આ પહેલાના મારા બ્લોગમાં મેં પરસ્પર સન્માન નો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આંતર-ધર્મોના વાર્તાલાપમાં સામાન્યતયા પ્રચલિત છે એ “સહન” કરવાની વિભાવના કરતા તે શા માટે શ્રેષ્ઠ છે. મારું તાજેતરનું આખું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલિન્સ , 2011) બધી પરંપરાઓમાં બધું સરખું જ છે એમ જોવાને બદલે કઈ રીતે એક-બીજાથી ભિન્ન છે એ વાતની કદર કરે છે. આ પુસ્તકની સમાંતર હું મારી પરંપરા સિવાયની અન્ય પરંપરાઓના અનેક વિચારકો સાથે સંભાષણ અને સંવાદ પણ કરી રહ્યો હતો.
આવો એક સંવાદ જાણીતા ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી અને હાર્વર્ડ મહાવિદ્યાલયના “ધર્મ” વિષયના આગળપડતા પ્રાધ્યાપક ફાધર ફ્રાન્સિસ ક્લુની સાથે થતો રહે છે. ક્લુની મહાશયે ૨૦૧૦માં ઘણો સમય ખર્ચીને ન માત્ર મારી સંપૂર્ણ હસ્તલિખિત નકલ વાંચી પણ ખુબ જ લાભદાયક ટિપ્પણીઓ પણ કરી. છેલ્લા ઘણાં વર્ષો દરમિયાન અમે બંનેએ જાહેરમાં અમારા કરાયેલ સંભાષણો ઉપર પરસ્પર પ્રતિભાવ પણ આપ્યો છે અને ઓનલાઈન ચર્ચા પણ કરી છે. ક્યારેક સહમત થઈએ અને ક્યારેક ન પણ થઈએ પણ હંમેશા પરસ્પર સન્માનની ભાવના સાથે જ.
હું મારા આ અનુભવની મારા “આંતર-ધર્મ” સંવાદ વિષેના વિચારો ઉપર કેવી અસર થાય છે એ વિષે ચિંતન કરવા ઈચ્છું છું.
મારાં પુસ્તકનું પહેલું પ્રકરણ છે, “ઘી ઓડેસીટી ઑફ ડિફરન્સ(ભેદ દાખવવાનું દુઃસાહસ)” અને એમાં હું અનેક ઉદાહરણો પ્રસ્તુત કરું છું જે દર્શાવે છે કે મોટા ભાગના ધર્મગુરુઓ જાહેરમાં બધી પરંપરાઓ સમાન છે એવું વિધાન કરીને ખુબ સ્વસ્થતા અનુભવે છે, ભલે તેઓ પછી ખાનગી રીતે બોધ આપતા હોય ત્યારે તેઓ પોતાની પરંપરાની ઉજળી બાજુના લાભ ઉપર ભાર મૂકતા હોય. હું “ડિફરન્સ એંક્ષાઈટી(ભેદ વિષે વાત કરતા થતો ક્ષોભ)” એવો એક નવીન શબ્દપ્રયોગ કરું છું, ભેદ બાબત વાત કરતા ધર્મગુરુઓને જે મૂંઝવણ થાય છે તે સ્થિતિને વર્ણવવા માટે, ભલે એ લિંગભેદ હોય કે કામુક્તા વિષયક હોય, જાતિ-પ્રજાતિ વિષે ભેદ બાબત હોય, ધર્મ કે પછી કોઈ પણ અન્ય વિષે હોય, આ “ડિફરન્સ એંક્ષાઈટી(ભેદ વિષે વાત કરતા થતો ક્ષોભ)” સ્થિતિની સામે હું સંવાદ સાધવા માટે મારો આ વિચાર પ્રસ્તુત કરવા માંગું છું “ભેદ સાથે પરસ્પર સન્માન”.
