ગાંધીજીનો સંદેશ વિશિષ્ટરૂપે ભિન્ન અને આત્મસાત્ કરવો અશક્ય

વ્યાખ્યાન Uncategorized

મારું પુસ્તક ભારતીય અને પશ્ચિમી સભ્યતા વચ્ચેના અમુક પાયાના તફાવતને પ્રકાશમાં લાવે છે અને વિસ્તારથી એમાંના આધ્યાત્મિક, તાત્વિક, તત્ત્વદર્શી અને ઐતિહાસિક આધારોનું અન્વેષણ કરે છે. મારી દલીલ છે કે આ તફાવતને આંખ આડા કરવામાં પશ્ચિમની સભ્યતાની મહત્તા પ્રત્યે સભાનતાનો સંપૂર્ણ અભાવ અને દીવાસ્વપ્નની માનસિકતા અને ભારતીયોની આત્મસમ્માનની દીનતાભરી મનોદશા જોઈ શકાય છે. જેના ફળસ્વરૂપે આપણે અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિ હજી સુધી ત્યજી શક્યા નથી.

આ પરિસ્થિતિ માટે મહદ્દઅંશે આપણી સભ્યતાનાં નેતૃત્વને દોષિત ઠેરવી શકાય કેમકે તેમણે પશ્ચિમ અને ભારત વચ્ચેની ભિન્નતાનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવામાં ઉદાસીનતા દાખવી છે. પ્રમાદ, વિદ્વતાની સંસ્કૃતિ તેમજ સંશોધન અને ચિંતન જે ભારતને એક સમયે પરિભાષિત કરતા હતા તે સૌનો નાશ, ઘમંડ (“સત્ય આપણી સાથે છે પછી શા માટે બીજાના વિષે જાણવાની માથાકૂટ કરવી?”) તથા પશ્ચિમને પડકારવાનું કપરું કામ આ બધા કારણો પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ અભ્યાસથી ફળીભૂત આપણી પોતાની સભ્યતા વિષે જે દ્રઢતા પરિણમશે એ વાસ્તવિકતાથી પણ અમુક ભારતીય “ગુરુ”ઓ, જેઓ “આપણે બધા સરખા જ છીએ” એવો દ્રષ્ટિકોણ ધરાવે છે, અસ્વસ્થ થાય છે અને તેનાથી તેઓને સહેલાઈથી મળી જતા પશ્ચિમના “શિષ્યો” ખોવાનો ડર પણ છે.
તેમ છતાં, સંશોધન, નિષ્ઠાપુર્વકનો અભ્યાસ અને પોતાની જાતની વિશ્વાસપાત્રતાનો આવિષ્કાર જ્યાં સુધી હાથ નહીં ધરાય ત્યાં સુધી ભારતીયો “ગુલામ” જ રહેશે-ભલે શારીરિક રીતે નહીં પણ મન અને બુદ્ધિથી તો ખરા જ. વધુ વાસ્તવિકતાની વક્રતા એ છે કે તેમના પોતાના સમૃદ્ધ વારસાથી અપરિચિત અને અંધારામાં રખાયા હોવાથી તેઓ પોતાની જાતને દયનીય સ્થિતિમાં જુએ છે જ્યારે પોતાના જ વારસાના જ્ઞાનની પ્રાપ્તિ માટે પશ્ચિમ તરફ ભાગે છે એ હકીકત જાણ્યા વિના કે તેઓ પોતે જ એ જ્ઞાનના ગર્વિષ્ઠ વારસદાર છે અને પશ્ચિમે તો એ આપણું જ્ઞાન તફડાવેલું છે.

