સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ એબ્રાહામિક ધર્મો ભારતીય દર્શન ભારતીય મહાગાથા હિન્દુ ધર્મ

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ કરું છું અને હળવાશથી તેમની સાથે વાતો કરું છું. હું જો કે કેથોલિક શાળામાં ભણ્યો છું અને મને ધર્મ-પરિવર્તનની બધી રમતો વિષે જ્ઞાન છે છતાં હું ડોળ કરું છું એક ભોળા ઈમિગ્રન્ટનો જેને પાયાના પ્રશ્નોના ઉત્તર જાણવામાં રસ છે.
થોડી વાતો પછી એમાંનો એક મોટે ભાગે આ પ્રશ્ન પૂછીને વિષયને છેડે છે કે “શું કદી તમારો બચાવ થયો છે?”

હું આશ્ચર્ય વ્યક્ત કરીને જવાબ આપું છું કે “હકીકતમાં તો હું ક્યારેય દોષી ગણાયો જ નથી”. મારો સોહામણો યુવાન મહેમાન આ સાંભળીને સામાન્યત: ચકિત થઈ જાય છે. તેઓ ઈચ્છે છે કે હું દાવો કરું કે મારો બચાવ થઈ ગયો છે અને તેઓ સમજે છે કે એમને મળેલી તાલીમને કારણે તેઓ એ દ્રઢતાપૂર્વક કહેવા માટે તેમની વાકછટાથી સજ્જ છે કે મારા ધર્મ કરતા મને “બચાવવા” માટેની તેમની નિપુણતા ઉચ્ચતર છે. મોટે ભાગે “મને બચાવવાની કોઈ આવશ્યકતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી” એવાં મારા વલણથી કે તેઓ વિસ્મય પામે છે.

એમની માન્યતા પ્રમાણે આદિકાળમાં આચરાયેલા પાપ(ઓરિજિનલ સીન)ને કારણે ચિરકાળ માટે થયેલા નરકવાસથી મોક્ષપ્રાપ્તિ માટે ઈસાઈ ધર્મનું પાલન એ એક માત્ર માર્ગ છે. પરંતુ, ધર્મિક પરંપરામાં આ પ્રશ્નનું કોઈ અસ્તિત્વ નથી. કલ્પના કરો કે તમને કોઈ પૂછે કે તમને તમારી જેલસજામાંથી મુક્તિ મળી કે નહીં ત્યારે તમારો ઉત્તર હશે કે જ્યારે તમને કોઈ પણ અપરાધ માટે સજા જ નથી થઈ ત્યારે આ પ્રશ્ન કરવો એ તો હાસ્યાસ્પદ જ ગણાય.

કહેવાનો આશય એ છે કે જો કોઈ ધર્મિક પંથનું પાલન કરનાર એમ કહે કે એને “બચાવી” લેવામાં આવ્યો છે તો એનો અર્થ એ થશે કે પ્રત્યેક વ્યક્તિ જન્મથી જ પાપી છે એવો ખ્રિસ્તી ધર્મનો પાયાનો સિદ્ધાંત એને સ્વીકાર્ય છે અને તે એ જ દશામાં રહે છે જ્યાં સુધી એ ઈશુ ખ્રિસ્તના શરણે ના જાય. ચર્ચ ભલે અન્ય ધર્મોમાં રહેલી વિશેષતા સ્વીકારે પરંતુ “બચાવવા” માટે કોઈ પણ “અન્ય પંથ ઈશુ ખ્રિસ્તનું સ્થાન ગ્રહણ કરી શકે નહીં “ એવી માન્યતાને તેઓ લગારે ત્યજી શકતા નથી..

