ક્રિશ્ચિયન યોગ: એક હિન્દુની દ્રષ્ટિએ

ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ એબ્રાહામિક ધર્મો હિન્દુ ધર્મ

યોગ એ “એબ્રાહામિક ધર્મો” જેવો કોઈ “ધર્મ” નથી પરંતુ એક આધ્યાત્મિક માર્ગ છે. એના શારીરિક આસનો તો એક અંશ માત્ર છે, પણ એની ભીતર ખુબ જ ગહન અને વિસ્તૃત એક ચોક્કસ આધ્યત્મિક્તા ધરબાયેલી છે. એના આધ્યાત્મિક લાભો દરેક વ્યક્તિ માટે નિઃશંકપણે ઉપલબ્ધ છે પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરતી હોય. તેમ છતાં વિશ્વમાં જે સ્વરૂપમાં મોટે ભાગે પળાય છે તે ખ્રિસ્તી ધર્મ આ “યોગ”ના મૂળ સ્વરૂપની માન્યતાઓ અને નિષ્કર્ષોની તદ્દન વિરુદ્ધમાં જાય છે.

એટલે જ એક હિન્દુ યોગને અંગીકાર કરનાર અને યોગના અભ્યાસાર્થી તરીકે સધર્ન બાપ્ટિસ્ટ સેમિનરીના અધ્યક્ષ આલ્બર્ટ મોહલર સાથે સહમત થાઉં છું જ્યારે તેઓ કહે છે કે ખ્રિસ્તી ધર્મ અને યોગ આ બંને વચ્ચે વિસંવાદિતા છે. તેઓ દલીલ કરે છે કે “યોગ”ના વિચાર મુજબ માનવીય ચેતનાનું દૈવી તત્ત્વ સાથે જોડાણ સાધવા માટે દેહ એ એક વાહન છે જે ખ્રિસ્તી ધર્મના બોધથી વિપરીત છે. અને આ અસંગતતા ઘણી પ્રગાઢ છે.

વ્યક્તિએ ભૂતકાળના કર્મોમાંથી છુટકારો મેળવવા માટેની શોધ આદરવી એ યોગની માન્યતાના કેન્દ્રસ્થાને છે. કર્મો એટલે પાછલા જન્મોનો ભારો જે પુનર્જન્મનું મહત્ત્વ સમજાવે છે. જ્યારે પશ્ચિમીના લોકો કહે છે કે તેઓ કર્મ અને પુનર્જન્મમાં માને છે ત્યારે તેઓ એ માન્યતાની ખ્રિસ્તી ધર્મના કેન્દ્રમાં રહેલી માન્યતા સાથેની વિસંગતતા વિષે ભાગ્યે જ વિચારે છે. દાખલા તરીકે, કર્મના સિદ્ધાંત પ્રમાણે આદમ અને ઈવના કર્મોના ફળ માત્ર એમણે જ એમના ભવિષ્યના જન્મમાં ભોગવવાના રહે, નહીં કે એમની આવનારી પેઢીઓએ નિરંતર સમય માટે.

કર્મ એ કોઈ વારસામાં આવેલા રોગ જેવી કાયમી સમસ્યા નથી આ સિદ્ધાંત “ઓરિજિનલ સિન-original sin મૂળ પાપ)” અને “ઈટર્નલ ડેમ્નેશન-eternal damnation(ચિરંતર નરકવાસ)” ની માન્યતાઓનું નિરાકરણ લાવે છે. દરેક વ્યક્તિના કર્મોનું ઋણ વ્યક્તિના પોતાના કર્મ થકી જ ઉપજે છે અને માત્ર એના પોતાના જ ખાતામાં મંડાય છે. વ્યક્તિને અપાતો પુરષ્કાર કે અપાતી સજાના સ્વરૂપે અનાદિકાળ માટે સ્વર્ગ અને અનાદિકાળ માટે નરક જેવી વ્યવસ્થામાં ખ્રિસ્તીઓની માન્યતાઓનું પણ “દરેક વ્યક્તિના અનેક જન્મોનો સિદ્ધાંત” ખંડન કરે છે. યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાતી મુક્તિ અહીં અને હમણાં જ ઉપલબ્ધ છે. આ શારીરિક અવસ્થા માટે જ એનો “જીવન્મુક્તિ” તરીકે ઉત્સવ થાય છે.

