ધર્મો વચ્ચેના ભેદને ચર્ચવાનું મહત્ત્વ

ભારતીય મહાગાથા વ્યાખ્યાન

હું ઈચ્છુ છું કે બધા પ્રદેશોની બધી સંસ્કૃતિઓના વાયરા મારા આવાસમાં છૂટથી વાય. પણ, હું એ વાયરાને કારણે ઉડી જવા નથી માંગતો.-મહાત્મા ગાંધી

મોટા ભાગના ઉદારમતવાદી સમાજમાં લિંગ, જાતિ કે વંશના આધારે રખાતા ભેદભાવના વિચારો દેખીતી રીતે વખોડાય છે. માનવજાતમાં રહેલી વિવિધતા મોટે ભાગે ન માત્ર સ્વીકારાય છે, એનો તો ઉત્સવ ઉજવાય છે. અલબત્ત આ યાત્રા પુરી નથી થઈ અને ખરું જોતા તો જેમણે આ વિચારો પ્રસ્તુત કર્યા એમના માટે આ યાત્રા ઘણી લાંબી અને કઠિન રહી છે. હું પ્રેરિત થયો છે નારીવાદીઓથી જેમણે હિંમતપૂર્વક પુરુષપ્રધાન સમાજના લિંગભેદના પ્રવર્તમાન વિચારોને પડકાર્યા, આફ્રિકન-અમેરિકનોથી જેમણે અન્ય સંસ્કૃતિનું આધિપત્ય સ્વીકારવાને બદલે અથવા “સર્વસામાન્ય” સંસ્કૃતિનો એક અજીબોગરીબ હિસ્સો બનવાને બદલે તેમની આગવી સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખી અને હું પ્રેરિત થયો છું “ગે” ચળવળના નેતાઓથી જેમણે પ્રવર્તમાન લૈંગિક માન્યતાઓ વચ્ચે સમલૈંગિકો માટે સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ઉપરના દરેક દ્રષ્ટાંતમાં કહેવાતા ગૌણ વિચારોએ વર્ચસ્વ ધરાવતા પ્રવર્તમાન વિચારોને, માનવજાતમાં પડાયેલ ભાગલાંઓને અને જે જડબેસલાક રીતે આદર્શ અને સર્વસામાન્ય ગણાતા એ વિચારોને સીધા પડકાર્યા.
પણ ભિન્ન-ભિન્ન ધર્મો વચ્ચે જયારે વાર્તાલાપ થાય છે ત્યારે પ્રવર્તમાન સ્થાપિત દ્રષ્ટિકોણને સુસ્પષ્ટ રીતે પડકારવાનું આપણે ટાળીયે છીએ. એથી વિપરીત, મોટે ભાગે તો અન્ય ધર્મોને “સહન” કરવાનું જ ગાણું ગવાતું હોય છે.

મારાં એક અન્ય બ્લોગમાં મેં “સહન” કરવાનું અને પરસ્પર “સમ્માન” કરવાનું એ બંને વચ્ચેના ભેદની અને “સહન”થી “સમ્માન” તરફ આગળ વધવાની આવશ્યકતાની ચર્ચા કરી હતી. પરસ્પર સમ્માન માટે એ જરૂરી છે કે અન્ય ધર્મો પોતાના ધર્મથી ભિન્ન કેમ છે એ વિષે જાણીને એની કદર કરવી; એથી ઓછું કાંઈ પણ જો કહેવાય તો તે માત્ર આડંબર જ છે. આવો માર્ગ વિચારકોને ભિન્નતા ઉપરથી પડદો દૂર કરવા, પ્રામાણિક જોખમ લેવા અને ચતુરાઈવાળું અને અંતે તો નિરર્થક એવું વલણ કે “બધા ધર્મો તો સરખા જ છે” એ છોડી દેવા મજબૂર કરે છે. હકીકતમાં મારા આ અગાઉના બ્લોગમાં વર્ણવેલો યહૂદી સમાજ સાથેનો મારો નિજી અનુભવ દર્શાવે છે કે ઘણી સંસ્કૃતિ વિષેની ગેરસમજો ધર્મો વચ્ચેના ભેદ બાબત સ્પષ્ટ અભિવ્યક્તિ દ્વારા દૂર થઈ શકે છે.

