શું અમેરિકામાં પણ જાતિવાદની પ્રથા હોય છે?

એબ્રાહામિક ધર્મો

તાજેતરમાં મેં પ્રાધ્યાપક ઉમા નારાયણ લેખિત એક ઉત્કૃષ્ટ પુસ્તક”Dislocating Cultures (ડિસલોકેટિંગ કલ્ચર્સ”) વાંચ્યું. શા માટે ભારતમાં દહેજને કારણે થતાં મૃત્યુની બાબતોમાં પશ્ચિમ જગતને બહુ રસ છે જ્યારે અમેરિકામાં થતાં વિવાહિત સ્ત્રીઓનાં મૃત્યુની બાબત ઉપર એટલું મહત્ત્વ અપાતું નથી એ બે વિગતો વચ્ચે એમણે આ પુસ્તકમાં સરખામણી કરી છે. અને ખાસ તો એટલા માટે કે આંકડાની દ્રષ્ટિએ ભોગ બનતી અમેરિકાની સ્ત્રીઓની ટકાવારી ઓછામાં ઓછી ભારતની સ્ત્રીઓ જેટલી જ ઊંચી છે. તેઓ સમજાવે છે કે આ બેવડાં ધોરણ અને આ હકીકતથી વેગલા રહેવા માટે ઘણાં કારણો છે. સૌ પ્રથમ તો દહેજથી થતાં મૃત્યુની ભાષા એટલી બધી “ભારત-કેન્દ્રિત” હોય છે કે એટલાં જ પ્રમાણમાં અમેરિકામાં થતા આ પ્રકારનાં મૃત્યુ વિષે સરખામણી માટેનો અવકાશ ઊભો થાય એ પહેલાં જ એને દબાવી દેવાય છે.

આ રીતનું માળખું બની ગયા પછી દહેજથી થતાં મૃત્યુના આંકડા પડે છે, તેનો ભિન્ન ભિન્ન સ્તર ઉપર અભ્યાસ થાય છે અને એ એક મહત્ત્વનો વિષય બની જાય છે. અમેરિકાનો આવો જ પ્રશ્ન આ ચકાસણીમાંથી બાકાત થઈ જાય છે કારણ કે એનો અભ્યાસ કરનાર વિદ્વાનો પોતાની જાતને એક ઊંચા મંચ ઉપર સ્થાપિત કરી દે છે જ્યાંથી એમની દ્રષ્ટિમાં આ પ્રશ્ન આવતો નથી. આ વાંચતાં મને આશ્ચર્ય થયું કે શું જાતિ-પ્રથા કંઈક આવી જ બાબત તો નથી! ખરેખર તો, પ્રત્યેક સમાજમાં ભિન્ન ભિન્ન સ્તર અને ભિન્ન ભિન્ન વંશના લોકો તો હોવાના જ. આજના આધુનિક અમેરિકામાં આપણે એને “demographic segments (અમુક પ્રદેશ/જાતિ/સમાજના લોકોનો સમૂહ)” તરીકે સંબોધીએ છીએ. આ સમાજમાં “શહેરના અંદરના ભાગની આફ્રિકન-અમેરિકનની વસ્તી”, “ગામડાંનાં હિસ્પૅનીકસ”, “પરાંમાં રહેતો શ્વેત લોકોનો સમૂહ”, “એશિયાથી અમેરિકા આવીને વસેલી પ્રજા” વગેરે. આ બધાં શબ્દપ્રયોગો આધુનિક બજારપદ્ધતિમાં છૂટથી વપરાય છે. મને એ વાતનું કૌતુક થાય છે કે ભારતની ખુબ જ ચકાસાયેલી જાતિવાદની પ્રથાથી આ કેટલું ભિન્ન છે. અને આમ છતાં જ્યારે “Caste (જાતિ)” શબ્દ અમેરિકાના સંદર્ભમાં સૂચવવામાં આવે ત્યારે લોકો વિચિત્ર ભાવથી આપણી સામે જુએ છે.

