હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી ભરેલો છે જ્યાં લગભગ દરેક અમેરિકન શહેરો ભૂતકાળના બનાવોની નોંધણી તેમજ પૃથ્થકરણ કરવા અને સાચવવાના કાર્યમાં પ્રવૃત્ત છે ભલે એનું મહત્વ ગમે તેટલું હોય. રાજ્યની રાજધાનીઓમાં દેશભક્તિનાં ઐતિહાસિક સ્મારકો ઠેરઠેર છવાયેલાં છે. એવી જ રીતે, પશ્ચિમમાં વંશાવલીનું કાર્ય એ એક અતિ સમૃદ્ધ વ્યવસાય છે જેમાં શોખીન અને વ્યાવસાયિક એમ બેઉ પ્રકારના લોકો કૌટુંબિક અને સામાજિક ઈતિહાસની વિગતોને એકત્ર કરવામાં અને નોંધણી કરવામાં સંલગ્ન છે. અને ન્યુ યોર્ક શહેરમાં ભિન્ન ભિન્ન જાતિ કે દેશની પ્રજા દ્વારા પ્રયોજાતા સરઘસોથી દરેક લઘુમતીના ઈતિહાસને વ્યાપક અમેરિકાના ઈતિહાસમાં સમાવેશ કરવા માટેના પ્રયાસોને અપાતું મહત્ત્વ દ્રષ્ટિગોચર થાય છે.
એની સરખામણીમાં ભારતમાં મારો જન્મ જે જાતિમાં થયો એ પંજાબી જાતિની ભૂતકાળ વિષેની જાણકારી પ્રત્યેની ઉદાસીનતા ઉડીને આંખે વળગે છે. તારીખોની નોંધણીમાં, નામોમાં, ભૂતકાળના બનાવોની નોંધણીમાં, વંશાવલીના પૃથ્થકરણમાં અને કૌટુંબિક ઈતિહાસમાં જે અતિ આવશ્યક છે એવી કોઈ ચોકસાઈ નથી રખાતી, જે પશ્ચિમમાં કેટલાંય લોકો અને સંસ્થાઓને આમાં પ્રવૃત્ત રાખે છે. મારા ભૂતકાળ વિષેના પ્રશ્નોનો મને મળેલો જવાબ મોટે ભાગે ઉડાઉ રહ્યો. કૌટુંબિક ગાથાઓની નાટકીય ઢબે રજુઆત, અમુક અસરકારક બનાવો ઉપર અપાતું પ્રાધાન્ય અને તારીખોની બાબતમાં સંપૂર્ણ લાપરવાહી એ નોંધનીય રહ્યું. ઈતિહાસની બાબતમાં જે ખુબ મહત્ત્વપૂર્ણ હોય એવા ઘટનાક્રમ અને શાબ્દિક વિગતોનો પણ અભાવ રહ્યો. થોડી હકીકતો, થોડી સજાવટ અને ભૂતકાળમાંથી તારવેલા કહેવા જેવા બોધપાઠ હતા.
જયારે મેં સંસ્કૃતિનો અભ્યાસ કરવાનું શરુ કર્યું ત્યારે આશ્ચર્ય પામ્યા વગર મેં ધીરે ધીરે અનુભવ કરવા માંડયો કે પશ્ચિમનું આ બિનસાંપ્રદાયિકતા પ્રત્યેનું વળગણ યહૂદી- ખ્રિસ્તી પરંપરાના મૂળમાં જ છે. ઉપર જોયા મુજબ ઈતિહાસ પ્રત્યેનાં પશ્ચિમના અને ભારતીયોના વલણનું ઘડતર દૈવી તત્ત્વને જાણવા માટેના યહૂદી- ખ્રિસ્તી પરંપરા અને ધર્મિક પરંપરા બંનેના વિભિન્ન એવા અભિગમથી થયું છે.
મારા છેલ્લાં પુસ્તક” બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલીન્સ ૨૦૧૧)માં હું સમજાવું છું કે યહૂદી- ખ્રિસ્તી પરંપરામાં ઈશ્વર વિષે, આઘ્યાત્મિક જીવન માટે અને મોક્ષ પ્રાપ્તિ બાબત જ્ઞાન મેળવવા માટે એક અથવા વધું ઐતિહાસિક ઘટના વિષે જાણવું અત્યાવશ્યક છે. એ માન્યતા મુજબ અનુભવાતીત પ્રભુનો સાક્ષાત્કાર એક ચોક્કસ સ્થળે, સંજોગે અને અમુક ઘટનાક્રમે માનવજાતને “બચાવવા” અને સત્યને પ્રસ્તુત કરવા માટે થયો. એટલે આવા ધર્મોનો મૂળ સિદ્ધાંત આ ઐતિહાસિક બનાવ છે જે આ પરંપરાને ખુબ જીણવટભરી વિગતોથી આ ઘટનાક્રમના ભરપૂર સંકલન માટે દોરે છે. હું આવી આસક્તિને “ઈતિહાસ-કેન્દ્રિત” વળગણ તરીકે જોઉં છું.
