ધર્મ અને નવા પોપ

ઈસાઈ ધર્મપ્રચારનું સંકટ એબ્રાહામિક ધર્મો

વેટિકનને જે સત્તા છે એ જોતા નવા પોપની પસંદગી માત્ર ખ્રિસ્તી જ નહીં પણ દરેક ધર્મના લોકોને અસર કરી શકે. જ્યારે પણ અમેરિકા, ચીન, રશિયા કે બીજા કોઈ મોટા દેશમાં કેન્દ્ર સરકારમાં સત્તાપલટો થતો હોય છે ત્યારે બધાં દેશોમાં એ વિશે ચર્ચા-વિચારણા થાય છે કારણ કે એની અસર વિશ્વમાં સૌને થતી હોય છે.

કમનસીબે પોપની બાબતમાં આ ચર્ચા માત્ર કેથોલિક ચર્ચ પૂરતી આંતરિક બાબત તરીકે (ગણાવીને) સીમિત રહી જાય છે. હું એવો દાવો કરું છું કે નવા પોપની પસંદગી એ એક ઐતિહાસિક તક છે જે વિશ્વમાં અર્થપૂર્ણ માત્રામાં હકારાત્મક બદલાવ લાવવાની શક્યતા ઊભી કરે છે. આ સંવાદમાં આપણે સૌ, બિન-ખ્રિસ્તીઓ સહિત, ભાગીદાર છીએ.

ખાસ કરીને, જો નવા પોપ ચર્ચના અન્ય ધર્મોને નિરખવાના નીતિનિયમોની પુન:સમીક્ષા કરે અને એને ચર્ચના માળખામાં અને આચરણમાં જો સ્થાપિત કરે તો એક નવો જ ચીલો ચાતર્યો ગણાશે.

હજી સુધી વેટિકનની બિન-ખ્રિસ્તીઓ પ્રત્યેની સૌથી ઉદાર સ્થિતિ “લ્યુમેન જેન્ટીઅમ”, બીજી વેટિકન કાઉન્સિલ (૧૯૬૨-૧૯૬૫)ના ફળસ્વરૂપે સ્થાપિત સૈદ્ધાંતિક નિવેદનમાં જોવા મળે છે. આ નિવેદન, જે હવે ચર્ચના અધિકૃત શિક્ષણના હિસ્સારૂપે છે તે, પરાણે અને ખચકાટ સહિત અન્ય ધર્મો પ્રત્યેની એમની વિભાવનામાં થોડી સવલત આપે છે. તેના કથન મુજબ “ઈશ્વર એ તારણહાર છે અને તે સૌને બચાવવા ઈચ્છે છે” અને ત્યાર બાદ નીચે પ્રમાણે એક ઉપકારક દ્રષ્ટિપાત કરતું આ વિધાન ઉમેરે છે, “જેઓ એમના કોઈ પણ વાંક વિના ઈશુના ગોસ્પેલથી અથવા એમની ચર્ચથી વાકેફ નથી અને છતાં નિષ્ઠાથી, ઈશ્વરના અનુગ્રહથી અને પોતાના આત્માના અવાજથી પ્રાપ્ત સમજ થકી આચરાયેલા કર્મો દ્વારા ઈશ્વરની ઈચ્છા પુરી કરવા અને ઈશ્વરને શોધવા પ્રયત્નશીલ છે તેમને પણ મોક્ષ મળી શકે છે”.

આ વિધાનથી આંતર-ધાર્મિક સંવાદમાં કોઈ જ સુધારો નીચેના આ ત્રણ કારણોને લીધે થયો નથી. સૌ પ્રથમ, લ્યુમેન જેન્ટીઅમ ગેર-એબ્રાહમિક ધર્મોને, જેમ કે હિન્દુ ધર્મ, સમકક્ષ તરીકે માનને લાયક ગણતું નથી, તે માત્ર એટલું જ સ્વીકારે છે કે પ્રત્યેક વ્યક્તિને આત્મા છે. તદુપરાંત, ખ્રિસ્તી ધર્મની એ માન્યતાને વળગી રહે છે કે દરેક વ્યક્તિને મોક્ષની આવશ્યકતા તો છે જ.