થિયોડોર ડબલ્યુ. ઍલનના “ધી ઈન્વેન્શન ઑફ ધી વ્હાઈટ રેસ” પુસ્તકમાં આજના યુગમાં જે વંશ “વ્હાઈટ” તરીકે પ્રચલિત છે એ પ્રથા કઈ રીતે ઉદભવી એનું લેખકે સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. તેઓ લખે છે, ” સત્તરમી સદીમાં ધોળી ચામડીના શ્રમજીવી વર્ગ માટેના વિશેષાધિકાર વિષે ન તો કાયદામાં કે ન તો સમાજમાં ક્યાંય કોઈ માન્યતા ન હતી. પરંતુ, અઢારમી સદીના શરૂઆતના દાયકાઓમાં “પ્લાન્ટેશન કોલોની”માં વંશીય દમન એક અધિકૃત નિયમ લાગુ થઈ ગયો અને આફ્રિકન-અમેરિકન પ્રજા બે સદીથી યે વધુ સમય સુધી આ દમનકારી શાસન હેઠળ કષ્ટ સહન કરતા રહ્યા. આફ્રિકન ગુલામોને જંગમ મિલકત તરીકે ગણાવાની શરૂઆત થઈ અને એમની સાથેના મૂળ યુરોપના મજુર વર્ગથી એમને જુદા તારવી દેવાયા. વિખ્યાત “બૅકોન વિગ્રહ”માં વંશીય ભેદરેખા વિના વિગ્રહી શ્રમજીવી વર્ગોમાં સંગઠનશક્તિ દ્રષ્ટિગોચર થવાથી બાગાયત જમીન માલિકોએ શ્રમજીવીઓ દ્વારા ઊભા કરાતા આવા પ્રશ્નના ઉકેલ માટે નિર્ધન શ્વેત વર્ગનું એક પ્રતિરોધક ભિન્ન સ્તર ઊભું કર્યું જેઓને એમની ચામડીના રંગથી આ સંસ્થાનવાદી સમાજમાં અન્ય કોઈ વિશેષાધિકાર ભલે ન મળ્યો પણ એમને ગુલામી ભોગવવામાંથી રાહત મળી. “વ્હાઈટ રેસ” ની આ પ્રમાણે શોધ થઈ.

અમેરિકાનો રંગ-ભેદ શ્રમજીવીઓના વર્ગોને ધોરણે સ્થાપિત થયો, એની વધુ ચોકસાઈ હાર્વર્ડના અધ્યાપક નોએલ ઈગ્નાટિવના પુસ્તક “આઈરીશ કઈ રીતે શ્વેત બન્યાં (How the Irish Became White)”માં થાય છે. તેઓ વર્ણવે છે કે સદીઓ સુધી યુરોપમાં જેમની ગણના સમાજના નીચલા વર્ગમાં થતી હતી તેઓ અમેરિકા આવ્યા ત્યારે અમેરિકન સમાજની શ્રમજીવી વર્ગમાં સ્થપાયેલી રંગ-ભેદની નીતિનો ઉપયોગ કરીને પોતાનું પુન:વર્ગીકરણ કરીને શ્વેત બની ગયા. ખાસ કરીને જ્યાં ગુલામોને મુક્ત કરી દેવાયા હતા ત્યાં આ યુરોપના વસાહતીઓ માટે એ આવશ્યક હતું કે તેઓ જુદાં તરી આવે અને કટ્ટર વંશવાદવાળા શ્રમજીવીઓના સંગઠનમાં એમનું રક્ષણ થાય. અશ્વેત લોકો મોટે ભાગે કારખાનામાં મજુર બની ગયા અને ચોક્કસ યુરોપના લોકો બાંધકામનાં કામો જેવાં કે પ્લમ્બિંગ, ઈલેકટ્રિકલ, કડિયાકામ અને સુથારકામમાં મોટે ભાગે ગોઠવાઈ ગયા.

લૉસ એન્જલેસની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના અધ્યાપક કેરન બ્રૉડકીનનું પુસ્તક “How the Jews Became White Folks” પણ એટલું જ ઉપયોગી છે. લેખક પોતે પણ યહૂદી સ્ત્રી છે અને તેઓ વર્ણવે છે કે યહૂદીઓએ કઈ રીતે અમુક ચોક્કસ વ્યવસાય ઉપર પકડ જમાવીને અમેરિકાની જાતિવાદની સીડી ઉપર ચઢીને છેલ્લા માત્ર પચાસ વરસમાં અત્યારે પોતાની આ સ્થિતિ બનાવી.

