ધર્મ એટલે રિલિજીયન નહીં

ભારતીય મહાગાથા ભારતીય સભ્યતા હિન્દુ ધર્મ

ધર્મ શબ્દના અનેક અર્થ છે અને ક્યા સંદર્ભમાં વપરાય છે એ પ્રમાણે એના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. સામાન્ય રીતે ધર્મ એટલે વર્તણુક, જવાબદારી/ફરજ, અધિકાર, ન્યાય, સદાચાર, નૈતિકતા, રિલિજીઅન, રિલિજીઅસ પ્રાથમિક્તા, જવાબદારી કે નિયમ પ્રમાણે કરાયેલાં સત્કર્મો વગેરે. અન્ય અર્થ પણ સૂચવાય છે જેવા કે કાયદો અથવા “તોરાહ” (યહૂદી પરંપરામાં), “લોગોસ” (ગ્રીક), “વે” (ખ્રિસ્તી), અને “તાઓ” (ચાઈનીઝ). આમાંનો એક પણ શબ્દ પુરેપુરો યથાર્થ ગણી શકાય નહિ અને એકે ય શબ્દ સંસ્કૃત શબ્દ ધર્મની વિભાવનાને વ્યક્ત કરી શકવા સમર્થ નથી. પશ્ચિમી શબ્દકોશમાં ધર્મ શબ્દનો કોઈ પર્યાય નથી.

ધર્મ શબ્દનું મૂળ ધાતુ સંસ્કૃત ધરી છે જેનો અર્થ થાય છે “જે ટકાવે છે” અથવા તો એ કે જેના વિના સ્થિર રહેવું શક્ય નથી અથવા જે બ્રહ્માંડની સ્થિરતા અને એનો સુમેળ સાધે છે. ધર્મમાં પદાર્થ, ફરજ, નિયમ, નૈતિક્તા, ચરિત્ર વગેરેની કુદરતી અને સહજ વર્તણુકનો સમાવેશ થાય છે. બ્રહ્માંડના પ્રત્યેક તત્વનો એક ચોક્કસ ધર્મ છે -જેમ કે ઈલેકટ્રોનનો ધર્મ અમુક રીતે ભ્રમણ કરવાનો છે, એ જ રીતે વાદળાનો, આકાશગંગાનો, વનસ્પતિનો, કીટકોનો, અને માણસોનો તો ખરો જ. મનુષ્ય જેને ભૌતિકશાસ્ત્ર માને છે તે ખરેખર તો જડ પદાર્થોના ધર્મ વિષેની એની સમજ જ છે.

બ્રિટિશ સંસ્થાનવાદીઓએ ભારતીય પરંપરાઓને તેમના ધર્મ વિષેના વિચારોના પરિપ્રેક્ષ્યમા બેસાડવા પ્રયાસો કર્યા જેથી એની પ્રજાના માનસને સમજી શકાય અને એની ઉપર શાસન કરી શકાય. પણ છતાં “ધર્મ”ની કલ્પના એમની પકડમાં આવી નહીં. સામાન્યપણે ધર્મ શબ્દનો રિલિજીઅન શબ્દમાં થતો અનુવાદ ગેરમાર્ગે દોરે છે કારણ કે પશ્ચિમની માન્યતા પ્રમાણે સાચો રિલિજીઅન એટલે:

1. ઈશ્વર દ્વારા એક ચોક્કસ સમયગાળામાં ધર્મશાસ્ત્રના એક નિશ્ચિત આદેશ આધારિત હોય.
2. એવા દૈવી તત્ત્વની પૂજા છે જે આપણાથી અને બ્રહ્માંડથી તદ્દન ભિન્ન છે.
3. કોઈ મનુષ્યો દ્વારા ચલાવાતી ચર્ચ જેવી કોઈ સંસ્થાના પ્રભાવથી સંચાલિત હોય.
4. ઔપચારિક રીતે સભ્યોનો બનેલો હોય.
5. વિધિવત્ નિયુક્ત થયેલા પાદરીના નિયમનથી ચાલે
6. અમુક ચોક્કસ નક્કી થયેલા કર્મકાંડથી જ ચાલે

પણ “ધર્મ” એ કોઈ અમુક જ માન્યતા કે અમુક જ પ્રકારની પૂજા-અર્ચના પૂરતો સીમિત નથી. “નિરીશ્વરવાદવાળો ધર્મ” એક પશ્ચિમી માટે વિસંગત હોઈ શકે પણ બૌદ્ધ, જૈન અને ચાર્વાક ધર્મોમાં સામાન્યપણે ઈશ્વરની જે ઔપચારિક કલ્પના છે તે ઈશ્વરને કોઈ સ્થાન નથી. હિન્દુઓના અમુક પંથોમાં ઈશ્વરનું ચોક્કસ સ્થાન ચર્ચાસ્પદ છે. અથવા કોઈ એક માત્ર ઈશ્વર પણ નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના કોઈ પણ ઈષ્ટદેવને અથવા પોતે પસંદ કરેલા ઈશ્વરને પૂજવાની સ્વતંત્રતા છે.

