ખ્રિસ્તી ધર્મ પ્રચારકો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

આર્ય આક્રમણની ખોટી માન્યતા ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ ભારત વિખંડન

મોટા ભાગના ઉદારમતવાદી અમેરિકનો ખ્રિસ્તી ધર્મ પ્રચારકો ની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. આ પ્રચારકો અમેરિકાના જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા નાણાકીય સહાય અને ટેકો પામે છે અને વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે.

ભારતમાં તેઓએ જ્યાં અંગ્રેજ સંસ્થાનવાદીઓ મૂકી ગયા ત્યાંથી ખુબ આગળ વધીને નકારાયેલી જાતિવાદની માન્યતાને પુનઃજીવિત કરવાનું અને “ભાગલા પાડો અને રાજ કરો”ની ખતરનાક રમત હેઠળ બનાવટી વિદ્વત્તા ઉભી કરવાનું કાર્ય કર્યું છે. દક્ષિણ ભારતમાં દ્રવિડિયન ખ્રિસ્તી ધર્મ તરીકે એક તદ્દન નવી ઓળખ ઉભી કરાઈ રહી છે. બે ભિન્ન દંતકથાઓનો આ તકવાદી સંગમ છે: એક દ્રવિડિયન જાતિની “શોધ ” અને બીજું એ કે શરૂઆતના સમયમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા જ મહત્વના હિન્દુ ગ્રંથો રચવામાં આવ્યા.

નકારાયેલી આર્ય જાતિવાદની માન્યતા વિષે મારાં અગાઉના બ્લોગમાં ચર્ચા થઈ ચૂકી છે. એનું જ પ્રતિરૂપ છે આ દ્રવિડિયન જાતિવાદની માન્યતા. આ બંને બાબતો હાનિકારક છે અને બંને ખોટી પુરવાર થઈ ચુકી છે. આ દ્રવિડિયન જાતિવાદની માન્યતા મુજબ દ્રવિડિયન પ્રજા ભારત ઉપખંડના મૂળ રહેવાસીઓ હતા અને તેઓને દક્ષિણ ભારત તરફ આક્રમણકારી ગોરી ચામડી વાળા અને ભિન્ન જાતિના આર્યનોએ ખદેડી દીધા હતા.

ભારતમાં રાષ્ટ્રીય સ્તર પર કોઈ “આર્યન” રાજકીય પક્ષ ભલે નથી પણ દક્ષિણ ભારતના તમિલ નાડુની મુખ્ય ઓળખનું દ્રવિડીકરણ કરાયું હોવાથી આ વિઘાતક જોડી જીવિત રહેલી છે. આર્યન/દ્રવિડ કથા (માન્યતા) એકબીજા ઉપર નિર્ભર છે અને એનો સમાજમાં સંઘર્ષ અને હિંસા (જેમ કે છેલ્લા થોડા વર્ષો પહેલા શ્રીલંકામાં) ફેલાવવામાં સફળતાપૂર્વક ઉપયોગ કરાયો છે.

દ્રવિડિયન જાતિવાદના સિદ્ધાંતનો જન્મ 19મી સદીનાં યુરોપિયન શિક્ષણમાં થયો જયારે સંસ્થાનવાદી અને ખ્રિસ્તી ધર્મ પ્રચારકો- એમ બંને જૂથોએ માનવવંશીય અને ભાષાકીય વિષયોને લગતા શિક્ષણનો ઉપયોગ મનઘડત ઈતિહાસ અને જાતિઓની રચના કરવામાં કર્યો. એક તરફ યુરોપિયન વિદ્વાનો સંસ્કૃત ગ્રંથોને યુરોપિઅનોના વારસા તરીકે પચાવી પાડવાની વેતરણમાં હતા તો બીજી તરફ ફ્રાન્સિસ એલીસ અને એલેક્ઝાન્ડર કૅમ્પબેલ જેવા બ્રિટીશ ભાષાશાસ્ત્રીઓ ભારતમાં રહીને એ સિદ્ધાંત ઉપર કામ કરતા હતા કે દક્ષિણ ભારતની ભાષાઓ ઉત્તર ભારતની ભાષાઓથી ભિન્ન સ્રોતમાંથી ઉદ્ભવી છે. તદુપરાંત અન્ય બ્રિટીશ નિયુક્ત પંડિત બ્રાયન હ્યુટન હૉજસન ‘તામિલીયન’ શબ્દને જાતિવાદના ખાનામાં બેસાડવાનો એમ કહીને પ્રયાસ કરી રહ્યા હતા કે આ કહેવાતા ભારતના મૂળનિવાસીઓ, પરદેશી આર્યન પ્રજા કરતા પછાત અને જંગલી હતા.