મારું ઘણું લખાણ જાહેરમાં ધર્મો વચ્ચેના ભેદ ઉપરનો પડદો દૂર કરીને એ ભેદને સ્વીકારવાની બાબત સામે જે પ્રચંડ પ્રતિરોધ છે એની ચર્ચા કરે છે. આ ભેદને સ્વાભાવિક માનવાને બદલે સમસ્યારુપ ગણવાના દ્રષ્ટિકોણની આ કંગાળ માનસિકતા વિશે વર્ણવવા માટે હું “ડિફરન્સ ઍન્ગ્ઝાયટી(ભેદ વિશેની અસ્વસ્થતા)”નો શબ્દપ્રયોગ વાપરું છું. આ અસ્વસ્થતાના કારણોના મૂળિયા ઘણા ઊંડા છે જેની હું મારા આગામી પુસ્તક ” ઘી ઓડેસીટી ઑફ ડિફરન્સ”માં વિસ્તૃત ચર્ચા કરું છું. અહીં એટલું કહેવું બસ થઈ રહેશે કે કોઈ પણ ધર્મો વચ્ચેનો ફળદાયક સંવાદ સૌ પ્રથમ દરેક સભ્યતાની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક લાક્ષણિકતાઓની કદર કરે અને સ્વીકારે અને પશ્ચિમના એ વળગણને પડકારે જે દાવો કરે છે કે એક માત્ર અમારો જ ધર્મ સૌએ માનવો અને પાળવો જોઈએ.

ચીન અને મુસ્લિમ દેશો પશ્ચિમીકરણ એ જ વૈશ્વિકરણ છે એ માન્યતાનું ખંડન કરીને પ્રતિ-ઉદાહરણ સ્થાપિત કરે છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના “વેમિંગ તુ” કહે છે કે ચીની સભ્યતાની આધુનિકતા માટેની “કન્ફુસિયાનિઝમ”ના આધાર પર ઘડાયેલી એમની પોતાની આગવી માન્યતા છે અને ચીને પશ્ચિમીકરણ કરવું એ ઉપર આ માન્યતા અવલંબિત નથી. ઈસ્લામની પણ પોતાની અલગ દ્રષ્ટિ છે જેમા એમનું આગવું ધર્મશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે અને રાજનૈતિક માળખું છે. ધર્મો અને અન્ય માન્યતાઓ વચ્ચેના ભેદની અભિવ્યક્તિ કરવા અને સમજવા સામે વિરોધના સુર ઘણા ભારતીયો તરફથી પણ ઉઠે છે જેઓ આશ્ચર્યજનક રીતે “યુરોપકેન્દ્રીય” દ્રષ્ટિબિંદુ ધરાવે છે.
ઘણા “આધુનિક” ભારતીયો એ પૂછતા સંભળાય છે કે શું આપણે સૌ “સરખા” નથી? “સર્વસામાન્ય” દ્રષ્ટિબિંદુમાં શું ખોટું છે? શું એ પ્રશંસનીય નથી કે લાખો પશ્ચિમીઓ “યોગ” કરે છે અને ભારતીય ખાણું દુનિયાભરમાં ફેલાઈ ગયું છે? તદુપરાંત, આધુનિક યુગમાં થઈ રહેલ પ્રચલિત માન્યતાઓ જેમ કે “પોસ્ટ-મૉડર્ન”, “પોસ્ટ-રેસિઅલ”, “પોસ્ટ-રિલિજીયસ” અને “પોસ્ટ-નેશનલ” સૂચક છે એ વાતની કે એક સમતલ બિનસાંપ્રદાયિક વિશ્વ, જે લોકોના ઈતિહાસ, એમની ઓળખ કે એમના ધાર્મિક દ્રષ્ટિબિંદુથી પર છે, ઉભરી રહ્યું છે.

આ સભ્યતાઓના સંગમ વિષે મારો ઉત્સાહ એ હકીકતથી સંતુલિત થાય છે કે આ પ્રકારના વિલયથી વિવિધતા જળવાતી નથી અને તે મોટે ભાગે એકતરફી હોય છે. જે માળખાંઓ પશ્ચિમની દંતકથાઓને, ઐતિહાસિક વિગતોને અને ધાર્મિક માન્યતોને ટેકો આપે અને વિશેષધિકાર પ્રદાન કરે એ મોટા ભાગના અકબંધ રહે છે.
વધું શક્તિશાળી સભ્યતા દ્વારા નબળી સભ્યતાઓને છિન્ન-ભિન્ન કરવાની, પુન:સંગઠિત કરવાની, અને ગળી જવાની આવી ખુબ જ વ્યાપક એવી પ્રક્રિયાને માટે હું “ડાયજેશન (આત્મસાત્)” જેવો શબ્દપ્રયોગ કરું છું. જેમ કોઈ વ્યક્તિ ખોરાક લઈને પોષક પદાર્થનું પાચન કરે છે અને જે શરીરને ઉપયોગનું ન હોય તેનો કચરો ગણીને નિકાલ કરે છે.

