“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા

ભારતીય મહાગાથા

આ પુસ્તક પ્રસ્તુત કરે છે કે સંસ્કૃત ભાષા અને આપણી સંસ્કૃતિ જીવનથી ધબકે છે, પવિત્ર છે અને એ મોક્ષના સ્તોત્ર છે.છતાં એનું ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણાં અંદરના વિદ્વાનો એને જાળવી રાખવાં શું પગલાં લેશે. મોટો ફાયદો ત્યારે થશે જ્યારે આપણાં સંસ્કૃતના વિદ્વાનો અને ભારતની મહત્વની સંસ્થાઓ એને નિર્ણાયક વળાંક આપવા આ કુરુક્ષેત્રમાં ઝંપલાવશે. એક જૂની કહેવત છે કે પંડિત એને કહેવાય કે જે પોતાની માન્યતા ઉપર કાર્ય કરે (य:  क्रियावान् स: पंडित:). પરિસ્થિતિમાં બદલાવ માત્ર નક્કર કાર્ય કરવાથી જ ફળીભૂત થાય, નહીં કે વાતોના વડાથી.

હું ચર્ચા માટેના વિષયોની યાદી બનાવવાનો પ્રસ્તાવ રાખવાં માંગુ છું જે આ પુસ્તકની ફળશ્રુતિથી શરૂ થઈ શકે. એમાંથી જો થોડાં વિષયો ઉપર પણ આપણી  પરંપરાના પ્રતિનિધિઓ હોય એવાં જાણકાર વિદ્વાનો સાથે ચર્ચા થઈ શકે તો બાજી પલટાવવાની શક્યતા ઊભી થઈ શકે. આ જ માર્ગ ઉત્તમ કહી શકાય જ્યારે બૌદ્ધિક ક્ષત્રિયોને તૈયાર કરી શકાય જેઓ આપણી ધર્મિક પરંપરાનું સંગીન જાણકારી અને ચર્ચા કરવાની આવડત સહિત આત્મવિશ્વાસપૂર્વક પ્રતિનિધિત્વ કરી શકે. આ મંથનના ફળસ્વરૂપે ઉપજેલા જ્ઞાનનો લાભ શિક્ષણક્ષેત્ર, સંસ્કૃતિ, વિજ્ઞાન, જાહેર આરોગ્યસેવા, ઇન્ટરફેઈથ વિષયને લાગતી બાબતો, વિદેશી મંત્રાલય વગેરેની નીતિના ઘડવૈયાઓને અને પ્રસાર માધ્યમોને મળી શકે.

  1. A. ફરીવારની બૌદ્ધિક ગુલામી સામેનો વાંધો
  2. સંસ્કૃતના અભ્યાસ માટેના અધિકારનો એક્સપોર્ટ:

શૃંગેરી પીઠમને અમેરિકન ઑરિએંટલિસ્ટસો દ્વારા કપટથી હસ્તગત કરી લેવાની ચાલબાજી સામેની મારી લડતનું ફળસ્વરૂપ આ પુસ્તક “ધી બેટલ ફોર સંસ્કૃત”  છે. આ કબજો લેવાનો પેંતરો એનઆરઆઈના ભંડોળ અને શૃંગેરીના વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી રચાઈ રહ્યો છે.

આ ઘટના બતાવે છે કે અમુક વ્યક્તિઓ અને સંશ્થાઓ જેમને “અન્ય” સંસ્કૃતિમાં દખલઅંદાજી કરવાનો રસ છે તેઓ કઈ રીતે આવો અધિકાર પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે. મારા મતે આ બાબત ભયજનક છે.