ભારતની જાતિ-પ્રથાના વિકાસનું કારણ અમેરિકાની જાતિ-પ્રથાની માફક જ શ્રમજીવીઓના સમુદાયની જીવન જરૂરિયાતના પાયામાં હતું. એટલે જ ભારતમાં દરેક વ્યક્તિ ક્યા પ્રકારનો વ્યવસાય કરે છે એના આધાર ઉપર જ એની જાતિ નક્કી થયેલી છે જેવી રીતે આધુનિક અમેરિકામાં દરેક વ્યવસાયના લોકો પોતપોતાની આવશ્યકતા મુજબ અને પોતાની રીતે પોતપોતાનાં મહાજન (એસોસિએશન) બનાવે છે અને એના સભ્ય બને છે જેથી તેઓ બહારના લોકો સામે હરીફાઈ કરી શકે. ભારતમાં આ વર્ગીકરણ વંશપરંપરાથી ચાલતું આવ્યું કારણ કે સંતાનોને મા-બાપનાં માર્ગદર્શન હેઠળ વ્યવસાય શીખવવામાં આવતો જેથી કૌટુંબિક પરંપરા દ્વારા વ્યવસાય આધારિત એક ચોક્કસ વર્ગીકરણ થતું રહ્યું.

પ્રાચીન શાસકોને સરકારી કરવેરા માટે વ્યાવસાયિક સમુદાય સાથે વાટાઘાટ કરવાનું સહેલું લાગ્યું હશે જે રીતે બ્રિટિશ શાસને કરવેરાની સારામાં સારી કાર્યદક્ષતાથી વધુમાં વધું ઉઘરાણી થઈ શકે એ માટે જમીનદારનો વર્ગ ઊભો કર્યો હતો. અમેરિકાની મોટા ભાગની વકીલોની પેઢીઓ યહૂદીઓની માલિકીની છે અને મોટા ભાગની મોટેલો ભારતના ગુજરાતીઓની છે. આમ આ સૂચિ વધુ ને વધુ લંબાવી શકાય. કાર્યમાં કૌશલ્ય, શ્રેઠતા અને ચોક્કસ અસ્ક્યામતને લીધે સમાજનો વિકાસ થાય છે. અમેરિકાના બુશ અને ગોર બંને રાજકીય વંશવાદના વારસ જ તો છે.

ભાષાજ્ઞાન પણ આ જ રીતે એક પેઢીથી બીજી પેઢી એમ પસાર થતું રહે છે કારણ કે છેક બાળપણથી બાળક ઘરમાં માતા-પિતા પાસેથી જ બોલતાં શીખે છે. ભાષાના ઉચ્ચારો, એની લઢણ, કહેવતો, વપરાશની વ્યવહારદક્ષતા અને અગાઉના સાહિત્યનો અધિકારપૂર્વક સંદર્ભ આપવો વગેરે બધા માટે ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ આવશ્યક છે. સમયાંતરે ભાષાની અમુક ચોક્કસ લાક્ષણિકતા અમુક ભદ્ર વર્ગની “ગણાવા” મંડે છે. જે રીતે અમુક લોકો ભાષા “બોલતાં” હોય છે તે રીત તેમનો સામાજિક દરજ્જો નક્કી કરે છે. અર્વાચીન સમયમાં વ્યક્તિના કાર્યને પ્રકાશિત કરવા માટે ભાષા ઉપર પ્રભુત્વ કેટલું સારું છે તેના ઉપર અવલંબે છે અને એના આધાર ઉપર એની સમાજમાં પ્રતિષ્ઠા નક્કી થાય છે. પ્રાચીન ભારતમાં સંસ્કૃતનું ચલણ વધુ હતું જે આજના આધુનિક યુગમાં અંગ્રેજીનું છે. જે રીતે સંસ્કૃત ભાષાનો જાતિ સાથે સંબંધ હતો તે જ રીતે વૈશ્વિક સ્તરે અંગ્રેજી જાતિ-ભેદ અને સમાજમાં સ્તરીકરણ માટેનું સાધન બની ગયું છે.