આથી વિપરીત, આપણા ધર્મો આવી રીતે અક્ષરસઃ ઐતિહાસિક બીના ઉપર અવલંબિત નથી. આ માન્યતા મુજબ સત્યની શોધ બહાર તેમજ આપણી પોતાની અંદર દરેક વ્યક્તિ દ્વારા અને તે પણ ગમે તે યુગમાં કે સમયમાં કરી શકાય છે. આ પરંપરાની માન્યતા મુજબ પ્રત્યેક વ્યક્તિમાં સત-ચિત્ત-આનંદની અથવા આનંદમય સ્થિતિ પ્રાપ્ત કરવાની અને આત્માનું પરમાત્મા સાથે ઐક્ય સાધવાની ક્ષમતા છે. આ ધ્યેયપ્રાપ્તિ માટે અનેક સુલભ માર્ગો છે જેમ કે યોગ, સાધના વગેરે જેમાં કોઈ ઐતિહાસિક ઉદાત્ત કથા કે ઘટનાક્રમ કે કોઈ મધ્યસ્થ ધરાવતી સત્તાધારી સંસ્થાની આવશ્યકતા નથી. ઐતિહાસિક-કેન્દ્રીકરણથી આ માર્ગ તદ્દન ભિન્ન છે જેને હું સાક્ષાત્કાર(શરીરના માધ્યમથી થતું આત્મજ્ઞાન) -embodied knowing- માર્ગ કહું છું.
સંભવતઃ ભૂતકાળના બનાવોની કાળજીપૂર્વકની તપાસ, નોંધણી અને પૃથ્થકરણ પ્રશંસનીય છે. પરંતુ, સત્તાધારી સંસ્થાઓ દ્વારા ધર્મસંબંધી વાર્તાઓનું નિશ્ચિતપણે ઈતિહાસીકરણ કરવાથી ગંભીર પ્રશ્નો પણ ઊભાં થાય છે. દાખલા તરીકે, ઘણા મહત્વના દાવાઓને હકીકત તરીકે પ્રસ્તુત કરાયા અને મોક્ષપ્રાપ્તિ માટે પ્રધાન ગણાવાયા છે જેને પ્રમાણિત કરવું અસંભવ છે જેમ કે કુમારિકા થકી જન્મ, ક્રૉસ ઉપર શરીરને ખીલાથી જડી દેવું તે, પ્રલયના દિવસે પુનઃજીવન. (આ દાવાઓ વૈજ્ઞાનિક પણ ન ગણાય કારણ કે વિજ્ઞાનના નિયમ પ્રમાણે આ દાવાઓને “ખોટા” સાબિત કરી શકાતા નથી એટલે કે પ્રયોગોની કસોટી પર ચઢાવી શકતા નથી). આ બનાવોમાં અનેક પરસ્પર-વિરોધી દાવાઓ પણ થાય છે જેને કારણે ધર્મોની અંદર અને જુદાં જુદાં ધર્મોની વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે જે વિશ્વમાં આફતની પરિસ્થિતિ પેદા કરે છે. સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ એ હકીકતમાં હરીફો વચ્ચેનો અધિકૃત અને જેને બદલી ન શકાય તેવો ઐતિહાસિક વૃતાન્ત જ છે.
કોઈ ચોક્કસ સંસ્કૃતિની પૂજનીય માન્યતાઓને ઈતિહાસમાં બદલીને આ ચોક્કસ વંશને જ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં રાખીને એની માન્યતાઓને વૈશ્વિક ગણાવવી એવું આ શરમજનક કૃત્ય છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની બાબતમાં ઈશ્વરે એમને “માનીતા” ગણીને કિંમતી ભેંટ ગ્રહી શકે એ માટે ઈઝરાઈલ અને ચર્ચને જ ક્રમાનુસાર પસંદ કર્યા. એટલે ઈશ્વર દ્વારા અભિષેક મેળવ્યા બાદ પોતાની પીઠ થાબડવા જેવું કૃત્ય કરતા હોય એમ અન્ય સંસ્કૃતિના પવિત્ર સાહિત્યને પ્રાગૈતિહાસિક અને દંતકથા ગણાવી. “મિથ” શબ્દ, એટલે કે ખોટી માન્યતા, કલ્પિત અને ઉત્તમ પણ હકીકતથી દૂર, એમના હાથમાં એક હથિયાર બની જાય છે જેના સહારે તેઓ અન્ય હરીફ સંસ્કૃતિના આધ્યાત્મિક વારસાને ઉતારી પાડે છે. યહૂદી-ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે ઈતિહાસ અને આ દંતકથા બંને એકબીજાથી તદ્દન અનોખા છે. એ એમના “ન્યુ ટેસ્ટામેન્ટ”માં સમાયેલ એ સમયની ખ્રિસ્તીઓની સભાને સંબોધીને લખાયેલ એક પત્ર દ્વારા સ્પષ્ટ થાય છે જે દર્શાવે છે કે “અમે આપને જયારે આપણા ઈશ્વર અને તારણહાર ઈશુ ખ્રિસ્તના પ્રગટીકરણ બાબત જણાવ્યું ત્યારે હોંશિયારીથી રચાયેલી દંથકથાઓનો કોઈ સહારો નથી લીધો પણ અમે એમના પ્રગટ થવાને પ્રત્યક્ષ નિહાળ્યું છે (2 Peter 1:16)”.