આપણી સંસ્કૃતિના પાયાને ચેતનવંતા બનાવવા અને વિકસાવવા માટેની પ્રક્રિયા ઉપર ચર્ચા કરવાની તાતી આવશ્યકતા છે જ. આપણે પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સ સાથે સહકાર સાઘવા માટે આપણાં હિતોને જોખમાયા વિના અને આપણાં હિતોનું રક્ષણ કઈ રીતે થાય તેની વ્યૂહરચના કરવી જોઈએ

  1. પાશ્ચાત્ય વૈશ્વિક વિશેષાધિકાર પ્રસ્તુત:

અત્યારનો ચીલો એ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિવેચન/સમીક્ષા માટે પાશ્ચાત્ય દ્રષ્ટિકોણના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવા; આ માટે ઘણાં વર્ષોની જહેમતથી ખૂબ જ બહોળા પાશ્ચાત્ય સિદ્ધાંતો અને સિધ્ધાન્તવાદીઓનો અભ્યાસ કરવો પડે છે.

આને કારણે ભારતીય સંસ્કૃતિ, સિદ્ધાંતો, પરંપરા અને સંપ્રદાયમાં રહેલા વિવેચનના જે સાધનો, જે રીતો છે તે સીમા પર ધકેલાઈ જશે એવો ભય છે. તદુપરાંત ભારતીય સંસ્કૃતિની અત્યુત્તમ અતિ મૂલ્યવાન માન્યતાઓનો કબ્જો લઈને એને પાશ્ચાત્ય માન્યતાઓ તરીકે પ્રસ્તુત કરવાનો કારસો પણ થઈ રહ્યો છે. હું એની સરખામણી અમેરિકન ડોલરને વૈશ્વિક નાણાંકીય ચલણ તરીકે ઉપયોગમાં લેવાની બાબત સાથે કરું છું. હું પ્રસ્તાવ મુકું છું કે આપણે પણ સંસ્કૃતના “અભાષાંતરીય” શબ્દોને ભવિષ્યના વૈશ્વિક બૌદ્ધિક ચર્ચા-વિચારણાના ચલણના હિસ્સા રૂપે મુકવા જોઈએ.

  1. ઑરિએંટલિઝમની સ્થિતિ:

શેલ્ડોન પોલોક ભલે દાવો કરતો હોય કે આપણે માટે “ઑરિએંટલિઝમનો” સમય ભૂતકાળ બની ચુક્યો છે. પણ મારું માનવું છે કે “ઑરિએંટલિઝમનું” જૂનું વર્ઝન 1.0નું પરિવર્તન વધું ભ્રમજાળવાળું “અમેરિકન ઑરિએંટલિઝમ” વર્ઝન 2.0માં થયું છે. આપણે આ વાતની ચર્ચા કરવાની આવશ્યકતા છે કે આજે ઈન્ડોલોજી એ મોટા ભાગે એક એક “ઑરિએંટલિઝમની” નવી અને  સુધારેલી આવૃત્તિ છે કે નહીં.

  1. બુદ્ધિઝમ હિન્દુઈઝમનો વિરોધ કરતું હથિયાર માન્યતાને પડકાર:
  2. બુદ્ધિઝમ અને હિન્દુઈઝમ વચ્ચે સંબંધ:

શું ખરેખર બુદ્ધિઝમ અને હિન્દુઈઝમમાં મતમતાંતર છે? પાશ્ચાત્ય વિદ્વાનોના આરોપ મુજબ શું બુદ્ધિઝમ ખરેખર વેદોની વિરુદ્ધ હતો? આપણા પરંપરાગત સ્તોત્રો સૂચવે છે કે આ બંને વચ્ચેના મતભેદોને ખૂબ વધુ પડતી અતિશયોક્તિ વાપરીને વગોવ્યા છે. હકીકતમાં તો હિન્દુઈઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ અને સિખીઝમ બધાં એક ધર્મના ગર્ભમાંથી જન્મ્યા છે.

