બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

ઈતિહાસ ભારતીય દર્શન ભારતીય મહાગાથા ભારતીય સભ્યતા હિન્દુ ધર્મ

હું ઈચ્છું છું કે દુનિયાના બધા પ્રદેશોની બધી યે સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં જેટલું પણ શક્ય હોય એટલા  છૂટથી વાય. પણ હું એની હવાથી ઉડી જવાનો ઈન્કાર કરું છું- ગાંધીજી

આ પુસ્તક ભારત પશ્ચિમથી કઈ રીતે ભિન્ન છે તેના વિષે છે. એનો ઉદ્દેશ  અમુક (પશ્ચિમ દ્વારા) આત્મસાત કરાયેલી માન્યતાઓને પડકાર આપવાનો છે જે મુજબ પાશ્ચાત્ય અભિગમ જ વિશ્વવ્યાપક છે અને આપણી “ધર્મિક” પરંપરા પણ એજ શીખવે છે જે યહૂદી અને ખ્રિસ્તી પરંપરા શીખવે છે. જયારે આપણાં વેદો કહે છે કે, ” સત્ય એક છે અને માર્ગો અનેક છે”, ત્યારે આ માર્ગોની ભિન્નતા મામૂલી તો નથી જ.  હું એ કહેવા માંગુ છું કે આપણી “ધર્મિક” પરંપરા, ભલે ક્ષતિ રહિત ના હોય, છતા સાચા અર્થમાં સમાજના બધા વર્ગોને, નાસ્તિક અને વૈજ્ઞાનિક વર્ગ સહિત, સાથે રહેવાની શીખ અને રીત બતાવે છે. આપણી પ્રણાલી એવો પણ આદર્શ બતાવે છે જે આજના ઉદ્ભવી રહેલા યુગ માટે પર્યાવરણની સ્થિરતા અને જીવનના સર્વે પાસાંઓને સાંકળી લે છે તેમજ તે વિષે  અમૂલ્ય શિક્ષણ સાવ સહજતાથી આપે છે. આ પુસ્તક દ્વારા હું “ધર્મિક” પરંપરા અને પાશ્ચાત્ય વિચારધારા વચ્ચે ઊંડી અને વધુ માહિતીસભર ચર્ચા-વિચારણા માટે નિયમો નક્કી કરવા ઈચ્છું છું.

આ દલીલો કરતી વખતે મારી ઉપર આ દોષારોપણ થઈ શકે છે કે મેં વધુ પડતી ઉદાર વ્યાખ્યાઓ, વધુ પડતુ સામાન્યકરણ અને વધુ પડતી આત્યંતિક તુલનાઓનો ઉપયોગ કર્યો છે. હું જયારે “પશ્ચિમ” સામે “ભારત” અથવા “જુડેઓ-ક્રિશ્ચિયન ધર્મો” સામે “ધર્મ પરંપરા” જેવા વિધાનો કરું છું ત્યારે હું સભાન છું કે હું પણ કદાચ એ જ તત્ત્વવાદનો માર્ગ પસંદ કરી રહ્યો છું જે માર્ગને હું પોતે જ પડકારી રહ્યો છું. હું એ વાતથી પણ સભાન છું કે આવડા મોટા વર્ગીકરણમાં અનેક પરંપરાઓ હોઈ શકે છે જેમાં ભિન્નતા હોઈ શકે અને ઘણી વખત એમાં વિરોધાભાસ પણ હોઈ શકે1.

હું આ પરિભાષાને એક કૌટુંબિક સમાનતા અને માર્ગદર્શિકા તરીકે જોઉં છું, નહીં કે એક અચળ કે નિર્વિકાર બાબત તરીકે. વધુમાં, મોટા ભાગના લોકો આ બાબત સારી રીતે સમજે છે જ કે હું જે માન્યતા તરફ અંગુલિનિર્દેશ કરું છું તેના આધ્યાત્મિકતા અને બ્રહ્માંડ વિષે પોતાનાં આગવા વિચારો છે, ભલે પછી તે એકબીજાથી ભિન્ન રીતે વ્યાખ્યાયિત કરાય. આ નિયમો આમ જોતા ચર્ચા-વિચારણાની શરુઆત કરવા માટે ઉપયોગી ગણી શકાય અને બંને બાજુની ભિન્નતા દર્શાવવા માટે પણ, જેથી બન્ને વચ્ચેના ભેદ ઊંડાણથી સમજવામાં આપણને સહાય થાય.

ચોક્કસપણે, આ  પુસ્તકમાં મેં “પશ્ચિમ” નો અર્થ કૃત્રિમ રીતે જોડાયેલ બાઈબલ-આધારિત પ્રાચીન ઈઝરાઈલની તથા પ્રાચીન “ક્લાસિકલ” ગ્રીસ અને રોમની સંસ્કૃતિઓના સંદર્ભમાં કર્યો છે. મારું ધ્યાન અહીં અમેરિકન ઈતિહાસ અને એની સંસ્કૃતિ ઉપર કેન્દ્રિત થયેલું છે કારણ કે આજે પાશ્ચાત્ય ઓળખના આ પ્રબળ ઉદાહરણો છે. હું “યુરોપિયન ઈતિહાસ”ની, મુખ્યત્વે પશ્ચિમની, પોતા વિષે ઉભી થયેલી સમજ અને એનાં ભારત પ્રત્યેના અભિગમના મૂળિયા તપાસવાં માટે જ  ચીવટથી તપાસ કરું છું, અને હું આમાં જર્મનીની ભૂમિકા ઉપર ખાસ ધ્યાન આપું છું, પશ્ચિમનાં “ધર્મ” તરફનાં અભિગમ માટે કારણભૂત હોવા બાબત.

