કાળા નાણાંને ધોળું કરવા માટે એ નાણાંને ભિન્ન ભિન્ન જટિલ માર્ગોમાંથી પસાર કરાય છે જેથી એનું સ્વરૂપ એવું સંદિગ્ધ બની જાય છે કે એના સ્ત્રોત વિષે કોઈ માહિતી રહેતી નથી અને એ છેવટે કાયદેસરના વ્યવસાયમાંથી પસાર થઈને ધોળું નાણું બની જાય છે. સદ્ભાગ્યે, એની સામે અમેરિકાના નેતૃત્વમાં વિશ્વભરમાં ચળવળ ચાલી રહી છે.
તે જ રીતે એક અન્ય “ધૂલાઈ”ની આવાં જ પ્રકારની પ્રપંચી, અપારદર્શક પ્રક્રિયા પણ ચાલી રહી છે જે બિના રોકટોક ફૂલીફાલી રહી છે. એ છે વિશાળ અને વિશ્વભરમાં એકબીજા સાથે જોડાયેલા “માનવ અધિકાર”ના છેતરામણાં નામે ચાલતા કાર્યક્રમો અને બિન-સરકારી સંગઠનો અને એની સાથે જોડાયેલ સમાજસેવકો, સરકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ખાનગી ભંડોળના સ્ત્રોતો જેઓ સંઘર્ષને પ્રોત્સાહિત કરે છે અને તે ભિન્ન ભિન્ન પ્રકારના બળવાની અને અલગાવવાદી ચળવળ માટેના મોરચા)બની જાય છે. એક જણ માટે જે આતંકવાદી છે તેને બીજો સ્વતંત્રતાનો લડવૈયો ગણાવે છે. આમ દ્વિઅર્થી વાર્તાલાપ માટેની તક ઊભી થાય છે.
શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા “ઉલ્સ્ટર” મજદૂર સંગઠનના નેતા ડેવિડ ટ્રીમ્બલનું તાજેતરનું કથન હતું કે આજે વિશ્વ માટે સૌથી મોટા અભિશાપોમાંનો એક છે “માનવ અધિકાર”નો ઉદ્યોગ. આ ઉદ્યોગ આતંકવાદી પ્રવુત્તિને ઉચિત ઠેરવે છે અને છેવટે નિર્દોષ લોકોની હત્યામાં ભાગીદાર થાય છે. આ કથનને વિશ્વની સૌથી મોટી માનવ અધિકાર માટે લડનારી દસ લાખથી વધુ સભ્યો ધરાવનારી એમનેસ્ટી ઈન્ટરનેશનલ અને હ્યુમન રાઈટ્સ વૉચનો ઉગ્ર પ્રતિભાવ મળ્યો. (ઘી ગાર્ડિઅન, 29 જાન્યુઆરી, 2004)
આવા એક જ કુલડીમાં ગોળ ભાંગવાવાળા અનેક સંસ્થાનો પ્રસરાયેલા છે જેમને ઓળખવા મુશ્કેલ છે. તેઓ “દાતા” અને “મદદકર્તા” તરીકેના તેમને મળેલા અધિકારનો ભરપૂર દૂરુપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, નેશનલ પબ્લિક રેડિઓએ અમુક આફ્રિકાના પ્રદેશોમાં વિસ્તૃત રીતે ચાલતી ભૂખમરાથી પીડિત લાચાર સ્ત્રીઓના યૌન શોષણ વિષે એક કાર્યક્રમની શૃંખલાનું પ્રસારણ કર્યું હતું. અપરાધીઓ હતા યુનાઈટેડ નેશન્સના કર્મચારીઓ, ઠેકેદારો અને સ્થાનિક સ્વયંસેવકો જેઓએ અન્નના બદલામાં લાચાર માતાઓ અને યુવાન સ્ત્રીઓને પોતાની કામવાસના સંતોષવા માટે મજબુર કરી હતી. એ માટે કાં તો ધાકધમકી આપી કાં તો અષ્ટમ્-પષ્ટમ્ સમજાવીને એમને પોતાની વાસનાનો શિકાર બનાવી. આ અપરાધીઓએ પોતાને “દાતા” તરીકે અને “માનવ અધિકાર” માટે લડનારાઓ તરીકે મળેલા નૈતિક” અધિકાર અને સત્તાનો નિર્લજ્જપણે ઉપયોગ કરીને જે લાચાર લોકોને તેઓ મદદ કરવાનો દાવો કરતાં હતા તેમના મનને, તેમના મૂલ્યોને અને તેમના દેહને ભ્રષ્ટ કરવામાં કોઈ કસર ના છોડી.