આ માત્ર જાહેરમાં કરાતા શબ્દાડંબર પૂરતું સીમિત ન રાખતા બ્રહ્માંડમાં અનંત ભેદો વણાયેલા છે એ બાબત સાથે સહજતાથી સ્વસ્થતા કેળવવાની આવશ્યકતા છે. મારું શેષ પુસ્તક ધર્મિક પરંપરા (હિન્દૂ, બૌદ્ધ, જૈન અને શીખ) અને એબ્રાહેમિક ધર્મો (યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ) વચ્ચે તત્વજ્ઞાનના પાયાના ભેદો વિષે ચર્ચા કરે છે. આ પુસ્તકને પરિપ્રેક્ષ્યમાં રાખીને હું અનેકાનેક વર્ગોના શ્રોતાઓ સાથે, આપણા ગુરુઓ સહિત જેઓ ભોધ આપે છે કે બધાં ધર્મો એક સમાન છે, સંવાદ કરવા ઈચ્છું છું.
હું એવા ઘણાં પશ્ચિમીઓ સાથે પણ વાર્તાલાપ કરવા ઈચ્છુ છું જેઓ પૂર્વની વિવિધ આધ્યાત્મિક પરિપાટીઓને તેમની પોતાની જુડેઓ-ક્રિશ્ચિયન (Judeo-Christian) ઓળખ સાથે સંયોજન કરીને અપનાવે છે અને જેઓ આ ભેદને અસ્પષ્ટ કરે છે અથવા ભૂંસી નાખે છે. હું એ આક્ષેપનો પણ પ્રત્યુત્તર આપું છું કે ભેદો વિષેના સ્વીકારથી પરસ્પર સમ્માનને બદલે પરસ્પર તંગદિલી વધશે.
મારાં તાજેતરના માસાચ્યુસેટ્સ મહાવિદ્યાલય ખાતે થયેલા સંભાષણની પ્રતિક્રિયા આપતાં ફ્રાન્સિસ કલૂનીએ ભેદો વિષયકના મારા અભિગમને સહમતી આપતા (મોટે ભાગે, સંપૂર્ણપણે નહીં) ઘણાં નોંધનીય નિરીક્ષણો કર્યા.
તેમના વ્યાખ્યાનથી અને ત્યાર બાદ અમારી વચ્ચે થયેલા વાર્તાલાપથી નિપજેલું એમનું નોંધનીય નિરીક્ષણ હતું કે અગાઉના હિન્દુ (લેખકોના) વાંચનમાં જ્યાં ભેદો ઉત્પન્ન થાય છે તે ગહન માળખા ઉપર પ્રકાશ ફેંકવાને બદલે ખ્રિસ્તી ધર્મના ધર્મશાસ્ત્રના દ્રષ્ટિકોણની ઉપેક્ષા કરાઈ હતી અને મહત્ત્વના ભેદોને ક્ષુદ્ર ગણાવાયા અથવા આ ભેદોને એક વર્તમાન રાજકીય રંગ ચડાવી દેવાયો હતો. ઘણાં સંસ્કૃત શબ્દોનો પશ્ચિમી ભાષામાં અનુવાદ શક્ય નથી એ બાબતનો મારા પુસ્તકમાં જે ભાર મુકાયો હતો તેને પણ તેમણે સ્વીકૃતિ આપી.
અમે અન્ય ઘણા મુદ્દાઓ ઉપર પણ અસહમત થયા. ઉદાહરણ તરીકે, (આપણી) સંસ્કૃતિના (ખ્રિસ્તીઓ દ્વારા) સંક્રમણની જે ક્રિયા થાય છે તે તેમના મતે ખ્રિસ્તીઓ દ્વારા ભારતના પ્રતીકો અને શબ્દોને અપનાવવા એ ભારતની મૂળ સભ્યતા પ્રત્યેની એમની મિત્રતાની ભાવના છે જ્યારે હું સમજું છું કે (હિન્દૂ અને ખ્રિસ્તી ધર્મો વચ્ચેના ભેદ બહુ મહત્ત્વના નથી એવું પ્રસ્તુત કરીને) એના થકી ભોળા ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થવા માટે આકર્ષિત કરવામાં આવે છે.