ભારતને અહીં એક આધુનિક રાષ્ટ્ર અને એ સંસ્કૃતિ તરીકે સંદર્ભમાં લીધું છે જેમાંથી આ રાષ્ટ્રનું નિર્માણ થયું.  હું અત્યારની પ્રચલિત પદ્ધતિથી ભારતની ઓળખને એના ટુકડા કરીને પૃથ્થકરણ કરવામાં નથી માનતો અથવા તો “Breaking India “માં નથી માનતો જે મારાં અગાઉનાં એક પુસ્તકનું નામ છે જેના કારણોની હું વિસ્તારથી અહીં ચર્ચા કરીશ.

જ્યા સુધી આ “જુડેઓ-ક્રિશ્ચિયન” શબ્દપ્રયોગનો પ્રશ્ન છે એ એક વર્ણશંકર પ્રયોગ છે જે અમુક યહૂદીઓ અને ખ્રિસ્તીઓને વ્યથિત કરે છે કારણ કે આ એવા બંને જૂથોને ભેગાં કરે છે જે ખરેખર એકબીજાથી સાવ ભિન્ન અને ઘણી વખત સાવ વિરોધાભાષી છે. જ્યા બંનેમાં ભેદ કરવો એ મહત્વનું છે ત્યાં હું આ વર્ણશંકર પ્રયોગ કરવાનું ટાળું છું. એમ છતાય, આ શબ્દપ્રયોગ બહુ ઉપયોગી છે, ખાસ કરીને ઐતિહાસિક સાક્ષાત્કારને કેદ્રમાં રાખતી એમની એ ધાર્મિક માન્યતા દાખવવા માટે, જે બંનેમાં સમાન છે. (આ જ માન્યતા થોડી ભિન્ન રૂપમાં ઈસ્લામમાં પણ ઉપસ્થિત છે પણ હું આ પુસ્તકમાં ઈસ્લામ વિષે ચર્ચા નથી કરતો).

“ધર્મ” શબ્દનો પ્રયોગ હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મો જેવી એક જ કુટુંબ જેવી ભારતમાં જ જન્મેલી આધ્યાત્મિક પરંપરાઓને બતાવવાં માટે કરાયો છે. હું એ બાબત સમજાવું છું કે આ “ધર્મો”ની ભીતર રહેલા  વિવિધ મતમતાંતરો અને આચરણો આધ્યાત્મિક સ્તર પરની અંતર્ગત એકતા દાખવે છે જે તેમની પારદર્શકતા અને સાપેક્ષ બિન-આક્રમકતાને એકસૂત્રમાં બાંધે છે અને પુષ્ટિ આપે છે. “ધર્મ”ને વ્યાખ્યાયિત કરવો સહેલો નથી અને આ પુસ્તકનો ઘણો ભાગ એનાં પાસાઓને સમજાવવા માટે છે. “ધર્મ”નું “religion”, “path”, “law” અને “ethics” જેવાં શબ્દોમાં  ફરી ફરીને થતું ભાષાંતર એના સાચા અર્થને ન્યાય આપી શકવામાં નિષ્ફળ જાય છે. છતાં આ કહેવું પર્યાપ્ત થશે કે પ્રાચીન સંસ્કૃત શબ્દપ્રયોગોમાં ધર્મના સિદ્ધાંતો અને પૂર્વકલ્પનાઓ જે ઉપસ્થિત છે તેના અંગ્રેજીમાં પર્યાય નથી; ધર્મ સદીઓ દરમિયાન ઉદ્ભવેલી વિવિધ જીવનશૈલીઓ અને દ્રષ્ટિઓને સમાવે છે.

મેં જે હમણાં જણાવ્યું તેમ, પશ્ચિમની મૂળભૂત વિભાવના અને મૂલ્યો એક નહીં પણ બે સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે; “જુડેઓ-ક્રિશ્ચિયન” પયગંબર અને તારણહારના માધ્યમથી થયેલ દૈવી સાક્ષાત્કાર અને ગ્રીક માન્યતાઓ  જે “એરિસ્ટોટેલીયન” તર્કશાસ્ત્ર  અને અનુભવ આધારિત હતી. હું વિસ્તારથી દલીલ કરીશ કે ઉભું થયેલ આ “પાશ્ચાત્ય” નામનું સાંસ્કુતિક માળખું એ અતૂટ રીતે ઐક્ય ધરાવતું માળખું નથી પણ કૃત્રિમ રીતે બંધાયેલું છે. એ ક્રિયાશીલ જરૂર છે પણ એ જન્મજાત અસ્થિર છે, જે ક્ષુબ્ધ, વિસ્તારવાદી અને આક્રમક ઐતિહાસિક યોજનાઓ ઘડવા તરફ દોરાય છે, અને એની સાથે સાથે માનસિક અસ્વસ્થતા અને આંતરિક ખળભળાટ પણ ઉદ્ભવી શકે છે. આ અસ્થિરતાને કારણે ન માત્ર “અ-પાશ્ચાત્ય” લોકોની ખુવારી બોલાય છે પણ “પાશ્ચાત્ય” લોકો પણ એમાંથી બચી શકયા નથી. ભારતના સાંસ્કૃતિક માળખા સાપેક્ષ રીતે અને આથી વિરુદ્ધ વધુ સ્થિર, લવચીક અને ઓછા વિસ્તારવાદી છે. તદુપરાંત, ધર્મની આંતરિક શક્તિ(તણાવ અને પ્રયોગો સહીત)ને લીધે પશ્ચિમના વિરોધાભાષી ઐતિહાસિક સાક્ષાત્કારના દાવા અને વિજ્ઞાન-સામે-ધર્મના સંઘર્ષની શક્યતાઓ ઉદ્ભવતી નથી.

