સારાંશ
ભારત એક રાષ્ટ્રથી પણ વિશેષ છે. ભારતની પોતાની એક આગવી સંસ્કૃતિ છે જેની ફિલસુફી અને વિચારધારા સાંપ્રત સમયમાં પ્રભાવક બનેલી પશ્ચિમની સંસ્કૃતિથી અલગ તરી આવે છે. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ ધર્મમાંથી ઉદ્ભવી છે, જેને સંપૂર્ણ મળતી આવે તેવી કોઈ પરંપરાનું પશ્ચિમના માળખામાં અસ્તિત્વ નથી. કમનસીબે , વિશ્વસ્તરે ભારતની વધતી લોકપ્રિયતાનો લાભ અંકે કરવા માટે ભારતીય સંસ્કૃતિના માળખાને પશ્ચિમી ઢાંચામાં સમાવવાની કોશિશ કરવામાં આવે છે, જેમાં તેનું પોતીકાપણું અને સામર્થ્ય ઓછું થઈ જાય છે.
આ પુસ્તક બંને વિચારધારાઓ વચ્ચેના તફાવતની સીધી અને પ્રામાણિક ચર્ચા-વિચારણા કરવાના પડકારને લક્ષમાં રાખીને પશ્ચિમ દ્વારા આપણને નીરખવાની નજરને ઉલટાવીને ભારતને અવલોકિતને બદલે નિરીક્ષક તરીકે સ્થાપિત કરવાની ચેષ્ટા કરે છે અને પશ્ચિમને ધર્મના દ્રષ્ટિકોણથી જુએ છે.
આ પ્રક્રિયામાં બંને પક્ષોની પોતાની અને પરસ્પર માટેની એવી કેટલીક માન્યતાઓ બહાર આવી છે જે અત્યાર સુધી અણજાણ રહી અને તેને પડકારવામાં આવી છે. આ પુસ્તકમાં એ વાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ધર્મ(રિલીજિયન)નો આધાર ઐતિહાસિક તથ્યો પર મંડિત છે જયારે હિન્દુ ધર્મનો મૂળ આધાર આત્મસાક્ષાત્કાર પર છે. તેમાં ધર્મમાં પ્રાયોજિત સ્વયં અસ્તિત્વનું વર્ણન છે અને તે પશ્ચિમી વિચારધારા અને ઈતિહાસ દ્વારા રચિત કૃત્રિમ સંયોજનનો વિરોધ કરે છે. અવ્યવસ્થામાંથી સુવ્યવસ્થાનું નિર્માણ કરવા માટેની પશ્ચિમી વિચારધારાની અસ્વસ્થતા હિન્દુ ધર્મમાં વર્ણવેલ અવ્યવસ્થાની રચનાત્મક ભૂમિકાથી તદ્દન વિપરીત છે. પશ્ચિમની એ ફેશનછે કે જેનું ભાષાંતર જ થઈ ન શકે તેવા સંસ્કૃત શબ્દોનું મનઘડંત ભાષાંતર કરવું. આ પુસ્તકે એની ટીકા કરીને સંસ્કૃત શબ્દોને તેના મૂળ સ્વરુપે જાળવી રાખવાની હિમાયત કરી છે. વૈશ્વિક વિભાવના વિષેના પશ્ચિમી દાવાઓનો અસ્વીકાર કરીને બહુ-સાંસ્કૃતિક વિભાવનાઓને અપનાવવાની હિમાયત કરવી એ આ પુસ્તકનો સારાંશ છે.
આ પુસ્તકે ચર્ચા અને શાસ્ત્રાર્થની પૂર્વ-પક્ષની પૌરાણિક ધાર્મિક ઉમદા પરંપરા જાળવી રાખી છે, જેમાં એક પક્ષકારે સૌ પ્રથમ વાદીનો દ્રષ્ટિકોણ યથાર્થ રીતે સમજવો અને ચકાસવો અને ત્યાર પછી જ પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવાનો હોય છે. પૂર્વ-પક્ષ કરનારી વ્યક્તિને વાદીનાં તમામ પાસાંનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે જેથી તેનો પ્રતિ-પક્ષની દલીલને આદરથી સમજવાનો અભિગમ કેળવાય છે અને સાથે તે માત્ર સ્પર્ધા જીતવાની લાલચમાંથી બહાર આવે છે. પૂર્વ-પક્ષની એક શરત છે કે વાદની પ્રક્રિયામાં જે નવો વિચાર આકાર લે તેને, વિવાદાસ્પદ અને અસ્થિરતાજનક હોય તો પણ ભાગ લેનારા તમામ પક્ષકારોએ તેમની પોતાની વિચારધારામાંથી બહાર આવીને, સ્વીકારવો જોઈએ.