ત્યાર બાદ અંગ્રેજ ચર્ચના પંડિત અને ખ્રિસ્તી ધર્મ પ્રચારક બિશપ રૉબર્ટ કાલ્ડવેલે (૧૮૧૪-૯૧) આજે પ્રચલિત થયેલી છે એ દ્રવિડિયન ઓળખનો પથ કંડાર્યો. એમના “કમ્પેરેટિવ ગ્રામર ઓફ ધ દ્રવિડિયન રેસ” પુસ્તકમાં તેઓ દાવો કરે છે કે દક્ષિણ ભારતીયનું માનસ સંસ્કૃત માનસથી બંધારણમાં જ ભિન્ન છે. ભાષાને લગતા અનુમાનોને એક જાતિવાદના સિદ્ધાંતમાં ખપાવી દેવામાં આવ્યો. એમણે દ્રવિડિયન પ્રજાને અણસમજુ અને જડભરત તરીકે વર્ણવી અને બ્રાહ્મણોને-આર્યનોના લુચ્ચા આડતિયાઓ તરીકે-કસૂરવાર ઠરાવ્યા કે જેમણે દ્રવિડિયન પ્રજાના માથે સંસ્કૃત અને પોતાનો ધર્મ ઠોકી બેસાડીને એક હાથકડી પહેરાવવાનું કાર્ય કર્યું.

એમના ઉત્તરાધિકારી અને બીજા પ્રચંડ ધર્મપ્રચારક પંડિત બિશપ જી. યુ. પૉપે તમિલ “ક્લાસિકલ” કાળખંડને બિરદાવીને એવું પ્રતિપાદિત કર્યું કે તમિલ “ક્લાસિકલ”નો સંબંધ હિન્દૂ ધર્મ સાથે નહિ પણ ખ્રિસ્તી ધર્મ સાથે છે. જો કે પાછળથી નિષ્ઠાવાન તમિલ સંસ્કૃતિના વિદ્વાનો દ્વારા એ માન્યતાનો અસ્વીકાર થયો છતા એ વિચાર સફળતાપૂર્વક રોપી દેવાયો કે “મૂળભૂત રીતે શુદ્ધ” તમિલ સંસ્કૃતિમાં સંસ્કૃત અને મૂર્તિપૂજા ઉમેરીને એને નીતિભ્રષ્ટ કરવા માટે હિન્દુ ધર્મ જવાબદાર હતો.

તે દરમિયાન, વધું ને વધું તમિલ નેતાઓ દ્રવિડિયન ઓળખને વધાવવા લાગ્યા. અને પરિણામે ઝનૂની તમિલિયતનો ઉદ્ભવ થયો જે શરૂઆતમાં ધાર્મિક નહિ પણ બિનસાંપ્રદાયિક હતી. આને પોષણ મળ્યું એક એવી માન્યતાથી કે હિન્દી મહાસાગરમાં એક સમયે, ખોવાઈ ગયેલ, લેમૂરિયા નામનો એક ખંડ (એટ્લાંટીસ ખંડની દંતકથા માફક) હતો જે દ્રવિડિયન લોકોનો મૂળ દેશ હતો. લેમૂરિયાની ભવ્યતાના વૃત્તાન્તો ઐતિહાસિક હકીકત તરીકે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભણાવવામાં આવવાથી પ્રાદેશિક સંઘર્ષ વધું પ્રબળ બન્યો. ભારતની સ્વતંત્રતા પછી દ્રવિડિયન ઓળખે રાજકારણમાં પ્રવેશ કર્યો અને હવે એ ઓળખ રાજ્યમાં સત્તા માટેની રમતનું અતિ મહત્વનું અંગ બની ગઈ છે.