હકીકતમાં, હું સમજું છું કે જે રીતે મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વ્યવસાય પ્રામાણિકપણે અને કાયદાને અનુસરીને થતા હોય છે અને છતાં એમાં પણ કાયદાના ઓઠા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય છે, તેવી જ રીતે, મોટા ભાગના સમાજસેવકો અને બિન-સરકારી સંગઠનો સારા કામમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત જરૂર છે પરંતુ તેની સામે આ “માનવ અધિકાર”નો ઉદ્યોગ “બદમાશો” માટે ખોટા કામો કરવા માટેની તકો ઊભી કરે છે.
અનિશ્ચિત સ્થિતિનો લાભ
જેવી રીતે ઘણાં પ્રામાણિક વેપારીઓ અજાણતા કોઈ બીજા અપ્રમાણિક વેપારીઓના “કાળાં નાણાંને ધોળા” કરવાના કામમાં ઘણી વખત ફસાઈ જતા હોય છે તેવી જ રીતે ઘણા સનિષ્ઠ સમાજસેવકો અને બિન-સરકારી સંગઠનો અનભિજ્ઞપણે કોઈ અધમ કાર્યોમાં સહયોગી થઈ શકે છે. તેમ છતાં, આ કાળા નાણાંને ધોળા કરવાના કામમાં અને માનવ અધિકારના નામે ચલાવાતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ જેવી બંને બાબતોની લાંબી શૃંખલામાં ભિન્ન ભિન્ન સ્થળે વચેટિયાઓ હોય છે જેમને આ કાર્યની ફળશ્રુતિ વિશે જ્ઞાન હોય છે અને તેમ છતાં તેઓ આંખ આડા કાન કરે છે અને એ વિશે અજ્ઞાનતાનો અને નિર્દોષ હોવાનો ડોળ કરે છે.
આ બાબત એટલા માટે જટિલ બની જાય છે કારણ કે ઘણા માનવીય હક્કો માટેનાં સાધનો અને કાર્યો બેવડાં ધોરણના હોય છે. એક તરફ તેઓ માનવીય હક્કો માટે મદદરૂપ થતા હોય છે જ્યારે બીજી તરફ તેઓ સ્થાનિક સંસ્કૃતિ અને અખંડિતતાને હાનિ પહોંચાડે છે અને ઘણી વાર સ્થાનિક લોકોને રાષ્ટ્ર સામે વિદ્રોહ કરવા માટે પ્રેરિત પણ કરે છે. ઉપકરણો અને ટેક્નોલોજીની બાબતમાં હવે સ્પષ્ટપણે સ્વિકારાયેલી માન્યતા છે કે સામાજિક અને લશ્કરી કાર્યવાહી એમ બંને માટે અમુક ટેક્નોલોજીને ઉપયોગમાં લઈ શકાય છે. વ્યાપારને લગતા કાયદા પણ હવે ઘડાયા છે જે મુજબ એ પ્રકારની ટેક્નોલોજી ઉપર એ જ નિયંત્રણો લાગુ પડે છે જે માત્ર લશ્કરી કાર્યવાહી માટેના હોય ત્યારે લાગુ પડી શકે.
માનવીય હક્કોની લડત માટે ઉપયોગમાં લેવાતાં સાધનોના બેવડા વપરાશના નિમ્નલિખિત ઉદાહરણો જુઓ:
• શાળાનું મકાન જે શિક્ષણ માટે દાનથી મેળવેલાં ભંડોળ દ્વારા ઊભું કરાયું તેનો વિદ્યાર્થીઓના વર્ગો ન હોય ત્યારે વિદ્રોહ ભડકાવવાની પ્રેરણા આપવા માટે વપરાય છે.
• દાનના ભંડોળથી પ્રાપ્ત થયેલું વાહન બાળકો, દરદીઓ અને દાક્તરોની અવરજવર માટે વપરાતું હોય એનો જ ઉપયોગ ધર્મપરિવર્તન કરવા માટે થાય છે.
