બ્રેકિંગ ઈન્ડિયા-છ ઉશ્કેરણીયો

આર્ય આક્રમણની ખોટી માન્યતા ભારત વિખંડન
  1. દ્રવિડ અસ્મિતાનું ઘડતર, દુરુપયોગ અને રાજકારણ

દક્ષિણ ભારતના ઈતિહાસની કપોળકલ્પિત રચનાની પ્રક્રિયા ઘણે મોટે પાયે દલિતોની ઓળખને ભારતના મુખ્ય જનસમુદાયથી ભિન્ન રીતે ચિતરી શકાય એ જ ધ્યેય માટે થઈ રહી છે. સન ૧૮૩૦થી આ પ્રયાસ કરનારાઓના મુખ્ય સીમાચિન્હરૂપી દાવાઓ રહ્યા છે કે દક્ષિણ ભારત ભાષાકીય દ્રષ્ટિએ બાકીના ભારતથી અલગ છે; તેની સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્યશાસ્ત્ર બિન-ભારતીય છે; તેનો ઇતિહાસ બાકીના ભારતથી સ્વતંત્ર છે; તે વાંશિક તેમ જ ધાર્મિક દ્રષ્ટિએ અલગ છે; અને આ બધા કારણોથી તે અલગ રાષ્ટ્ર છે. વાસ્તવમાં 19મી સદી પહેલાના દક્ષિણ ભારતીય સાહિત્યમાં અસ્મિતાનો કોઈ સંઘર્ષ (ખાસ કરીને “બહારના” ઉત્તર ભારતીયો સાથે), કોઈ પ્રકારના શોષણ કે વંચનાની ભાવના અથવા પશ્ચિમી પ્રજા કે ખ્રિસ્તીઓ પ્રત્યે મુક્તિદાતા તરીકેનો કોઈ અહોભાવ જોવા મળતો નથી. આ પ્રકારની કૃત્રિમ અસ્મિતાના ઘડતરનું અનિષ્ટ કાર્ય  બ્રિટિશ રાજના અમલદારોએ  અને મિશનરીઓએ શરૂ કર્યું અને રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા દક્ષિણ ભારતીયોએ તેને ઉપાડી લીધું. પાછળથી તેને પોતાનો  સ્વતંત્ર વેગ મળ્યો. તે છતા તત્ત્વતઃ: તે રાજકીય ઉદ્દેશથી ચલાવાતું ધર્મનિરપેક્ષ આંદોલન હતું. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી  થોડાક પશ્ચિમસ્થિત જૂથોએ આ આંદોલનને અપનાવી લીધું છે અને તામિલ અસ્મિતાને વંશ અને ધર્મના કૃત્રિમ પાયા પર દ્રવિડ ખ્રિસ્તી આંદોલનમાં ફેરવી નાખવાના પ્રયાસો ચાલે છે. ઈતિહાસને આ રીતે વિકૃત કરવા માટે પુરાતત્ત્વના પુરાવાઓને ખોટા પાડવામાં આવ્યા છે અને બનાવટી અભિલેખો ઉભા કરવામાં આવ્યા છે. આ જ પરિબળોની દખલગીરીને કારણે શ્રીલંકા અને રવાંડા જેવા દેશોમાં આંતરવિગ્રહ અને જાતિનિકંદનની કરુણાંતિકાઓ સર્જાઈ છે. એમને પડકારવામાં નહીં આવે તો દક્ષિણ ભારતમાં પણ આવી જ પરિસ્થિતિ પેદા થવાની સંભાવના નકારી શકાય નહીં.

