલ તત્વોને એના મૂળિયાંથી નોખા દર્શાવાય છે અને ઘણી વખત તો એને એના મૂળિયા સાથે સંઘર્ષ હોય એમ પ્રસ્તુત કરાય છે. છેવટે, નાશ પામેલ શિકાર-હરણ-કહેવાતા સંગ્રહાલયમાં વધુ એક મૃત પ્રાણી (એટલે કે મૃત સંસ્કૃતિ) બનીને પ્રવેશે છે જેથી પ્રધાન સંસ્કૃતિ માટે કોઈ પડકાર કરનાર જ ન રહે.

આમ સંસ્કૃતિને આત્મસાત્ કરી લેવાની ક્રિયા શરૂઆતમાં બે સમાન સંસ્કૃતિના સમાગમ તરીકે જણાતી હોય છે જયારે ખરેખર તો ભલે લોકપ્રિય સ્તરે એવું વર્તાય છતાં જ્યાં સભ્યતાનાં હાર્દ જેવા મૂલ્યો રહેલા હોય ત્યાં ત્રાજવું સામી તરફ ઝુકેલું જણાય છે. સભ્યતાની માન્યતાઓને હજમ કરી લેવાયા બાદ એના બાકી રહેલાં અવશેષો કચરો ગણાય છે જેનો નિકાલ કરવું આવશ્યક બને છે. એક તરફ વાઘ કે “યજમાન” વધું શક્તિશાળી બને છે તો બીજી તરફ હરણની “જીવંત” ઓળખ હંમેશ માટે અદ્રશ્ય થઈ જાય છે. શિકારનો આમ નાશ થાય છે અને એ રીતે એની ઉત્પાદક શક્તિનો પણ હંમેશ માટે નાશ થઈ જાય છે. આ રૂપકને વધું આગળ લેતા કહી શકાય કે હરણનો પૂરો વંશ નાબૂદ થઈ જાય છે જેના ફળસ્વરૂપે જગતની વિવિધતા પણ ખતમ થઈ જાય છે.

કોઈ અમુક સભ્યતાઓ દ્વારા અન્ય સભ્યતાઓને હજમ કરી લેવાયાના ઘણા દાખલાઓ છે. ખ્રિસ્તી ધર્મમાં ઘણાં પ્રતિકો, રીતરિવાજો અને વિચારો એમણે ઉતારી પાડેલા કહેવાતા પેગન(ખ્રિસ્તી ધર્મની અગાઉના યુરોપ)માંથી આવ્યાં છે પણ એ પેગન સંસ્કૃતિને પછાત ગણાવીને ધીમે ધીમે એનો નાશ કરી નાંખ્યો. અમેરિકાના મૂળ રહેવાસીઓએ યુરોપિયન વસાહતીઓને ઘણી સમૃદ્ધિ પ્રદાન કરી જેમ કે બટાટા, ટામેટા, ભૌતિક સંપત્તિ, ફળદ્રુપ જમીન વગેરે પણ અમેરીકાના આ મૂળ રહેવાસીઓએ પોતાની જીવનશૈલી ખોઈ અને કોઈ વિચિત્ર વિદેશી કલાકૃતિ તરીકે સંગ્રહાલયમાં ધકેલી દેવાયા અથવા તો મુખ્ય ધારાથી દૂર એકાંત સ્થળમાં આરક્ષિત જગ્યામાં દારૂ પીને પડયા હોય એવું પ્રસ્તુત કરાય છે. મિસરની સભ્યતાને ગ્રીસ હજમ કરી ગયું અને એ પહેલા આફ્રિકાની અમુક સભ્યતાઓને મિસર ગળી ગયું હતું. દરેક કિસ્સામાં જે સભ્યતાને હજમ કરી દેવાઈ એમાં બાંધછોડ કરાઈ, ત્યાર બાદ અધિકારહીન કરી દેવાઈ અને છેવટે એ સમૃદ્ધ અને જીવંત એવી સભ્યતા ખતમ કરી દેવાઈ. આજે આપણી નજર સમક્ષ ચીન દ્વારા તિબેટની સભ્યતા બહું આક્રમક અને યોજનાબદ્ધ રીતે પૂર્વયોજિતપણે હજમ થતી જોઈ શકાય છે.

