હિન્દુ ધર્મની એક બહું જ મહત્વની અને વિશિષ્ટ ખાસિયત એ છે કે એનાં લાંબા ઈતિહાસમાં વ્યાપક પ્રમાણમાં દરેક સમયમાં સમકાલીન જીવંત ગુરુઓની ઉપસ્થિતિ રહી છે. આ ગુરુઓ થકી આપણી પરંપરા જીવંત રહી અને તેઓ સતત નવાં જ્ઞાન અને અર્થઘટનથી દરેક સમયે અને પ્રત્યેક સંદર્ભમાં એનું સિંચન કરતા રહ્યા છે. મારા પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ”માં મેં સમજાવ્યું છે કે કઈ રીતે સત-ચિત-આનંદ વિષેની વૈદિક તત્વમીમાંસા સતત અને વિસ્તીર્ણ ગુરુઓનાં વહેણને ભિન્ન ભિન્ન વાતાવરણમાં પણ ચાલુ રાખવાંમાં મદદ કરે છે. આપણાં સમગ્ર ઈતિહાસમાં પરમ્પરા જાળવવામાં અને એને ખુબ જ સુદ્રઢ બનાવવામાં ગુરુઓએ બહું શક્તિશાળી અને પ્રભાવપૂર્ણ યોગદાન આપ્યું છે.
સંસ્થાગત ધર્મો -“રિલિજિયન ઓફ ધ બુક(અબ્રાહિમિક ધર્મો) નો નાશ શક્ય છે કારણ કે “પુસ્તકો”ને હટાવી દેવાનું કે બાળી નાખવાનું કે એનાં પ્રકાશનનો નિષેધ કરવાનું શક્ય છે. પણ, હિન્દૂ ધર્મની બાબતમાં તેને નાશ કરવાનાં આવાં દરેક પ્રયાસો પછી જીવંત ગુરુઓએ ફરીથીતેમાં પ્રાણ ભર્યા છે. જનમાનસમાં આપણાં સાધુઓ, મહાત્માઓ અને આચાર્યોમાં વિશ્વાસ હોવાને લીધે એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી આપણી પાસે ક્રિયાશીલ ગુરુઓ હશે ત્યાં સુધી આપણે સમૃદ્ધ રહીશું.
આ જ કારણ છે કે અવારનવાર હિંદુત્વના વિરોધીઓ આપણી પરંપરાને હાનિ પહોંચાડવા આપણાં ગુરુઓ ઉપર દ્વેષભર્યા વાર કરે છે.
છેલ્લાં થોડાં દાયકાઓમાં આપણા ઓશોની ઉપર માનવહત્યા સહિતના ગંભીર અપરાધોનાં દુષ્ટતાભર્યા આરોપો થયાનું અનુભવ્યું છે. ત્યાર બાદ સ્વામી મુક્તાનંદના એમના મૃત્યુના એકાદ દાયકા બાદ એમની ઉપર લૈંગિક વ્યભિચારનો આરોપ લગાવાયો, અને તે પણ વિધિની વક્રતા જેવું, એમનાં જીવનકાળ દરમિયાન રહી ચૂકેલ એમની ખાસ શિષ્યાઓ દ્વારા. સ્વામી પ્રભુપાદનાં અવસાન પછી ઈસકોનની સામે લૈંગિક પજવણીને મામલે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. 1970થી ગોરા અમેરિકનોનાં ખુબ ખ્યાતનામ અને સફળ એવાં યોગનાં ગુરુ યોગી અમૃત દેસાઈને આવા જ આરોપ હેઠળ એમની જ સંસ્થા કૃપાલુ કેન્દ્રમાંથી અચાનક હટાવી દેવામાં આવ્યા. મહર્ષિ મહેશ યોગી જયારે એમની સફળતાની ચરમસીમાએ હતા ત્યારે એમને પણ નીચે પાડવા માટે આવા પ્રયાસો થયા હતા. 82 વર્ષની ઉંમરે સ્વામી પ્રકાશાનંદ સરસ્વતી ઉપર બાળ લૈંગિક છેડતીનો આરોપ લગાવાયો. આરોપીઓએ એક દાયકા અગાઉ આ છેડતીનાં શિકાર બન્યા હોવાનો દાવો કર્યો, અને એમને આ વિષે ફરિયાદ કરતા આટલો સમય કેમ લાગ્યો એ વિસ્મયકારક જ છે. એ વિષેનો ખુબ જ મહત્ત્વનો પૂરાવારૂપી વીડિઓ ફરિયાદીપક્ષથી “ખોવાઈ” ગયો. તેમ છતાં જ્યુરીને આરોપીને 50 વર્ષની જેલની સજાને પાત્ર દોષિત જાહેર કરતાં માત્ર 50 મિનિટ જ લાગી.