  1. મુખ્ય હિન્દુ શાસ્ત્રોનો કાળક્રમ:

અમેરિકન ઑરિએંટલિસ્ટસો પોતાના સિદ્ધાંતોને, જેમ કે હિન્દુઈઝમમાં બ્રાહ્મણોની ઈજારાશાહી અને મૌખિક પરંપરાને કારણે નવીનતાને સર્જવાનો અવકાશ નહોતો, ટેકો આપવા માટે એ પ્રસ્તુત કરવા પ્રયત્ન કરે છે કે હિંદુ શાસ્ત્રોમાં સંપૂર્ણ નવીનતા બુદ્ધિઝમની દરમિયાનગીરીને કારણે પરિણમી. તેઓ સંસ્કૃતના શરૂઆતના સાહિત્ય, જેવા કે વ્યાકરણ, પૂર્વ-મિમાંસા, રામાયણ વગેરેને કાળક્રમમાં એવી રીતે ગોઠવે છે કે જેથી આ બધા બુદ્ધના પછી રચાયા હોય. તેઓ આ દલીલ એટલા માટે પ્રસ્તુત કરે છે કે જેથી આપણું સાહિત્ય કે આપણા શાસ્ત્રો બુધ્ધિઝમ સામેની પ્રતિક્રિયારૂપે રચાયા.

  1. પ્રાચીન ભારતમાં લેખનકાર્ય:

અમેરિકન ઑરિએંટલિસ્ટસોની માન્યતા પ્રમાણે શું ભારતમાં લેખનકાર્ય બુદ્ધના પછી અને તે પણ વિદેશી વસાહતીઓ અને બુદ્ધિઝમમાં ધર્માંતર થયેલાઓ દ્વારા દાખલ કરાયું? એમના દ્વારા પ્રસ્તુત ભારતના ભાષાને લગતા ઈતિહાસના અને આપણી સંસ્કૃતિની બાબતોના સિદ્ધાંતો  ઈન્ડ્સ-સરસ્વતી સંસ્કૃતિના મળેલા પ્રમાણની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે.

  1. સંસ્કૃત અને સંસ્કૃતિની એમની રજૂઆતને પડકાર:
  2. મૌખિક પરંપરા:

આ પુસ્તકમાં હું જે વિદ્વાનની રચનાનું વિવેચન કરું છું તેઓ ભારતની મૌખિક પરંપરાનું અવમૂલ્યન કરે છે. હું એ સમજાવું છું કે મૌખિક પરંપરા માત્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઉત્ક્રાંતિ માટે જ આવશ્યક નહોતી પણ એ ભવિષ્યના માઈન્ડ સાયન્સ, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે આશાસ્પદ સંભાવના ધરાવે છે.

  1. ભારતીય ભાષાઓનો ઈતિહાસ:

અમેરિકન ઑરિએંટલિસ્ટસોનું માનવું છે કે સંસ્કૃત ભાષાને પરદેશી વસાહતીઓ ભારતમાં લઈ આવ્યાં અને સંસ્કૃત ભાષા ભારતની અન્ય વર્નાક્યુલર ભાષાઓ કરતા મૂળભૂત રીતે અને બંધારણમાં જુદી હતી. તેઓ આક્ષેપ કરે છે કે છેવટે સંસ્કૃત ભાષા ભારતીય વર્નાક્યુલર ભાષાઓ ઉપર હાવી થઈ ગઈ અને સંપૂર્ણ વર્ચસ્વ ધરાવવા માંડી. આ વિવાદપાત્ર ધારણા આજના સમાજશાસ્ત્રના શિક્ષણમાં પ્રસરી ગઈ છે જેનો ઉપયોગ ભારતીયોને ભાષાઓ અને સામાજિક વર્ગોમાં વહેંચી દેવા, સમાજમાં તિરાડ પાડવા માટે થાય છે. એમનો આ મત પરંપરાગત માન્યતાથી વિસંગંત છે જે મુજબ સંસ્કૃત અને પ્રાકૃત(જેમાંથી ઘરગથ્થું ભાષાઓ ઉદ્ભવી) બંને પારસ્પરિક પુષ્ટિ આપતી ભાષાઓના પ્રવાહો છે જે “વાચ” નામની બોલીની જ એક વ્યવસ્થા હતી.