આ દ્રવિડિયન ઓળખને હવે વધું ને વધું ખ્રિસ્તી ઓળખમાં ખપાવવામાં આવી રહી છે. “આર્યન” બ્રાહ્મણોના આક્રમણ અગાઉ “લગભગ-ખ્રિસ્તી” જેવા ધર્મના અસ્તિત્વને “શોધી” કાઢવા માટે અચાનક ખૂબ બધા લખાણોનાં ફેલાવા થકી એક નવા “દ્રવિડિયન ખ્રિસ્તી” ધર્મનો આવિષ્કાર કરાયો છે. આ યોજનાનો હેતુ તમિલ સંસ્કૃતિ, ભાષા અને ગ્રંથોને હિન્દુત્વથી વ્યવસ્થિતપણે જુદા તારવી ચોખ્ખા કરીને “સ્વાહા” કરી જવાનો છે. ખ્રિસ્તી અર્થઘટન અને ખ્રિસ્તી પરિભાષાની અવેજીનું રોપણ તમિલ હિન્દૂ સંસ્કૃતિમાં ખુબ જ આત્મસાત કરાયેલાં ચિન્હો, કલાકારીગરીની ચીજો અને સાહિત્યલેખનમાં થઈ રહ્યું છે.

મુર્ખામીભર્યો દાવો એ છે કે શ્રેષ્ઠ તમિલ સાહિત્યનું મૂળ શરૂઆતના ક્રિશ્ચિયન કાળમાં છે. શ્રેષ્ઠ તમિલ સાંસ્કૃતિક પરંપરાના બે ભાગ છેઃ એક “થિરૂકુરાલ” તરીકે ઓળખાતા નીતિશાસ્ત્રને લગતા વિષય બાબત (ટૂંકમાં કુરાલ, મહાન ઋષિ થિરુવલ્લુવર રચિત) અને વ્યવહારદક્ષ વેદાંત તત્ત્વજ્ઞાનનો ભંડાર જે શૈવ સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જેનું મૂળ વેદોમાં છે અને જેનું પોષણ ઘણા તમિલ મહાપંડિતોએ સદીઓ દરમિયાન કર્યું છે. દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટી આ બંને પાયાની કૃતિઓને પચાવી પાડીને એવો દાવો કરે છે કે એમની ઉપર ક્રિશ્ચિયન પ્રભાવ છે. આ દાવાને વિશ્વાસપાત્ર બનાવવા માટે કુરાલની રચનાઓની ઈશુ ખ્રિસ્ત પૂર્વેની તારીખને બદલીને પછીની તારીખના કાર્યમાં ખપાવાય છે.

કથાનું સ્વરૂપ એવું અપાયું છે કે સેઈન્ટ થોમસ (એપૉસ્ટલ, ઈશુ ખ્રિસ્તના બાર શિષ્યોમાંના એક) દક્ષિણ ભારતમાં આવ્યા હતા અને તેમણે આ મહાન ઋષિ થિરુવલ્લુવરને, જેઓ ખ્રિસ્તી ધર્મથી “પ્રભાવિત” થયા હતા, ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપ્યું. પણ તેઓ સેઈન્ટ થોમસે આપેલો સંદેશો ચોક્કસપણે સમજી ન શક્યા. આવું અવારનવાર તાજેતરમાં પ્રકાશિત થઈ રહેલ ચિત્રોમાં બતાવાઈ રહ્યું છે, જેમાં આ ઋષિ સેઈન્ટ થોમસના ચરણોમાં બેસીને કાગળ ઉપર નોંધ લેતા બતાવાય છે. સંસ્કૃતને એ રીતે ઉતારી પાડવામાં આવી છે કે આ ભાષાને સેઈન્ટ થોમસે ખ્રિસ્તી ધર્મનો સંદેશો ઉત્તર ભારતની જંગલી પ્રજામાં ફેલાવવા માટે રચી હતી.

ભારતીય ચર્ચ અવારનવાર સેઈન્ટ થોમસની ભારતની મુલાકાતની બાબતને ટેકો આપવા પુરાતત્વીય શોધની ઘોષણા કરતા રહ્યા છે પણ એમાંની એકેયને વ્યવસાયી પુરાતત્વવિદે સ્વીકૃતિ આપી નથી. વિખ્યાત જેસ્યુટ (Jesuit) પુરાતત્વવિદ્દ ફાધર હેરસે ચેન્નાઈમાં મળી આવેલા કહેવાતા થોમસ ટોમ્બને નકારી કાઢ્યો છે.
પશ્ચિમી ખ્રિસ્તી ચર્ચો અબજો ડોલર્સ તમિલ નાડુમાં મોકલે છે જે ભારતીયોના ધર્મપરિવર્તન માટેનું મુખ્ય મથક છે. બૌદ્ધિક છેતરપિંડી અને પૂર્વગ્રહનો પ્રસાર અકલ્પનિય પ્રમાણમાં કરાયેલ છે. પણ સાથે સાથે ચર્ચની રાજકીય વગને કારણે આ કાર્યસૂચિ મહાવિદ્યાલયના શોધખોળ વિભાગમાં, શિક્ષણમાં, મ્યુઝિયમમાં, રાજકારણમાં અને ફિલ્મોમાં પગપેસારો કરી શકી છે. રાજ્ય સરકાર સેઈન્ટ થોમસ ઉપર ભવ્ય ચલચિત્ર બનાવવા માટે મદદ પણ કરી રહી છે જેથી આ દંતકથા લોકપ્રિય બની શકે.