ખ્રિસ્તી ધર્મમાં આ માન્યતા નથી અને “અન્ય કોઈ સ્થળે” મરણોત્તર અવસ્થા સાથે સુસંગત નથી. હસવું આવે એવી બાબત એ છે કે જે ખ્રિસ્તીઓ પુનર્જન્મની માન્યતાને અપનાવે છે તેઓ જ સ્વર્ગમાં કુટુંબીઓ સાથેના પુનર્મિલનની અભિલાષા પણ રાખતા હોય છે.

યોગ દ્વારા મુક્તિ પ્રાપ્તિ એ કોઈ એક અજોડ ઐતિહાસિક બનાવ કે વ્યવધાન ઉપર અવલંબિત નથી. દરેક વ્યક્તિ માટે અંતિમ તથ્ય સત-ચિત્ત-આનંદ છે, એટલે કે મૂળભૂત રૂપે એ પરમાત્માનો જ અંશ છે, નહીં કે પાપી. દરેક વ્યક્તિ તેમના પોતાના જન્મજાત દૈવી તત્ત્વને જાણી શકવાની ક્ષમતા સાથે જ જન્મે છે જે માટે એણે અન્ય કોઈ ઐતિહાસિક વ્યક્તિ પોતાના વતી કષ્ટ ભોગવે એવી બીના ઉપર આશ્રય રાખવાની કોઈ આવશ્યકતા નથી. કર્મનો સિદ્ધાંત અને આધ્યાત્મિક અનુશીલન એ કેવળ વ્યક્તિગત પ્રયત્ન ઉપર જ આધારિત છે. એમાં કોઈ વિશિષ્ટ સમાજ સાથે કોઈ ચોક્કસ સોદો નથી થતો, ન તો જન્મને કારણે કે ન તો કોઈ વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત કરેલી ચોક્કસ સંસ્થા દ્વારા મતાંધ રૂપે કરાતા ધર્મોપદેશની સ્વીકૃતિ કરનારા સમૂહ માટે.

એબ્રાહમિક ધર્મોએ બ્રહ્માંડ અને ઈશ્વર વચ્ચે અમાપ અંતરની ભ્રમિત સ્થિતિ પેદા કરી છે જેને માત્ર દૂરના ભૂતકાળમાં અમુક અનન્ય પયગંબરોને થયેલા સાક્ષાત્કારને લીધે જ બ્રહ્માંડ અને ઈશ્વર વચ્ચે સેતુબંધ થયો અને જેને કારણે આ પયગંબરોની શૃંખલા અનિવાર્ય બનાવી દેવાઈ. હું મારા પુસ્તકમાં અન્ય જગ્યાએ આ બાબતને ઈતિહાસ-કેન્દ્રિત સિદ્ધાંત તરીકે ગણાવું છું. એથી વિરુદ્ધ યોગ અદ્વૈત છે જેની વિભાવના પ્રમાણે બધું જ ઈશ્વરમય છે અને ઈશ્વર બધે જ છે અને એ જ રીતે ઈશ્વર ગુણાતીત પણ છે.

યોગ દ્વારા સૂચિત સાક્ષાત્કારનો પંથ ઈતિહાસ-સંબંધિત વ્યક્તિગત તેમજ સામાજિક અહમ્ ભ્રમિત છે એવું ગણાવીને એનો વિચ્છેદ કરે છે. યોગિક પંથ ખ્રિસ્તીઓનું ઈતિહાસ પ્રત્યેનું વળગણ અને એ સાથે જોડાયેલા “પાપ” આચર્યાની લાગણીને બંધન અને ભ્રામક સમજે છે અને આધ્યાત્મિક અનુશીલન થકી એનું નિર્મૂલન સૂચવે છે. યોગનો પંથ એ કોઈ પણ બાહ્ય પ્રાતિનિધિ જેવા કે પૂજારી અથવા કોઈ પણ સંસ્થાની મધ્યસ્થીની આવશ્યકતા વિના વ્યક્તિ પોતે જાતે જ અનુગ્રહી શકે છે. યોગના પંથ દ્વારા દેહને અપાતું પ્રાધાન્ય, મનુષ્યને અવળે માર્ગે દોરે છે એવી ખ્રિસ્તીઓની માન્યતા સાથે અસંગત છે.

