યાદ છે આપણને હજી તિબેટનો વિદ્રોહ?

ઈતિહાસ ભારતીય મહાગાથા

Tibetan Uprising Image: CC by 2.0, https://creativecommons.org/licenses/by/2.0/

તિબેટ ઉપર ચીની લશ્કરે ૧૯૫૧થી કરેલા કબજા સામે નારાજ તિબેટી નાગરિકોએ આજથી અડધી સદી કરતા વધુ સમય પહેલા એટલે કે ૧૯૫૯ની ૧૦મી માર્ચે વિદ્રોહ કર્યો હતો. જોકે ચીન દ્વારા આ વિદ્રોહને બહુ નિર્દયતાથી કચડી નંખાતા તિબેટના લોકો માટે એનો બહુ દુઃખદ અંત આવ્યો. એને પરિણામે અમેરિકાની સંસ્થા સી.આઈ.એ.ની મદદથી દલાઈ લામા પોતાના ટેકેદારો સાથે ભારત નાસી ગયા. ૮૦ હજાર લોકો સાથે દલાઈ લામાએ ચીની લશ્કરના પંજામાંથી છટકીને હિમાલય પર્વતમાળા ખૂંદીને ૧૫ દિવસોની યાતનાભરી પગપાળા મુસાફરી પછી ૩૧ માર્ચ ૧૯૫૯ના રોજ સીમા પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી દર વર્ષે ૧૦ માર્ચને તિબેટીઓ “વિદ્રોહ દિન” તરીકે ઉજવીને વધુમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનો આયોજે છે.

તિબેટમાં વસતા લોકો હજુ હતાશામાં છે અને પરિણામે તેમનામાં આત્મદાહ દ્વારા વિરોધ કરવાના કિસ્સા છેલ્લા થોડાં વર્ષમાં વધ્યા છે તેમ છતાં ચીન દ્વારા તિબેટના “સંસ્કૃતિનું નિકંદન”નો અંત આવે એવું લાગતું નથી. આરબ સ્પ્રિંગ જેવી ચળવળને મુખ્ય ધારાના પ્રસાર માધ્યમો દ્વારા જે રીતે વિશ્વભરમાં આવરી લેવાઈ હતી એ સામે જોતા એ બહુ કમનસીબી જ ગણાય કે તિબેટના આ સંઘર્ષની કથા લોકોના સ્મૃતિપટમાંથી સરકી રહી છે.

ખનીજ તેલથી તરબતર મધ્ય પૂર્વ પ્રદેશની સાથે સરખાવતા તિબેટમાં એવી કોઈ કુદરતી સંપદા નથી કે જેને માટે શક્તિશાળી દેશો લડે. વળી, ઈસ્લામિક જગત દ્વારા થતા આંદોલનોથી વિપરીત તિબેટની શાંતિપ્રિય લડતને કારણે એમના માટે સદભાવના તો જરૂર છે, પરંતુ તિબેટના આ સંઘર્ષમાંથી ઈસ્લામિક દેશોની જેમ આતંકવાદ કે પરમાણુ શસ્ત્રોની નિકાસનો કોઈ ખતરો નહીં હોવાથી વિશ્વના દેશો તિબેટની પીડા તરફ ધ્યાન નથી આપતા.
ચીનનું સતત ઉભરતું સામર્થ્ય અને એની દૃઢતાને કારણે વિગ્રહ નબળો પડી ગયો છે અને પશ્ચિમી દેશોમાં તિબેટ માટેનો ટેકો ઠંડો પડી ગયો છે. ખાસ કરીને સાંઠના દાયકાના યુવાનથી વિપરીત પશ્ચિમનો આજનો યુવાન આવા પ્રકારની માથાકૂટમાં પડવામાં ઓછો રસ દાખવે છે.

આ ચળવળનું ભવિષ્ય શું હોઈ શકે એ એક ચિંતાનો વિષય છે. દલાઈ લામાની ઉંમર વધી રહી છે એ જોતા ચીન સારી રીતે સમજે છે કે સમય તેની સાથે છે એટલે તેઓ શાંતિથી રાહ જોવા તૈયાર છે. એમના જેવી પ્રતિભા વાળા કોઈ આગેવાનની ગેરહાજરીને લીધે તિબેટના પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચેના આંતરિક સંઘર્ષને તેઓ વધુ ભડકાવી રહ્યા છે. તેઓ અમુક મહત્વાકાંક્ષી નેતાઓને લલચાવીને જૂની અને જાણીતી “ભાગલા-પાડીને-રાજ કરો”ની નીતિ અપનાવીને આ વિગ્રહને ખતમ કરી દેવા પ્રયત્નશીલ છે.