આ દ્રવિડિયન ખ્રિસ્તી આંદોલને છેલ્લા દાયકા દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદોની હારમાળાઓ યોજી છે જેમાં એમના પંડિતોએ ભારતીય ધાર્મિક ઈતિહાસને બદલવાના અમર્યાદ પ્રયાસો કર્યા છે. તેઓ દાવો કરે છે કે ભગવદ્દ ગીતા, તમિલ ગ્રંથો અને સંસ્કૃત ભાષા પણ ઈશુ ખ્રિસ્તના પછી અને ખ્રિસ્તી ધર્મના પ્રભાવને કારણે રચાયા છે. તરંગી લેમૂરિઅન થિઅરીને પણ આવે વખતે આગળ કરાય છે. સન ૨૦૦૫માં ન્યૂ યોર્કમાં ભરાયેલી પરિષદનો વિષય હતો, ” ભારતમાં ખ્રિસ્તી ધર્મના શરૂઆતના સમય વિષે આંતરરાષ્ટ્રીય પરિષદ”.
સેનેટર હિલેરી ક્લિન્ટને આ સંદેશાથી પરિષદને વધાવી હતી:
“મને વિશ્વાસ છે કે આ પરિષદમાં પ્રસ્તુત કરાયેલા સંસાધનો ખ્રિસ્તી ધર્મના મધ્યકાલીન અને પ્રાચીન ભારત ઉપર પડેલા પ્રભાવ અને તેના દ્વારા અસર પામેલા ભારતના સાંસ્કૃતિક અને રાજકીય લક્ષણો ઉપર પ્રકાશ પાડશે.”

દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીએ બહું ઉન્નત શિખરો સર કર્યા છે. દાખલા તરીકે, માર્વિન ઓલાસ્કી, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના સલાહકારે જાહેર કર્યું હતું કે હિન્દૂ ધર્મના બે મુખ્ય સંપ્રદાયો -વૈષ્ણવ અને શૈવ- હિન્દૂ ધર્મમાંથી નહીં બલ્કે શરૂઆતના ખ્રિસ્તી ચર્ચમાંથી ઉદ્ભવ્યા હતા, કદાચ એપૉસ્ટલ થોમસના ઈસવી સન ૫ થી ૬૮ના સમયગાળા દરમિયાન કરાયેલા હસ્તક્ષેપને લીધે આવું બન્યું હશે. તેઓ આગળ વધીને એમના અમેરિકન વાચકોને સમજાવે છે કે ખ્રિસ્તી ધર્મે હિન્દૂ ધર્મને કઈ રીતે મુખ્ય વિભાવનાઓ પ્રદાન કરી.

બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તકમાં હું બતાવું છું કે કઈ રીતે ખ્રિસ્તી ચર્ચ દ્વારા ભંડોળ મેળવનારી સંસ્થાઓ અને વિદ્વાનો વચ્ચેનું વગદાર ગઠબંધન, મોટે ભાગે પશ્ચિમી સરકારો દ્વારા ટેકો મેળવીને, મોટે પાયે બ્રિટિશ શાસનકાળ દરમિયાન થતા જોડ-તોડનું પુનરાવર્તન કરી રહ્યા છે. તે દરમિયાન, ચેન્નાઈના એક ખુબ મહત્વના જાહેર સ્થળે રોબર્ટ કાલ્ડવેલનું એક ભવ્ય પૂતળું એવી ભાવના સાથે ઉભું થયું છે કે જેમણે તમિલ લોકોને તેમનો “સાચો ઈતિહાસ” આપ્યો.

મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલ
How Evangelists Invented ‘Dravidian Christianity’

Leave a Reply