“ભારતીય અસાધારણવાદનો વિચાર” – ભારત આંતરરાષ્ટ્રીય પરિષદનો વિચાર

ભારતીય મહાગાથા વ્યાખ્યાન

આ પ્રવચનમાં હું “ભારતીય અસાધારણવાદ”, તેનો અર્થ તથા વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર તેની અસરો વિશે ચર્ચા કરીશ. અમેરિકામાં રહેઠાણના મારા અનુભવને આધારે મારે એ ચર્ચા કરવી છે કે “અમેરિકન અસાધારણવાદ” અંગેની સમજણ અન્ય દેશોની પ્રજામાં પણ એવી જ અસાધારણવાદના કથાનકની શોધ તરફ મને કેવી રીતે દોરી ગઈ. તાર્કિક રીતે એ સમગ્ર પ્રયાસ “ભારતીય અસાધારણવાદ”ની વ્યાખ્યાની શોધ તરફ દોરી ગયો.

અમેરિકન અસાધારણવાદ

અમેરિકન અસાધારણવાદ અર્થાત અમેરિકન નાગરિકોની પોતે અસાધારણ અને શ્રેષ્ઠ છે તેવી સામૂહિક સભાનતાની એક વિશિષ્ઠ સ્થિતિ. અસાધારણપણાની આ લાગણી રમતગમતથી લઈને વિજ્ઞાન સુધીની દરેક બાબત સુધી વિસ્તરેલી છે. લોકોમાં આ લાગણી તેમના બાળપણથી જ સંવર્ધિત કરવામાં આવે છે. આનો અર્થ એ નથી કે અમુક અમુક જગ્યાએ જૂજ લોકો અસાધારણ છે પરંતુ તેનો અર્થ એ છે કે તેમની “વ્યવસ્થા” (સિસ્ટમ) જ એ પ્રકારની છે જેથી લોકો અસાધારણ બની જાય છે.

ભારતમાં આપણે ઘણીવાર સાવ જૂજ અપવાદરૂપ વ્યક્તિઓના વખાણ કરતા હોઈએ છીએ. પરંતુ અમેરિકન અસાધારણવાદ એ અમેરિકન “વ્યવસ્થા” અંગેનો દાવો છે, આ કિસ્સામાં “વ્યવસ્થા”ને સંસ્કૃતિની સમકક્ષ ગણવામાં આવે છે અને તેથી આ એક સાંસ્કૃતિક દાવો છે કે અમેરિકન સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. યુ.એસ.એ.માં ડાબેરી અને જમણેરી બંને પ્રકારની વિચારધારાના લોકો અમેરિકન અસાધારણવાદ બાબતે સંમત છે. હા, એ ખરું કે બંને વિચારધારાના લોકો અલગ અલગ કારણોસર આ અંગે સંમત છે. ખ્રિસ્તી જમણેરી વિચારધારા ધરાવતા લોકોનો આ અસાધારણવાદ અંગેનો દાવો બાઈબલ આધારિત છે, અર્થાત એવું વર્ણન જેમાં તેઓ પસંદગીના લોકો છે અને અમેરિકા ચોક્કસ પસંદગીની ભૂમિ છે.

જીસસ ક્રાઈસ્ટનું એક વિખ્યાત વિધાન છે જેમાં “ટેકરીની ઉપર શહેર” (સિટી અપોન અ હિલ)ની વાત કરવામાં આવી છે. આ એવું આદર્શ શહેર છે જે આખી દુનિયા માટે ઝળહળે છે (બરાબર આવો જ અભિપ્રાય અનેક ભારતીયો ધરાવે છે કે ભારત અન્ય સંસ્કૃતિઓ માટે પ્રકાશપુંજ છે). યુરોપિયન નાગરિકો અમેરિકા આવ્યા ત્યારે તેમણે જમીન પર ઠેરઠેર લાઈટ જોઈ અને તેથી તેમને લાગ્યું કે તેઓ “ટેકરી પરના શહેર” માં પહોંચી ગયા છે. તેમને લાગ્યું કે બાઈબલમાં જે સ્થળનું વચન આપવામાં આવ્યું છે તે આ જ છે. આથી, જમણેરી વિચારધારા ધરાવતા લોકો માટે અમેરિકન અસાધારણવાદનો આધાર “ટેકરી પરનું શહેર” છે, જે ઈડન ગાર્ડન જેવું લીલુંછમ છે.. વગેરે વગેરે, આ વિચારધારા બાઈબલમાં આવતાં વર્ણન આધારિત છે.

