બ્રેકિંગ ઈન્ડિયા : દ્રવિડ અને દલિત વિષયક સમસ્યાઓમાં પશ્ચિમનો હસ્તક્ષેપ

આર્ય આક્રમણની ખોટી માન્યતા ઈતિહાસ ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ ભારત વિખંડન

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે. નેવુના દાયકામાં પ્રિન્સટન યુનિવર્સિટીના એક આફ્રિકન – અમેરિકન વિદ્વાને મને વાતવાતમાં કહ્યું કે તેઓ ‘આફ્રો-દલિત પ્રોજેક્ટ’ના અનુસંધાનમાં હમણાં જ ભારતની મુલાકાતે જઈ આવ્યા. મને સમજાયું કે અમેરિકાથી ચાલતા અને તેની નાણાકીય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ દલિત ચળવળને અને આંતર્જ્ઞાતિય/ વર્ણ વ્યવસ્થાને અમેરિકાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી મૂલવે છે. આ આફ્રો – દલિત પ્રોજેક્ટમાં દલિતોને ભારતના ‘અશ્વેત’ અને તે સિવાયનાને ભારતના ‘શ્વેત’ પ્રજાજનો તરીકે ઓળખાવ્યા છે. આ રીતે અમેરિકામાં શ્વેત-અશ્વેત પ્રજાજનોના સંબંધો રંગભેદ અને ગુલામીપ્રથાના ઈતિહાસને ભારતીય સમાજમાં થોપી દેવામાં આવે છે. આધુનિક ભારતીય સમાજનું માળખું અને બે વર્ગ વચ્ચેના સંબંધોના પાસામાં દલિતો પ્રતિ લાંબા સમયના ભેદભાવ જરૂર છે તો ય દલિતોના આ અનુભવને અમેરિકામાં આફ્રિકનોને જે ગુલામી કરવી પડી તેની સાથે સરખાવી શકાય નહીં. આમ છતાં અમેરિકાના અનુભવને આધારે “આફ્રો-દલિત’’ પ્રોજેક્ટમાં ભારતના દલિતોને જૂદી પ્રજાના જુલમોના ભોગ બનેલા તરીકે બતાવાયા છે.

અલગથી હું આર્ય વિષે પણ અભ્યાસ કરી રહ્યો છું અને લખી રહ્યો છું કે તેઓ કોણ હતાં અને સંસ્કૃત અને વેદોને આક્રમણકારીઓ લઈ આવ્યા કે એ મૂળથી જ આપણા દેશનું હતું? આ વિષયમાં ઊંડા ઉતરવા માટે મેં અનેક પુરાતત્વ, ભાષાશાત્ર અને ઈતિહાસના વિષય ઉપર ચર્ચા સત્રોને નાણાકીય ટેકો પૂરો પાડયો હતો. આના પગલે હું બ્રિટીશ શાસનકાળ દરમિયાન દ્રવિડ અસ્મિતાની રચના વિષે સંશોધન કરવા પ્રેરાયો. દ્રવિડની ઓળખ ઓગણીસમી સદી પહેલા અસ્તિત્વમાં નહોતી અને તેમને આર્યોના વિરોધીઓ તરીકે રજૂ કરવામાં આવતા હતાં. દ્રવિડો વિદેશી આર્યો અને તેમના દુષ્કૃત્યો વચ્ચે પણ ટકી રહ્યા એવી માન્યતા ઉપર આધારિત છે.

અમેરિકાની ચર્ચો દ્વારા મેં ભારતમાં ગરીબ બાળકોને પોષક આહાર આપીને “બચાવવાની’’ તથા તેમને વસ્ત્રો અને શિક્ષણ આપવાનો પ્રચાર કરતી અમેરિકાના અનુદાન વડે ચાલતી જાહેરખબરોનો પણ અભ્યાસ કર્યો છે. ખરું પૂછો તો અમેરિકામાં હું હતો ત્યારે મેં પણ મારા વીસીના દાયકામાં દક્ષિણ ભારતના એક ગરીબ બાળકને સહાય આપવાનું કાર્ય કર્યું હતું. આમ છતાં, ભારતની મુલાકાતો દરમિયાન મને સમજાયું છે કે દાન માટે દાતાને પ્રેરિત કરવા માટે જે હેતુ પ્રસ્તુત કરવામાં આવે છે તેનો ઉપયોગ તે હેતુને બદલે તેમના માનસ પરિવર્તન દ્વારા ધર્માંતર માટે વધું કરવામાં આવે છે. આ ઉપરાંત, મેં અમેરિકામાં વિચારવંત જૂથો અને ખાસ કરીને શિક્ષણશાત્રીઓની સાથે ચર્ચાઓ કરીને તેઓ ભારતીય સમાજને શિક્ષા કરવા માટે આવી રીતે ‘સુસંસ્કૃત’ બનાવવા માગે છે તેવા તારતમ્ય ઉપર આવ્યો છું. ભારતની સામાજિક અને આર્થિક સમસ્યાઓ અને તેને તેઓ “માનવ અધિકારો’’ની સમસ્યા તરીકે ચીતરીને જે સનસનાટીભર્યું મૂલ્યાંકન કરે છે તે માટે મેં ‘જ્ઞાતિ, ગાય અને શાકભાજી (caste, cows and curry) એવો શબ્દપ્રયોગ પ્રયોજ્યો છે.