  1. દ્રવિડ અને દલિત અસ્મિતાઓની ભેળસેળ

અન્ય દેશોની જેમ ભારતમાં પણ કેટલાક સામાજિક અન્યાયો જોવા મળે છે જેનું સત્વરે નિરાકરણ લાવવાની જરૂર છે. જ્ઞાતિનો ઉપયોગ ભેદભાવ અને શોષણ માટે થયો છે એ હકીકત છે, પરંતુ જ્ઞાતિપ્રથા આજે છે એટલી જડ અને સડેલી પહેલાં ન હતી અને આ પ્રથા કોઈ ખાસ ધર્મની વિરુદ્ધ ન હતી. બ્રિટિશ સરકારે શરૂ કરાવેલી વસ્તીગણતરીને પગલે જ્ઞાતિની ઓળખ મજબૂત થઇ અને તેમાં રાજકારણ ભળ્યું. આઝાદી બાદ મતબેન્કોના રાજકારણે તેને નવેસરથી વેગ આપ્યો. દલિતોની વાંશિક ઓળખ અને શોષણને આધારે સમગ્ર દેશને આવરી લેતો એક રાષ્ટ્રદ્રોહી ઈતિહાસ રજૂ કરાયો. પરંતુ દલિત જ્ઞાતિઓ દેશભરમાં એકસમાન નથી. તેમની સ્થાનિક પરંપરાઓ અને તેમના સામાજિક ગતિશાસ્ત્ર એકમેકથી અલગ પડે છે. જ્ઞાતિઓના વર્ગીકરણમાં પણ ઘણી વિસંગતિઓ અને ભૂલો જોવા મળે છે. બધી જ દલિત જ્ઞાતિઓ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સમાન નથી. આ જ્ઞાતિઓ હંમેશા બંધિયાર અને અન્યની તાબેદાર જ હોય છે એવું પણ નથી. દ્રવિડ અને દલિત ઓળખનું ઘડતર અલગઅલગ થયું હોવા છતા હવે તેમને એકસાથે જોડીને ભારતની પ્રશિષ્ટ પરંપરાને તે બન્નેના દુશ્મન તરીકે બદનામ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે (આધ્યાત્મિક ગ્રંથો અને એના આધારે ઉભી થયેલી ઓળખ સહિત). એને વળી આફ્રિકન-દલિતની કહાની સાથે સાંકળવામાં આવે છે અને એવો દાવો કરાય છે કે દલિતો વાંશિક દ્રષ્ટિએ આફ્રિકન છે અને બાકીના ભારતીયો ગોરાઓ છે. આ રીતે ભારતીય સંસ્કૃતિને અમાનવીય અને જુલ્મી તરીકે ચિતરવામાં આવે છે. મિશનરીઓ અને માર્ક્સવાદીઓને મોકળું મેદાન મળી ગયું છે. કહેવાતી સેવાભાવી સંસ્થાઓ, તથાકથિત બૌદ્ધિકો અને પોતાને પીડિતોના બેલીઓ ગણાવતા દલાલો અને વચેટિયાઓ માટે મબલખ પૈસા અને કસદાર કારકિર્દીની તકો ખુલી ગઈ છે. રાહત અને સામાજિક પરિવર્તનની જરૂર છે જ, પરંતુ ટૂંકી દ્રષ્ટિના રાજકારણીઓ ઘણી વાર શોષિતો અને વંચિતોને બદલે તેમના નેતાઓના (વાસ્તવમાં દલાલો અને ઠેકેદારોના) હાથ મજબૂત કરે છે. આવા “ઉપાયો”થી રોગ વકરે છે.

  1. વિદેશીઓ ભારતીય સમાજમાંની તિરાડોનો લાભ ઉઠાવે છે

કોઈ પણ સંસ્થા કે સમાજ એકજુટ ત્યાં સુધી જ રહી શકે જ્યાં સુધી તેને તોડનારાં બળો કરતાં જોડનારાં બળો વધુ શક્તિશાળી હોય. અમેરિકા અને યુરોપમાં કેટલાક એવા જૂથો સક્રિય છે જે વિવિધ બહાનાઓ અને કાર્યક્રમો મારફત ભારતીય સંસ્કૃતિની એકાત્મતા અને અખંડતાને છિન્નભિન્ન કરવા ઈચ્છે છે. આવા જૂથોમાં કેટલીક સરકારી સંસ્થાઓ, ખ્રિસ્તી ચર્ચ, થિન્ક ટેન્ક્સ, પોથીપંડિતો અને ખાનગી ફાઉન્ડેશનોનો સમાવેશ થાય છે. ખ્રિસ્તીઓ અને ડાબેરીઓ તેમ જ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ એકબીજા સામે ખૂંખાર રીતે લડે છે, પરંતુ ભારતની એકતાને તોડવા માટે તેઓ પોતાની શત્રુતા બાજુએ મૂકવા તૈયાર થઈ જાય છે. રાષ્ટ્રની વિભાવનાની અનુઆધુનિક ટીકા જેવા બૌદ્ધિક વિચારોનું, જે પશ્ચિમી દેશોના પોતાના ઈતિહાસ અને અનુભવમાંથી પેદા થયા છે તેમનું, સામાન્યીકરણ કરીને ભારત પર ઠોકી બેસાડવામાં આવે છે. આવા અધકચરા વિચારો ભારતીય બૌધ્ધિકોમાં લોકપ્રિય બને છે અને અપરાધગ્રંથિથી પીડાતા ઘણા ઉચ્ચવર્ગના લોકો તેને પ્રગતિશીલ ગણીને અપનાવી લે છે. ચાલાક લોકો આવા વિચારોનો ઉપયોગ કરીને કસદાર કારકિર્દી બનાવી લે છે. આ પુસ્તક પરિણામોની આગાહી કરતું નથી, માત્ર એટલું જ દર્શાવે છે કે આવા વલણો જોર પકડતા જાય છે, તેમનો સામનો કરવા માટે ઘણી શક્તિ જોઈશે. તેમની ઉપેક્ષા કરાય તો તેમાંથી હિંસક અલગતાવાદ પેદા થવાનો ભય છે.