આ જ આક્રમક સતામણીની વ્યૂહરચનાને ભારતમાં લાગુ કરાઈ છે. આપણે ખોટાં હત્યાનાં આરોપમાં કાંચીનાં શંકરાચાર્યને સંડોવવામાં આવ્યાં તે જોયું અને અનુભવ્યું છે- જે પાછળથી ખોટું સાબિત થયું, પણ ત્યાં સુધીમાં આપણાં પ્રસાર માધ્યમો દિવસરાત મહેનત કરીને એમની જાહેર છબી શક્ય તેટલી ખરડી ચુક્યા હતા. એકવાર શકરાચાર્યનો છુટકારો થતાં આ મધ્યમાઓએ ક્ષમા પણ માંગી નહીં, એમની છબી પુનઃસ્થાપિત કરવાની વાત તો બાજુએ રહી. આશારામ બાપુ, સાઘ્વી પ્રજ્ઞા અને આશુતોષ મહારાજ અન્ય અનેક સંતોમાંના છે જેમને એ સૌના અનુયાયીઓ માને છે કે એમને ખોટાં ફસાવવામાં આવ્યા છે અને માધ્યમો દ્વારા અનુચિત રીતે એમનાં વિષેની માહિતીઓની રજુઆત કરાય છે.
એ જ રીતે સ્વામી નિત્યાનંદની સામેનાં આક્ષેપો પણ જુઠાં સાબિત થઈ ચુક્યા છે એ વાત પણ હવે જાહેર થઈ ગઈ છે પણ પ્રસાર માધ્યમોએ એમને ન્યાય આપવામાં ભાગ્યે જ કોઈ પ્રયત્નો કર્યા છે. એમની પાસેથી બિદાદી (બેંગ્લોર) અને વારાણસી ખાતે મેડિટેશનનાં પાઠ શીખ્યા બાદ હું એટલું વિશ્વાષપૂર્વક કહી શકું છું કે હજારોની સંખ્યામાં લોકોને એમની પાસેથી અસાધારણ લાભ પ્રાપ્ત થયાં છે. એમનાં મોટાં ભાગનાં અનુયાયીઓ ખુબ શિક્ષિત, યુવાન, પૂરાં માહિતગાર અને પોતાનાં હક વિષે આગ્રહી એવાં છે-અને આ બાબત પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેને લાગુ પડે છે. મને એવું જરાયે લાગ્યું નથી કે આ લોકો સહેલાઈથી છેતરાઈ જઈ શકે અથવા કાંઈક ખોટું થતું હોય તો આંખ આડા કાન કરે.
ઘણાં વર્ષોથી મારાં કાર્યથી માહિતગાર એક નિવૃત્ત માનસચિકિત્સકના માધ્યમથી મને સ્વામી નિન્ત્યાનંદનો પરિચય થયો હતો. અમુક વર્ષોના ગાળા દરમિયાન એમણે મારો વિશ્વાસ જીતી લીધો હતો. (મેં એ નોંધ્યું હતું કે નિત્યાનંદની સંસ્થામાં પોતાની ઉન્નતિ થાય એ માટે તેઓ ઘણાંમહત્વાકાંક્ષી હતાં). મેં એમનાં દ્વારા સ્વામી નિત્યાનંદ વિષે એમની વિરુદ્ધ કહેવાયેલી વાતો ઉપર વિશ્વાસ રાખ્યો. પાછળથી મને જાણ થઈ કે આ એક નજીવી ઈર્ષાનું ફળસ્વરૂપ હતું કારણ કે એમનાં ઉદ્દેશ મુજબ એમને અમુક મહત્વનું સ્થાન સંસ્થામાં પ્રાપ્ત ના થયું એટલે તેઓ એમનાં એક કિન્નાખોર શત્રુ થઈ ગયા.