મહત્ત્વનો તફાવત એ છે કે ભારતમાં આ જાતિવાદને કાયદાકીય સ્વરૂપ અપાયું જ્યારે અમેરિકાના પ્રાદેશિક કે કૌટુંબિક વંશીય એવા સામાજિક માળખામાં એને કોઈ આવું સ્વરૂપ અપાયું નથી અને તે સુપ્ત સ્થિતિમાં રહેલું છે. પણ ભારતની જાતિવાદ સહિત અનેક વિષયોને લગતી સ્મૃતિઓ (સામાજિક નિયમો) સ્થળ, સમય અને તે વખતના સામાજિક સંજોગો માટે હતી, નહીં કે તે સર્વસામાન્ય સૌને લાગુ પડે એવા દૈવી આદેશો હતા અને ન તો તે દરેક વ્યક્તિ કે દરેક સમય માટે હતા અને તે બાબતનો ઉલ્લેખ કરાતો નથી. આ નિયમો અમુક યુરોપના કોઈ ચોક્કસ રાજાના કાયદા જેવા હતા. સ્વાભાવિક રીતે જ તે સમયે સામાજિક જીવનનાં અનેકાનેક પાસાને સ્પર્શતી સેંકડો સ્મૃતિઓ સેંકડો લોકો દ્વારા ભિન્ન ભિન્ન સમયમાં રચાયેલી હતી. ઘણી સ્મૃતિઓ એકબીજાથી વિસંગત હતી અને/અથવા એક સ્મૃતિ બીજી સ્મૃતિનું સ્થાન ગ્રહણ કરી લેતી, જેમ મધ્યકાલીન યુરોપના અસંખ્ય કાયદા બાબતમાં થતું.

અમેરિકાની કાયદાકીય સ્વરૂપ ન પામેલી, અદ્રશ્ય અને ઘણી વખત ન “સ્વીકારાયેલી” જાતિવાદની પ્રથાનો લાભ એ છે કે આ પ્રથા “પથ્થરની લકીર” નથી બની જતી. એથી ઉલટું, કાયદાનું સ્વરૂપ ન હોવાને કારણે એ પ્રથા છિદ્રોવાળી અને ભેદ્ય રહે છે અને સમયાંતરે એ અચલ ન રહેતાં એને બદલી શકાય છે. બીજી તરફ જે સ્પષ્ટ હોવાને બદલે સુપ્ત સ્થિતિમાં છે એ હાનિકારક છે કારણ કે એનો અમલ સ્વચ્છન્દી રીતે થઈ શકે છે. તદુપરાંત, મોટા ભાગના લોકો જેઓ આ જાતિવાદનો ઉપયોગ કરે છે તેઓ એના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તેથી આ વિષય ઉપર પ્રામાણિક ચર્ચા થઈ શકતી નથી જેથી એમાં સુધારા કરી શકાય. આજે અમેરિકામાં આ સ્થિતિ છે. હું ઈચ્છુ છું કે ભારત વિષે ભણાવતાં અમેરિકાના શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનો જ અભ્યાસ કરે જેથી એમને સમજાય કે આધુનિક અમેરિકાનું સામાજિક માળખું ભારતનાં સામાજિક માળખાને કેટલું મળતું આવે છે.

મારો અનુભવ એ છે કે ભારતની જાતિવાદની પ્રથા માટેનો અભ્યાસ “દક્ષિણ એશિયા”ના સંદર્ભમાં ઢાળી દેવાયો છે અને મોટા ભાગના ઉચ્ચ શિક્ષણ પામેલા અમેરિકનોનું એમની પોતાની જાતિ-પ્રથા વિષે “જાન-કર-ભી-અનજાન” જેવું વલણ છે. આમાં એક સરખા શબ્દપ્રયોગથી સરખામણી કરવા માટે વિવશ કરી શકાય છે. એ વાત નોંધવી રહી કે “caste” શબ્દ ભારતનો મૂળ શબ્દ નથી કારણ કે “જાતિ” શબ્દ સમાજ શબ્દ સાથે વધુ સુસંગત લાગે છે. “Caste” શબ્દને સંસ્થાનવાદીઓએ દાખલ કર્યો હતો અને એ શબ્દને ફરી મુલવવાની આવશ્યકતા છે. શું ભારત દ્વારા હકારાત્મક પગલું વધુ લાભદાયી નહીં નીવડે જેમાં ભારતના નીચલા વર્ગ અને સમકાલીન વ્યવસ્થાના ભાગ જેવી મનાતી ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચે એકબીજાને ન માત્ર સ્થાનાન્તરની છૂટ આપવી જોઈએ પણ એમને સ્થાનાન્તર કરવા માટે પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. અત્યારે જન્મ સાથે જોડી દેવાયેલી સ્થગિત જાતિવાદની પ્રથામાંથી બહાર આવવાનો એક અવસર આ હોઈ શકે.