એ બાબત સ્પષ્ટ થશે કે આ બંને ભિન્ન ભિન્ન વૈશ્વિક દ્રષ્ટિનું નિરીક્ષણ કોઈ તટસ્થ અને નિરસ સ્થિતિથી નથી ઉદ્ભવતું (જે કોઈ પણ બાબતમાં અશક્ય જ હોય) પણ એક નિષ્ઠાવાન “ધર્મિક” કર્તવ્યની ફળશ્રુતિ છે. તેમ છતા, હું એવું સૂચન નથી કરતો કે આપણે આપણા કાલ્પનિક સોનેરી ભૂતકાળમાં મ્હાલીએ જે સામાન્યતયા આ પ્રકારની હિમાયત થતી હોય ત્યારે મનાતું હોય છે. હું માત્ર ધર્મિક દ્રષ્ટિબિન્દુઓને રજુ કરું છું જેથી પૃથ્થકરણીય દ્રષ્ટિને વિપરીત દિશામાં ફેરવી શકાય કારણ કે સામાન્યપણે આ દ્રષ્ટિ પશ્ચિમથી પૂર્વ તરફ મંડાતી હોય છે અને અનભિજ્ઞપણે પશ્ચિમને વિશેષાધિકાર પ્રદાન કરે છે. આ પરિવર્તન પશ્ચિમના પ્રશ્નોને એક આગવી રીતે મૂલવે છે, અમુક અદ્રશ્ય સ્થળ ઉપર પ્રકાશ પાડે છે અને દર્શાવે છે કે ધર્મિક સંસ્કૃતિ કઈ રીતે આજે વિશ્વનાંપ્રશ્નોને દૂર કરવામાં અને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે.

ભારતને એક આકસ્મિક અને અસ્વસ્થ રીતે ભેગા કરેલા જૂના અને નવા (મૂલ્યોના) વાળેલા પોટલા તરીકે ના જોવાય, જાણે કે એ એક કુદરતી એકતા વગરનું  કૃત્રિમ માળખું ના હોય. ના તો એ માત્ર પાશ્ચાત્ય જીવનશૈલીનું એક વિસ્મયકારક, વરણાગી આનુષંગિક સંગ્રહસ્થાન છે; અને ના તો એ વૈશ્વિક મૂડીવાદમાં એક અનુજ ભાગીદાર છે.

ભારત પોતાની રીતે એક અનોખી અને સુગ્રંથિત સંસ્કૃતિવાળો દેશ છે અને સમાજમાં અગાધ ભિન્નતા હોવા છતા સમાજ-વ્યવસ્થા જાળવી રાખવામાં, વિવિધ સંસ્કુતિનાં, ધર્મોના અને જીવનદ્રષ્ટિ ધરાવતા જનસમૂહ સાથે ચર્ચા-વિચારણા માટે અવકાશના વાતાવરણવાળો દેશ છે જે શાંતિપૂર્વક ભિન્ન ભિન્ન વિચારો ધરાવતા માનવસમૂહ સાથે સમાજની અખંડિતતા જાળવી રાખવામાં પોતાની ક્ષમતા પુરવાર કરી ચૂકેલ છે. આ મૂલ્યો દિવ્યત્વ, બ્રહ્માંડ અને માનજસમાજ વિષેની કલ્પના ઉપર આધારિત છે જે મૂળભૂત રીતે પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા “સ્વીકારાયેલી માન્યતાઓ”થી તુલનાત્મક રીતે તદ્દન ભિન્ન છે. આ પુસ્તક આ બધી કલ્પનાઓનું અને માન્યતાઓનું નિરીક્ષણ કરે છે.

આમાંનું અમુક પૃથ્થકરણ વધુ પડતુ ટીકાત્મક છે અને ઘણો ક્રોધ ઉપજાવનારું પણ છે ન માત્ર પશ્ચિમના લોકોમાં પણ એવા ભારતીયોમાં ય જેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને સન્માને છે (જેમ કે હું પોતે). તેઓ એ વાત તરફ ધ્યાન દોરશે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એ જ એમની શ્રેષ્ઠતાની નિશાની અને એ જ એમની આગવી ઓળખ છે. આમ તો પોતાનાં મૂલ્યાંકન મોટે ભાગે પાશ્ચાત્ય વિષયોમાં અને પાશ્ચાત્ય સંસ્થાઓમાં જ થતા હોય છે અને એને કારણે પોતાની ખામીઓથી તેઓ અંધારામાં જ રહી જાય છે.