આ હજમ કરી જવાની ક્રિયા ઘણી વખત સારા હેતુથી એક પ્રણયગાથા તરીકે શરું થાય છે. એટલે જ આ પારખવા માટે એક નાના ચોક્કસ સમયના વૃતાન્ત પર દ્રષ્ટિ ન રાખતા ચશ્માનો વ્યાપ પહોળો કરવો આવશ્યક છે. દાખલા તરીકે, અઢારમી સદીની આખરમાં હર્ડર અને અન્ય યુરોપિયનો ભારતના પ્રેમી તરીકે ઓળખાવાયા અને તેમને ભારત દેશનું બધું જ ગમતું અને ભારતને પોતાના પૂર્વજોની ભૂમિ ગણાવી. પરંતુ, શું નિપજ્યું આ પ્રેમકથામાંથી? આપણાં કમનસીબે, મોટા ભાગના વિદ્વાનોએ માત્ર પ્રેમકથા વિષે જ આલેખ્યું અને એ પ્રેમકથાના અલ્પ આયુ વિષે તપાસ કરવામાં નિષ્ફળ ગયા. આ પ્રેમીઓએ “સારા-સિપાહીઓ”ના પાત્રો ભજવ્યા જે દ્વારા (આપણી પાચનક્રિયામાંના પાચક રસની જેમ) તેમણે આપણી સભ્યતાની અમુક બાબતોને હજમ કરી લેવાની પ્રક્રિયાની એવી રીતે શરૂઆત કરી જેથી તે વધુ સહેલાઈથી અન્યો માટે સુલભ અને ઉપલબ્ધ બને. ત્યાર બાદ “બદમાશ-સિપાહીઓ” આવ્યા જેમણે આપણા ધર્મ/સભ્યતાનો લગભગ આક્રમક રીતે અસ્વીકાર કર્યો.

હર્ડરના સમયે મુખ્ય “બદમાશ-સિપાહી” હેગેલ હતો જેને આ પ્રેમીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, અને ભારતના ગ્રંથોના ભાષાંતર અને સ્પષ્ટીકરણ માટે તેમનો ઉપયોગ કરીને પોતાની કાર્યસૂચિમાં જે બેસતું હતું તે રાખીને બાકીનું ફેંકી દીધું. હેગેલ પછી તો જર્મની, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોને અનેક યુરોપિયનોના પોતાના જ્ઞાનના ક્ષેત્રમાં સમાવી લેવા માટે એક આખી નવી ચળવળ શરું થઈ. ઓગણીસમી સદીના મધ્યમાં તેમને લાગ્યું કે આપણા ગ્રંથોને અને જ્ઞાનને બરાબર નીચોવી લીધાં છે એટલે પછી સંસ્કૃતના અભ્યાસના વ્યાપને ધીમે ધીમે ઘટાડતા ગયા અને વીસમી સદીની શરૂઆતમાં યુરોપના મહાવિદ્યાલયોમાં ઝડપથી સંસ્કૃતના અભ્યાસનું પ્રમાણ ઘટી ગયું. આ પ્રણયગાથાની અવધિ આ રીતે જોતા એકાદ સદી પૂરતી રહી.

ભારતમાં હંમેશા “સારા-સિપાહીઓ” હતા જેમ કે “વ્હાઈટ મુગલ્સ” જે વિલિયમ ડેલરિમ્પલના આ જ શીર્ષકના પુસ્તકમાં વર્ણવાયેલું છે. આ અંગ્રેજો ભારતીય પોષાક પહેરતા, ભારતીય નામ અને જીવનશૈલી અપનાવતા, ભારતીય સ્ત્રીઓ સાથે પરણતા, અને ઘણી વખત યુરોપિયનો સાથેના મતભેદમાં ભારતીયોનો પક્ષ પણ લેતા. આ એ જ લક્ષણો હતા જે અમેરિકામાં સત્તરમી સદીમાં “સારા-સિપાહી”ના હતાં જેઓ ગોરા હતા પણ યુરોપિયન વસાહત છોડીને સ્વદેશી અમેરિકનો સાથે રહેવા જતા રહ્યાં હતા. તેઓએ પણ દેશી અમેરિકન સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, એમની ભાષા શીખ્યા અને તેમના જેવી શિકાર કરવાની રીતો પણ શીખી. એ “સારા-સિપાહીઓ” ક્યારેક દેશી અમેરિકનોને મદદ કરવા ગોરા આક્રાંતાઓ સામે હથિયાર પણ ઉઠાવતા. પણ છેવટે, આ બધા “સારા-સિપાહીઓ” વધુ શક્તિશાળી ” બદમાશ-સિપાહો”ની સામે લડતા છિન્ન-ભિન્ન થઈ ગયા.