તે દરમિયાન, ચીનનું સામ્યવાદી શાસન તિબેટની પવિત્ર ભૂમિ અને ભૂગોળને બહુ ઝડપથી પર્યટકો માટે બિનસાંપ્રદાયિક આકર્ષક સ્થળોમાં ફેરવી રહ્યાં છે અને તિબેટમાં ચીનના “હન” પ્રજાતિના લોકોને વસાવી રહ્યા છે. ચીન તિબેટની સંસ્કૃતિનું રૂપાંતર કરી રહ્યું છે અને સાથે સાથે એને આત્મસાત કરીને “મેન્ડેરીન” તરીકે પ્રસ્તુત કરી રહ્યું છે.

ખરેખર તો સમગ્ર વિશ્વ માટે આ એક ચિંતાનો વિષય હોવો જોઈએ. ખાસ કરીને ભારત અને અમેરિકાએ તો વિશેષ ધ્યાન આપવું જોઈએ. ભારતની મહાનદીઓ (બ્રહ્મપુત્રા, ગંગા અને ઈન્ડ્સ)નું ઉદ્દગમસ્થાન તિબેટમાં છે અને ચીને તિબેટમાં વિદ્યુત ઉત્પાદન માટે ઓછામાં ઓછા વીસ બંધોનો એક મહત્વાકાંક્ષી પ્રકલ્પ ખુબ ઝડપથી શરુ કરી દીધો છે. આ દરેક બંધ ભારત તરફ આવતા પાણીને ચીન તરફ વાળવા સક્ષમ છે. ચીનની તરસ ભારતને હિસાબે અને જોખમે બુઝાશે અને તેને પરિણામે ઘણાં પ્રદેશોમાં કાયમી દુષ્કાળની સ્થિતિ પ્રવર્તશે. આવું વિચારવું એ એક સામાન્યતયા “ફેશન” બની જવાની શક્યતા વિશે ઘણાં વર્ષો પહેલા મેં આગાહી કરી હતી પરંતુ
તાજેતરમાં જ આ અચાનક ચર્ચાનો મહત્ત્વનો વિષય બની ગયો છે.

તિબેટ ભારત તરફ તાકેલા ચીનના પરમાણુ શસ્ત્રોની છાવણી પણ છે જેને પરિણામે ચીનના શસ્ત્રો થોડી મિનિટોમાં જ ભારત પહોંચી શકે છે. ચીન-પાકિસ્તાન વચ્ચેની કડી દ્વારા અદ્યતન ધોરીમાર્ગો, રેલમાર્ગો અને પાઈપલાઈન થકી સશસ્ત્રદળો માટે અને અન્ય પ્રકારના માલસામાનની જે યાતાયાત થાય છે તે પણ તિબેટમાંથી જ પસાર થાય છે. એને કારણે ચીનને હિંદ મહાસાગરમાં આવેલા પાકિસ્તાનના બંદરોનો લાભ મળે છે અને ભારત સાથેના કોઈ પણ સંઘર્ષમાં પાકિસ્તાનને તુરંત ચીનની મદદ મળશે. ખરેખર જો તિબેટ તટસ્થ, સ્વતંત્ર અને લશ્કરીકરણથી બાકાત હોય તો ભારત/પાકિસ્તાન વચ્ચેની સુરક્ષા પરિસ્થિતિને કારણે ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ ત્રિપક્ષીને બદલે દ્વિપક્ષી મંત્રણાથી વધુ સહેલાઈથી આવી શકે.

અમેરિકા માટે ચીન બધાં જ ક્ષેત્રોમાં મુખ્ય પ્રતિસ્પર્ધી અને હરીફ છે જે વિશે બંને દેશો વાકેફ છે. જ્યારે ચીન પોતાના ઉદ્દેશો ક્યારેય છુપાવતું નથી, આ વિષયને વ્યાખ્યાયિત કરવા માટે અમેરિકા પાસે કોઈ સુઝબુઝ વાળી રૂપરેખા નથી. ચીન માટે તિબેટ એક રીતે હિંદ મહાસાગરના વ્યૂહાત્મક બંદરો, મધ્ય એશિયાના ઑઇલ અને ગેસ ભંડારો તેમજ દક્ષિણમાં સમૃદ્ધ આસિઆન (ASEAN) દેશો સુધી પહોંચવાનું પ્રવેશદ્વાર છે.