એશિયન-અમેરિકનો માટે અમેરિકાના જાતિવાદને ઓળખવો બહુ લાભદાયી છે. પારંપરિક રીતે ભારતીયો બહુ અંતર્મુખી રહ્યા છે જેને કારણે એમણે વિશ્વના અન્ય ભાગો વિષે અભ્યાસ કર્યો નથી. પણ આ ગતિશીલ વિશ્વ વિષે જાણવું એ ઘણું મહત્ત્વનું છે જે પોતાના વિષે પણ વધુ ઊંડી જાણકારી પ્રાપ્ત કરવામાં સહાયભૂત થઈ શકે. હિન્દુઈઝમના અભ્યાસની અને વિદ્વતાની ડોર યહૂદી અને ક્રિશ્ચિયન લોકોના હાથમાં છે. ભારતીયો અન્યો દ્વારા પોતાની છબી ચિતરાવીને સંતુષ્ટ રહે છે. પણ એ છબી જ્યારે એમનાં સામાન્ય જીવનમાં ખલેલ પહોંચાડે છે ત્યારે તેઓ ફરિયાદ કરવા માંડે છે, જેમ કે એમનાં સંતાનો પશ્ચિમમાં જ્યારે ઉછરતાં હોય છે અને “peer pressure”નો સામનો કરતા હોય છે ત્યારે, અથવા મૂળ ભારતના માર્ક્સવાદીઓ દ્વારા લોકમતને ઘાટ અપાતો હોય ત્યારે કે પછી ભારતમાં આક્રમક રીતે ધર્મપરિવર્તન થતા હોય.

પૂર્વ એશિયાએ અમેરિકામાં પોતાની છબી ખુબ વ્યવસ્થિત બનાવી છે. “ઘી એશિયા સોસાયટી”ના જાપાનની સભ્યતાના અભ્યાસ માટેના અમેરિકાના મહાવિદ્યાલયોમાં ત્રીસથી વધુ કેન્દ્રો સ્થાપિત કરાયાં છે. અને વાર્ષિક લાખ્ખો ડોલર્સને ખર્ચે જાપાન વિષે કેવી રીતે ભણાવવાનું એ વિષે અમેરિકામાં શિક્ષકો તૈયાર કરાય છે. એટલે જ જાપાનીઝ-અમેરિકન અન્ય એશિયાના દેશો કરતાં આ જાતિવાદની સિડી ઉપર ઘણા ઉપર ચઢી ગયા છે. એ ધ્યાનમાં લેવું જોઈએ કે 1980ના દાયકામાં જે જાપાન વિષે છાશવારે માધ્યમોમાં ઘસાતું બોલાતું રહેતું હતું તે કોઈ અગમ્ય કારણસર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. અમેરિકાની અંદર પોતાનો માર્ગ સુલભ કરવાની બાબતમાં પંદરેક વર્ષ પહેલાં જ ચાલુ કરનાર ચીન એશિયાઈ દેશોમાં આ સીડી ઉપર ચઢવામાં બીજા ક્રમાંકે આવે છે.

ભારતીય-અમેરિકન લોકો વ્યક્તિગત રીતે ઉચ્ચ તકનીકી (high tech)/વ્યવસાયની જાતિમાં ખુબ સફળ છે. અંગ્રેજી ભાષા ઉપર ખાસ્સું પ્રભુત્વ ધરાવતા અલ્પસંખ્યક પણ પ્રભાવશાળી બુદ્ધિજીવી ભારતીયોની એક જાતિ છે જેઓ લોકપ્રિય તેમજ ગંભીર વિષયો ઉપર પુસ્તકો લખે છે. ઘણી વખત આ ગંભીર વિષય ઉપર લખનારા પશ્ચિમી અને માર્ક્સિસ્ટ રૂપકોનો ઉપયોગ કરતાં શીખ્યા હોય છે કારણ કે ભારતમાં જ અંગ્રેજી માધ્યમવાળાં શિક્ષણમાં ભારતનાં ગ્રંથોનું વિકૃત નિરૂપણ થયેલું છે-જેમ કે રામાયણ અને મહાભારત- આપણી સંસ્કૃત ભાષા સહિત. આ યુવા ભારતીયો પોતાની સાંસ્કૃતિક વિરાસતની વધુ પડતા નજીક રહેતા અચકાય છે અને પોતાનાં મા-બાપનું ઘર છોડ્યાં પછી પોતાની જાતને “દક્ષિણ એશિયા”ના મૂળ રહેવાસી ગણાવવાનું પસંદ કરે છે.