જયારે પરિસ્થિતિ બેકાબુ બની ત્યારે આ સારા-સિપાહીઓએ હથિયાર છોડી દીધા અથવા નજરથી દૂર જતા રહ્યા, અથવા તેમને ગોરા અમેરિકનોએ તેમને પોતાને વતન ચાલ્યા જવા માટે “ખરીદી” લીધા અથવા તેઓએ કોઈક બહાના કાઢીને દેશી અમેરિકનોને ચોક્કસ હારની અવેજીમાં “બદમાશ-સિપાહીઓ” તરફથી જે પણ પ્રસ્તાવ મુકાય તેને સ્વીકારી લેવા માટે સમજાવવાનું કામ કર્યું. દેશી અમેરિકનોની જેમ તેઓમાં દેશી સભ્યતા માટે એટલી પ્રબળ વિભાવનાઓ ન હતી. એમના જીવનમાં એ “પ્રેમ”નું અધ્યાય એવું હતું કે એને સહેલાઈથી પાછળ છોડી શકાય તેમ હતું અને એમાંથી ઘણા ખુબ શ્રીમંત થયા અને “Wild West” લલિત સાહિત્યનાં લોકપ્રિય આઈકોન બની ગયા-સ્પીલબર્ગની અમેરિકન ફિલ્મમાં ઈન્ડિયાના જોન્સના પાત્રની માફક. મને એ વાતની ખાતરી છે કે અંગ્રેજોનો અમેરિકાના સરહદી ક્ષેત્રનો સત્તર અને અઢારમી સદીઓનો આ અનુભવ ભારતના સંસ્થાનવાદના સમય દરમિયાન ખાસ્સો કામમાં આવ્યો હશે. ઘણાઓએ એમનું આખું જીવન આપણી સભ્યતાની સ્તુતિ કરવામાં વિતાવ્યું પણ છેવટે આ વિચારોને અને સિદ્ધાંતોને પશ્ચિમની વિચારધારા હેઠળ “વૈશ્વિક” ગણાવવા માટેનું કામ કર્યું.

એવી ગેરસમજ દૂર કરવા માંગુ છું કે હું દરેક પશ્ચિમવાસીને દોષી ગણું છું. હું એમ નથી માનતો કે આ માનસિકતા પ્રત્યેક પશ્ચિમનો વિદ્વાન કે ઉત્સુક પ્રવાસી ધરાવે છે જે ભારતીય આધ્યાત્મિકતા સમજવા માટે પ્રયત્ન કરે છે. હકીકતમાં ઘણા પોતાના અભ્યાસમાં ખુબ જ ગંભીર હતા અને પશ્ચિમી તરીકેની તેમની હદ અને ઓળખ સરળતાથી ઓળંગી શક્યા ય ખરા. અમુક ઉત્તમ કક્ષાના ઈન્ડોલોજીના અભ્યાસના અને ભારતીય આધ્યાત્મિક પરંપરાના પુનરુત્થાનનું શ્રેય આવા પશ્ચિમના વિદ્વાનોને ફાળે જાય છે. જે ગતિવિધિની અહીં ચર્ચા થાય છે એ માટે બધા પશ્ચિમીઓની આવશ્યકતા નથી, હકીકતમાં ભાગ્યે જ કોઈ પશ્ચિમી વ્યક્તિની જરૂર છે. અન્ય ફેશન અને વિચારધારામાં થતું હોય છે તેમ અહીં પણ અલ્પ સંખ્યાના લોકો ઘણો મોટો તફાવત આણી શકે છે.

ભારતીય આધ્યાત્મિકતા સાથેના “પ્રણય”ના આવા અનેક કિસ્સાઓ બની ગયા પણ દરેક અલ્પ-જીવી રહ્યા. મારા ભવિષ્યમાં પ્રકાશિત થનારા પુસ્તક “યુ-ટર્ન”માં વિસ્તારથી આ વિષે લખ્યું છે. હું દર્શાવું છું કે આવા પ્રત્યેક ઘટનાચક્રો (પ્રણય-હજમ-અસ્વીકાર) અનેક વાર થયે રાખ્યા છે. સિત્તેરના દાયકાની નવા યુગની “હિપ્પી” ચળવળ એ આ જ પ્રકારની હતી. એના ફળસ્વરૂપે આપણી સભ્યતાના ઘણા ભાગોનું-યોગ, મેડિટેશન, નારીરૂપનું દેવત્વ, શાકાહારીપણું, પ્રાણીહક્કો વગેરે. શરૂઆતમાં એવું લાગ્યું કે એમનો ભારત પ્રત્યેનો પ્રેમ સાચો છે પણ લાંબે ગાળે એ ચિરસ્થાયી રહેવાનું ન હતું. આ પ્રેમનું મોટા પાયાનું શિકારના અભિયાનમાં પરિવર્તન થયું જે જ્ઞાનને તેઓ પશ્ચિમમાં પોતાને દેશ મોકલી શકે જેમાં એવું બતાવાયું કે આ બધી પશ્ચિમના આડતિયાઓ દ્વારા કરાયેલી અસલ “શોધ” છે. આ પ્રક્રિયામાં મૂળભૂત સ્ત્રોતની પરંપરાનો છેદ ઉડી ગયો. દાખલા તરીકે, સાંઠના દાયકાના ભારતીય ગુરુઓ અમેરિકામાં ઘણા પૂજાયા. પણ તેમનો પ્રભાવ માત્ર એક પેઢી પૂરતો જ રહ્યો.