તેમ છતાં વિશ્વાસપાત્રતા અને આત્મજ્ઞાનના સામર્થ્યના અમુક જૂજ ઉદાહરણો પણ છે. ભારતમાં અંગ્રેજોની સત્તા જ્યારે ચરમસીમાએ પહોંચેલી હતી તેવે સમયે મહાત્મા ગાંધીએ પોતાના ધર્મિક ભેદો વિષે ઝનુન વિના પણ મક્કમતાથી દાવો પ્રસ્તુત કર્યો હતો. તેઓનું જીવન ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોથી ઓતપ્રોત થયેલું હતું અને આખી જિંદગી તેઓ ધર્મને લગતા પ્રયોગો પોતાની જાત ઉપર કરતા રહ્યા. ખુબ જ સરળ અને યથાર્થ શૈલીમાં બોલીને એમણે વિશ્વના ઈતિહાસની દિશા બદલી. તેમનો અગાઉનો અંગ્રેજોની જેમ “જેન્ટલમેન” બનવાનો, જેઓ ઉપખંડ ઉપર રાજ કરતા હતા, શરૂઆતમાં કરેલો અખતરો ત્યજીને પોતાના દેશવાસીઓની જેમ સંપૂર્ણ સમર્પણના ભાવથી રીતભાત, જીવનશૈલી, વસ્ત્રપરિધાન અને જનસામાન્ય ભાષા અપનાવ્યા બાદ એમને એક પ્રકારની અંગત છુટકારાની લાગણીનો અનુભવ થયો.

ગાંધીજી એમના શરૂઆતના જીવનના કાર્યકાળમાં સમજી ચુક્યા હતા કે વાટાઘાટનાં માળખાંને, જે વસાહતી સામ્રાજ્ય અને દેશી નેતૃત્વ વચ્ચે વાતચીતની ભૂમિકા બાંધતું હોય, બદલ્યા બાદ અને દિશા બદલ્યા બાદ જ ભારતનું સ્વતંત્ર પાછું મેળવવાનું શક્ય બનશે. એટલે કે ભારતીયોએ પોતાની કોઠાસૂઝ તેમજ કૌશલ્ય અને સાંસ્કૃતિક સામર્થ્ય પુન: પ્રાપ્ત કરે એ આવશ્યક હતું. તેઓએ ન માત્ર યુરોપિયનોની ભારતની ભૂમિ પરની ભૌતિક ઉપસ્થિતિને પડકારી પણ આપણા ધર્મ, ભાષા, રીતરિવાજો, પ્રતીકો અને ભારતીયોની જીવનશૈલી સાથે તેમના દ્વારા આચરાતી હિંસા સામે પણ લડત આપી. આ બધા મૂલ્યોએ જ ઐતિહાસિક રીતે ભારતીયોના દીર્ઘકાળના ઈતિહાસમાં એમને પોષણ અને સામર્થ્ય આપ્યું અને શક્તિશાળી બનાવ્યાં. એટલે જ ગાંધીજી આ શક્તિને નાથીને પોતાના લોકો માટે સ્વતંત્રતા મેળવવા માંગતા હતા.

ભારતની સ્વતંત્રતાની લડતના નેતા તરીકે ગાંધીજીએ ભારતની લડત અને માંગણીને વાચા આપવા માટે સંસ્કૃત શબ્દો ઉપર મોટો મદાર રાખ્યો હતો. સત્યાગ્રહ, સ્વદેશી, સ્વરાજ, અહિંસા, સ્વધર્મ વગેરે શબ્દો ભારતની સ્વતંત્રતાની ચળવળના શબ્દકોશનાં અભિન્ન અંગો બની ગયા હતાં. અંગ્રેજી શબ્દોની અવેજીમાં આ શબ્દોનો ઉપયોગ કરીને ગાંધીજીએ આ શબ્દોના જટિલ અર્થોની, તેમના મૂળ ધર્મિક સ્ત્રોતોની અને સાંસ્કૃતિક સંદર્ભની જાળવણી કરી. અંગ્રેજી ભાષા ઉપર આધાર ન રાખતા ભારતની અંગ્રેજો સામેની લડતમાં એવી ભાષામાં અભિવ્યક્તિ કરી જેથી કરીને એમની સાથે લડતો ભારતીય સમાજ સાંસ્કૃતિક રીતે આ ભાષા સાથે જોડાયેલા હોય અને જેથી આ લડત વધુ અર્થપૂર્ણ બને અને એમને પૂરતું સામર્થ્ય પ્રદાન કરે.