હિન્દૂ ઓળખ અમેરિકામાં આજે પણ લગભગ બહિષ્કૃત અને ઉતારી પડાયેલી સ્થિતિમાં છે. પ્રસાર માધ્યમોમાં, શિક્ષણમાં અને જાહેરમાં હિન્દુઈઝમની એક ચોક્કસ નકારાત્મક છબી ઉપસેલી છે. એટલે મોટા ભાગના હિન્દુઓ અનેક ઓળખ રાખે છે, અને જે સ્થળે જે ઓળખ વધુ ચાલે એને આગળ કરે છે. જે હિન્દૂ ઘરે ભગવાનની મૂર્તિ સામે બેસીને પૂજા-અર્ચના કરે છે અને એકદમ દેશી વાતાવરણમાં અન્ય ભારતીયો સાથે સ્નેહ-સંમેલન કે મોજમસ્તી કરતાં હોય છે તે જ હિન્દૂ દરરોજ જ્યારે કામ ઉપર જાય છે ત્યારે એ આનંદની પળોની બધી યાદોની બધી કડીઓ ભૂંસી નાખે છે. “Post-Colonialists (ઉત્તર-સંસ્થાનવાદીઓ)”એ “બ્રાઉન શૅમ(સ્વ પ્રત્યે સંકોચનો ભાવ)” વિષે લખ્યું છે જે બ્રિટિશ સામ્રાજ્યે ભારતીયો ઉપર આધિપત્ય જમાવવા માટે ભારતીયોમાં પ્રોત્સાહિત કરેલી. પણ હમણાંની આ તાજેતરની”હિન્દૂ શૅમ(હિન્દૂ હોવાનાં સંકોચનો ભાવ)” ઘટના વિષે કોઈએ લખ્યું નથી. જાહેરમાં પોતાને હિન્દૂ તરીકે ઓળખાવતાં આ લોકોને સંકોચ થાય છે જે રીતે વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદી લોકોને થતો હતો. છેલ્લાં પાંચ વર્ષોમાં આ બાબત ઘણી વણસી છે અને હિંદુઓને “ફાસિસ્ટસ(ફાસીવાદી)”, “ઉગ્રવાદી”, “રૂઢિવાદી”, અથવા લેખકનાં શબ્દકોશની ક્ષમતા પ્રમાણે આવા જ કોઈ નકારાત્મક સંબોધનથી ઓળખવામાં આવશે એવો ભય સતાવી રહ્યો છે.

હિંદુઓને અમુક ચોક્કસ ગ્રંથોમાંથી પૂર્વગ્રહયુક્ત અર્થઘટન કરીને દુનિયાદારી પ્રત્યે ઉદાસીન છે એમ ઓળખવામાં આવે છે એટલે કે જાણે અધ્યાત્મ સાથે જોડાયેલી પલાયનવાદની વૃત્તિ ધરાવનાર ન હોય. અને જો એ સમાજમાં કે દુનિયાદારીમાં સક્રિય હોય તો એને સ્ત્રીઓનું શોષણ કરનાર, કંગાળ અને સામાજિક રીતભાતોમાં પછાત ગણવામાં આવે છે. એટલે કે જે રીતે પશ્ચિમ સક્ષમ છે એ રીતે સામાજિક જવાબદારીયુક્ત પ્રગતિ કરવા માટે હિંદુઓ સક્ષમ નથી એ રીતે એમને જોવાય છે.

આ નવી હિન્દૂ-અમેરિકન જાતિએ ઉપર જોઈ ગયા તે મુજબ અન્ય જાતિઓની સફળતામાંથી બોધ લેવાની આવશ્યક્તા છે. આ ખુબ મહત્ત્વનું છે કારણ કે અમેરિકામાં ભારતીયોની વસ્તી 2050 સુધીમાં એક કરોડ જેટલી થવાની શક્યતા છે અને એવા પણ બિન-ભારતીયો છે જેઓ હિન્દૂ ધર્મ અંગીકાર કરી રહ્યા છે.

પ્રકાશિત : ૨૦૦૧
મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: અલકેશ પટેલ
Is There An American Caste System?

Leave a Reply