  1. સૌમ્ય સત્તા માટેની હરીફાઈમાં ધર્મની ભૂમિકા

ગુણવત્તાકેન્દ્રી વૈશ્વિક વ્યવસ્થામાં વ્યક્તિગત આવડત પર  આધારિત ખાનગી પ્રગતિને વેગ મળે છે. સાથોસાથ જગતના મંચ પર વિવિધ સમૂહો વચ્ચેની હરીફાઈ ઉગ્ર બનતી જાય છે. વૈશ્વિકીકરણના જમાનામાં વ્યક્તિનો પ્રભાવ અને તેને મળતી તકનો આધાર તે જે સમૂહમાંથી આવતી હોય તેની સાંસ્કૃતિક મૂડી અને પ્રતિષ્ઠા પર રહેલો છે. ભારત અને ભારતીય સંસ્કૃતિનું જે થશે તે જ વિદેશવાસી ભારતીયોનું થશે. આથી સૌમ્ય સત્તાનું મહત્ત્વ આજે જેટલું છે એટલું પહેલાં  ક્યારે ય નહોતું. આ વિશ્વવ્યાપી કુરુક્ષેત્રમાં ધર્મ એક અતિશય શક્તિશાળી હથિયાર છે. ખ્રિસ્તી અને ઈસ્લામિક સંસ્કૃતિઓ પોતાનો સૌમ્ય પ્રભાવ વધારવા મોટા પાયે નાણાં, માનવબળ અને સંગઠન શક્તિનું રોકાણ કરે છે, જેથી તેમની આંતરિક એકતા અને બાહ્ય વગમાં વધારો થાય. સાથોસાથ હરીફ ધર્મોના સૌમ્ય પ્રભાવનો નાશ પણ તેમનો એક વ્યૂહાત્મક ઉદ્દેશ છે.

  1. અલ્પસંખ્યક અથવા લઘુમતી એટલે શું?

આ પુસ્તક એક મહત્ત્વનો સવાલ ઉઠાવે છે: લઘુમતીની વ્યાખ્યા શું? દુનિયામાં અત્યારે લઘુમતી કોને ગણશો? કોઈ કોમ સ્થાનિક વસ્તીમાં અલ્પસંખ્યક  હોઈ શકે, પરંતુ સમગ્ર જગતની વસ્તીમાં તે શક્તિશાળી, મક્કમ અને ધનવાન બહુમતીનો હિસ્સો હોઈ શકે. ભારતમાં વિદેશી મૂડી, રાજકીય લોબીઓ, કાનૂની સક્રિયતા અને વિવિધ પ્રકારની વિચારધારાઓ મોટા પાયે આવી રહી છે ત્યારે અલ્પસંખ્યકની વ્યાખ્યા બદલવાની જરૂર છે. જે જૂથો વિશ્વવ્યાપી પ્રભાવ, સત્તા અને સંસાધનો ધરાવતા હોય તેમને અલ્પસંખ્યક ગણવાની જરૂર ખરી? કેટલાંક જૂથો હકીકતમાં વિચારધારા (દા.ત. માઓવાદીઓ) અથવા ઈશ્વરશાસ્ત્ર (દા.ત. ઘણા ચર્ચો અને મદરેસાઓ)ના આધારે શક્તિશાળી વિદેશી જૂથો સાથે મળી ગયા છે. માળખાકીય રોકાણ (દા.ત. જમીન અને મકાનોની મોટા પાયે ખરીદી, તાલીમ કેન્દ્રોની સ્થાપના), ડિજિટલ ટેક્નોલોજી અને સંગઠનાત્મક સાઠગાંઠ મારફત તેઓ વિદેશી પરિબળો માટે ભારતમાં હસ્તક્ષેપ કરવાના હાથા બની જાય છે. તેમને લઘુમતીઓના લાભ આપવા જોઈએ કે વિદેશી પરિબળોના પ્રતિનિધિઓ લેખવા જોઈએ?