બિઈંગ ડીફરન્ટમાં ધાર્મિક પરંપરા અને પશ્ચિમી વિચારસરણીમાં રહેલા અને આંખે ઉડીને વળગે તેવા છ મુખ્ય અને પાયાના તફાવત દર્શાવ્યા છે જે નીચે પ્રમાણે છે:
(1) મતભેદો પ્રત્યેનો અભિગમ: પશ્ચિમની વ્યાપક અસ્વસ્થતાથી ઉદ્ભવતા વ્યક્તિગત અને સાંસ્કૃતિક વિચારભેદને કારણે જે (સભ્યતાના વિચારો) એમનાં મૂળ વિચારની સાથે સુસંગત નહીં હોય તેમાં અસંખ્ય ફેરફારો કરવા પડ્યા છે જેને પરિણામે આ ફેરફારો પોતાની માન્યતામાં બંધબેસતા કરાયાં, આત્મસાત કરાયાં, પરિવર્તિત કરાયાં અને/અથવા એ વિચારોને પચાવીને એનો છેદ ઉડાવી દેવાયો. તેની આ વિકૃતિ વિશ્વવ્યાપી વિભાજનવાદી માનસિકતાનો પરિપાક છે. આથી વિપરીત, ધાર્મિક પરંપરા આદર્શ ન હોય તો પણ તે વ્યક્તિગત અને સામુહિક વિચારભેદ પ્રતિ વધુ સહિષ્ણુ હોય છે અને પરંપરાને વિસ્તારવા અથવા નિયંત્રિત કરવા માટે તેને કોઈના આદેશની જરૂર હોતી નથી.
(2) ઈતિહાસ–કેન્દ્રીયતા વિરુદ્ધ અંત:સ્ફૂરણા: યહૂદી-ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના મૂળ એક ચોક્કસ પ્રજા અને તેના ઈતિહાસમાં રહેલાં છે. આ ઉપરાંત ઈશ્વરનું અસ્તિત્વ અંદરને બદલે બહાર હોવાનું દર્શાવ્યું છે અને માનવતાને અજોડ અને અનોખા દર્શન દ્વારા દોરે છે. આનાથી વિપરીત ધાર્મિક પરંપરામાં ધ્યાનની મૌલિક રીત બતાવવામાં આવી છે જેનો સબંધ આંતરિક વિજ્ઞાનની સાથે છે. આ વિજ્ઞાન વડે જ્ઞાનના ચરમ શિખરે પહોંચી શકાય છે.
(3) સ્વભાવસિદ્ધ એકતા વિરુદ્ધ કૃત્રિમ એકતા: પશ્ચિમી જગતે એરિસ્ટોટલના સમયથી જ સત્યને અલગ અને સ્વતંત્ર અણુમાં વિભાજીત હોવાનું માન્યું છે. યહૂદી-ખ્રિસ્તી વિશ્વદર્શન ઈશ્વર, વિશ્વ અને માનવ આત્માઓના એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ઉપર આધારિત છે. આ ઉપરાંત, ગ્રીક તર્કશાસ્ત્ર અને ધાર્મિક (યહૂદી-ખ્રિસ્તી) સાક્ષાત્કારમાં પૂરી ન શકાય એવી મોટી ખાઈ છે. આને પરિણામે અલગ અલગ ઓળખને બળપૂર્વક જોડી રાખવામાં આવી છે અને તે તૂટવાનું સતત જોખમ રહે છે અને તે વધુમાં વધુ કૃત્રિમ સ્વરૂપમાં જ રહે છે. ધાર્મિક બ્રહ્માંડશાસ્ત્રમાં સર્વની ઉત્પત્તિ એક અવિભાજિત તત્વમાંથી થઈ હોવાનું કહ્યું છે હિન્દુધર્મમાં અનેક્તાના અભાવને જ બ્રહ્મનું સ્વરુપ દર્શાવ્યું છે. બુદ્ધ ધર્મમાં બ્રહ્મનું અંતિમ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું નથી, પરંતુ ક્ષણભંગુરતાનો સિદ્ધાંત અને સહ અસ્તિત્વનો સિદ્ધાંત એકતા પ્રદાન કરે છે. ધર્મ અને વિજ્ઞાન એક જ માર્ગે જઈને એકમેકમાં ભળી જાય છે. સત્યનો પ્રત્યેક અંશ એક વિરાટ અવસ્થામાં બીજા પ્રત્યેક અંશની સાથે જોડાયેલો હોય છે.