મેં આવી જાતની ભ્રામક માન્યતાઓ ઊભી કરનારી અને રાજકીય દબાણ વડે તેને ભારતમાં “માનવ અધિકારો’’ના ભંગની ઘટનાઓ તરીકે પ્રચાર કરતી મુખ્ય સંસ્થાઓ વિષે  માહિતી એકથી કરવાનું નક્કી કર્યું. આ માટે મેં અમેરિકામાં નાણાકીય વિગતો જાહેર કરવાને લગતી કાનૂની જોગવાઈઓના આધારે નાણાકીય સ્તોત્રનું પગેરું શોધ્યું, આવી સંસ્થાઓનાં પ્રચાર સાહિત્યનો અને તેમના પ્રકાશનોનો અભ્યાસ કર્યો. અને તેમના દ્વારા આયોજિત સેમિનાર અને ચર્ચા સત્રો ઉપર ધ્યાન રાખ્યું. આવી સંસ્થાઓના આશ્રયે પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓની અને એ વ્યક્તિઓની અન્ય સંસ્થાઓ સાથેનાં જોડાણ વિષે પણ મેં તપાસ કરી.

આમાં મને જે જાણવા મળ્યું તેનાથી દરેક દેશવાસીના દિલમાં દેશની એક્તા ઉપરના જોખમ વિષે ખતરાની ઘંટી વાગવી જોઈએ. ભારત એક મોટા સંસ્થાકીય નેટવર્કના નિશાના ઉપર છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને ચર્ચોનાં બનેલા આ માળખાનો હેતુ ભારતમાં સહેલાઈથી ભોળવાઈ શકે તેવા વર્ગની સ્વતંત્ર ઓળખ, એમનો જૂદો ધર્મ અને ઈતિહાસ પ્રસ્થાપિત કરવાનો છે. આ માટે ચર્ચ જૂથો, સરકારી અને ખાનગી સંસ્થાઓ અને ખાનગી વિચારવંત જૂથો અને શિક્ષણશાત્રીઓની એક કડી રચાઈ છે. બહારથી તો તેઓ અલગ અલગ અને પરસ્પરથી જૂદા દેખાય, પરંતું મને જાણવા મળ્યું છે તેમ તેમની પ્રવૃત્તિઓ સુસંકલિત છે અને તેમને યુરોપ, અમેરિકાથી નાણાંકીય સહાય મળે છે. આ સંસ્થાઓ વચ્ચેનો સહકાર અને સમજૂતીએ મને પ્રભાવિત કર્યો છે. તેમના ઠરાવો, અભિગમદર્શી લેખો અને વ્યૂહરચના સારી રીતે ઘડવામાં આવે છે. સમાજના કચડાયેલા વર્ગને મદદ કરવાના ઓઠાં હેઠળ તેમનો હેતુ ભારતની એક્તા અને સાર્વભૌમિકતાને ખંડિત કરવાનો છે.