• એક વ્યક્તિ જેને સખાવતી સંસ્થા સમાજસેવાના કાર્ય બદલ પગાર ચૂકવે છે તે જ વ્યક્તિ ધર્મનો પ્રચાર કરવા માટે એક સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપે છે અને/અથવા “રાજકારણ” માટે સેવા આપે છે જે વાત જો જાહેર થાય તો ભંડોળ માટેના નિયમો હેઠળ એની ઉપર મનાઈહુકમ લાગુ પડે.
• સખાવતી હોસ્પિટલનો ઉપયોગ ધર્મોપદેશ કરવા માટે અને માંદા અથવા મરવાની અણી પર રહેલા લોકોનું ધર્મપરિવર્તન કરવા થાય છે જ્યારે કોઈ પણ વિષય બાબત સામેવાળાની વાતનો પ્રતિકાર કરવાની કે સંતુલન જાળવીને કોઈ પણ નિર્ણય લઈ શકવાની એમની ક્ષમતા તળિયે હોય છે અને જ્યારે એમની સંભાળ રાખનારાંઓ ઉપરનો એમનો વિશ્વાસ સંપૂર્ણ હોય છે.
અનુદાન અને ઈનામો મેળવનાર અને પરદેશોના પ્રવાસોથી ખ્યાતનામ બની ગયેલ સમાજસેવક ચોક્કસ “જીઓપોલિટિક્લ” કાર્યસૂચિને સિદ્ધ કરવા કાર્યરત થાય છે જેનો સંબંધ અનુદાન-ઈનામ-પ્રવાસોના સ્ત્રોતો સાથે આડકતરો હોય છે.
આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલી ભંડોળ આપનારી સંસ્થાઓ અને સાથે સંકળાયેલા બિન સરકારી સંગઠનો ભંડોળના આવા “અન્ય” ઉપયોગ વિશે કોઈ પણ જાણકારી હોવાનો ઈનકાર કરે છે. અને હકીકતમાં પુરાવાને અભાવે આવા આક્ષેપોને સાબિત કરવું ઘણું જ મુશ્કેલ છે. આ વિશે કોઈએ બુમરાણ મચાવી હોય કે પછી કોઈએ કોર્ટમાં “પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન” દાખલ કરી હોય એવું યે મારાં ધ્યાનમાં નથી.
તદુપરાંત, જે રીતે આવાં જોડાણો સ્થાપિત થયાં છે એમાં ઘણું શંકાસ્પદ તો વર્તાતું હોય છે. દેખીતી રીતે જ અઢળક ભંડોળ વ્યક્તિ કે સંસ્થાને પોતાની મરજી મુજબ “અન્ય” કાર્ય સિદ્ધ કરવા માટે અધિકાર પ્રદાન કરે છે અને જો ક્યારે પણ પકડાઈ જાય તો ય સહેલાઈથી એમ કહીને છટકી જાય છે કે એ કાર્ય એક સ્વયંસેવક તરીકે એનું અંગત હતું, વધુ કશું નહીં.
આ વિષયો ઉપર ખુલ્લી ચર્ચાનો અભાવ અને પારદર્શક નિયંત્રણોની ગેરહાજરીને કારણે ભંડોળ આપનારી ખુબ સમૃદ્ધ પરદેશી સંસ્થાઓ એ બાબત નક્કી કરવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે કે;
અ. માનવ અધિકારની વ્યાખ્યા શું છે?
બ. “રાજકીય ગણતરી મુજબ” કોના હક્કો માટે લડવું?
અને
ક. આ સ્થિતિ માટે અપરાધી કોણ છે?
માનવ અધિકારના ઉલ્લંઘન માટે અમુક જ ચોક્કસ “પસંદગી”ની કાગારોળ સંસ્થાની “જીઓપોલિટિક્લ(ભૌગોલિક-રાજકીય લાભ ખાટવાની)” કાર્યસૂચિ સાથે મેળ ખાય છે જેને કારણે અનૈતિક કાર્ય ઉપર નૈતિકતાનો ઢોળ ચડે છે.