ધર્મમાં જીવનના પ્રત્યેક પાસાને સુસંગત રીતે પરિપૂર્ણ કરવા માટેની વિભાવનાઓ છે જેમ કે અર્થ, કામ, અને મોક્ષ. જ્યારે રિલિજીઅન એ ધર્મના આ વિશાળ વ્યાપનો એક માત્ર હિસ્સો બની રહે છે. રિલિજીઅન માત્ર મનુષ્યજગત માટે લાગુ થાય છે, નહીં કે સંપૂર્ણ બ્રહ્માંડ માટે; અણુ-પરમાણુ, વાનરો, વનસ્પતિ, આકાશગંગા આ બધાનો કોઈ રિલિજીઅન નથી જ્યારે તે દરેકનો ધર્મ તો છે, ભલે એ બધામાં એ માટેની સભાનતા ન હોય.

માનવજન્મનો ઉદ્દેશ દૈવી તત્વ સાથે એકરૂપતાનો હોવાથી એમના માટે કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વગર અથવા કોઈ ઈતિહાસની સહાય વિના પ્રત્યક્ષ અનુભવથી ધર્મને જાણવું સરળ બને છે. પાશ્ચાત્ય રિલિજીઅન પ્રમાણે વિશ્વ અને માનવો માટે કેન્દ્રીય વિધાન એક સરખું અને ઉપરથી પ્રગટીકરણથી પ્રાપ્ત થયેલું છે તથા તે (ચર્ચ દ્વારા) નિયંત્રિત થાય છે. આપણી પરંપરામાં અધર્મ શબ્દ તેવા લોકો માટે વપરાય છે જેઓ સદાચારભર્યું આચરણ કરવામાં નિષ્ફળ ગયા હોય; પણ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈ માન્યતાઓનો વિરોધ કરે છે અથવા દૈવી આદેશોનું ઉલ્લંઘન કરે છે.

પાશ્ચાત્ય જગત દ્વારા ધર્મનો અર્થ “કાયદો” પણ કરાય છે. પણ “કાયદો” બનાવવા માટે પણ અમુક નિયમો પાળવા પડે છે જેવા કે; (1) કોઈ એક પ્રદેશ પર સાર્વભૌમત્વ ભોગવતી સત્તા દ્વારા જાહેરનામું બહાર પાડવું (2) જે પાળવા માટે પ્રજા બાધ્ય બને છે (3) જેના સ્પષ્ટીકરણની, ન્યાય તોળવાની અને પાલન કરાવવાની જવાબદારી ન્યાયાલયની હોય (4) કાયદોભંગ કરાતા દંડ અપાતો હોય.

આપણી પરંપરામાં ક્યાંય આવું વર્ણવાયું નથી.

રોમન શાસક કોન્સ્ટનટાઈને “કેનન લૉસ”ની પદ્ધતિ ચાલુ કરી જે ચર્ચ દ્વારા ઘડાતી અને લોકોને તે પાળવા માટે ફરજ પડાતી. યહૂદીઓના એકમાત્ર આધારભૂત કાયદાનો સ્ત્રોત એ એમના ઈશ્વર છે. પશ્ચિમી રિલિજીઅન સંમત થાય છે કે ઈશ્વરના કાયદાઓનું પાલન થવું જ જોઈએ જાણે તે કોઈ સાર્વભૌમ સત્તા દ્વારા ઘડાયા હોય એ જ રીતે. એટલે એમના મત મુજબ આ “ખોટા ઈશ્વર” ને દોષિત જાહેર કરવા અને પરાજિત કરવા એ આવશ્યક છે. કારણ કે તેઓ ગેરકાયદે કાયદા ઘડી શકે જેથી કાયદેસરના કાયદાઓનું અવમૂલ્યન થાય. અને જો અનેક ઈશ્વરની પૂજા કરવાનું સ્વીકારાય તો કયા કાયદા સાચા એ વિષે દુવિધા પેદા થાય.