હિન્દુ ધર્મમાં મોક્ષ અને બૌદ્ધ ધર્મમાં નિર્વાણ એ બંને માન્યતાઓ ખ્રિસ્તી ધર્મની “પાપમુક્તિ”(salvation) ની માન્યતાની નજીક આવી શકે અને આ બંને માન્યતાઓનો અસ્પષ્ટ રીતે “મુક્તિ”(liberation) એવો અર્થ કરી શકાય. પરંતુ ધર્મિક પરંપરાની “મુક્તિ”(liberation) અને ખ્રિસ્તી ધર્મની “મુક્તિ”(salvation)માં પાયાનો તફાવત છે.
મોટા ભાગના ખ્રિસ્તી લોકોની આધ્યાત્મિક પ્રગતિમાં “મુક્તિ”(salvation) માટેની વિશ્વાસપ્રાપ્તિ એ એમના માટે ખુબ મહત્ત્વની ક્ષણ ગણાય છે. આ અનુગ્રહ એક બક્ષિસ રૂપે પ્રાપ્ત થાય છે અને એનો સ્ત્રોત વ્યક્તિની બહારનો છે. આ “દાન” પ્રાપ્તિ વ્યક્તિગત પાત્રતા, આધ્યાત્મિક આચરણ, પ્રાર્થના કે સન્યાસ વગેરેના ફળસ્વરૂપે જ થાય છે એવું નથી. તેમ છતાં એની પ્રાપ્તિ માટે આ બધું સહાયરૂપ જરૂર થઈ શકે અને ઘણી વાર ઘણા સંપ્રદાયમાં આવશ્યક પણ હોઈ શકે. તેમ છતાં, ખ્રિસ્તી ધર્મમાં એ પૂરતા નથી. કારણ કે “મુક્તિ”(salvation) પ્રાપ્તિ માટેની શક્તિ વ્યક્તિની પોતાની અંદર રહેલી નથી.

યહૂદી અને ખ્રિસ્તી ધર્મની પરંપરા મુજબ મૃત્યુ એ પાપનું ફળ છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે “આત્મા (ખ્રિસ્તી ધર્મ પ્રમાણે “soul”)ની મુક્તિનો અર્થ એ છે કે “સમય”ને અંતે (કયામત વખતે) દેહની પણ મુક્તિ થશે. મૃતકોના સ્થૂળ શરીરોનું ભવ્ય સ્વરૂપે પુનરુત્થાન થશે અને સ્વર્ગલોક અને મૃત્યુલોક વચ્ચેની હદ ભૂંસાઈ જશે અથવા પ્રવેશ્ય બની જશે. મોટા ભાગના લોકો માટે આ મુક્તિનું સંપૂર્ણ ફળ મૃત્યુ પછી જ પ્રાપ્ય છે. બીજી બાજુ, ધર્મિક “મોક્ષ” (liberation) અહિયાં, આ જ દેહમાં અને આ જ જગતમાં મેળવી શકાય છે. “મોક્ષ” (liberation) અને “મુક્તિ”(salvation) બંને સમાન છે જ્યાં સુધી માનવદેહ સાથેના બંધનની બાબત છે ત્યાં સુધી, પરંતુ આ બંધનની પ્રકૃતિમાં ઘણું અંતર છે.

મોક્ષનો અર્થ એ છે કે અજ્ઞાનતા, પૂર્વગ્રહ અને “કર્મ”ના ભારથી “મુક્તિ”. ભગવદ્દગીતા પ્રમાણે કામવાસના, અહમ્ અને માનવ તરીકેની નબળાઈઓથી પાર થઈ જવું એ પહેલું મહત્ત્વનું સોપાન છે અને ત્યાર બાદ વધુ પ્રગતિ માટેના દ્વાર ખુલે છે જે સંપૂર્ણપણે મોક્ષપ્રાપ્તિ માટે માર્ગ સુલભ કરે છે.

બીજી બાજુ, ” મુક્તિ” (salvation) માટે વિકસિત જાગૃતિ અથવા ચેતના કે ગૂઢતા/આધ્યાત્મિકતાના જ્ઞાનની કે પછી સંયમિત શારીરિક ક્રિયા વગેરેની આવશ્યકતા નથી હોતી (ક્યારેક આ બધું આચરવામાં આવતું જરૂર હોય છે). અને સંન્યાસ લીધા પછી આ બધું મેળવી શકાશે એ પણ જરૂરી નથી, જેમ બૌદ્ધ ધર્મમાં નિર્વાણની સ્થિતિ છે. એનો અનુભવ માત્ર પ્રભુની ઈચ્છા સમક્ષ સંપૂર્ણપણે શરણે જવાથી જ મળી શકે છે અને અહિયા પ્રભુ એટલે માત્ર “બાઈબલ”ના જ પ્રભુ.