ત્યાર બાદ મેં મારી જાતે એ વિષે તપાસ કરવાનું શરુ કર્યું. મેં સંસ્થાની અંદરની અનેક સ્ત્રીઓ સાથે આ બાબતમાં ચર્ચા કરી અને એ નિષ્કર્ષ ઉપર આવ્યો કે જો આ આક્ષેપો સાચા હોત તો આ શિક્ષિત અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રીઓ એમના ગુરુનાં આટલાં વફાદાર અને ટેકેદાર ના રહ્યા હોત. તદુપરાંત, અમુક વકીલોની મદદથી મેં કાયદાકીય પ્રમાણો વિષે મારી પોતાની જિજ્ઞાસા માટે તપાસ કરી. તો એવી શક્યતા જણાઈ કે એમની સામેની કાયદાકીય કારવાઈ રાજકીય હેતુ સાધવા માટે કરાઈ હોય અને એમાં પારદર્શકતાનો પણ અભાવ વર્તાયો. હકીકતમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા એક તટસ્થ કાયદાકીય નિષ્ણાતે મને કહ્યું કે બદઈરાદાપૂર્વકનાં કારણોને લઈને એમને ફસાવવાનો આ કારસો હતો જે ખોટી રીતે ચલાવાયો હતો.
કમનસીબે, આવી કાયદાકીય બાબતોને આધારવિહીન આક્ષેપો હોવાં છતાં વર્ષો સુધી જાહેર છબી બગાડવા માટે ખેંચવામાં આવે છે. મારાં મતે ગુનો સાબિત કરવા માટેની ન્યાય પ્રક્રિયા ચાલું થયા બાદ એક અવધિ સુધીમાં એનો નિવેડો લાવવાનું આવશ્યક હોવું જોઈએ. અને જો આ વ્યવસ્થા એ કરવામાં સક્ષમ ના હોય તો આરોપીને મુક્ત કરી દઈને આ આરોપો પાછાં ખેંચી લેવા જોઈએ. છેવટે , સત્તાધિકારીને કોઈ પણ વ્યક્તિની જિંદગી બિનઆધારિત આક્ષેપો દ્વારા બરબાદ કરવાનો હક્ક ના હોવો જોઈએ અને તે પણ આ પ્રક્રિયાને એક દાયકા કે તેથી પણ વધું સમય સુધી ખેંચીને.
તદ્દઉપરાંત, પ્રસાર માધ્યમોને આ રીતે વર્તવાનો હક્ક ના હોવો જોઈએ કે જાણે તેઓને ન્યાય કરવાનો સત્તાધિકાર છે. પ્રસાર માધ્યમોની માફિયાગીરીથી થતી હાનિ એ કાયદાકીય પ્રક્રિયાથી થતી હાનિ કરતા પણ વધું ખરાબ છે (જો છેલ્લે ગુનો સાબિત થાય તો પણ). આ માધ્યમો કોઈ પણ સ્પષ્ટવક્તા અને સફળ એવાં હિન્દુને બરબાદ કરવા માટે કૃતનિશ્ચયી હોય એવું લાગે છે. એવી જોગવાઈ હોવી આવશ્યક છે કે જો કોઈ પ્રસાર માધ્યમો દ્વારા કોઈ વ્યક્તિની સામે આક્ષેપો કરાય અને આ આક્ષેપો અમુક વ્યાજબી સમયમાં પ્રમાણિત ના થઈ શકે તો આ માધ્યમોએ ત્રણ ગણો વધું સમય અને એટલી જગ્યા આપીને ક્ષમા માંગવી જોઈએ અને જે વ્યક્તિની સામે ખોટાં આક્ષેપો થયાં હોય એ વ્યક્તિનાં પક્ષની હકીકત રજુ કરવી જોઈએ. માત્ર આ પ્રકારનો ધાક જ આ માધ્યમોને જવાબદાર બનાવી શકશે અને બેફામ બેજવાબદાર માહિતીપ્રસારણને અટકાવી શકશે.