એની તુલનામાં આપણી પરંપરામાં એવી કોઈ નોંધ નથી કે અમુક શાસને વિભિન્ન ધર્મ-શાસ્ત્રો કોઈ ચોક્કસ પ્રદેશ માટે એક ચોક્કસ સમયે વટહુકમ કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા જાહેર કર્યા હોય અથવા એવો કોઈ દાવો નથી થયો કે ઈશ્વરે આવા “સામાજિક કાયદા” આપ્યા કે આ કાયદાઓના પાલનની જવાબદારી કોઈ શાસકની છે. પ્રખ્યાત સામાજિક ધર્મોના ગ્રંથોના કોઈ પણ રચયિતાઓની નિમણૂક કોઈ પણ રાજા દ્વારા કરાઈ ન હતી, કે કોઈએ કાયદાના પાલન માટે કોઈ શાસક હેઠળ ફરજ બજાવી હોય અથવા શાસનમાં અન્ય કોઈ પદ ઉપર જવાબદારી નિભાવી હોય. તેઓને કાયદાશાસ્ત્રીઓ કરતા આધુનિક સમયના સમાજશાસ્ત્રીઓ જેવા ગણાવી શકાય. પ્રખ્યાત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના ખુબ જ દૂર એવા એક એકાંત સ્થળે એક તપસ્વીના આશ્રમમાં થઈ. ખુબ પ્રચલિત મનુસ્મૃતિમાં શરૂઆતમાં મનુના સાદગીભર્યા આવાસનું વર્ણન છે, એમને પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો એમણે સમાધિની અવસ્થામાં આપ્યા હતા.

મનુ ઋષિઓને કહે છે કે પ્રત્યેક કાળમાં એ કાળનો પોતાનો ચોક્કસ સામાજિક અને સ્વભાવજન્ય ધર્મ હોય છે.
એ જ રીતે કોઈ પણ વેદ કે ઉપનિષદની રચના કરવા માટે કોઈ રાજાએ, ન્યાયાલયે કે શાસકે અથવા કોઈ પણ ચર્ચ જેવી સત્તા ધરાવતી સંસ્થાએ ભંડોળ આપ્યું ન હતું. એ રીતે જોતા એવું કહી શકાય કે “ધર્મ” યહૂદીઓના ગ્રંથોમાં “કાયદા”ની વિભાવનાઓથી વધુ નજીક ગણી શકાય જેમાં “તોરાહ”, હિબ્રુમાં ધર્મ, પણ પ્રત્યક્ષ આધ્યાત્મિક અનુભવની ફળશ્રુતિ ગણી શકાય. તફાવત એ છે કે ત્યાર બાદ, પ્રાચીન ઈઝરાઈલની સંસ્થાઓ દ્વારા હિબ્રુ તોરાહનું પાલન કરાવવાનું શરુ કરાયું.

ધર્મશાસ્ત્રોએ કોઈ એવી બળજબરીથી પાલન કરાવવા માટેની પ્રણાલી ચાલુ ન કરતા જે તત્કાલીન પ્રયોગો થતા એ નોંધવાનું કાર્ય કર્યું. ઘણી પારંપરિક સ્મૃતિઓમાં (સામાજિક ધર્મ તરીકે ઓળખાતાં) અમુક સમાજના સ્થાનિક પ્રચલિત રિતીરિવાજોની નોંધણી થતી. સ્મૃતિઓમાં રૂઢીચસ્ત દ્રષ્ટિકોણનો કોઈ દાવો નથી અને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન છેક ઓગણીસમી સદીમાં શાસન દ્વારા સ્મૃતિઓને “કાયદા”નું સ્વરૂપ અપાયું.
ધર્મ શબ્દનું રિલિજીઅન અને કાયદા જેવા અર્થમાં અવમૂલ્યન કરવાથી એના પરિણામો હાનિકારક આવે છે. એને કારણે ધર્મના અભ્યાસને એના અસલ પાળનારાના અધિકારક્ષેત્રમાંથી ખસેડીને પશ્ચિમી માળખામાં બેસાડાય છે. વધુમાં એવી ખોટી છાપ ઊભી થાય છે કે ધર્મ એ પણ ખ્રિસ્તીઓની કાયદા ઘડનારી સત્તા ધરાવનાર ચર્ચની જ બીજી બાજુ છે અને સત્તાના સૂત્રો હાથમાં રાખવા ભારે જહેમત ઉઠાવે છે.

ધર્મને રિલિજીઅન સાથે સરખાવવાને કારણે ભારતમાં એના પરિણામો ઘણા જ વિનાશકારક આવ્યા છે: બિનસાંપ્રદાયિક્તાના નામે ધર્મને યુરોપના ખ્રિસ્તી રિલિજીઅનની જેવી જ પરિમિતિમાં જોવાય છે. રિલિજીઅન ન પાળનારો સમાજ ઈશ્વરમાં ન માનતો હોય તો પણ નૈતિક રહી શકે પણ અધર્મી સમાજ પોતાની નૈતિકતા ગુમાવીને ભ્રષ્ટાચાર અને અધોગતિને માર્ગે જતો રહે છે.

પ્રકાશિત: ૫ માર્ચ ૨૦૧૨
મૂળ લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: અલકેશ પટેલ
Dharma is not same as Religion

Featured Image Credits – Indiafacts.org

Leave a Reply