(4) અરાજકતા અને અનિશ્ચિતતાનું સ્વરૂપ: પશ્ચિમી જગત માનવ મનમા ઊંડે ધરબાયેલા ભય, અનિશ્ચિતતા અને ગૂંચવાડાને મોટું સ્વરૂપ આપીને સૌંદર્ય, નીતિમત્તા, ધર્મ, સમાજ અને રાજકારણના માર્ગે શાંતિ સ્થાપવાને અગ્રતા આપે છે. જયારે ધર્મનો વૈશ્વિક અભિગમ સૃષ્ટિમાં નકારાત્મક પરિબળોની સામે સમતુલા પ્રસ્થાપિત કરવામાં પણ અરાજકતાની રચનાત્મક ભૂમિકા જુએ છે.
(5) અનુવાદકતા અને સંસ્કૃત: પશ્ચિમની ભાષાઓમાં આ વિશેષતા નથી જે સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં મૂળ ધ્વનિ તેના ઉલ્લેખિત પદાર્થની સાથે સજીવ રીતે જોડાયેલો છે. સંસ્કૃતની આ વિશિષ્ટતા વ્યક્તિગત અને સાંસ્કૃતિક વિકાસનું મુખ્ય પરિબળ છે. આનો અર્થ એ પણ છે કે સંસ્કૃતનો અનુવાદ પશ્ચિમી માળખામાં બેસાડવા જતા તેની સમજ અને પ્રક્રિયા ઉતરતી કક્ષાના બને છે.
(6) પશ્ચિમના વિશ્વવાદને પડકાર: પશ્ચિમના ધાર્મિક અથવા બિન-સાંપ્રદાયિક, “મહાન કથાનક”માં ઐતિહાસિક ઘટનાનો રજૂકર્તા અથવા પ્રતિનિધિ તમામ પ્રજા અને રાષ્ટ્ર માટે ધોરણો નક્કી કરે છે. આ પુસ્તકમાં આવા બની બેઠેલા વૈશ્વિકતાવાદીઓને પડકારવામાં આવ્યા છે. તેમનું વલણ ધર્મના ભૂતકાળ અને ભવિષ્યને અસંકલિત રાખવાના અભિગમથી વિરુદ્ધ છે.
ધર્મની આ ઉદારતા આકર્ષણરૂપ છે પરંતુ તેના કારણે જ તે વારંવાર બાહ્ય મહત્વાકાંક્ષી સંસ્કૃતિના આક્રમણનો ભોગ બન્યો છે જેના કારણે તેના તત્વમાં ભેળસેળ થાય છે અને સાથે પ્રભાવ ઘટે છે. વૈશ્વિકરણ અને આધુનિકતાનાં રૂપકડાં નામે જે વિનાશક અસર ઉપજાવવામાં આવી રહી છે તેની આ પુસ્તકમાં “digestion (પાચન)” ના પ્રતિક દ્વારા સમજ આપવામાં આવી છે. દા. ત. અનેકવિધ કારણોને લીધે પશ્ચિમની મનોવૃત્તિ ધાર્મિક પરંપરાને ગળી જવાની રહી છે, અને આ પુસ્તક એ પ્રક્રિયાને વગર વિચાર્યે સ્વીકારી લેવાની ભારતીયોનો અને પશ્ચિમી પ્રજાની મનોવૃત્તિને પડકારે છે.