હું ધર્મને પશ્ચિમની સાથે સરખામણી કરતી વખતે અહીં બે સાવ છેડાની બાબતોથી બચવા માંગું છું. એક તરફ ધર્મિક ડહાપણના અને તેના ભૂતકાળના વધુ પડતા વખાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, જેનો નિષ્કર્ષ એ નીકળે કે મારું દેશાભિમાન ઝનૂની છે (અને એથી એ જ પ્રશ્નો ઉભા થાય જે આજે પશ્ચિમનાં અહંકારમાં છે) અને  એને કારણે એકલા પડી જવાની પણ શક્યતા વધી જાય અને વૈશ્વિક ચર્ચા-વિચારણાનો માર્ગ જ બંધ થઈ જાય. બીજી બાજુ , ધર્મની રજુઆત માત્ર એક પ્રાચીન અરસ-પરસ કોઈ પણ સંબંધો વિનાના સિદ્ધાંતોના એક પ્રશંસનીય સંગ્રહ સમજીને જો કરું તો તેમાં આવશ્યક સુશ્લિષ્ટતાનો અભાવ વર્તાશે જે બદલાવ લાવવા માટેની શક્તિ તરીકે ઉપયોગી થઈ શકે.

મનમાં આ જ કાળજીને લઈ, હું ધર્મિક પરંપરા અને “જુડેઓ-ક્રિશ્ચિયન” પરંપરા વચ્ચેના મતભેદોના ચાર ક્ષેત્રો પ્રસ્તુત કરું છું:

  1. દેહ આત્માને ધારણ કરે છે એવી દ્રઢ માન્યતાની સામે ઈતિહાસ-કેન્દ્રીય માન્યતા
  2. અખંડ એકતા સામે કૃત્રિમ એકતા
  3. અવ્યવસ્થાની ચિંતા સામે અનિશ્ચિતતા તથા ગૂંચવણ છતા રાહતની સ્થિતિ
  4. સંસ્કૃતિને પચાવી પાડવાની નીતિ સામે અભાષાંતરીય સંસ્કૃત

ઉપરના ભિન્નતા ધરાવતા ક્ષેત્રો વિષે સંક્ષિપ્તમાં વર્ણવું છું અને બધાની વિગતવાર ચર્ચા આગળના પ્રકરણોમાં કરીશ.

દેહ આત્માને ધારણ કરે છે એવી દ્રઢ માન્યતાની સામે ઈતિહાસ-કેન્દ્રીય માન્યતા

દૈવી તત્વને જાણવા માટેનો ધર્મ અને જુડેઓ-ક્રિશ્ચિયન એમ બંને પરંપરાના અભિગમમાં પાયાનો તફાવત છે. ધર્મની હું જે વ્યાખ્યા કરું છું એ બધાં (હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન) એક જ કુટુંબનાં સભ્યો છે અને તેઓએ ઈશ્વરપ્રાપ્તિ માટે અને ચૈતન્યની ઉચ્ચતર અવસ્થા સુઘી પહોંચવા માટે અધ્યાત્મવિદ્યા નામે “આંતરિક વિજ્ઞાન”નો અને અનુભવ-આધારિત પદ્ધતિઓનો વિસ્તીર્ણ વિકાસ સાધ્યો છે. અધ્યાત્મવિદ્યા એ સદીઓથી ચૈતન્યના મૂળ સ્વરૂપ વિષે ઉચ્ચ કોટિના ઋષિઓ દ્વારા જાતઅનુભવ અને પ્રયોગાત્મક પદ્ધતિથી કરેલી તપાસ બાદ એકત્ર કરાયેલ ડહાપણ અને પદ્ધતિઓનો ભંડાર છે. આ તથ્યો અને એ ઋષિઓ, જેમણે આ જ્ઞાનપ્રાપ્તિ માટે જે ખેડાણ કર્યું એ પ્રત્યે ઘણો આદરભાવ છે. પણ એ બધાને “કેનોનાઈઝ” નથી કરાયા કે નથી એકમાત્ર તારણહાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા અથવા આ તથ્યો જ માત્ર સત્ય છે એવું ય પ્રતિપાદિત કરાયું નથી. એ વિધાનો નથી કોઈ આચારસંહિતા કે નથી કોઈ ભૂતકાળમાં થયેલા દૈવી સાક્ષાત્કારની ઐતિહાસિક ગાથા. પણ એ ઋષિઓને થયેલા અનુભવો જેવા અનુભવો મેળવવા વિષે અને એનાથી જે બદલાવની શક્તિ પ્રાપ્ત થાય છે એ વિષેનું માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓએ અનુભવેલું સત્ય ફરી શોધવું જોઈએ અને દરેક વ્યક્તિએ સ્વયં અનુભવ કરવો જોઈએ. મેં આ નવીન શબ્દપ્રયોગ કર્યો છે “embodied knowing”નો જેથી હું આંતરિક વિજ્ઞાન અને અધ્યાત્મ-વિદ્યાનો સંદર્ભ આપી શકું.

એની વિરુદ્ધ “જુડેઓ-ક્રિશ્ચિયન” પરંપરા પયગંબરના ઐતિહાસિક દૈવી સાક્ષાત્કારનો આધાર લઈને સમગ્ર માનવજાતની સહિયારી નિયતિની વાત કરે છે.એમના મતાનુસાર, માનવીની સ્થિતિનું મૂળ આજ્ઞાભંગ કે (કોઈ હુકમના અનાદર)ને લઈને હોવાથી એ “પાપ”થી ખરડાયેલો ગણાય છે જેની શરૂઆત આદમ અને ઈવના શરૂઆતના પાપથી થઈ, જે સમગ્ર માનવજાતના પૂર્વજ ગણાય છે.