બીજું, કાર્ડિનલ રેટઝીંગરે (જે પાછળથી પોપ બેનેડિક્ટ બન્યા) જ્યારે સુધારેલી આવૃત્તિનું નિવેદન “ડૉમિનસ જિસસ” પ્રસ્તુત કર્યું ત્યારે આ બીજી વેટિકન કાઉન્સિલના નિવેદનની ખાસ્સી પીછેહઠ થઈ. આ નિવેદને ચોખવટ કરી કે “અન્ય ધર્મોનું સત્ય” ખ્રિસ્તી (કેથોલિક) ધર્મની સરખામણીમાં સીમિત છે અને કોઈનું પણ સત્ય ખ્રિસ્તી ધર્મના સ્તરનું નથી. આમ આ વાસ્તવિક બહુમતવાદનો અનાદર એ દર્શાવે છે કે અન્ય ધર્મો વ્યક્તિનો અમુક હદ સુધી જ ઉદ્ધાર કરી શકે જ્યારે માત્ર ખ્રિસ્તી ધર્મ જ પૂર્ણ સત્ય દાખવી શકે અને જ્યારે મતભેદ થાય ત્યારે માત્ર ખ્રિસ્તી ધર્મનો બોધ જ આખરી ગણાય. આ સ્થિતિ ઘણા ખ્રિસ્તીઓને ઢોલ બેઉ બાજુથી વગાડવાની છૂટ આપે છે.
એનો અર્થ એ નીકળે છે કે માનવીય પ્રશ્નના (દા. ત. “પાપ”) પ્રકારને અને આ પ્રશ્નના નિરાકરણના પ્રકારને (જિસસ થકી “મોક્ષ”) ખ્રિસ્તી ધર્મ કઈ રીતે સમજે છે, તેની ઉપર અન્ય ધર્મોની કાયદેસરતાનો આધાર છે. (વધુ વિસ્તૃત માહિતી માટે મારો આ પહેલાનો લેખ “સહિષ્ણુતા માત્ર પૂરતી નથી” જુઓ).

અને ત્રીજું, ચર્ચનું એવું કોઈ ફરમાન કે માળખું નથી જે અભિગમમાં થયેલા આવા ધરખમ ફેરફારને સ્વીકારે.
ઉપરાંત, આ બદલાવને લીધે આક્રમક અને છળકપટથી ધર્મપરિવર્તન માટે વપરાતા માર્ગોને વખોડવું આવશ્યક બનશે જે મુજબ તેઓ અન્ય ધર્મોના લોકોને કહેતા હોય છે કે તેઓ જો ખ્રિસ્તી નહીં હોય તો નરકમાં જશે. (ઘણા ખ્રિસ્તીઓનું માનવું છે કે, આજે પણ, સો કરોડથી પણ વધું હિંદુઓ અને બૌદ્ધોને -અને હા, ગાંધીજી, ગૌતમ બુદ્ધ, અને બધાં જ સંતો, સાધુઓ, માબાપો, પૂર્વજો, અને બાળકો એમ સૌને- ખોટો ધર્મ પાળવાને કારણે-ચિરંતર નરકવાસ ભોગવવો પડશે). આ નવા પોપે આવા અન્ય ધર્મો વિશે તદ્દન સ્વચ્છન્દી અભિપ્રાય કોઈ પણ ધાર્મિક સંસ્થા દ્વારા વ્યક્ત કરવાના આ પ્રકારના હક્ક અને તેમની યોગ્યતાનો અસ્વીકાર કરવો જોઈએ.