  1. સમાવિષ્ટ સામાજિક અત્યાચારનો આક્ષેપ:

વધી રહેલા પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સોના મત મુજબ સંસ્કૃત અને સંસ્કૃતિએ હંમેશા સ્ત્રીઓ, દલિતો અને મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો છે અને એમને સૌને દબાવ્યા છે. આ બાબત ઉપર ખાસ ભાર મુકાય છે કે આ ખામી માળખાગત છે, નહીં કે છૂટાંછવાયાં કિસ્સાઓની. એવો આરોપ મુકાય છે કે સંસ્કૃત વ્યાકરણ, વૈદિક સાહિત્ય, અને શાસ્ત્રો જ એના મૂળ કારણો છે; આ બધામાં નિયમો એવી રીતે સમાવાયેલા છે કે જેને કારણે બૌદ્ધિક સ્વતંત્રતા રૂંધાય છે. આ મતનો કદાચ ભારતના પરંપરાગત વિદ્વાનો જોરદાર પડકાર કરવા ઈચ્છે અને આપણે બેઉ બાજુ સાંભળવી જોઈએ.

  1. રચનાત્મકતાના અભાવનો આક્ષેપ:

વ્યવહારિકાને લગતી બાબતો વિષે આ લોકોનું કહેવું છે કે શાસ્ત્રો સાચી સર્જનાત્મક શક્તિને અને વિકાસને અવરોધે છે કારણ કે આ બધાં વૈદિક વિશ્વદૃષ્ટિકોણમાં બંધાયેલા છે. પરંતુ, આ આક્ષેપોને પડકારવા માટે અઢળક પ્રમાણો ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે ભારતીયો આ શાસ્ત્રોને રચવામાં અને એના જ્ઞાનને વ્યવહારમાં મુકવા માટે સર્જનશીલ હતા. તેથી શાસ્ત્રોના જ્ઞાનને અનુભવ આધારિત તેમજ સર્જનાત્મક સ્ત્રોત તરીકે અવગણી શકાય નહીં.

  1. સંસ્કૃતના મૃતપાય હોવાનો આક્ષેપ:

મેં આ વિદ્વાનો સાથે દલીલ કરી છે જેઓ કહે છે કે સંસ્કૃત ભાષા હઝાર વર્ષો થયે મરી ચુકી છે. પરંપરાગત ભારતીય વિદ્વાનો કૃષ્ણ શાસ્ત્રી અને કે.એસ. કાનનને અહીં ટાંકતા જણાવું છું કે તેઓ આ વિષય ઉપર ચર્ચા કરવા ઉત્સુક છે.

  1. સંસ્કૃત અને સંસ્કૃતિની બિનસાંપ્રદાયિકતા:

શેલ્ડોન પોલોકની છાવણીના લોકો સંસ્કૃતને બિનસાંપ્રદાયિક ગણવા માટે કટિબદ્ધ છે કારણ કે એમના મતે આધ્યાત્મિક ક્રિયાઓ જેવી કે યજ્ઞો, કર્મકાંડો, પૂજા, તિર્થયાત્રા, વ્રતો અને અન્ય આવી સાધનાઓ અણઘડ, અંધશ્રધ્ધાસભર અને શોષણ કરવાવાળી ક્રિયાઓ છે. એમનો મુખ્ય હેતુ એ છે કે આ સંસ્કૃતિ સાથે જોડાયેલ પરમાર્થિક બાબતોને અલગ પાડી દેવી અને માત્ર લૌકિક અથવા વ્યવહારિક બાબતો ઉપર જ અભ્યાસ કેન્દ્રિત કરવો. પરંપરાગત વિદ્વાનો આને આપણી પરંપરાની અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન માને છે. હું આવી વિચારપદ્ધતિથી સંસ્કૃત અને સંસ્કૃતિને બિનસાંપ્રદાયિક ગણવાનો સખત રીતે વિરોધ કરું છું.