આ પરંપરાની માન્યતા અનુસાર દરેક જન્મેલી વ્યક્તિ “પાપી” છે. આને કારણે માણસજાત દૈવીતત્ત્વ સાથે ઐક્ય પ્રાપ્ત કરી શકતી નથી (ધર્મિક દ્રષ્ટિથી તો નહીં જ); એટલે આધ્યાત્મિક ઉદ્દેશ એ છે કે અમુક ખાસ પયગંબરો પાસેથી અને ઐતિહાસિક બનાવોમાંથી એ વિષેની સમજણ પ્રાપ્ત કરીને પ્રભુની ઈચ્છાનું પાલન કરવાથી જ મોક્ષપ્રાપ્તિનો માર્ગ મોકળો થાય. એટલે આ સમયના ઐતિહાસિક બનાવના લખાણની બહુ કાળજીપૂર્વક સંભાળ રાખવી જરૂરી છે અને એનું સત્ય લોકો સુધી પહોંચાડવું જોઈએ અને એને મક્કમતાથી પ્રસ્તુત કરવું જોઈએ.

આવી સંપૂર્ણપણે આપખુદ સ્થિતિવાળા ઈતિહાસથી વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવનો અધિકાર મોળો પડે છે (એટલે જ “mystics “, આધ્યાત્મિક માર્ગે વ્યક્તિગત રીતે અનુભાવપ્રાપ્તિમાં અભ્યાસરત વર્ગને આ પરંપરામાં શંકાની નજરે જોવાય છે) અને તેથી આ બાબત “સત્ય” માટેના દાવા કરવાનું કારણ બની જાય છે જેને પુરવાર કરી શકાતું નથી. તદુપરાંત, જેઓ આ ઐતિહાસિક સાક્ષાત્કાર વિષે જ્ઞાન પ્રાપ્ત કરી શકવા અસમર્થ છે તેઓએ, પ્રભુપ્રાપ્તિ માટેના સાવ સરળ માર્ગથી વંચિત થઈને અંધારામાં જ રહેવું પડશે. ઈતિહાસ આધારિત માન્યતા અને સાવ અસંગત “દૈવી-સત્ય” વિષેના દાવાની જડતા માટે મેં આ એક નવતર શબ્દપ્રયોગ “history-centrism” પ્રસ્તુત કર્યો છે. હું આ ઈતિહાસ-આધારિત  જડતાને ધર્મિક અને જુડેઓ-ક્રિશ્ચિયન પંથોમાં મુખ્ય ભેદ સમજુ છું અને એને એક મુશ્કેલી તરીકે પણ જોઉં છું જે અકથિત માનસિક, ધાર્મિક અને સામાજિક ઘર્ષણ ઉભું કરી શકે.

અખંડ એકતા સામે કૃત્રિમ એકતા

એકતાની જે માન્યતા ધાર્મિક પર્મપરામાં છે તે જુડેઓ-ક્રિશ્ચિયન પરંપરાથી ધરમૂળથી વિપરીત છે. બધી ધર્મિક વિચારધારા એ વાત સ્વીકારે છે બ્રહ્માંડ એ અખંડ છે જેમાં પૂર્ણ સત્ય અને સાપેક્ષ અભિવ્યક્તિ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આની તુલનામાં પાશ્ચાત્ય દ્રષ્ટિબિંદુ આ બે બાજુના તણાવથી ઘડાયેલું છે જેમા એક તરફ જુડેઓ-ક્રિશ્ચિયન પરંપરાની ઐતિહાસિક સાક્ષાત્કારની વિભાવના તો બીજી તરફ ગ્રીક અધ્યાત્મવિદ્યા અને એરિસ્ટોટેલીયન  દ્વિઅંગી તર્કશાસ્ત્ર વિચારધારામાંથી પ્રાપ્ત ખુબ ઉચ્ચું દ્વૈતવાદવાળું અને સૂક્ષ્મ જ્ઞાન છે. એને કારણે પશ્ચિમની એકતાની માન્યતા ખુબ મુશ્કેલીથી સભર છે, પહેલા તો સાક્ષાત્કાર અને સમર્થન (અથવા  હિબ્રૂવાદ અને ગ્રીકવાદ તરીકે પણ આ ભેદોને પારખવામાં આવે છે) વચ્ચેના ભેદને કારણે અને બીજું સહજ રીતે જ રહેલી ઉતરતી ગુણવત્તાની દલીલો અને ધારણાઓ જે ગ્રીકવાદને લીધે ઉદ્ભવે છે. હું ત્રીજા પ્રકરણમાં વર્ણન કરીશ કે ધર્મિક પરંપરા કઈ રીતે અખંડ એકતાથી સ્થિત થયેલ છે જયારે જુડેઓ-ક્રિશ્ચિયન પરંપરાનો આધાર ભિન્ન ભિન્ન કૃત્રિમ એકતા ઉપર અવલંબે છે જે સ્વાભાવિક રીતે અસ્થિર અને મુશ્કેલ છે.