આજે ગોરા ગુરુઓએ, જેમાંના ઘણા તેમના જ શિષ્યો હતા, આ ગુરુઓનું સ્થાન લઈ લીધું છે.અને તેઓ પાશ્ચાત્ય માળખામાં આ જ્ઞાનને બેસાડવા માટે નવા નુસખાઓ રચે છે. આ હજમ કરાયેલી નવી આવૃત્તિ વધું લોકપ્રિય થાય છે કારણ કે એને પશ્ચિમના ઈતિહાસના જ એક હિસ્સા તરીકે પ્રસ્તુત કરાય છે અને નવા પશ્ચિમના ગુરુઓ પથ-પ્રદર્શક તરીકે સ્થાન ગ્રહણ કરે છે. “સારા-સિપાહીઓ” નવા ગુરુઓ તરીકેની કારકિર્દીમાં ગોઠવાઈ જાય છે. હું આપણી અને ગ્રીક સભ્યતાના પશ્ચિમ સભ્યતામાં “આત્મસાત્” કરી લેવાની રીતના તફાવત ઉપર ભાર મૂકવા માંગુ છું. કારણ કે ગ્રીક સભ્યતાને આત્મસાત્ કરાઈ હોવા છતા એના સ્ત્રોતને અલગ નહીં કરાયું. ઘણા ભારતીય વિચારકો, ગ્રંથો અને વિચારોને કહેવાતા “યુરોપિયન એન્લાઈટનમેન્ટ”માં આત્મસાત્ કરી લેવાયા અને ભારતીય સ્ત્રોતોને બદલે આ સ્ત્રોતો પશ્ચિમી તરીકે બતાવાયા. જયારે ગ્રીક સભ્યતાની બાબતમાં આવું નથી બન્યું.

બુદ્ધિજીવીઓમાં અને અકાદમી વર્તુળોમાં પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ અને અન્ય અનેક પ્રાચીન ગ્રીસના વિચારકો વિષે અભ્યાસ કરવો અને એમને ટાંકવા એ ફેશનેબલ ગણાય છે જે હવે પશ્ચિમના જ ભાગ રૂપે ગણી લેવાયા છે. પણ પ્રાચીન સમયમાં ગ્રીક લોકો પોતાને ઉત્તર યુરોપના સંસ્કૃતિના ભાગ તરીકે નહોતા જોતા અને એમને “અન્ય” પશ્ચિમીઓ ગણતા જયારે યુરોપિયનો ગ્રીક લોકોને “પૂર્વ”ના માનતા.

અહીંયા જ ભારતીય અને ગ્રીક સભ્યતાના પશ્ચિમ સાથેના સંબંધોનો ભેદ રહેલ છે. જયારે આધુનિક પશ્ચિમનું ઘડતર થઈ રહ્યું હતું ત્યારે ગ્રીસને એમાં સમાવી લેવાયું. એટલે ગ્રીસની સંસ્કૃતિના સ્ત્રોતોની જગ્યાએ પશ્ચિમના સ્ત્રોતો મુકવાની આવશ્યકતા ન રહી-ગ્રીક સંસ્કૃતિનું પુનર્વર્ગીકરણ પશ્ચિમની સંસ્કૃતિ તરીકે કરાયું. પરંતુ, જયારે ભારતની સંસ્કૃતિ અને એનાથી નીપજેલા જ્ઞાનને દોહવામાં આવ્યા ત્યારે તે પશ્ચિમની દ્રષ્ટિએ “અન્ય” અ-પશ્ચિમ રહ્યું. ભારત પશ્ચિમમાં સામેલ કરવા માટે ઘણું ભિન્ન હતું, દૂર હતું અને ખુબ વિશાળ હતું. એટલે ભારતના બહુમૂલ્ય જ્ઞાનના સ્ત્રોતોને પશ્ચિમમાં આત્મસાત્ કરી લેવાયા અને પશ્ચિમના જ ગણાવાયા.

