અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શનને બરાબર ન્યાય નથી અપાતો એવું મેં જાણ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. હકીકતમાં માત્ર બે જ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શન ઉપર Ph. D.નો અભ્યાસ ઉપલબ્ધ છે. સામાન્યપણે ભારતીય વિચારને દર્શનશાસ્ત્ર ન ગણતા આ વિષયોને રિલિજીઅનના વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે અને તે પણ બહુ ખરાબ રીતે અથવા તો માનવશાસ્ત્રના વિભાગ દ્વારા શીખવાડાય છે. એના ફળસ્વરૂપે ભારતીય વિચાર અને ભારતીય મૂલ્યો વિષે ગેરસમજ ના થતી હોય તો પણ એ બધાનું મૂલ્યાંકન સરખી રીતે થતું નથી.
એનું એક કારણ એ હોઈ શકે કે પશ્ચિમી વિદ્વાનોનું ઘડતર “Greco-Semitic” વિભાવનાઓથી (Grecian ગ્રીક સભ્યતા અને Semitic ધર્મોથી ઉદ્ભવેલી વિચારધારાથી) થયું હોવાથી અતિ સમૃદ્ધ ભારતીય દર્શનની જટિલતા વિષે તેઓ તાગ મેળવી નથી શકતા. દાખલા તરીકે, હિન્દુત્વ વિષે મોટે ભાગે એવી માન્યતા પ્રસરેલી છે કે તે બહુઈશ્વરવાદી (અનેક દેવોને પુજનાર) છે જ્યારે હકીકતમાં એ બહુઈશ્વરવાદી તેમજ એકઈશ્વરવાદી એમ બન્ને છે. તે માને છે કે એક ઈશ્વર અનેક રૂપ ધારણ કરી શકે છે.
તદુપરાંત, મને બીજો આઘાત ત્યારે લાગ્યો જ્યારે મેં જાણ્યું કે ઘણા પશ્ચિમી વિદ્વાનો ભારતીય દર્શનની વિભાવનાઓને મૂળ સ્ત્રોતોનો સંદર્ભ આપ્યા વગર આત્મસાત કરી લે છે જાણે એ બધું એમના પોતાના મૂળ વિચારોનું જ ફળસ્વરુપ ના હોય. મેં એ પણ જાણ્યું કે અમેરિકાની શાળાઓમાં પણ પરિસ્થિતિ આથી વધુ સારી નથી. ત્યાં ભારત અને ભારતદર્શન વિષે અધૂરી સમજ છે અને હિન્દુત્વને એક ચોક્કસ દ્રષ્ટિકોણથી (stereotype) નકારાત્મક રીતે જ પ્રસ્તુત કરાય છે.
તેમાં બૌદ્ધ ધર્મ એક અપવાદ છે. બૌદ્ધ ધર્મીઓમાં સારા વિદ્વાનો છે જેઓ પોતે જ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે અને તેઓ જ બૌદ્ધ ધર્મ વિષે શિક્ષણ આપે છે. દલાઈ લામાએ પોતાના અનુયાયીઓને કહ્યું કે આપણી આ પરંપરા જીવિત રાખવા માટે બહારની દુનિયામાં જઈને એ વિષે શિક્ષણ આપો. એટલે તિબેટવાસીઓ પશ્ચિમી વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરીને પછી સમગ્ર વિશ્વમાં ભણાવવા ફેલાઈ ગયા છે. પરંતુ હિંદુ, શીખ અને જૈન ધર્મ વિષે મોટે ભાગે અમેરિકનો શીખવે છે જેઓ પોતે અન્ય કોઈ ધર્મ પાળતાં હોય છે.
હકીકતમાં આ બાબતને નિષ્પક્ષતાનો હેતુ સિદ્ધ કરવા માટે આવકારદાયક ગણવામાં આવે છે, જ્યારે આ જ નિયમ, દાખલા તરીકે, ખ્રિસ્તી ધર્મની બાબતમાં લાગુ કરાતો નથી, જેમ કે ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તીઓ અને એના ધર્મગુરુઓ દ્વારા જ શીખવાડવામાં આવે છે.