ભિન્ન ભિન્ન ધર્મિક વિચારધારાઓ એમના સિદ્ધાંતો અને વ્યવહારમાં અમુક દૃઢ મતભેદ હોવા છતા હંમેશા કોઈ પણ રીતે અમુક એકતા સાધવા પ્રયત્નશીલ હોય છે. સામાન્ય લોકોને આ બાબતનો અનુભવ કરવાનું અઘરું લાગતું હોય છે છતા આ એકતા સાધવા માટેના સાધનો આપણાં શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. તેઓમાં અંતર્ગત એકતાની ભાવના પ્રબળ હોય છે અને એ એકતાની અભિવ્યક્તિ માટે પ્રયોગો અને સંશોધનવૃત્તિને અવકાશ આપે છે જેના ફળસ્વરૂપે અનેક પંથો અને દર્શનો એમની વૈવિધ્યસભર માન્યતો સાથે અંધાધૂંધીના કોઈ પણ ડર વિના એક સાથે અસ્તિત્વ ધરાવે છે.

પાશ્ચાત્ય વિશ્વદૃષ્ટિ, ભલે તે સાંપ્રદાયિક હોય કે અસાંપ્રદાયિક, શરૂઆત જ આની વિરુદ્ધના તર્કથી કરે છે: બ્રહ્માંડ એ સહજ રીતે ભિન્ન ભિન્ન ઘટકોથી અથવા સત્ત્વોથી બનેલો એક જથ્થો છે. ચર્ચા એ વિષય પર નથી કરવાની કે કઈ રીતે અને શા માટે વૈવિધ્યતા ઉદ્ભવે છે પણ આ વૈવિધ્યતામાંથી એકતા કઈ રીતે ઉદ્ભવી શકે એ વિષય ઉપર ચર્ચા કરવાની હોય છે. આવી એકતા કુદરતી નથી; એ સ્થાપિત કરવી પડે છે અને એને ઉચિત ગણવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. જેને પરિણામે મેળવેલી એકતા હંમેશા અસ્થિર રહે છે. જુડિઓ-ક્રિશ્ચિયન ધર્મો (અમુક ફેરફાર સાથે) દૈવી તત્વને પૂર્ણપણે વિશ્વથી અને માનવજાતથી ભિન્ન અને અનંતમાં ક્યાંક અસીમ અંતરે રહેતા હોવાની માન્યતા ધરાવે છે અને આ બંને ભાગ એકબીજાથી તદ્દન ભિન્ન છે એવું માને છે. આ માન્યતામાંથી ઉદ્ભવેલ પાશ્ચાત્ય શાસ્ત્રીય દર્શનશાસ્ત્ર અને વિજ્ઞાન (ફરી વાર, થોડાં ફેરફાર સાથે) એ તર્ક સાથે શરૂઆત કરે છે કે બ્રહ્માંડ અણું-પરમાણુંઓનું બનેલું છે અથવા ભિન્ન ભિન્ન ઢીમચાઓથી બનેલું છે. વિજ્ઞાન અને ધર્મ બન્ને માટે એ આવશ્યક બને છે કે તેઓ “એકતા”નું સંશોધન કરે અને આ કાર્ય તેઓ કંઈક અસ્વસ્થતાથી અને મુશ્કેલીથી સંપન્ન કરે છે. તદુપરાંત, પાશ્ચાત્ય ધર્મ અને વિજ્ઞાન બન્નેના શરૂઆત કરવાના અને નિષ્કર્ષના મુદ્દાઓ ખુબ તણાવયુક્ત છે તેમજ વિરોધાભાષી છે, જેને લીધે પાશ્ચાત્ય સંસ્કૃતિ એક અસ્વસ્થ અને કામચલાઉ અધૂરા ઢીમચાંઓના સમન્વય તરીકે ઉભરે છે. ત્રીજું પ્રકરણ આ વિષમતાનું પૃથ્થકરણ કરે છે.

અવ્યવસ્થાની ચિંતા સામે અનિશ્ચિતતા તથા ગૂંચવણ છતા રાહતની સ્થિતિ

ભિન્ન ભિન્ન ધર્મિક વિચારધારા વૈવિધતા અને અનિશ્ચિતતાસભર માન્યતાવાળી હોવા છતા પશ્ચિમની સરખામણીમાં ખાસ્સા સ્વસ્થ છે. અવ્યવસ્થાને રચના અને ગતિશીલતાના સ્ત્રોત તરીકે જોવાય છે. કારણ કે અંતિમ સત્ય સુસંગત અને અખંડ ઐક્ય જ છે એટલે અવ્યવસ્થા એ સાપેક્ષ બીના છે જે બ્રહ્માંડની અંતર્ગત સુસંગતતામાં વિક્ષેપ પાડી શકે એમ નથી.

વિસ્મય સદીના મહાન યોગી અને ફિલસૂફ શ્રી ઔરોબિંદોના કથન પ્રમાણે ધર્મિક પરંપરાની માન્યતા મુજબ એકતાનો આધારસ્તંભ એકરૂપતા હોવાથી, બ્રહ્માંડના અસ્તવ્યસ્ત કે છિન્નભિન્ન થવાના કોઈ પણ ડર વગર કે ચિંતા વિના અનેકાનેક વિવિધતા સંભવી શકે છે. તેમણે ઉમેર્યું કે કુદરત અમર્યાદ વિવિધતા ધરાવવા સક્ષમ છે કારણ કે સનાતન સત્યની અંતર્ગત રહેલી સ્થિતિ હંમેશાં અચળ જ છે.