હું જે આટલો બધો ધરખમ ફેરફાર ઈચ્છુ છું તે વારંવાર મારું આટલા વર્ષોથી ચાલી રહેલું કાર્ય માંગી રહ્યું છે એની સાથે સુસંગત છે. એબ્રાહમિક ધર્મોની જે “ઈતિહાસ- કેન્દ્રીયતા”ની માન્યતા છે જે એમને એવો દાવો કરવા પ્રેરે છે કે માત્ર મધ્ય પૂર્વમાં થયેલા પયગંબરો કે મસીહાઓ જ માનવીય દુર્દશાનું નિરાકરણ કરવા સક્ષમ છે. અન્ય બધાં જ ઉપદેશો અને આચરણો આ ખાસ વિશિષ્ટ ઈતિહાસ સાથે સુમેળ સાધે એ આવશ્યક છે. એની સામે ધર્મિક પરંપરા-હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ ધર્મો- આટલી અબાધિત રીતે અને એકમાત્ર એક ચોક્કસ ઈતિહાસ-આધારિત બીના ઉપર અવલંબિત બિલકુલ નથી. આ ધર્મિક લવચીક્તા (બાંધછોડ) પાયાથી બહુમતવાદને શક્ય બનાવે છે જે “ઈતિહાસ-કેન્દ્રીય” વિભાવનાઓમાં પાંગરવું શક્ય નથી, ખાસ કરીને જે હજી સુધી સમજાયું છે એ ઉપરથી તો એવું જ જણાય છે. (વધું વિસ્તૃત સ્પષ્ટીકરણ અને એબ્રાહમિક ધર્મની “ઈતિહાસ-કેન્દ્રીયતા” અને “ધર્મિક અભિગમ” વચ્ચે સરખામણી માટે મારું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ” જુઓ).

હું એ જરૂર સ્વીકારું છું કે (ઈશુ ખ્રિસ્તને થયેલા) સાક્ષાત્કારની ઐતિહાસિક ગાથા એબ્રાહમિક ધર્મોની કેન્દ્રીય વિભાવના છે અને તેમ છતાં હું એટલું પણ દર્શાવવા માંગું છું કે એને કારણે અન્ય ધર્મોની સાથે સાથે એબ્રાહમિક પરંપરામાં યે પ્રશ્નો ઊભા થાય છે. તેઓના પરસ્પર એકબીજાનો છેદ ઉડાડતા દાવાઓ વચ્ચે સમાધાન સાધવું શક્ય બનતું નથી જ્યાં સુધી તેઓ તેમના મધ્ય-પૂર્વના ભૂતકાળની બીનાને “જળ (લીચ)”ની જેમ એવો આગ્રહ રાખીને વળગી રહેશે કે એ ઈતિહાસ તેમના ધાર્મિક સત્યનો અબાધિત નિશ્ચયાત્મક પાયો છે.

આ એક ખુબ જ ગંભીર અને જટિલ સંવાદ છે જેની શરૂઆત કરવાની તાતી આવશ્યક્તા છે જેથી એક નવા સ્તરનો આંતર-ધર્મિક સુમેળ સાધી શકાય જે ચડસાચડસીથી અને નકામી વાતોથી પર હોઈ શકે. નવા પોપ આવા સંવાદની શરૂઆત કરી શકે. હું ઈચ્છુ છું કે કેથોલિક ચર્ચ ભૂતકાળમાં પાછા જઈને “વેટિકન-૨”ની બાબત છેડીને “ડૉમિનસ જિસસ”નું ગાણું ગાવાને બદલે એમની નવી વિભાવના “વેટિકન-૩” તરીકે પ્રસ્તુત કરે.
આગામી પોપ કોર્પોરેટ ક્ષેત્રના ઉચ્ચ અને ખુબ સફળ વહીવટકર્તાની જેમ કાયાપલટ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ જે ન માત્ર ઊંડા વહીવટી સુધારા લાવી શકે પણ ગહન વિચારક પણ હોવા જોઈએ-એવા કે જે થિયોલોજિકલ દ્રષ્ટિ ધરાવતા હોય, જેમને અન્ય ધર્મોની ઊંડી કદર હોય અને ચર્ચનું લાંબા સમયથી જે વલણ રહ્યું છે તે વિષે પુન:સમીક્ષા કરવાની હિમ્મત હોય.

મારી દ્રષ્ટિએ જે રીતે પ્રસાર માધ્યમો આજે પ્રોત્સાહિત કરે છે એ રીતે કોઈ ચોક્કસ વંશવાદ કે જાતિવાદના આધાર ઉપર પોપ પસંદ નહીં થવા જોઈએ. એક ભારતીય તરીકે હું “બ્રાઉન” ગણાઉં છું પણ નવા પોપ ચામડીથી બ્લેક, બ્રાઉન, વાઈટ, રેડ, કે યલો ગમે તે હોય તે વિશે કોઈ જ ફરક ના પડવો જોઈએ. જે મહત્ત્વનું છે તે એ કે એમણે ચર્ચમાં રહેલી ગંદકીની સાફસફાઈ ચાલુ કરી દેવી જોઈએ, જેમ કે યૌન શોષણના ગુનેગારોને અને ચર્ચના ભ્રષ્ટ સભ્યોને સજા કરવી જોઈએ અને વંશવાદની ભિન્નતાને બદલે ધર્મો વચ્ચેની ભિન્નતાના પરિપ્રેક્ષ્ય વિશે વિચારવું જોઈએ.