મેં મારાં બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તકમાં ભારત તેમજ વિદેશોમાં ભારતનાં સંસ્કૃતિનાં માળખાનો નાશ કરવા માટે ચાલી રહેલી કાર્યપદ્ધતિને આલેખી છે. સ્વામી નિત્યાનંદની બાબતમાં હકીકત એ છે કે તેઓ ખ્રિસ્તી ચર્ચ દ્વારા થઈ રહેલું ધર્મ-પરિવર્તન રોકવામાં દક્ષિણ ભારતમાં ઘણાં સફળ થયા હતાં, ખાસ કરીને તમિલ નાડુમાં.
મારાં નિજી અનુભવ પરથી હું કહી શકું છું કે આ બ્રેકીંગ ઈન્ડિયા(ભારત ને તોડવા માંગતા) પરિબળો ખુબ વ્યવસ્થિતપણે આયોજન કરીને જે એમનાં કાર્યમાં અડચણરૂપ હોય એવી વ્યક્તિની પાછળ પડી જાય છે,. એમનાં આ કાર્યમાં કોઈ નૈતિકતા કે નીતિનિયમો હોતા નથી. આટલું હું મારાં વ્યક્તિગત અનુભવ ઉપરથી કહી શકું છું કારણ કે મેં પોતે આ પરિબળોનો સામનો કર્યો છે.
હિન્દુઓએ ધર્મની વિરુદ્ધ થતાં કર્યો માટે અવાજ ઉઠાવતાં હોય તેવાં આપણાં આગેવાનો/સાધુસંતો માટે બહેતર ન્યાયપ્રક્રિયાની માંગ કરવી જોઈએ. મારી કાર્યપદ્ધતિ એ છે કે સંદેહનો લાભ ગુરુને મળવો જોઈએ નહીં કે પ્રસાર માધ્યમોને અને જેઓ આક્ષેપો કરે તેમને માથે સાબિત કરવાની જવાબદારી હોવી જોઈએ; ન્યાયપ્રક્રિયામાં આ જ આવશ્યક છે. હું પ્રસાર માધ્યમોની રજૂઆતને સીધેસીધી સ્વીકારવાં ઈચ્છતો નથી.
સૌધી મહત્વની વાત એ છે કે હિન્દુઓએ આંતરિક વિભાજનની માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે. આપણા દ્વારા અન્ય સંપ્રદાયનાં ગુરુની જીવનદ્રષ્ટિ, કર્મકાંડ અને પદ્ધતિને ખોટી સાબિત કરવા માટે ઘણો ભાર મુકાય છે. આપણે સૌ આપણાં(હિન્દૂ ધર્મનાં)અસ્તિત્વનાં જોખમનો સામનો કરી રહ્યા છે એવે સમયે એકબીજા સાથે ગંભીર ના હોય એવાં વિષયો બાબત દલીલબાજીમાં ઉતરવાની બૌદ્ધિક “રમત” રમવાનું આપણને પાલવે એમ નથી. આવી દારુણ પરિસ્થિતિમાં આપણે એક નથી થઈ શકતા એ બાબતથી હું બહું નિરાશ થાઉં છું. મોટાં ભાગનાં સ્વાર્થી હિન્દુ નેતાઓ/આગેવાનો આવાં બ્રેકિંગ ઈન્ડિયા(ભારત ને તોડવા માંગતા) પરિબળોની સામે એક થઈને સૈદ્ધાંતિક અવાજ ઉઠાવવાને બદલે સ્વબચાવ માટે કોઈ છત્ર નીચે જતાં રહે છે.