માનવ અધિકાર અને સામ્રાજ્યવાદ
ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ સામાન્ય ભારતીયોના હક્કોની જાળવણી કરવાના નામે ભારતીય સંસ્કૃતિને ઘણી હાનિ પહોંચાડી. અંગ્રેજોએ ઘડેલા કાયદા હેઠળ પંજાબની સ્ત્રીઓને તેમની સંસ્કૃતિથી “બચાવવાના બહાને” વારસાગત મિલકતના અધિકારથી વંચિત કરવામાં આવી જેની ફળશ્રુતિ દહેજને કારણે આજના સમયમાં થઈ રહેલી હત્યાઓ છે. ભારતીય સ્ટીલ અને કાપડ ઉદ્યોગમાં થઈ રહેલા મજદૂરોના શોષણને રોકવા ભારતમાં આ ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ કરી દેવાયા અને એ ઉદ્યોગોને બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરવા માટે બ્રિટનમાં સ્થાપવામાં આવ્યાં.
જમીનના માલિકો અથવા જ્યાં-ત્યાંના શાસકો પાસેથી માનવીય હક્કોનું ઉલ્લંઘન કરવાના બહાના હેઠળ એમની પાસેથી જમીન આંચકી લઈને તેની વહેંચણી અંગ્રેજોના પોતાના ખાસ જમીનદારોમાં પુન:વિતરણ કરાઈ. આપણી સંસ્કૃતિમાંથી “અમાનુષી અંધવિશ્વાસ”ને દૂર કરવા માટે અને આપણને તર્કસંગત અને સુસંસ્કૃત બનાવવા માટે મૂળ સંસ્કૃત, પર્શિયન અને સ્થાનિક ભાષાઓમાં અપાતું શિક્ષણ અંગ્રેજીમાં અપાવા લાગ્યું. અંગ્રેજ સામ્રાજ્યની પ્રજાને “સુસંસ્કૃત” કરવાની લક્ષ્યપ્રાપ્તિ માટે ભારતીય સનદી અધિકારીઓ અને “બાબુ”ઓને તૈયાર કરવામાં આવ્યા.
ટૂંકમાં, આપણે આવા છેતરામણા અને “માનવ અધિકાર”ની રક્ષા કરવાને બહાને થતા સમાજસેવાના કાર્યોથી સુપરિચિત છીએ અથવા તો રાજકીય લાભો ખાટવા માટે “માનવ અધિક્કાર”ની રક્ષા કે “સુધારાવાદી”ની ભૂમિકા બજાવવાનાં ઓઠા હેઠળ રમાતી રમતોથી માહિતગાર છીએ.
હવે જે ચાલી રહ્યું છે તે વધુ ખતરનાક છે. અંગ્રેજોએ ઘણા ભારતીય “પ્યાદાઓ”ને અને “બાબુઓ”ને પોતાના સામ્રાજ્યનાં હિતો જાળવવા ઘણી લાલચો આપી હતી. નહીં તો પોતાના મૂળ વતનની વસ્તી કરતા અનેકઘણી વસ્તી ઉપર રાજ કરવું શક્ય ન બન્યું હોત. એ જ રીતે ઘણા “ભોળા” આદર્શવાદી ભારતીયો સારા ઈરાદાથી કામ કરવાની શરૂઆત કરે છે પરંતુ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય માનવીય હક્કોના ઉદ્યોગમાં તેમને મળતાં અનેક લાભોની લાલચમાં ખેંચાઈ જાય છે જેમ કે પરદેશોના પ્રવાસો, ખ્યાતિ, પંચતારક વૈભવી મનોરંજન કાર્યક્રમોની ઝાકઝમાળ, માનવીય હક્કોના હિમાયતી હોવાને લીધે મળતા કીર્તિમાનો અને પ્રતિષ્ઠિત પુરસ્કાર.
અનેક યુવાન ભારતીયો આ સિદ્ધિઓને “આભૂષણ” તરીકે પ્રદર્શિત કરે છે અને વૈશ્વિક સંસ્કૃતિના પ્રતિભાશાળી અને જાજરમાન ક્લબના સભ્ય
હોવાનો ગર્વ અનુભવે છે. અમુક આદર્શવાદીઓ તદ્દન પાયાથી જ પશ્ચિમી સિદ્ધાંતોમાં માનવા લાગી જાય છે અને સહજપણે પોતાની જ સંસ્કૃતિને એ દ્રષ્ટિથી નિરખીને ગેરસમજ કરે છે. એકવાર પોતાની મૂળભૂત સંસ્કૃતિથી ઉખડી ગયલા આ આદર્શવાદી યુવાનો પછી ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર સામે લડનારા પશ્ચિમના પ્યાદાં બની જાય છે.
પ્રકાશિત: 9 માર્ચ 2004
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