કોઈ ભારતીય શહેરમાં મેકડોનાલ્ડની સ્થાનિક રેસ્ટોરાં ઘણા થોડા લોકોને કામે રાખે અને પ્રમાણમાં નજીવી કમાણી કરે તેથી તેને લઘુ ઉદ્યોગ ગણી શકાય નહીં. તેને માટેના નિયમો અને અંકુશો ઘડતી વખતે તેનું એકંદર કદ, આંતરરાષ્ટ્રીય પહોંચ, હાજરી અને પ્રભાવને ધ્યાનમાં લેવા જરૂરી છે. વિવિધ રાષ્ટ્રોના દૂતાવાસોનું પણ એ જ રીતે નિયમન થાય છે. તો પછી  વિદેશી ધાર્મિક મલ્ટી-નેશનલ કંપનીઓને પારદર્શકતા અને દેખરેખ વિશેના એ જ પ્રકારના નિયમો શા માટે લાગુ ન પડે? દાખલા તરીકે કેથોલિક બિશપોની નિમણૂક વેટિકન દ્વારા કરાય છે, તેમને નાણાં પણ વેટિકન પાસેથી મળે છે, તેમના કામકાજના સિદ્ધાંતો વેટિકન ઠરાવે છે તો પછી અન્ય વિદેશી દૂતાવાસોમાં રહેતાં રાજદ્વારીઓની પેઠે એમના પર અંકુશો શા માટે નથી મૂકાતા? ઉત્તરના પહાડી રાજ્યોમાં આવેલા બૌદ્ધ મઠોમાં ચીનની દખલગીરી અને પ્રભાવ પર ભારતીય ગુપ્તચર સંસ્થાઓ બારીક નજર રહે છે કેમ કે આવી દખલગીરી ભારતની અખંડિતતા અને સૌમ્ય સત્તાને ઘસારો પહોંચાડીને ચીનના પ્રભાવને વધારી શકે તેમ છે. ભારતમાં જે ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓ વિદેશી સરકારો અથવા સંગઠનોના અંકુશ અને દોરવણી હેઠળ કામ કરે છે તેમના ઉપર પણ આ જ પ્રકારની દેખરેખ ન રાખવી જોઈએ?

છેલ્લે આ પુસ્તક એક મહત્ત્વનો પડકાર ઉજાગર કરે છે: ભારતે તેની ધાર્મિક લઘુમતીઓને વિદેશી સંગઠનોના રાષ્ટ્રવિરોધી પ્રભાવમાંથી મુક્ત કરવા માટે શું કરવું જોઈએ?

  1. ભારતમાંની જાહેર ચર્ચા પર વિદેશી અંકુશ

આ પુસ્તક દર્શાવે છે કે ભારતમાં વિવિધ સ્તરે જાહેર ચર્ચા પર પશ્ચિમી સંસ્થાઓએ કબ્જો જમાવી દીધો છે. આ સંસ્થાઓ પશ્ચિમના ભૌગોલિક-રાજકીય હિતોનું સંવર્ધન કરે છે. ભારત શા માટે ફોર્ડ ફાઉન્ડેશન, ફુલબ્રાઇટ ફાઉન્ડેશન કે રોકફેલર ફાઉન્ડેશનની બરોબરી કરી શકે તેવી તેની પોતાની સંસ્થાઓની સ્થાપના નથી કરતું? ભારતની યુનિવર્સીટીઓમાં વિદેશ મંત્રાલય, રો અને વિવિધ રાજકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક થિન્ક ટેન્ક સાથે ગાઢ સંબંધ ધરાવતા આંતર  રાષ્ટ્રીય સંબંધો વિશેના કાર્યક્રમો કેમ નથી યોજાતા? દુનિયાભરમાં ચીન સંબંધી અભ્યાસક્રમો પર ચીનનો અંકુશ હોય છે, જયારે ભારત સંબંધી અભ્યાસ વિશેની સૌથી પ્રતિષ્ઠિત જર્નલો, યુનિવર્સીટી ડિગ્રીઓ અને પરિષદો પર પાશ્ચાત્ય સંસ્થાઓનો અંકુશ હોય છે. આવું શા માટે?

Leave a Reply