ધાર્મિક પરંપરા પોતાના ભૂતકાળને માત્ર પૂર્વ હકીકત કે માત્ર “દંતકથા” મારફત ન જોતા “ઈતિહાસ” મારફત જુએ છે. માત્ર પૂર્વ હકીકત નહીં પણ સત્ય એ જ ઈતિહાસની નિસ્બત છે. સત્ય એ પૂર્વ હકીકત ઉપર અવલંબિત નથી પણ હકીકતમાં પૂર્વ હકીકત એ સત્યમાંથી ઉદ્ભવે છે. એટલે ધર્મિક માન્યતા મુજબ પૂર્વ હકીકત અને “દંતકથા” વચ્ચેના સંબંધને પશ્ચિમ દ્વારા મનાતા “સત્ય” અને “કાલ્પનિક” વચ્ચેના સંબંધ સાથે સરખાવી શકાય તેમ નથી. મોટા ભાગનાં હિંદુઓ એમના પરંપરાના ભૂતકાળના બનાવોને એક વહેણની માફક જુવે છે. કાળના અનંત ઘટનાચક્રમાં એવો સમય ફરી ફરીને આવ્યે રાખે છે. આધ્યાત્મિક પ્રવાસની શરૂઆત કરનારા માટે ઐતિહાસિક કથાનું મહત્વ જરૂર છે પણ સાચો ધર્મ પાળનાર માટે એ કથામાં દર્શાવાયેલ નૈતિક મૂલ્યોનું મહત્ત્વ અક્ષરશઃ વિગતો કરતા વધું છે. મહર્ષિ શ્રી અરવિંદ એ બાબત ઉપર ભાર મૂકે છે કે ભગવાન કૃષ્ણે દર્શાવેલા જીવનમૂલ્યો કે જીવવાનો દ્રષ્ટિકોણ તેમની ઐતિહાસિક અર્થસૂચક્તા કરતા વધું મહત્ત્વ ધરાવે છે.
કારણ કે ઈતિહાસનો અભ્યાસ આંતરિક બદલાવ માટે છે અને અંતે યોગ એ અંતરાલ અને સમયની મર્યાદા પાર કરવા માટે છે એટલે ભારતીયો મોટે ભાગે એમની દંતકથાઓને પૂર્ણ ઈતિહાસ તરીકે પ્રસ્તુત કરવા માટે કોઈ ખાસ પ્રયત્ન નથી કરતાં અને એમના સૌથી સન્માનનીય અવતારો કે ઋષિઓની જીવનગાથાની ઝીણી ઝીણી વિગતો માટે કંઈક અંશે ઉદાસીનતા પણ દાખવે છે. આ જોતા પશ્ચિમ દ્વારા દંતકથાને નક્કર હકીકત અને અક્ષરશઃ કથનમાં બદલાવવા માટેની આવી શક્તિશાળી કાર્યપદ્ધતિ અને વિસ્તૃત પ્રક્રિયા માટે ભારતીયો બિલકુલ તૈયાર નથી કે સજ્જ નથી. હું મારા પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”માં પશ્ચિમ દ્વારા થતા આ પ્રયાસોનો સખત વિરોધ કરું છું જેમાં “પશ્ચિમી સંસ્કૃતિ સર્વવ્યાપી” ગણાવીને સમગ્ર વિશ્વને માથે ઠોકી બેસાડવા માંગે છે.
હું આ પુસ્તકમાં ધર્મિક અને યહૂદી-ખ્રિસ્તી ધર્મની પરંપરા દ્વારા ભૂતકાળને જોવાના દ્રષ્ટિકોણમાં જે ભેદ છે એને વધું ઝીણવટથી તપાસું છું.
મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલ
Yoga: Freedom From History