ઉદાહરણ તરીકે, ખ્રિસ્તી ધર્મપ્રચારક પૉલ શરીર અને આત્મા વચ્ચેના કલહથી વ્યથિત હતા અને લખ્યું: “હું મારા અંતરમનમાં ઈશ્વરના સામ્રાજ્યથી આનંદિત છું, પરંતુ હું મારા શરીરના અન્ય ભાગોમાં અન્ય એક સામ્રાજ્યનો અનુભવ કરું છું જે મારા મનના સામ્રાજ્ય સાથે વિગ્રહ કરે છે અને તે મારા અવયવોના પાપના સામ્રાજ્યમાં મને કેદ કરે છે. કેવો દરિદ્ર વ્યક્તિ છું હું? આ મૃત્યુના સકંજામાંથી મને કોણ ઉગારશે? (Romans 7:22-24).

અમેરિકાના બે કરોડ જેટલા નિયમિત ધોરણે યોગાભ્યાસ કરનારામાંથી મોટા ભાગના લોકો આ દુવિધાનો સામનો કરે છે અને તેઓ મૂંઝવણ અનુભવે છે. અમુક લોકોએ યોગના સિદ્ધાંતોને ખ્રિસ્તી ધર્મના માળખામાં બેસાડવા માટે વિકૃત કરી દીધા, જેમ કે તદ્દન વિરોધાભાસી “ખ્રિસ્તી યોગ”. અન્યો આવા મુદ્દાને અવગણે છે અથવા તેમાં ભેદ હોવાનો અસ્વીકાર કરે છે. એ જ રીતે ઘણા હિંદુ ગુરુઓ ભેદરેખાને અસ્પષ્ટ કરી દે છે એમ કહીને કે ઈશુ પણ એક મહાન યોગી હતા અને/અથવા ભગવાનના અનેક અવતારોમાંના એક હતા.
આ વિચારો “નાયસીન ક્રીડ”ના સિદ્ધાંતોને નકારે છે જેને મુખ્યધારાના ખ્રિસ્તીઓએ ચુસ્તપણે વફાદાર રહેવું પડે છે. તેઓ આ મૂળભૂત અસંગત મુદ્દાઓને સંબોધિત નથી કરતા જે “અમેરિકન જુડેઓ-ખ્રિસ્તી” વર્ગમાં તેમની લોકપ્રિયતાનું અવમૂલ્યન કરે. મારીમચડીને અર્થઘટન કરાયેલી આ બાબત ખ્રિસ્તી ધર્મ અને યોગ એમ બંને માટે હાનિકારક છે.

મારાં આગામી પુસ્તક “ઘી ઑડેસિટી ઑફ ડિફરન્સ”માં હું હિમાયત કરું છું કે બંને પક્ષ ધર્મિક દ્રષ્ટિબિંદુ પૂર્વ-પક્ષનો સ્વીકાર કરે જેની પરંપરા મુજબ પ્રતિયોગીના વિચારોનો પ્રામાણિકપણે અભ્યાસ કરવો. આમ કરવાથી અહમ્ ઉપર સંયમ પ્રાપ્ત થાય છે અને ભિન્નતા બાબત માન ઉત્પન્ન થાય છે. અને એ આશા રાખી શકાય કે એના ફળસ્વરૂપે એક નવા સ્તરનો “ઈન્ટર-ફેઈથ” સહયોગ પરિણમી શકે.

પ્રકાશિત: ૮ નવેમ્બર ૨૦૧૦
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
A Hindu View of Christian Yoga

Leave a Reply