આ સમુદાયના કેટલાક ભારતીયોને આ પશ્ચિમી સંસ્થાઓઓ ટોચના સ્થાને બેસાડયા છે. આ સંસ્થાઓની મૂળ સંકલ્પના, વ્યૂહરચના અને નાણાં સહાય અને વહીવટ પશ્ચિમી દેશોના હતા. સમય જતાં ઘણી ભારતીય વ્યક્તિઓ અને સ્વયંસેવી સંસ્થાઓને આ સંસ્થાઓનો આશ્રય મળ્યો છે. અને તેઓ પશ્ચિમનું માર્ગદર્શન તથા નાણાં સહાય મેળવી રહ્યાં છે. યુરોપ અને અમેરિકાની દક્ષિણ એશિયા વિશે સંશોધન કરતી ઘણી સંસ્થાઓ આવા ‘ચળવળિયા’ઓને વારંવાર નિમંત્રી તેમને મહત્વ આપે છે. આ જ સંસ્થાઓ ખલિસ્તાની જૂથો, કાશ્મિરી અલગતાવાદીઓ, માઓવાદીઓ અને ભારતમાંના ભાંગફોડિયા જૂથોને નિમંત્રી તેમને બૌધ્ધિક સમર્થન પૂરું પાડે છે. તેથી હવે મને આશંકા જાગી છે કે ભારતમાં દલિતો, દ્રવિડો અને અન્ય લઘુમતિઓને સંગઠિત કરવાનો વ્યૂહ કેટલાક પશ્ચિમી દેશોની વિદેશી નીતિનો એક ભાગ છે, અથવા તો તેમણે આ એક વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. બીજા કોઈ મોટાં દેશમાં સ્થાનિક સત્તાવાળાની જાંચતપાસ અથવા નિરીક્ષણો વિનાની મોટાં પાયે કોઈ તપાસ પ્રક્રિયા અસ્તિત્વ ધરાવતી હોય તે મારી જાણમાં નથી. ભારતમાં અલગતાવાદી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રાજકીય અલગતાવાદ સ્થાપિત કરવા અને આતંકી જૂથોને શસ્ત્રસહાય આપવા માટે જંગી ખર્ચ કરવો પડે તે પણ સ્વાભાવિક છે.

શ્રીલંકામાં પણ શૈક્ષણિક વટલાવ પ્રવૃત્તિ અને તે પછી બનેલી હિંસાની ઘટનાઓ વચ્ચે કડી પ્રસ્થાપિત થઈ છે. શ્રીલંકામાં બે જૂથોને વિભાજીત કરી એક મોટું લોહિયાળ યુદ્ધ કરાવવામાં તેઓ સફળ થયા હતાં. આવું આફ્રિકામાં પણ બન્યું છે. ત્યાં વિદેશીઓ દ્વારા બે અલગ ઓળખ ધરાવતી પ્રજા વચ્ચે ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું જેથી વિશ્વમાં વધુ એક નરસંહાર થયો હતો.

ત્રણેક વર્ષ પહેલા મારો પ્રચુર માહિતી અને સંશોધન ધરાવતો સંગ્રહ તૈયાર થયો હતો. મને લાગ્યું કે આને વ્યવસ્થિત કરી તેનો વ્યાપક પ્રચાર કરી ચર્ચા આયોજિત કરવી જોઈએ. આ માટે મેં તામિલનાડુના અરવિંદન નિલકંદનની સાથે કામ કર્યું. મેં તેમની ભારતમાંની વાસ્તવિકતાની જાણકારી અને મારી માહિતી તથા સંશોધનની સાથે સમન્વય કર્યો.

આ પુસ્તકમાં દ્રવિડ ચળવળના ઐતિહાસિક મૂળિયાં અને દલિતોની ઓળખ તથા આ વિભાજીત ઓળખને ઘાટ આપવામાં પ્રવૃત્ત વ્યક્તિઓ – સંસ્થાઓની વિગતો આપી છે.

આમાં આવી પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ, તેમના મૂળ ધ્યેય, પ્રવૃત્તિ અને અંતિમ લક્ષ્યનું વિવરણ પણ છે. આમાંની ઘણી વ્યક્તિઓ અને વ્યક્તિઓ, યુરોપિયન સમુદાયમાં અને અમેરિકામાં છે પણ ભારતમાં તેની વધતી જતી સંખ્યા ઉલ્લેખનીય છે. ભારતમાં આ વ્યક્તિઓ અને સંસ્થાઓ ઘણી વખત વિદેશી સંસ્થાઓની ભારતીય શાખા તરીકે કામ કરે છે.

આ પુસ્તકનો હેતુ સનસનાટી ફેલાવવાનો કે કોઈ અગમવાણી કરવાનો નથી, પણ ભારત અને તેના ભાવિ વિષેની ચર્ચાનું મંડાણ કરવાનો છે. ભારતની આર્થિક પ્રગતિ અને તેની ભારતીય સમાજ ઉપરની અસર વિષે ઘણું લખાયું છે, પણ આ પુસ્તકમાં જે બદઈરાદાવાળી વિસ્તરતી પ્રવત્તિનો જે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે તેની ભારતના વિભાજીત જૂથો ઉપર શું અસર પડી શકે તે વિષે પૂરતું લખાયું નથી. મને આશા છે કે મારું આ પુસ્તક આ તફાવતને કંઈક અંશે જરૂર પૂરશે.

રાજીવ મલ્હોત્રા પ્રિન્સ્ટન, યુએસએ.
જાન્યુઆરી  2011.

Leave a Reply