ભારતીય પરંપરાના અભ્યાસ માટે શૈક્ષણિક સભા આ સમસ્યાના હલ માટે Educational Council on Indic Traditionsની રચના કરવામાં આવી છે. એના અનેક હેતુઓમાં એક હેતુ હતો એક સર્વેક્ષણને આર્થિક સહાય કરવાનો એ જાણવા માટે કે સામાન્ય અમેરિકન જનમાનસમાં ભારતીય પરંપરા માટે પ્રચલિત દ્રષ્ટિકોણ, અભિપ્રાય અને માન્યતા શું છે. ઉદાહરણ તરીકે, તેઓ શાળાના શિક્ષકો, મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, ખુબ જ પ્રતિબદ્ધ એવા નિયમિતપણે ચર્ચ જનારાઓ વગેરેનો મત લેશે એ જાણવા માટે કે આ ભિન્ન ભિન્ન અમેરિકન સમાજનો સમુદાય ભારતીય પરંપરા વિષે શું વિચારે છે. આવું સર્વેક્ષણ આ પહેલા ક્યારેય નથી થયું અને આનું મહત્ત્વ ઘણું છે.
એ સર્વેક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી વડે આ સભા અતિ-સામાન્ય રીતે પ્રચલિત ભારતીય પરંપરા વિષેની માન્યતાઓને તારવીને એના નિરાકરણ માટે પ્રયત્ન કરશે. આ સિદ્ધ કરવા માટે અનેક માર્ગો છે. એક (તો) છે એક એવા પુસ્તકાલયની રચનાને આર્થિક સહાય આપવી જેમાં ભારત અને ભારતીય વિચારને લગતા સાહિત્યને કે સાધનોને વસાવવામાં આવે. તાજેતરમાં ઓરોવિલ પ્રેસ દ્વારા પ્રસ્તુત કરાયેલો “ભારતની લાક્ષણિકતા-The Genius of India” વિષય ઉપરનો slide show એ એક ઉત્તમ ઉદાહરણ છે એવા સાધનનું જે આવું કાર્ય સંપન્ન કરવાં માટે આદર્શ બની શકે. આવા અન્ય પ્રકારના slide-show અથવા ચલચિત્રોની આવશ્યક્તા છે એ પ્રસ્તુત કરવા માટે જે જડબેસલાક રીતે ઘર કરી ગયેલી માન્યતાનું ખંડન કરી શકે કે હિન્દુ ધર્મને કારણે જ ભારતમાં આટલી ગરીબાઈ છે.
હું ઈચ્છુ છું કે “અવધારણાઓનો ઈતિહાસ” વિષય ઉપર એક આખી શૃંખલાનું પ્રકાશન કરવું જોઈએ. એ પરથી એ દર્શાવી શકાશે કે ભારતમાંથી ઉદ્ભવેલા ઘણા વિચારો(જેમ કે ભાષા, ગણિત અને તર્કશાસ્ત્ર)ને શ્રેય અપાતું નથી. આ પ્રકારે શ્રેય આપવાની અવગણવાની પ્રક્રિયા આજે પણ ચાલું છે, ઘણી વાર અજાણતામાં પણ આવું થઈ જાય છે. દાખલા તરીકે, કાર્લ જંગે પોતાના પુસ્તકોમાં ખુબ જ ચીવટથી બધા ભારતના સ્ત્રોતોનો સંદર્ભ આપ્યો હતો પણ એના વિદ્યાર્થીઓ ચેતના, માનવીના મન અને એવા વિષયોની અવધારણાઓનું શ્રેય કાર્લ જંગને આપે છે.
છેવટે, આ જાહેર સર્વેક્ષણના તારણનો ઉપયોગ અમેરિકાની શાળાસમિતિઓ અને વિદ્યાપીઠોને એ જણાવવા માટે કરી શકાશે કે ભારતની પરંપરાને પ્રસ્તુત કરવા માટેની એમની રીત બદલવાની તાતી આવશ્યક્તા છે. આ વિષયોનું નિરાકરણ શિક્ષણના માધ્યમ થકી જ કરવું ઘટે કારણ કે મોટાભાગના અમેરિકનો તેમના મૂલ્યો અને તેમની માન્યતાઓનું ઘડતર શિક્ષણની પાર્શ્વભૂમિમાં કરતાં હોય છે.
ભારતમાં વિદ્વાનોની ઉણપ
આ સંસ્થાનું કાર્ય ત્યારે શરૂ થશે જ્યારે સર્વેક્ષણ પૂરું થશે. કારણ કે ભારતના વિચારો વિષે ભણાવી શકે એવા ઉચિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉચ્ચ કક્ષાના વિદ્વાનોની ભારે ઉણપ છે. મેં જોયું છે કે ભારતની વિદ્યાપીઠો પણ ભારતના દર્શનશાસ્ત્રમાં વિશેષજ્ઞતાને બદલે પશ્ચિમી દર્શનશાસ્ત્ર ઉપર વધું ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે જો હું કોઈ અમેરિકન વિદ્યાપીઠને ભારતની કોઈ એક અવધારણાનો કાર્યક્રમ શરૂ કરવા માટે મનાવવામાં સફળ પણ થઈ જાઉં તો યે એ સ્થાન લેવા માટે કોઈ યોગ્ય ઉમેદવાર જ નથી મળતો. આ બહું જ કષ્ટદાયી સમસ્યા છે અને એનું નિરાકરણ કરવાની આવશ્યક્તા છે.