એટલે જ અકાદમી દ્વારા ગ્રીસના વિચારકોની તોલે આવતા કપિલમુનિ, ભરત, કૌટિલ્ય, ભર્તૃહરિ, પાણિની, પતંજલિ, નાગાર્જુન, આદિશંકરાચાર્ય, અભિનવ ગુપ્તા અને એવા અનેક અન્ય મહાન ભારતીય વિચારકો વિષે ભણાવવામાં આવતું નથી. ગ્રીસ એ પશ્ચિમનો હિસ્સો બની ગયો છે જયારે ભારત અલગ છે. એટલે હું ગ્રીસને પશ્ચિમ દ્વારા ઝૂંટવી લેવાના કરતૂત માટે “સમાવેશ” શબ્દપ્રયોગ કરું છું જે “આત્મસાત્”ના અર્થથી ભિન્ન છે. સમાવેશને કારણે ગ્રીકના સ્ત્રોતોનો નાશ ન થયો. મારુ પુસ્તક આ વિષે વધું વિસ્તૃત ચર્ચા કરે છે.

એ વાત સમજવી જરૂરી છે કે ભારત અને એના લોકોને સમાવવાની આવશ્યકતા નથી પણ એની જ્ઞાનની ધારાને આત્મસાત કરવી એ ખુબ લાભદાયક છે. સોએક કરોડ ભારતીયોને સમાવવા જતા પશ્ચિમની શુધ્ધતાનો નાશ થઈ શકે છે. આ પૂર્વેની અન્ય સભ્યતાઓને પણ આ જ રીતે આત્મસાત્ કરી લેવાઈ. મૂળ અમેરિકન પ્રજાના નરસંહાર થકી, કે આફ્રિકનોને ગુલામ બનાવીને, કે પછી ભારતીયો ઉપર રાજ કરીને અને એ જ વખતે જે એ બધી સભ્યતામાં જે મૂલ્યવાન હતું એને “સારા-સિપાહીઓ” દ્વારા અલગ તારવવામાં આવ્યું અને છેવટે આત્મસાત્ કરી લેવાયું. સંભવત: જો ભારત યુરોપની નજીક હોત અને વસ્તી ઓછી હોત તો એને પણ યુરોપમાં સમાવેશ કરવા માટેની ભૂમિકા ઉભી કરાઈ હોત, એના પ્રાચીન ગ્રંથોને ગ્રીસની જેમ જ “પોતાના” જ ગણાવી લેવાયા હોત. પણ વાસ્તવિક પરિસ્થિતિ અનુસાર એ અવ્યવહારિક થઈ જાત અને એવો કોઈ પણ પ્રયત્ન પશ્ચિમની પોતાની ઓળખને જ ધક્કો પહોચાડત.

જયારે એક તરફ શિકાર પાસેથી ઝૂંટવી લેવાયેલ “કામના” અને “વેંચી” શકાય એવા તત્ત્વો મેળવવા એમાં રોમાંચ અને ઉન્માદનું મિશ્રણ છે તો બીજી તરફ અમુક કારણોના મિશ્ર સંયોગોને લીધે સ્ત્રોતોનું વિલોપન થઈ જાય છે. અમુક કારણો નીચે મુજબ છે.

સ્ત્રોતની પરંપરાનો અનાદર કરાય છે, જયારે જ્ઞાન વિષે સંશોધન કરવા અને એનો ફેલાવો કરવા માટે સંસાધનોની ફાળવણી કરાય છે ત્યારે એ આત્મસાત્ કરી લેવાયેલ પશ્ચિમી સ્વરૂપના જ્ઞાન માટે થાય છે. અહીંયા વિલોપન એ એક ધીમી પ્રક્રિયા છે જે પ્રત્યક્ષ વિગ્રહ કરવાને બદલે પરોક્ષ રીતે સ્ત્રોતની કૃશતામાં પરિણમે છે. આત્મસાત્ કરી લેવાયા બાદ એવો દાવો કરાય છે કે નવી આત્મસાત્ કરાયેલી પશ્ચિમી રૂપરેખા વાળી આવૃત્તિ શ્રેષ્ઠ છે અને જે સ્ત્રોતમાંથી આત્મસાત્ કરાયેલી છે એનું સ્થાન ગ્રહણ કરે છે એટલે આ પ્રક્રિયા સ્ત્રોતને અનાવશ્યક અને કાળગ્રસ્ત કરી દે છે. ત્યારબાદની પેઢી પાઠયપુસ્તકો અને પાઠયક્રમમાં સત્તાને જોરે સમાવેશ કરાયેલ અભ્યાસક્રમનું શિક્ષણ ગ્રહણ કરે છે જે હકીકતથી ભિન્ન હોય છે.

