ધર્મ ઐતિહાસિક સીમાથી પર છે

ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ વ્યાખ્યાન

ખ્રિસ્તી, યહૂદી, ઈસ્લામ જેવા મોટા ભાગના એબ્રાહામિક ધર્મોમાં રિલિજીયનને લગતા સંઘર્ષના મૂળમાં ઈશ્વરે ચોક્કસ શું કહ્યું, કઈ રીતે કહ્યું અને એનો ચોક્કસ અર્થ શું થાય છે એ બાબતો રહેલી છે. વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ ધર્મોના અનુયાયીઓ માટે વિશ્વસનીય સિદ્ધાંતોના ગ્રંથો રચાય છે અથવા સંક્ષિપ્તમાં અતિ મહત્ત્વની ઉક્તિઓ અને માન્યતાઓ ઉપર તર્ક-વિતર્ક કરાય છે, લખી લેવાય છે અને અને એ પ્રમાણે અનુયાયીઓ ધર્મ બરાબર પાળે છે કે નહીં એની લિટમસ ટેસ્ટ તરીકે કાળજીપૂર્વક સમીક્ષા કરાય છે.

ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરની દરમિયાનગીરી વિશે ઐતિહાસિક ગાથા પ્રત્યેની આસક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત નાયસીન ક્રીડ છે જે ઈશુ વિશે અનેક ઐતિહાસિક દાવા કરે છે. પ્રત્યેક ખ્રિસ્તીઓની ચર્ચમાં એનું મૂળભૂત કથન કે જીવનધ્યેય તરીકે પઠન થાય છે અને સૌ ખ્રિસ્તીઓએ એ પ્રત્યે અવારનવાર પોતાની નિષ્ઠા રાખવા માટેનો સંકલ્પ કરવો પડે છે. જેઓને ખ્રિસ્તી ધર્મના ઈતિહાસને કેન્દ્રમાં રાખવાની આ બાબત પ્રત્યે શંકા હોય તેમણે આ ક્રીડ વાંચી જવાની આવશ્યકતા છે જેની રચના ઈસવી સન ૩૨૫માં કરવામાં આવી જ્યારે ખ્રિસ્તી ધર્મ રોમન સામ્રાજ્યનો સત્તાવાર ધર્મ બની રહ્યો હતો. કેથોલિસિઝમ, પૂર્વીય ઓર્થોડોક્સી, મોટાભાગની પ્રોટેસ્ટન્ટ ચર્ચ તેમજ ઈંગ્લેન્ડના સમુદાયોમાં આ ક્રીડ અધિકૃત સિદ્ધાંત મનાય છે.

આ ક્રીડના કથન મુજબ મોક્ષપ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ઈશ્વરના સંદેશવાહકો મારફત તથા ઐતિહાસિક પ્રસંગો દ્વારા મેળવેલી જાણકારી મુજબ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ છે. અને ઈડનના બાગમાં “ઓરિજિનલ સિન”ના આચરણને લીધે થનારી ચિરંતર નરકવાસની સજામાંથી બચવા માટે મોક્ષપ્રાપ્તિ આવશ્યક છે. ખ્રિસ્તીઓના આ “ઓરિજિનલ સિન”ના પ્રશ્નના ઉત્તર માટે ઈશ્વરે માનવજાતના ઈતિહાસમાં અમુક ચોક્કસ સમયે દાખલ થવું જરૂરી છે. તેથી, ઈશ્વરની એ દરમિયાનગીરીનો ઐતિહાસિક વૃત્તાન્ત કાળજીપૂર્વક જાળવવો પડે અને એનું સત્ય પ્રસરાવવું જોઈએ અને આક્રમકપણે દાવો કરવો પડે. ઈતિહાસમાંથી આવેલું એ સત્ય છે અને એ ભૂત અને ભવિષ્ય એમ બંને ઈતિહાસને લાગુ પડે છે. એનો હેતુ એ છે કે સમગ્ર માનવજાત એક ચોક્કસ “કાયદા”નું પાલન કરે. જો આ ઈતિહાસ સર્વવ્યાપી બને તો જ એ પ્રમાણભૂત રહી શકે, ભલે એના પ્રતિનિધિઓ વિશ્વસનીય હોય કે અવિશ્વસનીય હોય (એકલા કે સામુહિક રીતે). એક ચોક્કસ અને અસંગત દૈવી સત્ય પ્રાપ્ત થયા હોવાના દાવાને વળગી રહેવાની આ આસક્તિને માટે મેં “history-centrism” શબ્દપ્રયોગ કર્યો છે.

એબ્રાહામિક રિલિજીયનના “history-centrism” અને આપણા ધર્મના (હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ) ધ્યેય વચ્ચે વ્યાપક તફાવત છે. આપણો ધર્મ પ્રત્યેક મુમુક્ષુને આ લોકમાં અને આ શરીરમાં રહેલા તેના આત્માની ઊર્ધ્વગતિ માટે માર્ગ સૂચવે છે. ધર્મને ઈતિહાસનો કોઈ ભાર નથી કે મૂળથી માનવજાત કોઈ એક ઐતિહાસિક પ્રસંગે આચરાયેલી અવજ્ઞાને કારણે “પાપી” છે એવું માનવાનું કોઈ કારણ નથી. મારી જર્નલ ઑફ ઈન્ટર-રિલિજીયસ ડાયલોગના સહ-મુખ્યતંત્રી જોશુઆ સ્ટૅન્ટન સાથે અનેક વિષયો પર થયેલા અદભૂત વાર્તાલાપમાં આ પણ એક વિષય હતો.