આ સંસ્થાએ ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રાણ પૂરવો પડશે. એ આવશ્યક છે કે ભારતે એવા આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનોને પેદા કરવા પડશે જેઓ ભારતના વિચારોના બધા પાસાઓને શીખવાડી શકે. દાખલા તરીકે, હજારો વર્ષોમાં વિકસેલા ભારતના તત્વજ્ઞાનને સૌથી આધુનિક સ્વરૂપે અને વિભાવનામાં પ્રસ્તુત કરી હોય તો તે મહર્ષિ અરવિંદે. તેમ છતા, હું ભારતમાં એક પણ એવી વિદ્યાપીઠ નથી શોધી શક્યો જે મને મહર્ષિ અરવિંદના વિચારો ઉપર Ph. D. કરી હોય એવા કોઈ છાત્ર તરફ નિર્દેશ કરી શકે.
જો આપણે “શ્રી અરવિંદના વિચારો” ઉપર ભારતની મુખ્ય વિદ્યાપીઠોમાં તત્વજ્ઞાન અથવા માનસશાસ્ત્ર વિભાગમાં એક પેટાવિભાગ શરૂ કરી શકીયે તો ત્યાં પદવી પ્રાપ્ત કરનારા અન્ય વિદ્યાપીઠોમાં ભણાવવા જઈ શકે. દાખલા તરીકે, અમેરિકામાં, અને તો ત્યાં ભારતના વિચારોને માન્યતા પણ પ્રાપ્ત થશે. આ સંસ્થા ભારતના વિચારોને લગતા આવા પેટા-વિભાગને તેમજ એ વિષયોના સંશોધન અને પ્રસાર માટે આર્થિક સહાય આપવા તત્પર છે જેથી ભારતની ભિન્ન ભિન્ન પરંપરાના વિષયોમાં નિષ્ણાત એવાં તેજસ્વી અને પ્રબળ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વિદ્વાનોનો સમૂહ પેદા થઈ શકે.
એક અન્ય માર્ગ છે અમેરિકાના શિક્ષક વર્ગના લોકોને ભારત લાવીને એમને જાતે જ આ બાબતનો અનુભવ કરવા દેવો. મારી આ યાત્રા દરમિયાન મારી સાથે બે શિક્ષકો છે. અને આ ક્ષેત્રમાં ઑરોવિલ ઘણું મહત્ત્વનું પાત્ર ભજવી શકે છે. ઑરોવિલ અજોડ સંસ્થા છે: અહીં વસનારા લોકો ભારતના વિચારોમાં ઓત-પ્રોત છે, અને નિષ્ઠાવાન છે, પ્રતિબદ્ધ છે, જે સાંસ્કૃતિક ખાઈ પુરી શકે છે. આ સંસ્થાએ જે સંસાધનોનું નિર્માણ કર્યું છે તેનો પુરેપુરો લાભ લેવો જોઈએ. આપણે એમની સાથે શિક્ષણ માટેના સાધનોનું નિર્માણ કરવા માટે સહયોગ સાધવો જોઈએ.
વધુમાં, હું એટલું વિચારું છું કે ઑરોવિલ સંસ્થાએ વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ ઘડવો જોઈએ. મને એ જાણ નથી કે તમે એ માટે અત્યારે તૈયાર છો કે નહીં-કદાચ અત્યારે થોડું વહેલું છે. હજી, વિશ્વમાં મોટે ભાગે તમારી ઓળખ સ્થપાઈ નથી. પરંતુ, ઑરોવિલ અમેરિકામાં આ આંદોલનનો હિસ્સો બને એ આવશ્યક છે જે “ચેતનાનો અભ્યાસ-Consciousness Studies”, “માનવીની સંભાવ્ય શક્તિ-Human Potential”, “ખ્રિસ્તી ધર્મની સ્થાપના પછીની આધ્યાત્મિકતા-post-Christian spirituality” વગેરે તરીકે ઓળખાય છે. તમારે મહત્ત્વની પરિષદોમાં ભાગ લેવો જોઈએ-ઑરોવિલ તરીકે તમારે તમારી કથા પ્રસ્તુત કરવી જોઈએ.
પ્રકાશિત: ૨૦૦૧
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષા: અલકેશ પટેલ
Indian Thought Is Not Understood In America