  1. લલિત સાહિત્ય રાજકીય શસ્ત્ર હોવાનો આરોપ:

અમેરિકન ઑરિએંટલિસ્ટસોની છાવણી માને છે કે લલિત સાહિત્યનો વિકાસ રાજાઓનું તેમની પ્રજા ઉપર તેમનું વર્ચસ્વ જાળવી રાખવા જ થયો હતો.બીજા શબ્દોમાં કહીએ તો લલિત સાહિત્ય એ રાજાના પ્રસાર વિભાગનું એક પ્રાચીન સમયનું અંગ હતું. આવા રીડકશનિસ્ટ દ્રષ્ટિકોણને પડકારવો જોઈએ. લલિત સાહિત્યને માત્ર રાજકીય હેતુ માટેના સાહિત્ય તરીકે ન ખપાવી શકાય; આ સાહિત્યથી ઘણા સકારાત્મક કર્યો સામાન્ય જનો માટે બંને ક્ષેત્રોમાં, બિનસાંપ્રદાયિકમાં અને ધર્મિકમાં, સંપન્ન થાય છે.

  1. રામાયણ:

શું રામાયણ રાજાઓની શોષણવૃત્તિસભર સત્તાનું પ્રદર્શન કરતું સાહિત્ય છે? એટલે કે શું રાજધર્મ અત્યાચારભરી સરકારી વ્યવસ્થા છે? મારા વિરોધીઓ રામાયણને એક સાચા આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ સુલભ કરતું સાધન માનવાને બદલે એને એક રાજકીય પરિબળ ગણે છે. તેઓ તેને એવું હથિયાર ગણે છે કે જેનો મુસ્લિમો સામે હિંસા ભડકાવવા માટે આજ દિન સુધી ઉપયોગ થતો હોય-ભક્તો આ સાથે સહમત નથી- તેઓ રામને તો સૌ રાજાઓના એક આદર્શ તરીકે જુવે છે.

  1. સંસ્કૃત અને સંસ્કૃતિને પાછી મેળવવી અને એમના સ્થાને બિરાજમાન કરવી:
  2. ભારતીય સાહિત્યનું અંગ્રેજી તરફ એકમાર્ગીય વહન:

સદીઓથી ભારતીય ભાષાઓના સાહિત્યનું અંગ્રેજીમાં ભાષાંતર સતત થઈ રહ્યું છે પણ એથી ઉલ્ટું ભાગ્યે જ થયું છે.જેને કારણે અંગ્રેજી મોટાં ભાગના ક્ષેત્રોના સંશોધન અને જ્ઞાનના સંચારની ભાષા બની ગઈ છે.

સંસ્કૃતે પોતાની આગવી વિચારધારા સાથે પોતાના હક્કનું સ્થાન અંગ્રેજીની સાથોસાથ પ્રાપ્ત કરવું રહ્યું,. અહીં આપણે ચીનની મેન્ડેરિન ભાષાને લગતી એમની વ્યૂહરચનાથી શીખ લઈ શકીએ .

  1. અન્ય પ્રાચીન ભાષાઓ સંસ્કૃત ભાષાની સરખામણીમાં:

પાશ્ચાત્ય વિદ્વાનો સામાન્યતયા સંસ્કૃતને એમ સમજીને લેટિન ભાષા સાથે સરખાવે છે કે બંને ભાષાઓ મરી ચુકી છે અને ગ્રીક સાથે એક “ક્લાસિકલ” ભાષા તરીકે સરખાવે છે. આધુનિક ભારતીય વિદ્વાનો જાણ્યા-સમજ્યા વગર આ વર્ગીકરણ સ્વીકારી લે છે જેમાં એને મૃત કે ક્લાસિકલ ભાષા તરીકે ઓળખાવાય છે.

પણ, પરંપરાગત વિદ્વાનોને આ બાબત સ્વીકાર્ય નથી કારણ કે સંસ્કૃત અને સંસ્કૃતિનો વિકાસ આપણા ભૂતકાળના અસ્વીકારને લીધે નહીં પણ ભૂતકાળ સાથેના સાતત્યના લીધે છે. એટલે આપણે એ પ્રયત્ન કરવો આવશ્યક છે કે સંસ્કૃતને લેટિન અને ગ્રીકથી જુદા પાડીને મેન્ડેરિન અને પર્શિયન સાથે વર્ગીકરણ કરીએ જે ભાષાઓ જીવિત છે અને પોતાના ભૂતકાળ સાથે સાતત્ય જાળવી રહેલ છે.