ધર્મના પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિ માટે ઐતિહાસિક સભાનતાની આવશ્યક્તા નથી, તેમાં ય પ્રયત્નપૂર્વક વિકસાવેલી તો નહીં જ. મુમુક્ષુને પોતાની ક્ષમતા પ્રમાણે અંતિમ સત્યની શોધ માટે ભૂતકાળના કોઈ પણ બનાવ સાથેના કોઈ પણ બંધન વિના એકડે એકથી શરૂઆત કરવાની છૂટ છે. આપણા ધર્મોની બધી પરંપરા ઐતિહાસિક બંધન વિના સત્યની શોધ માટેનો સીધો માર્ગ છે એ બાબત સ્વીકારે છે. તદુપરાન્ત, અનુશાસન દ્વારા અંતિમ સત્યને પ્રત્યક્ષ જાણવાનો સીધો માર્ગ પ્રત્યેક મનુષ્યને ઉપલબ્ધ છે ભલે કોઈ વ્યક્તિ એમાં વિશ્વાસ ન કરે તો પણ.

એથી વિરુદ્ધ પ્રચલિત એબ્રાહામિક દ્રષ્ટિકોણ મુજબ માનવજાત દૈવી તત્ત્વ સાથે ઐક્ય સાધવા માટે સક્ષમ નથી અને તદુપરાંત મોક્ષનું જે આધ્યાત્મિક લક્ષ્ય છે તે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાથી નહીં પણ ઐતિહાસિક પ્રસંગો અને ઈશ્વરના સંદેશવાહક દ્વારા સૂચવવામાં આવ્યા પ્રમાણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાથી પ્રાપ્ત કરી શકાય છે.
ઈતિહાસ પ્રત્યેનું આવું આપખુદીભર્યુ વળગણ વ્યક્તિગત આધ્યાત્મિક અન્વેષણ કરવાના અધિકારને નબળો પાડે છે (અને એટલે જ આપણી પરંપરાના રહસ્યની શોધમાં જીવન સમર્પિત કરેલાં સાધુસંતો પ્રત્યે સંદેહથી જોવાય છે). અને છતાં આ આસક્તિ સત્ય શું છે એના દાવા કરવાનો આધાર બને છે જેને સાબિત કરવું શક્ય બનતું નથી. અને વધુમાં એબ્રાહામિક દ્રષ્ટિકોણ પ્રમાણે જેઓ આ ઐતિહાસિક સાક્ષાત્કારના જ્ઞાનથી વંચિત છે તેઓ અંધારામાં રહે છે, અને ઈશ્વર સાથે સંપર્ક સાધવાના સાવ પ્રાથમિક કક્ષાના સાધનોથી પણ લાભાન્વિત થયેલા નથી. મારા મતે આ ઈતિહાસ પ્રત્યેની આસક્તિ એ આપણા ધર્મના (હિન્દુ અને બૌદ્ધ ખાસ કરીને) અને એબ્રાહામિક (ખ્રિસ્તી, યહૂદી અને ઈસ્લામ) ધર્મોના પંથમાં પ્રમુખ મતભેદ છે.

જે વ્યક્તિ હિન્દુ ધર્મને અનુસરે છે તેને માટે સાક્ષાત્કાર માટેની ઉચ્ચ સ્થિતિ પામવા માટે કોઈ એક ચોક્કસ ઈતિહાસના પ્રસંગને સ્વીકારવાની કોઈ જ આવશ્યકતા નથી. અને માત્ર આવા એકાદ ઐતિહાસિક વૃત્તાન્ત વિશેનું જ્ઞાન અથવા એની સ્વીકૃતિ આ સ્થિતિ પામવા માટે પુરતા નથી. તેથી જ આપણી પરંપરા દીર્ઘકાલીન સમયથી ઈતિહાસના કોઈ પણ ભાર વિના પાંગરી છે અને અનેક પેઢીઓથી ચાલી આવેલી પરંપરાનું સંવર્ધન કરનારા જ્ઞાનોદય પામેલા આધ્યાત્મિક સાધુસંતોના માર્ગદર્શન ઉપર આધાર રાખે છે. અંતર્મુખ થવાનો અભ્યાસ સ્વયંની ક્ષમતા વિશેના જ્ઞાનના પ્રકાશને અવરોધી રહેલા મનમાં રોપાયેલા થરોને દૂર કરે છે અને ઈતિહાસના કોઈ ભાર વિના ઉચ્ચતમ સત્યનો આવિર્ભાવ કરવામાં સહાય કરે છે. ભલે ઈતિહાસના બધા જ વૃત્તાન્ત ખોવાઈ જાય, ઈતિહાસ સ્મૃતિપટ પરથી ભુંસાઈ જાય અને બધા જ પવિત્ર સ્થાન ભ્રષ્ટ કરી દેવાય તો પણ આધ્યાત્મિક અભ્યાસ સત્ય શોધનમાં હંમેશ મદદરૂપ થશે.

પ્રકાશિત: ૨ માર્ચ ૨૦૧૨
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષક: અલકેશ પટેલ
Dharma Bypasses History-Centrism

Leave a Reply