પશ્ચિમમાં આ અસ્થિરતાને માનસિક અને સામાજિક રીતે અવિરત ભયની સૂચના તરીકે જોવાય છે અને તેથી તેના ઉપર અંકુશ પ્રાપ્ત કરવો અથવા આ ભયને દૂર કરવો જરૂરી છે એવું મનાય છે. માનસિક રીતે એ અહમને ખુબ શક્તિશાળી અને નિયંત્રક બનવા પ્રેરે છે. સામાજિક રીતે એ અન્ય ભિન્ન વિચારધારાના  લોકો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એમને પ્રેરિત કરે છે. અંતર્ગત એકતાને બદલે કૃત્રિમ પરિબળો પર ટકેલી એકતાના આધાર ઉપર થયેલી બ્રહ્માંડની મીમાંસા અસ્વસ્થતાથી પીડાઈ શકે છે. એટલે એ આવશ્યક બને છે કે સંસ્કૃતિ, વંશ, લિંગ, લૈંગિક અભિગમના આધાર ઉપરના ભેદોનું નિરાકરણ કરવું જોઈએ.

ધાર્મિક પરંપરા તેમના પાયાના સિદ્ધાંતોથી સભર ગ્રંથો, મહાકાવ્યો, લાક્ષણિક નૈતિક મૂલ્યો વગેરે સૃષ્ટિમાં રહેલા નિયમ અને અવ્યવસ્થાને એક જ કુટુંબના સભ્યો ગણે છે અને અનેક આ સહકારી ચડસા-ચડસીની કલ્પનાને અનેક વૃતાન્તોમાં વણી લીધેલ છે. સમુદ્રમંથનની લોકપ્રિય દંતકથા, જે “દૂધ”ના સમુદ્રના મંથનની વાર્તા છે તે આ વિભાવનાને સારી રીતે ઉજાગર કરે છે, જે આપણે ચોથા પ્રકરણમાં જોઈશું.

સંસ્કૃતિના “ડાઈજેશન (પાચન/આત્મસાત)”  સામે અભાષાંતરીય સંસ્કૃત શબ્દો

પશ્ચિમના વિદ્વાનો અને “પશ્ચિમી” ભારતીયો ધર્મિક વિભાવનાઓને અને યથાર્થદર્શનને પશ્ચિમી સિદ્ધાંતોના ચોકઠાંમાં ભાષાંતર અને નિરૂપણ કરવાથી ટેવાઈ ગયા છે, જે પશ્ચિમી “યજમાન” સંસ્કૃતિને વધુ ફળદ્રુપ અને નવતર બનાવે છે જેમાં આપણી સંસ્કુતિને આત્મસાત કરવામાં આવે છે. પાંચમું પ્રકરણ આ રસ્તો કંઈ રીતે અનેક પ્રશ્નો ઉભા કરે છે એની ચર્ચા કરશે. જયારે વાઘ કોઈ પ્રાણીનો શિકાર કરે છે ત્યારે કોઈ એમ નથી કહેતું કે બંને વાઘ અને એનો શિકાર “વધુ” સારા થઈ ગયા છે અથવા બંને એકબીજામાં ભળીને એક નવા સારા બચ્ચાને પેદા કરશે. ખરેખર તો, સરવાળે વાઘનો ખોરાક, એટલે કે વાઘનો શિકાર, પાચન બાદ વાઘના શરીરનો જ એક ભાગ થઈ જાય છે. ધર્મિક પરંપરા અને દક્ષતા પણ આ જ રીતે પશ્ચિમી ભાષામાં સમાનાર્થી કરવાની પ્રક્રિયા દ્વારા કાં તો મોળી પડે છે અથવા નાશ પામે છે, કારણ કે પશ્ચિમી ભાષાંતરીત શબ્દો ધર્મની પરંપરા વિષે પૂર્ણ રીતે નિરૂપણ કરવામાં ખરા ઉતરતા નથી.

ખરેખર તો આ પ્રશ્ન અસમાન રાજકીય સત્તાઓ વાળી કોઈ પણ  આંતરિક-સંસ્કૃતિ વચ્ચેના આપ-લે માટે હાનિકારક બનવાની શક્યતા ધરાવે છે જ, પણ એ વધુ વિકટ ત્યારે બને છે જયારે સંસ્કૃતમાં લખાયેલ ધર્મિક વિભાવનાઓને પશ્ચિમી ભાષાઓમાં ભાષાંતર કરવાનું આવે. અન્ય ભાષાઓની જેમ સંસ્કૃત ભાષામાં પણ ખાસ અને અજોડ સાંસ્કૃતિક અનુભવો અને લાક્ષણિકતાઓ સમાયેલા છે અને તે ઉપરાંત તેની રચના, ધ્વનિ  અને એની અભિવ્યક્તિ એવી અસર પેદા કરનારી છે કે એને એના કલ્પનાત્મક અર્થથી અલગ તારવી શકાય નહીં.