હું ચોક્કસપણે પીડિતોના સમુદાયો, ચિંતિત નાગરિકો અને કાયદાકીય ક્ષેત્રના લોકો દ્વારા ચર્ચના કુખ્યાત અપારદર્શક વહીવટ સામે જે તાજેતરમાં અવાજ ઉઠાવાઈ રહ્યો છે તેની તરફેણ કરું છું. એ બહુ સરાહનીય છે કે એવા લોકો જેમને ઈશ્વર સાથે સામાન્ય વ્યક્તિનો સેતુ સાધી દેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે એવા લોકોની છેવટે સામાન્ય સમાજ દ્વારા ઝાટકણી થઈ રહી છે જેથી તેઓ પોતાની ગરિમા પુન:પ્રાપ્ત કરી શકે અને સ્થિતિના મૂળમાં જઈ શકે. પણ હું નિરાશ થયો છું કે આ માંગણીઓ અત્યારે માત્ર આંતરિક અને વહીવટી બદલાવ ઉપર જ કેન્દ્રિત થયેલી છે.

જો વેટિકન પોતાનો ધર્મ અન્ય ધર્મો સામે એક માત્ર વિશિષ્ટ ધર્મ છે એ દાવો ત્યજી દે અને “નાયસીન ક્રીડ”ની પુન:સમીક્ષા કરે તો અન્ય ખ્રિસ્તી પંથો વેટિકનને અનુસરવા પ્રેરાશે. આખરે વેટિકન એ વિશ્વની સૌથી મોટી ધાર્મિક કોર્પોરેટ સંસ્થા છે. એક નવા જ વિશ્વની પરિકલ્પના સાથે ચર્ચનો સંકુચિત લાભ છોડીને જો પૂર્ણ નિષ્ઠાથી પોપ સર્વ ધર્મો વચ્ચે નવા સમીકરણ રચવા માટે નેતૃત્વ લેશે તો અન્ય ધર્મો અને પંથો ઉપર નૈતિક દબાણ ઘણું આવશે. અને જો એક વખત ખ્રિસ્તી ધર્મ ખરેખરો બહુમતવાદ સ્વીકારતો થશે તો ઈસ્લામ અને અન્ય “વિશિષ્ટવાદ”વાળા ધર્મો ઉપર પણ બદલાવ માટેનું દબાણ આવશે. આ રીતે કેથોલિક ચર્ચના નેતા નવા વિશ્વની રચનામાં મહત્ત્વનું પાત્ર ભજવી શકે.

વાસ્તવવાદી હોવાને કારણે હું ગોર્બાચેવ જેવા નવા પોપની આશા નથી રાખતો જે વેટિકનને એ રીતે પડકારે જે રીતે ગોર્બાચેવે સોવિયેટ સામ્રાજ્યને ધરમૂળથી બદલવા માટે પડકાર્યું હતું. પરંતુ આ એક ઐતિહાસિક તક આપણે ખોવી ના જોઈએ. વાર્તાલાપ ચાલુ થવો જોઈએ. જો કોઈ એમ પ્રશ્ન કરે કે કેથોલિક ચર્ચની બહારની વ્યક્તિ તરીકે મને આ મુદ્દો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી તો મારે માત્ર એટલું જ કહેવું છે કે એક વૈશ્વિક નાગરિક તરીકે આ વાર્તાલાપની ફળશ્રુતિમાં હું પણ ભાગીદાર છું. હું નથી ધારતો કે મારા જેવાના અભિપ્રાયનો અનાદર કરશે તો વેટિકન એટલા જ સંમાન અને કાયદેસરતાથી કાર્યશીલ રહી શકશે.

પ્રકાશિત: ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩
લેખક: રાજીવ મલ્હોત્રા
અનુવાદક: ઉદિત શાહ
સમીક્ષાઃ અલકેશ પટેલ
Dharma And New Pope

Featured Image Credit -> https://www.flickr.com/photos/ckgolfsolutions/)

Leave a Reply