ક્યારેક તો ભારતીય સ્ત્રોતનો ખામીયુક્ત બતાવીને સંપૂર્ણપણે અસ્વીકાર કરાય છે. સામાન્યપણે જે ખામીઓ દર્શાવાય છે તે છે; સનાતન ધર્મ જગતની વિભાવનાની વિરુદ્ધ છે, અને પરલોકની કલ્પનાઓમાં રાચે છે જેને કારણે પ્રગતિ અને અભ્યુદય કરી શકવા તે અસમર્થ છે; આપણા ધર્મની ગળથુથીમાં જ અનુચિત વ્યવહાર રહેલો છે જેને કારણે જાતિવાદ, પુરુષપ્રધાનતા અને અન્ય સામાજિક શોષણો સંસ્કૃતિમાં વણાયેલાં છે.

વ્યૂહાત્મકપણે વારંવાર નકારાત્મક “કુપ્રચાર” થકી આ તિરસ્કૃત સભ્યતામાં એક ગુનાહિત માનસિકતા ધીમે ધીમે દાખલ કરાય છે. પરિણામસ્વરૂપ, ભારતીય યુવાવર્ગ આવી ઓળખ સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. એને કારણે ભારતીય પરંપરાના પાઠયક્રમ માટેનું ફાળવવાતું ભંડોળ ઘટી જાય છે અને એથી આ વિષયના અભ્યાસક્રમને પોતાની કારકિર્દી માટે પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે.

હું એ પણ નિર્દેશ કરવા માંગું છું કે ભારતીય સભ્યતા લગભગ પૂરા એશિયામાં પ્રસરી પણ એ સંસ્થાનવાદ, વસાહતવાદ કે આક્રમણ કરીને મેળવેલી જીતના ફળસ્વરૂપ નહોતી ફેલાવાઈ. જયારે ઘણા એશિયાના દેશો તેમના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતની નાલંદા વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓમાં જ્ઞાનપ્રાપ્તિ માટે મોકલતા (જેમ આજે વિદ્યાર્થીઓ અમેરિકાની આઈવી લીગમાં જતા હોય છે), ત્યારે આ કાર્ય ભારત તરફથી ક્યારેય લદાયું કે જબરદસ્તીથી થોપાયું ન હતું. જે સમયે ભારત પાસે પર્યાપ્ત ભૌતિક સંપત્તિ અને સત્તા હતી તેવે સમયે પણ ભારત દેશે કોઈ પણ દેશમાં પોતાના ગવર્નર્સ કે કર-વસૂલી માટે અધિકારીઓની ક્યારેય કોઈ નિમણુંક કરી ન હતી, અથવા તે દેશના નામ કે ભાષા કે ઓળખ બદલીને પોતાનું નામ કે ભાષા કે ઓળખ લાદવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. બીજા શબ્દોમાં કહું તો ભારતે ક્યારેય કોઈ પણ દેશની સભ્યતાને આત્મસાત્ કરવાનો કે એમની રાષ્ટ્રીય ઓળખને ક્ષતિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ન હતો.

હું હવે સામાન્યપણે ઉઠાવાતા મુદ્દા ઉપર ચર્ચા કરીશ જે મુજબ એવું મનાય છે કે દરેક સભ્યતા અન્ય સભ્યતા સાથે મૂલ્યો, જ્ઞાન વગેરેની હંમેશા આપલે કરતુ રહ્યું છે એટલે એ જ પ્રકારે બધા જ પક્ષો આત્મસાત્ કરે છે. અમુક લોકો પૂછશે કે હું પશ્ચિમ દ્વારા ભારતીય સભ્યતાને આત્મસાત્ કરવાની બાબતે કેમ આટલી બુમાબુમ કરું છું. મારો પ્રતિભાવ એ છે કે આત્મસાત્ અને સમાવેશ આ બંનેમાં તફાવત છે. મોટા ભાગના જે ઉદાહરણો અપાય છે તે સમાવેશના છે, આત્મસાત્ના નહીં, જેમાં સ્ત્રોતની પરંપરાનું વિલોપન નથી થતું. જયારે આપલે કરનારા બંને પક્ષે સત્તામાં અસમાનતા હોય છે ત્યારે આ આપલેના પરિણામો સત્તાના સમીકરણો ઉપર અવલંબે છે. દાખલા તરીકે:
દેશી અમેરિકનોએ ગોરા વસાહતીઓ પાસેથી ઘણું પ્રાપ્ત કર્યું- જેમ કે, ઘોડા, દારૂ, બંદુકો વગેરે. પણ, આ દેશીઓ પાસે આ ગોરાઓની સભ્યતાને ખતમ કરવા માટેની સત્તાનો અભાવ હતો. એથી ઉલટું, ગોરાંઓ દ્વારા દેશીઓ પાસે જે લેવાયું એ બાબતે એવું કહી શકાય એમ નથી.