આમ, ભારતની લડત માત્ર સામાન્ય લડત નહોતી પણ એ સત્યના આગ્રહ(સત્યાગ્રહ)ની લડત હતી. આવી સત્યના આગ્રહની લડતમાં હિંસા(સત્યથી વેગળું)ને કોઈ જ સ્થાન ન હોઈ શકે અને આ લડત એવી રીતે લડવી પડે કે સત્યનું પાલન કરનારને છાજે. વળી, સત્યનો સંપૂર્ણ અર્થ માત્ર સત્યની વિભાવના જ નહીં પણ સાથે એ પણ અર્થ છે કે સત્ય માટે સતત પ્રયત્નશીલ રહેવું, એના માટે હંમેશા ઉત્કટતા અનુભવવી અને એમાં નિત્ય વચનબદ્ધ રહેવું. સ્વતંત્રતાની લડતને સત્યાગ્રહ શબ્દથી અંગેજીમાં સમજાવવું કદાચ અઘરું થઈ જાય છે પણ એને મૂળ સંસ્કૃત ભાષા સાથે સાંધતાં એકદમ સ્વાભાવિક થઈ જાય છે. સ્વરાજ શબ્દનો અર્થ પણ માત્ર સ્વતંત્રતા નહીં પણ પોતાની સત્તા એવો થાય છે.

સ્વરાજ શબ્દનો પ્રયોગ કરીને ગાંધીજીએ ન માત્ર સંપૂર્ણ રાષ્ટ્રની અંગ્રેજી શાસનથી મુક્તિની માંગણીને વાચા આપી પણ એ સાથે ભારતના વિવિધ સમાજ માટે અને ખાસ કરીને ગ્રામીણ અને કૃષિક સમાજ માટે સ્વાધીનતાની માંગણીનો સમાવેશ કર્યો. ગાંધીજીનું સ્વરાજ માત્ર બહુસંખ્યક સમાજ દ્વારા પ્રભાવિત ન હતું પણ એ હકીકતમાં સાચી રીતે ભારતના બધા જ સમાજ દ્વારા સર્વજનસમુદાય માટે સ્વનિયંત્રણની માંગણી હતી. એ માટે એમણે પારંપરિક વિકેન્દ્રિક (“પંચાયત”) પદ્ધતિવળી શાસન વ્યવસ્થાની હિમાયત કરી જે કેન્દ્રીકરણવાળી અંગ્રેજી શાસન પદ્ધતિથી તદ્દન ભિન્ન હતી.

તદ્દઉપરાંત, સ્વરાજનો અર્થ ભાવના, લાલસા અને વિવશતા જે બધું આપણા અંતરાત્માને ઘેરી વળેલાં છે એમાંથી મુક્તિ મેળવવી એવો ય થાય છે. સંપૂર્ણ સ્વરાજ રાજકીય સ્વાધીનતા ઉપરાંત પોતાના માનસિક બંધનમાંથી પણ મુક્તિ મેળવવા માટેની લડત હતી. ગાંધીજીએ હંમેશા ભારતની સ્વતંત્રતાની લડતને ભારતીયોના આધ્યાત્મિક ઉત્થાનના સંઘર્ષ સાથે ગૂંથાયેલી જ સમજી હતી.

અહિંસાનો અર્થ એ જ રીતે હિંસાના અભાવથી ઘણો ઊંડો છે. હિંસાનો સરળ અર્થ “હાનિ (શારીરિક)” થાય છે જ્યારે “અહિંસા”નો અર્થ માત્ર “હિંસાનો અભાવ” નથી ગણાતો જે એક સંકુચિત અને અધૂરું ભાષાંતર કહી શકાય, પણ વધુ યથાર્થ અર્થ “હાનિ(શારીરિક, માનસિક અને બૌદ્ધિક)નો અભાવ” થાય છે. (અમુક સંસ્કૃત શબ્દોનું અંગ્રેજીમાં ચોક્કસ ભાષાંતર કરવું મુશ્કેલ છે, જેનું આ એક સુંદર ઉદાહરણ છે). ગાંધીજી માટે સ્વતંત્રતાની લડતમાં માત્ર શારીરિક રીતે કોઈની હત્યા ન કરવી એ પુરતું ન હતું. ઉચિત લડતમાં હિંસાના બધા જ પ્રકારની હાનિનો અભાવ હોવો એ અનિવાર્ય હતું-સંસ્કૃતિનું સંપૂર્ણ નિકંદન, પર્યાવરણનો નાશ, પ્રાણીઓની કતલ અને અન્યોની માનહાનિ.