આપણે એશિયન દેશોના એ વિદ્વાનોને નિમંત્રવાની જરૂર છે જ્યાં મેન્ડરિન, પર્શિયન, ઍરેબિક, હિબ્રુ અને જાપાનીઝને પ્રાધાન્ય અપાય છે અને પ્રાચીન તેમજ અર્વાચીન ભાષા તરીકે જેની ગણના થાય છે.

  1. સંસ્કૃતના અભ્યાસનો અવકાશ:

સંસ્કૃત ભાષા અને એના પ્રાચીન સાહિત્યના અભ્યાસ સિવાય એ આવશ્યક છે કે સંસ્કૃતનો ઉપયોગ આધુનિક યુગના ક્ષેત્રો કે સમસ્યાઓ માટે કરવો જોઈએ, જેમ કે કમ્પ્યુટરની ભાષા, જીવશાસ્ત્ર, પ્રાણી અધિકારો, વૃદ્ધો, કૌટુંબિક વ્યવસ્થા, ન્યુરોસાયન્સ, માનસશાસ્ત્ર, શિક્ષણ, એક્સલરેટેડ લર્નિંગ, ગણિત અને અન્ય સૈદ્ધાંતિક વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન વગેરે વગેરે. આજની ભેદભરેલી નીતિને વેરવિખેર કરવાની આવશ્યકતા છે જેમાં સંસ્કૃતને અન્ય જ્ઞાનની શાખાઓમાંથી બાદ રખાય છે અને જેમાં એનો ખજાનો ઝુંટવીને એ ખજાનાને નવાં રૂપમાં પાશ્ચાત્ય જ્ઞાન તરીકે પ્રસ્તુત કરાય છે અને આ નવાં ઇતિહાસને પાશ્ચાત્ય ખોજ તરીકે રજુ કરાય છે.

  1. હિન્દુફોબિયાને ઉઘાડું પાડવું:

કોઈ વિદ્વાન અલ્લાના અસ્તિત્વને નકારે અથવા એવો દાવો કરે કે કુરાન એ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરતો ખરેખરો શબ્દ નથી અથવા એમ કહે કે મોહમ્મદ એ પયગંબર ન હતા તો આ બાબતને “ઇસ્લામોફોબીયા” તરીકે ગણાવશે.  ભલે એ વિદ્વાન સકારાત્મક વિધાનો કરે જેવા કે “ઍરેબિક”માં ખૂબ સમૃદ્ધ કાવ્યોનો ખજાનો છે, કુરાન એ માનવજગત માટે પ્રકાશ છે વગેરે વગેરે તો પણ આ આક્ષેપ મુકાશે. આમાંથી કોઈ પણ વિધાન મુસ્લિમ મનને સંતોષી શકશે નહીં. આ જ પરિસ્થિતિ “યહૂદી” ધર્મને લગતી બાબતો માટે પણ એટલી જ લાગુ પડે છે. હિન્દુઓએ પાશ્ચાત્ય પંડિતોના આવા બેવડા ધોરણોથી ચોંકાવાની આવશ્યકતા છે. કારણ કે આવી સંવેદનશીલતા અને આપણી પરંપરા માટે બોલવાનો આપણો અધિકાર આપણને પ્રાપ્ય નથી. એટલે જ શેલ્ડોન પોલોકને આઘાત લાગ્યો જ્યારે મેં એના અનેક દ્રષ્ટિબિંદુઓને હિન્દુફોબિયા તરીકે ગણાવ્યા.

આપણે આવા કોઈ પણ કાર્યને ઇસ્લામોફોબીયા, એન્ટિ-યહૂદી, હિન્દુફોબિયા વગેરે તરીકે ગણાવવા માટે સમાન ધોરણો વ્યાખ્યાયિત કરવા જોઈએ.

Leave a Reply