એવા દાખલા દર્શાવવા સંભવ છે જેમાં ભારતીયોએ પશ્ચિમીઓ પાસેથી શીખીને ભારતીય વિચારોમાં સમાવેશ કરીને એને ભારતીય વિચારોના હિસ્સા તરીકે પ્રસ્તુત કર્યા હોય. તેમ છતા, ભારતે પોતાની ભાષાને વૈશ્વિક બનાવવા કે સંસ્થાકીય પ્રભુત્વ જમાવવાનો કોઈ પ્રયાસ ન કર્યો, કે ન કોઈ પ્રયાસ કર્યો ઈતિહાસ રચવાનો કે એના કથનો પ્રસ્તુત કરવા માટેનો અધિકાર સ્થાપવાનો. જે રીતે યુરોપના તત્ત્વજ્ઞાનને સાર્વત્રિક ગણાવાયું તે રીતે ભારતીય સિદ્ધાંતો(દર્શનશાસ્ત્ર)ને વૈશ્વિક ગણાવવાના કોઈ પણ પ્રયાસો ના થયા. એટલે ભારતીય વિચારોમાં થયેલ સમાવેશને પશ્ચિમ દ્વારા કરાયેલ આત્મસાત્ સાથે સરખાવી શકાય નહિ.

જયારે સાંઠના દાયકામાં અમેરિકાની સ્ત્રીઓ અમરિકાના “work-force”માં દાખલ થઈ ત્યારે પુરુષો પાસે સત્તા હતી એટલે સ્ત્રીઓએ નોકરી કરવાને સ્થળે જે પુરુષોનું અનુકરણ કર્યું એને આત્મસાત્ કર્યું ન ગણાય. સ્ત્રીઓ પાસે એવી કોઈ સત્તા નહોતી. એટલે સ્ત્રીઓ દ્વારા ભલે પુરુષોનું અનુકરણ થયું પણ એને આત્મસાત્ કર્યું ન કહેવાય. હકીકતમાં તો એવું કહી શકાય કે અમુક સમય માટે તો પુરુષોએ સ્ત્રીઓને આત્મસાત્ કરી.

અને, એ કહેવું અનુચિત ગણાશે કે હું બધા પ્રકારના “સમાવેશ”નો અભ્યાસ કરવા માટે વિરોધી છું. પણ હકીકત એ છે કે પશ્ચિમી ઈતિહાસકારો દ્વારા રચાયેલ “વિચારો”નો ઈતિહાસ એ વૃતાંતોથી સભર છે કે પશ્ચિમે કોને પ્રેર્યા અને ભાગ્યે જ એવું આલેખાયું છે કે પશ્ચિમે અન્યો પાસેથી શું મેળવ્યું. અને ખરેખર તો હેગલના સમયથી જ સમગ્ર વિશ્વનો ઈતિહાસ એવી રીતે રચાયો છે કે પશ્ચિમે પોતાની સાથે અને અન્યો સાથે શું કર્યું, જાણે કે અન્યોને કશી આવડત જ નહોતી. એટલે અગર કોઈ વિદ્વાનનું કાર્ય મારા કાર્યની જેમ સામે તરફથી પશ્ચિમ તરફ પડતા પ્રભાવ ઉપર કેન્દ્રિત થતું હોય તો કોઈને આપત્તિ ન થવી જોઈએ. હું એવા કાર્યનો વિરોધ કરતો નથી જેમાં સમાવેશ (કે આત્મસાત્) બાબતમાં પશ્ચિમ શિકારી નથી. હું પ્રાર્થું છું કે અનેક દિશાઓમાંથી આ વિષયના અભ્યાસની સમૃદ્ધિ થાય અને પરસ્પર વાતચીત થાય. હું મારી જાતને આ “વિચારો”ના ઈતિહાસની બાબતે મારો પૂર્ણ પ્રભાવ પાથરવા નથી ઈચ્છતો. માત્ર મારો દ્રષ્ટિકોણ ઉમેરવા માંગું છું અને મારા આ કાર્યનું વધું પડતું ઉંડું અર્થઘટન કરવું કે અર્થહીન ગણીને ઉડાડી દેવું એ અનુચિત ગણાશે.