પશ્ચિમ પોતાની વિભાવનાઓ, સૌંદર્યની વ્યાખ્યાઓ, ભાષા, પોતાના આદર્શો અને ઐતિહાસિક ઢાંચાઓ આ જ સર્વસામાન્ય છે, “યુનિવર્સલ” છે એમ ગણીને વિશ્વને માથે થોપી દે છે. જે સભ્યતાના આવા તત્ત્વો આત્મસાત થઈ ગયા તે પછી પશ્ચિમના જ ગણાવા મંડે છે અને પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે. એને પરિણામે એ પરંપરા પેલા ખોરાકની જેમ આત્મસાત્ થઈ ગયા બાદ પોતાનું અસ્તિત્વ ખોઈને આત્મસાત્ કરનાર સભ્યતાને વધું શક્તિશાળી બનાવે છે. પશ્ચિમે આ રીતે અન્ય સભ્યતાઓને આત્મસાત્ કરીને મોટે ભાગે તે બધાના મૂળિયા ઉખેડી નાંખ્યા અને આમ આ સભ્યતાઓની નવા મૂલ્યો, નવી વિચારધારાઓ કે નવી વિભાવનાઓને જન્મ આપવાની શક્તિ હણી નાંખી. અમેરિકાના મૂળ વસાહતીઓ અને યુરોપના “પેગન (મૂર્તિપૂજક)” લોકોની સભ્યતાઓને આધુનિક પશ્ચિમ જગતમાં અગાઉ આત્મસાત કરવાના ઉદાહરણોથી સૌ પરિચિત છે જ.

આ પ્રક્રિયા “સભ્યતાની ઉન્નતિ” માટે અનિવાર્ય છે અને પશ્ચિમ વિશ્વના મધ્યમાં છે અને એન્જિન છે જે વિશ્વને પ્રગતિને માર્ગે લઈ જાય છે એવો તર્ક કરાય છે
“અ-પશ્ચિમી” સભ્યતાઓનું મહત્ત્વ માત્ર પશ્ચિમ દ્વારા શોધાયેલ એક સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે (જેમ કે “આપણો ભૂતકાળ”), કે એક નાટ્યશાળા જેમાં પશ્ચિમ કર્તા-હર્તા છે (“અમારે લોકોને સભ્યતા શીખવવાની છે”) અથવા એ સભ્યતા પશ્ચિમના હિત માટે હાનિકારક છે (“અમારું ફ્રન્ટીએર”).
ખરેખર તો દરેક સભ્યતાને સમાન અધિકાર હોવો જોઈએ અને કોઈ પણ સભ્યતાને માત્ર અન્વેષણ માટેનો વિષય ન બનાવતા પ્રત્યેક બાબતોમાં ભાગીદાર બનાવવો જોઈએ. પ્રત્યેક ધર્મો અને એની માન્યતાઓની અન્ય વિષયોની જેમ સમાન ધોરણે સમીક્ષા થવી જોઈએ. કોઈ પણ સભ્યતા, ભલે તે ગમે તેટલી શક્તિશાળી અને સમૃદ્ધ હોય, એ સમીક્ષામાંથી બહાર રહેવી ના જોઈએ કે તેઓને આ સમીક્ષાની શરતો નક્કી કરવા માટેનો કોઈ વિશેષાધિકાર મળવો ન જોઈએ.

ઈન્ટર-ફેઈથ પરિષદોમાં એવા મંચની આવશ્યકતા છે જ્યાં ખ્રિસ્તી ધર્મો સિવાયના ધર્મો ચર્ચા કરવા એ બાબતનો પડકાર કરી શકે કે શા માટે એમની માન્યતાને “સર્વસામાન્ય” ગણાવીને વિશ્વના અન્ય ધર્મો માટે પણ લાગું પાડવામાં આવે છે, જે રીતે સ્ત્રીઓએ, આફ્રિકન-અમેરિકન લોકોએ અને સમલૈંગિક લોકોએ છેવટે પ્રવર્તમાન માન્યતાઓને પડકારવા માટે મંચ મેળવ્યું. હું આગાહી કરું છું કે આવતા 5 વર્ષોમાં મુખ્યધારામાં (જાહેરમાં) આવા અંતર-ધાર્મિક વાર્તાલાપો થશે અને પ્રામાણિક સમજણ મેળવવા માટેની આ સાહસિક પ્રક્રિયા માટે કોઈ વાદવિવાદ ઉભો નહીં થાય.

આ રીતે ભેદ પારખવાની પ્રક્રિયાથી ધર્મિક (સનાતન ધર્મને લગતી) અને પશ્ચિમની માન્યતાઓની આધ્યાત્મિક વિશિષ્ટતાઓમાં રહેલો ભેદ ઉજાગર થઈ શકે છે. આ વાર્તાલાપ એ બાબત સિદ્ધ કરવા માટે નથી કે કોણ શ્રેષ્ઠ છે અને કોણ ગૌણ છે, પણ એ માનવજાતની બહુઆયામી અનુભૂતિઓ અને સહિયારા સંસાધનો થકી ઉદ્ભવતા ધર્મોમાં જે ભેદ છે તે પ્રસ્તુત કરવાં માટે છે.

પ્રકાશિત: ૧૪ મે ૨૦૧૧
મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલThe Importance Of Debating Religious Differences

Leave a Reply