બંને પક્ષો કોઈ એક મુદ્દા ઉપર સંમત થાય કે ન થાય એ ઉપર સંવાદ માટેનો આ માર્ગ આધાર રાખતો નથી એ મહત્ત્વની બાબત છે. હકીકતમાં તો બંને વચ્ચેના મહત્ત્વના તાર્કિક ભેદો વચ્ચે કોઈ એક પક્ષ દ્વારા બાંધછોડ કર્યા વિના સમાધાન સાધવું એને હું વ્યવહારીક પણ નથી માનતો. ઉલ્ટું, બંને વચ્ચેના ભેદોને સહજતાથી સ્વીકારીને શરૂઆત કરીએ એ જ મહત્ત્વનું છે. સામાન્યતયા આ પ્રકારના સામના વખતે ભેદો વિષે વાત ઉખેડવા ઉપર જ નિષેધ રખાતો હોય છે, તેથી એની સરખામણીમાં આ માર્ગ વધુ પ્રામાણિક્તા ભર્યો છે (એવું મારું માનવું છે).
ભેદો પ્રત્યેનો આ માર્ગ કોઈ પણ ધર્મ માટે અન્ય ધર્મ સાથેની ચર્ચા સમયે (બીજા ધર્મને) નીરખવાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવા માટે દરવાજા ખોલી શકે છે.
છેલ્લી થોડી સદીઓમાં પશ્ચિમની અન્યો ઉપર જે પ્રચંડ સત્તા સ્થાપિત થયેલી છે તેને કારણે પશ્ચિમના ધર્મો આધારિત શબ્દપ્રયોગો, વિભાગો અને શાસ્ત્રાર્થમીમાંસા તથા પશ્ચિમની મોક્ષપ્રાપ્તિના સિદ્ધાંતો ઉપર જ વૈશ્વિક ધર્મસંબંધી પરિષદોના માળખા રચાય છે. મારા પુસ્તકમાં હું આને “પશ્ચિમી વૈશ્વિકરણ” તરીકે વર્ણવું છું અને સમજું છું કે આ અ-પશ્ચિમી ધર્મો પ્રત્યેના કૃત્રિમ દ્રષ્ટિકોણ મુજબ બધી જ પરંપરાઓએ એને જ “માપદંડ” માનીને સૌએ પોત-પોતાને એ મુજબ જ નીરખવાના, જેને ફળસ્વરૂપે “ડિફરન્સ એંક્ષાઈટી(ભેદ વિષે વાત કરતાં થતો ક્ષોભ)”ની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને તેથી “બધાં ધર્મો એક જ છે” એવું બોલવાની ફરજ પડે છે.
મારી ઈચ્છા છે કે હું વધુને વધુ આવા સંવાદો વધુને વધુ અન્ય પરંપરાઓના વિદ્વાનો સાથે શક્ય એટલા કરું અને સહજતાથી બંને પક્ષોની સહમતીને અને બંને પક્ષોના મતભેદોને ગુનાની કોઈ પણ લાગણી અનુભવ્યા વિના પ્રસ્તુત કરી શકું.
ભેદો સાથે અસ્તિત્વ ધરાવવાની હિન્દુ વિશ્વદર્શનની વિભાવના સ્વાભાવિક રીતે મને ભેદો વાળી સ્થિતિ તરફ દોરી જાય છે જેમાં હું સમતાપૂર્વક રહી શકું છું. સમગ્ર બ્રહ્માંડ અને પ્રત્યેક અણુ પરમાણુ દૈવી તત્ત્વથી બિલકુલ ભિન્ન નથી એટલે કે સમસ્ત સૃષ્ટિ પરમતત્ત્વથી વ્યાપક છે અને એ સિવાય અન્ય કશું જ નથી, એટલે કે કશું અપવિત્ર નથી. તેથી વાસ્તવિક્તાનું આ રૂપ સમગ્ર બ્રહ્માંડમાં સામંજસ્ય નિશ્ચિતપણે સ્થાપિત કરે છે. આમ ભેદો વિષેની અસમંજસની સ્થિતિને મૂળથી જ દૂર કરે છે. હકીકતમાં, “લીલા” શબ્દ આ ગહન વિચારને જ પ્રસ્તુત કરે છે કે બધું અસ્તિત્વ એક ઈશ્વરની માયા જ છે, જાણે કે શિવનું નૃત્ય.
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
Difference With Mutual Respect: A New Kind Of Hindu-Christian Dialogue