સંસ્કૃતમાં એક અન્ય સ્થિતિનું વર્ણન કરાયું છે જેને સમતુલ્ય ખ્રિસ્તી ધર્મમાં કશું નથી. જે વ્યક્તિએ મોક્ષપ્રાપ્તિ મેળવી લીધી છે તે સંસારમાં રહેવાનું પસંદ કરી શકે છે અને સાથે સાથે આધ્યાત્મિક પણ રહી શકે છે-એટલે કે પૂર્વ કર્મોના બંધનમાંથી છુટકારો અને છતાં સંસારમાં સક્રિય. આવી વ્યક્તિને “જીવનમુક્ત” કહેવાય છે. તે વ્યક્તિ, પોતાની ઈચ્છા મુજબ, સંસારથી વિમુખ થઈ શકે છે અથવા સન્મુખ પણ થઈ શકે છે અને એનાથી લેપાયા વિના અથવા એમાં સીમિત રહ્યા વિના પોતાનું દાયિત્વ નિભાવી શકે છે. બૌદ્ધ ધર્મમાં “જીવનમુક્ત”નો સમકક્ષ અર્થ “બોધિસત્વ” છે.

“ઘી ન્યુ ટેસ્ટામેન્ટ” આ સ્થિતિને “જગતમાં હોવું પણ જગતના નહીં” એ રીતે ઓળખાવે છે. અહીં ખ્રિસ્તી ધર્મમાં પણ જીવનમુક્ત અવધારણાના વિકાસ માટે અવકાશ છે અને સેન્ટ પોલ પોતાના અનુભવ વિષે એવી ઘણી બાબતો જણાવે છે જે દર્શાવે છે કે એમણે આ સ્થિતિની ઝાંખી જરૂર થઈ છે, અને એ જ રીતે અન્ય ખ્રિસ્તી સંતોએ પણ એવો અનુભવ કર્યો છે.

પણ મહત્ત્વની બાબત એ છે કે ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાં એનો બિલકુલ ઉલ્લેખ નથી, કારણ કે આ સ્થિતિનો વ્યવસ્થિત પદ્ધતિ દ્વારા અભ્યાસ નથી કરાયો કે સમજવા કે એને વિકસાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરાયો. અહીંયાં “સંત” કે “પયગંબર” કે “રહસ્યવાદી” (mystic) શબ્દોનો કોઈ અર્થ નથી સરતો. જ્યારે ખ્રિસ્તીઓએ આવી સ્થિતિનો અનુભવ કર્યો ત્યારે યોગ જેવી વ્યવસ્થિત પદ્ધતિ એ માટે કારણભૂત હોઈ શકે અથવા એ સ્થિતિ “મુક્તિ”(salvation) માટેનો માર્ગ હોઈ શકે એ બાબતને સમર્થન ન અપાયું. તેથી, વેટિકનના “ડૉમિનસ જિસસ” નામના દસ્તાવેજ મુજબ, ચર્ચના અન્ય લોકોની સરખામણીમાં સંપૂર્ણ “મુક્તિ”(salvation) માટે આ વ્યક્તિએ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

જ્યારે આ ખ્રિસ્તી ધર્મપ્રચારકો મારા ઘરેથી પ્રસ્થાન કરે છે ત્યારે હું હંમેશાં આશા રાખું છું કે અમારા વાર્તાલાપથી સામેવાળી વ્યક્તિ વિષેની એમની માનસિકતા બાબત તેઓ પુન:વિચાર કરે અને ખ્રિસ્તી ધર્મ ન પાળનારા બધાં જ લોકો આધ્યાત્મિક ત્રુટિથી પીડાય છે એ માન્યતાને તેઓ ફરી તપાસે.
પણ, તેઓ આ કાર્ય હાથ ન ધરે ત્યાં સુધી હું તેઓને મારા ઘરે આવકારતો રહીશ, તેમને ચા પીવાનો આગ્રહ કરતો રહીશ અને તેમની સાથે આ “શુભ સમાચાર” વિષે ચર્ચા ચાલુ રાખીશ કે “જન્મજાત પાપ”(original sin) જેવું કશું નથી. આપણે સૌ “જન્મજાત દૈવીતત્ત્વયુક્ત” છીએ.

પ્રકાશિત: ૨૯ એપ્રિલ ૨૦૧૧
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
Dharma’s Good News: You Are Not A Sinner

1 thought on “સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

  1. I have also experienced such missionaries visiting us many times. I discussed in length with them and made them take their words to impose their beliefs.

Leave a Reply