જ્યારે ગાંધીજીએ ભારતીયોની ખરીદવાની આદતોને બદલવા માટે “સ્વદેશી” અથવા “પોતાની ધરતીનું” જેવો શબ્દપ્રયોગ કર્યો ત્યારે તેઓએ ન માત્ર ઈંગ્લેન્ડમાં ઉત્પાદિત થયેલા માલનો બહિષ્કાર કરવાની વાત કરી, જે સંસ્થાનવાદી સરકારના આર્થિક પ્રભુત્વને ટકાવી રાખવાનું મુખ્ય હથિયાર હતું, પણ એ એક આશય પણ હતો કે સ્થાનિક રીતે ઉત્પાદન પામેલી ચીજ-વસ્તુઓના અને સ્થાનિક શાક-ભાજી, ફળફળાદિના ઉપયોગને પ્રોત્સાહન મળે. આમાં એમણે સ્થાનિક ભારતીય લોકોની અને ખેડૂતોની તંદુરસ્તી અને સમાજનો થનગનાટ જાળવી રાખવાનો પણ આ એક મહત્ત્વનો માર્ગ જોયો. સ્વદેશીનો અર્થ એ પણ થાય છે કે સ્થાનિક માળખામાં રહીને પ્રસ્તુત થતા વિચાર, સ્થાનિક ભાષા, વસ્ત્રાહાર અને પોતાની ઓળખ પ્રત્યેની સભાનતા.

ગાંધીજીનું જીવન ઘણા મહત્ત્વના મુદ્દાઓ તરફ નિર્દેશ કરે છે જે મારા પુસ્તક માટે અને મારી અંગત જીવન-યાત્રામાં મારા પથદર્શક છે. હું સતત એમની પાસેથી પ્રેરણા મેળવતો રહું છું. પશ્ચિમ માટેનો એમણે કરેલો પૂર્વ-પક્ષ પડકારરૂપ અને સાહસિક હતો. ભારતના સ્વાતંત્ર્યની લડત માટે સ્પષ્ટતાથી એમના દ્વારા સંસ્કૃત શબ્દો, જેના સમાનાર્થી શબ્દ બીજી ભાષામાં મળવા પણ મુશ્કેલ હોય તેનો ઉપયોગ એ પોતાની સંસ્કૃતિ બાબતની ચર્ચા વિચારણાને પોતાના નિયમનમાં અને પોતાના અધિકારમાં રાખવા માટેની એક કુનેહભરી યોજના હતી. એમની જીવનશૈલી દર્શાવે છે કે કઈ રીતે સભ્યતાઓ વચ્ચે રહેલા તફાવતને રચનાત્મક રીતે પ્રસ્તુત કરાય. ભારતની સ્વતંત્રતા વીસમી સદીનો એક મહ્ત્વનો ઐતિહાસિક પ્રસંગ હતો જે પુરવાર કરે છે કે સંસ્કૃતિ અને સભ્યતાએ મક્કમપણે “શિકારી” દ્વારા પોતાના અસ્તિત્વનો “શિકાર” થતો રોકવો જોઈએ અને “આત્મસાત” થતું રોકવાનું એ સાહસ પ્રસ્થાપિત કરવું જોઈએ.

પ્રકાશિત: ૧૩ માર્ચ ૨૦૧૨
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: યજ્ઞેશ પટેલGandhi: Quintessentially Different And Non-Digestible

Leave a Reply