સંસ્કૃતમાં સમાયેલ પવિત્ર નાદ બહુ દૂરના ભૂતકાળમાં ભારતવર્ષના ઋષિઓએ કરેલી સાધનાના ફળસ્વરૂપે પ્રસ્તુત થયું. આ નાદ કોઈ નિયમહીન ધ્વનિઓનો શંભુમેળો નથી બલ્કે આધ્યાત્મિક સાધના દ્વારા બ્રહ્મન સાથેના પ્રત્યક્ષ અનુભૂતિના આધારે મેળવેલા બ્રહ્મન સાથે જોડાયેલ સત્યના નિચોડ રૂપ છે. આ નાદને લઈને અનેક પ્રયોગો કરીને અનેક પ્રકારની ધ્યાન (મેડિટેશન) ધરવાની રીતો વિકસિત કરવામાં આવી જેથી કરીને આંતરિક ધ્યાન ધરવાનું વિજ્ઞાન વિકસ્યું જે ધ્યાન ધરનારને મૂળભૂત ચેતના સ્વરૂપ સાથે જોડાણ સાધવા માટે મદદરૂપ થઈ શકે. સંસ્કૃત આપણા મૂળ સાથે ઐક્ય સાધવા માટે અનુભવ આધારિત પંથનું માર્ગદર્શન કરે છે. એ માત્ર બ્રહ્મન સાથેના સંચારનું સાધન નથી, વાહન પણ છે. ભારતના, દક્ષિણ-પૂર્વના અને પૂર્વ એશિયાના આધ્યાત્મિક આચાર્યો દ્વારા સંસ્કૃતનો ઘણી સદીઓથી ભાષા તરીકે ઉપયોગ કરાયો હોવાથી સંસ્કૃત એક તદ્દન ભિન્ન પ્રકારનું સાંસ્કૃતિક પદ્ધતિ અને અનુભૂતિને વાચા આપવાનું માધ્યમ બની ગયું.

આ “cultural (કલ્ચરલ)” માળખાને “સંસ્કૃતિ” તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિ પરંપરાગત તત્વજ્ઞાન, કલા, વાસ્તુશિલ્પશાસ્ત્ર, લોકપ્રિય ગીતો, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, રંગભૂમિ, શિલ્પકળા, ચિત્રકળા, સાહિત્ય, તીર્થયાત્રા, કર્મકાંડ અને ધાર્મિક વૃત્તાન્ત વગેરેના જ્ઞાનનો વિપુલ ભંડાર છે. એ નૈસર્ગિક વિજ્ઞાન અને “technology”-ઔષધીય (પ્રાણીજન્ય રોગો સહીત), વનસ્પતિશાસ્ત્ર, ગણિત, ઈજનેરીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આહારશાસ્ત્ર વગેરેને સમાવે છે.

જુડેઓ-ક્રિશ્ચિયન ધર્મોની પોતાની પુનિત ભાષા જરૂર છે-યહૂદી અને લેટિન-અને ક્યારેક સંસ્કૃત ભાષા માટે જેવા દાવા કરાય છે એવા દાવા પણ કરાયા છે પરંતુ આ ભાષાઓએ સંસ્કૃતિની એકતા માટે એવી પાયાની ભૂમિકા ભજવી નથી જે સંસ્કૃતે ભજવી છે. આ તફાવત પાંચમાં પ્રકરણમાં વધુ સ્પષ્ટ થશે.

તદુપરાંત, શરૂઆતથી જ ક્રિશ્ચિઆનિટીના તત્વજ્ઞાનનું માધ્યમ કોઈ પુનિત ભાષા ન બનતા દેશી “વર્નાકયુલર” ભાષા થઈ-સૌ પ્રથમ જે ઈશુ ખ્રિસ્ત બોલતા હતા તે “આરામૈક” અને પછી ભૂમધ્ય સમુદ્ર પ્રદેશમાં રોજબરોજ વપરાતી ભાષા “કોઈન ગ્રીક”. ઘી ન્યુ ટેસ્ટામેન્ટના અનેકાનેક ભાષાંતરોમાં ઐશ્વરીય સાક્ષાત્કારને બદલે એના સંદેશાનું અથવા “ગોસ્પેલ”(ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલા ઈશ્વર વિષેના શુભ સંદેશા)નું વહન કરે છે. અહિયા ભાર મુકાયો છે શબ્દોના અર્થ ઉપર અને ઐતિહાસિક બિના વિષે વિગત આપવા ઉપર; નહીં કે એના ધ્વનિ કે નાદ કે આત્મા અને પરમાત્માના ઐક્ય થવાની અનુભૂતિ બાબત. ખ્રિસ્તી ધર્મની આપણી પરંપરામાં છે એવી મંત્ર આધારિત આધ્યાત્મિકતા નથી અને પ્રાર્થના એ એક બાહ્ય દૈવી તત્વ પ્રત્યે એક નિવેદનનું રૂપ છે, એની સાથેનો એક વાર્તાલાપ છે અથવા આભાર વ્યક્ત કરવાની એક રીત છે જ્યાં વિભાવનાના અર્થની મહત્તા ધ્વનિ/નાદ અથવા સાધકની એ વિષેની અનુભૂતિ કરતા વધુ છે.

અભાષાંતરીય સંસ્કૃતના મૂળ સ્વરૂપ અને ઉપર દર્શાવેલી આ બધી બાબતોના અર્થને, પશ્ચિમમાં થઈ જતા સાંસ્કૃતિક “digestion”ને કારણે,ઘણી વિપરીત અસર થાય છે. આ “digestion’ને કારણે મહત્વના ભેદો અને ડહાપણ નષ્ટ થાય છે, મહત્વના અનુભવની અનુભૂતિ જનમાનસ સુધી પહોંચતી નથી અને સૌથી ફળદ્રુપ, ઉપજાઉ અને સ્વપ્નદ્રષ્ટા જેવા આપણા ધર્મને લગતા પરિમાણો જડમૂળથી ઉખડી જાય છે અને પ્રાચીનકાળમાં ધકેલાઈ જાય છે.

2 thoughts on “બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

  1. આપનુ પુસ્તક ખુબ સરસ છે.પુસ્તક પરિચય અમારા મેગેઝીનમાં લઈ શકીયે

Leave a Reply