બીજા શબ્દોમાં કહું તો પશ્ચિમ દ્વારા થયેલા ભારતની સભ્યતાના આત્મસાત્ બાબતે એવું કહેવું પણ ઠીક નહિ ગણાય કે આ સિવાય આ બનવા માટે અન્ય અસરો કે પ્રભાવો પણ ન હતા કે એનું કોઈ મહત્ત્વ ન હતું. આફ્રિકન, દેશી અમેરિકન, યુરોપિયન પેગન અને તિબેટના લોકોએ પોતાના આ વિષયના અનુભવ બાબતમાં આ રીતે લખ્યું છે. આધુનિક ઈસ્લામિક અને ચાઈનીઝ વિદ્વાનો તેમની સભ્યતા તરફથી પશ્ચિમે અને વિશ્વે મેળવેલ જ્ઞાન વિષે લખતા રહે છે જેનો પશ્ચિમે સ્વીકાર કર્યો નથી. કોઈ ભારતીય આ જ કાર્ય જો ભારત માટે કરવા ઈચ્છે તો એમાં હું કશું અજુગતું જોતો નથી.

મારા પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”માં હું ચર્ચા કરું છું કે મોટા ભાગની આજની સંસ્કૃતિના જે મૂલ્યો અને માન્યતાઓ છે તે છેલ્લા 500 વર્ષોમાં યુરોપનું વિશ્વ ઉપર જે પ્રભુત્વ હતું એના ફળસ્વરૂપે ઘડાયા છે. અને ખરું જોતા તે યુરોપના લોકોના ઐતિહાસિક અને ધર્મિક અનુભવોને કારણે ઘડાયા છે.

મારા આ બધા લખાણનો હેતુ સાંસ્કૃતિક મૂલ્યોના વિનિમયનો વિરોધ કરવાનો લગીરે નથી, પણ એથી ઉલટું વધારવાનો છે. અરસપરસ આપલે એ આવશ્યક અને આવકાર્ય છે. માટે આશા છે કે આ પદ્ધતિની ભૂતકાળમાં થયેલી તપાસની સરખામણીમાં વધું ઝીણવટથી તપાસવાથી મારું કાર્ય નીચે મુજબ સહાયરૂપ થઈ શકે. ભારતની સંસ્કૃતિ વિષે જિજ્ઞાસુ પશ્ચિમીઓ એ વાતનો સીધેસીધો સામનો કરશે જેમ કે આપણી માન્યતા ઈતિહાસને કેન્દ્રમાં રાખવાની માન્યતાને અને અનન્યતાવાદ * માટેના દાવાને Judeo-Christian પડકારે છે.

વિદ્યા અને જ્ઞાન પ્રદાન કરનારા આચાર્યો વધું સમજદારી અને જવાબદારીથી આવા વિષયો ઉપર એમના પશ્ચિમી અનુયાયીઓને ઉપદેશ આપશે. તેઓ શિક્ષણ અને માધ્યમો દ્વારા સ્થાપિત કરાયેલી ઈતિહાસ-કેન્દ્રિત પશ્ચિમી માન્યતાઓને પરિપ્રેક્ષ્યમાં રાખીને આ બાબતની ચર્ચા કરશે. બીજા શબ્દોમાં કહું તો આચાર્યોએ એ માનવું ત્યજી દેવું જોઈએ કે પશ્ચિમ અનુયાયીઓ ગળથુથીમાં મેળવેલી એમની ઓળખની માન્યતા વિના કોરી પાટીની જેમ આવે છે. એમના અનુયાયીઓની પૂર્વજડિત માન્યતોને સરખી રીતે સમજવા માટે તેમણે એમનો પૂર્વ-પક્ષ (પશ્ચિમી સભ્યતાનો અભ્યાસ) કરવો જોઈએ જે માન્યતાઓનો એમણે પછીથી સામનો કરવો પડશે. બંને પક્ષના લેખકો અને વિચારકો ત્યાર બાદ એ વચ્ચેનો ભેદ પારખી શકશે કે અન્ય સભ્યતાની માન્યાતાઓ વિષે જ્ઞાન-પ્રાપ્તિ માટે એ સભ્યતાના મૂળિયા ઉખેડી નાંખવાથી કે મૂળિયાને પોષણ આપવાથી એ કાર્ય સંપન્ન થઈ શકે.

આનો એ લાભ થઈ શકે કે સભ્યતાઓ વચ્ચેનો વિનિમય વધું સારો અને ગુણવત્તાસભર અને કોઈ પણ સભ્યતાને હાનિ પહોચાડયા વિના અહિંસાના વાતાવરણમાં સ્થાપિત થઈ શકે. મારું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ” સભ્યતાઓની “જૈવિક-વિવિધતા” પ્રસ્તુત કરે છે. એ અન્ય સભ્યતાને વિનાશને પંથે જતું અટકાવવા માટે પ્રયત્નશીલ છે.

Featured Image – Wikipedia.
The Tiger And The Deer: Is Dharma Being Digested Into The West?
પ્રકાશિત: 12 માર્ચ 2012
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલ

Leave a Reply