અમેરિકાની ટૂંકી દ્રષ્ટિની નીતિના ભાગ રૂપે મ્યાન્મારને માનવીય હક્કોના ઉલ્લંઘનના આધાર ઉપર ઘણાં વર્ષો સુધી એકલા પાડી દેવાને લીધે મ્યાનમારની ગરીબ પ્રજાને જ વધુ તકલીફ થઈ જ્યારે સૈન્ય દ્વારા ચલાવાતી સરકારને કોઈ જ અસર થઈ નહીં. ચીનને બસ આ જ જોઈતું હતું. જો ખરેખર અમેરિકા માનવીય હક્કોની માંગ માટે પ્રામાણિક હોત તો એ દેશે ચીન સામે પણ એવા જ પગલા લેવા જોઈતા હતા જ્યાં માનવીય હક્કોના ઉલ્લંઘનનું પ્રમાણ અનેકઘણું વધારે હતું. મ્યાનમાર એ અમેરિકા માટે પોતાની ગુનાહિત વૃત્તિને છુપાવવાના ભાગ રૂપે એક સહેલો માર્ગ હતો જ્યાં પોતાની શક્તિનું એ પ્રદર્શન કરી શકે. આથી ચીનને કોઈ પણ જાતની રોકટોક વિનાનો એક દાયકા જેટલો સમય મળી ગયો જેનો ભરપૂર ઉપયોગ કરીને તેણે મ્યાનમારમાં એની કુદરતી સંપત્તિ ઉપર લાંબાં ગાળા માટે પ્રભુત્વ મેળવી શકે અને ઈન્ડિયન ઓશન પર્યન્તના માર્ગ ઉપર વિશેષાધિકાર પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિ મજબૂત કરી. તિબેટ વ્યૂહાત્મક રીતે આ કાર્ય શક્ય બનાવવા માટે સુલભ સ્થાને સ્થિત છે.

તિબેટના લોકોએ પણ હજી સુધી જેટલું કર્યું છે એ કરતા વધું કરવાની જરૂર છે. ખાસ તો તેઓએ સૌ પ્રથમ તાકીદના ધોરણે વિશ્વના મંચ ઉપર દલાઈ લામાના માર્ગદર્શન હેઠળ એમના અનુયાયીને પ્રસ્તુત કરવો જોઈએ. કર્મપા એ એક આવા યુવાન અને કરિશ્માવાળા નેતા છે જેમણે ઈન્ડો-તિબેટન બુદ્ધિઝમનો ઊંડો અભ્યાસ કર્યો છે અને મેધાવી વ્યક્તિત્વ ધરાવે છે. કમનસીબે મોટે ભાગે તેઓ ભારતમાં જ રહેતા હોય છે. અમુક સ્રોતોના કથન મુજબ ભારતની સરકારને એવો સંશય છે કે તેઓ કદાચ ચીનના પ્યાદા પણ હોઈ શકે-એક મંચુરિયન ઉમેદવાર તરીકે. આ બાબતનું નિરાકરણ દલાઈ લામા જતા રહે એ પહેલા શક્ય એટલું જલ્દી લાવવું આવશ્યક છે. આવનારી પેઢીને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સક્રિય થઈ જવા દેવી જોઈએ અને જ્યાં સુધી દલાઈ લામા હયાત છે ત્યાં સુધીમાં તેમના માર્ગદર્શન અને અવલોકન હેઠળ તેઓ બધી જ બાબતોમાં અને બધી જ કસોટીઓમાંથી પસાર થાય એમાં જ તિબેટની ભલાઈ છે.

આપણે ચીનની આવનારી પેઢીના હૃદય પરિવર્તનની આશા રાખીએ તેનો કોઈ જ અર્થ નથી. કારણ કે ચીને એમની શિક્ષણ પદ્ધતિ દ્વારા એમની યુવા પેઢીના મનમાં એ વાત જડબેસલાક રીતે ઉતારી દીધી છે કે તિબેટ એ ચીનનો જ હિસ્સો છે અને સ્વતંત્રતાની જે ચળવળ ચાલી રહી છે તે શત્રુ દેશો દ્વારા ચલાવાતું એક ષડયંત્ર છે જેમાં તિબેટનું વરિષ્ઠ નેતૃત્વ સહભાગી છે.

શતરંજની આ રમતમાં તિબેટની સ્થિતિ નબળી તો છે જ. પરંતુ, ભૂતકાળમાં પણ આવા ઘણા સંઘર્ષોમાં શરૂઆતમાં નિરાશા વર્તાઈ હતી. હું ઈચ્છુ છું કે તિબેટની આ લડાઈને બધા દેશના યુવાનોનો સાથ મળી રહે.

પ્રકાશિત: ૧૨ માર્ચ ૨૦૧૩
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
The Tibetan Uprising Day Reminds Us

Leave a Reply