જોકે, ડાબેરીઓ અમેરિકન અસાધારણવાદના દાવા માટે બાઈબલનાં રૂપકોનો ઉપયોગ નથી કરતા. તેમના આ અસાધારણવાદના વિચારનો આધાર વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વતંત્રતા, મૂલ્યો વગેરે બાબતોમાં અમેરિકાની સર્વોપરિતા ઉપર છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે ડાબેરી અને જમણેરી વિચારધારાઓના વૈચારિક તફાવત છતાં અમેરિકન અસાધારણવાદનો દાવો તો સમાન છે.

ભારતમાં, અનેક પ્રકારના ભારતીયો છે, તેઓ પરસ્પર અસંમત છે, લડે છે અને સામાન્ય રીતે દરેક મુદ્દા પર તેમના પોતાના વિચારો છે. પરંતુ શું તેમનામાં ભારતીય અસાધારણવાદની કોઈ સમજ છે? તેની વ્યાખ્યા કરવાની, ચર્ચા કરવાની કદાચ જરૂર છે. અમેરિકામાં છે એ રીતે અહીં પણ રાજકીય તફાવતો છતાં લોકો આ બાબતમાં વિશ્વાસ કરે એ જરૂરી છે કેમકે આ એક એવો મુદ્દો છે જે આખા દેશના લોકોને એક કરી શકે. પ્રત્યેક વિદ્યાર્થીને એ શીખવવાની જરૂર છે, પ્રત્યેક વેપારીએ એ જાણવાની જરૂર છે, પ્રત્યેક રાજદ્વારીએ તે રજૂ કરવાની જરૂર છે અને પ્રત્યેક રાજકારણીએ તેના વિશે વાત કરવાની જરૂર છે. અમેરિકન અસાધારણવાદનો પ્રચાર પરેડ, મોટાં સંગ્રહાલય, અમેરિકન ધ્વજ ઉપરાંત અન્ય વિવિધ પ્રતીકો દ્વારા થાય છે. અમેરિકન ધ્વજને ઈશ્વરને સમકક્ષ દરજ્જો આપવામાં આવતો હોય એવું પણ જોયું છે જેમાં તેને વાળવાની, લઈ જવાની વગેરે પ્રક્રિયામાં એક નિશ્ચિત પરંપરા અનુસરવામાં આવે છે.

એવું જ રાષ્ટ્રગીતની બાબતમાં છે. કમનસીબે ભારતમાં ઘણીવાર આવાં પ્રતીકોનું માન નથી જળવાતું અને તેને અધિકાર તરીકે સ્વીકારી લેવામાં આવે છે, પરંતુ અમેરિકામાં હંમેશાં તેના પ્રત્યે સન્માન રાખવામાં આવે છે અને તે પણ એક ફરજના ભાગ તરીકે. અમેરિકન અસાધારણવાદના એવા ઘણાં પાસાં છે જે વર્તમાન સમયના સરેરાશ ભારતીયોને વિચિત્ર-અવાસ્તવિક લાગે. જેમ કે શસ્ત્રો સાથે રાખવાનું ગૌરવ. અમેરિકન બંધારણે આ બાબતની ખાતરી આપેલી છે કેમકે અમેરિકાના સ્થાપકોને બંદૂક સાથે રાખવાની જરૂર હતી. બીજી આવી ઘણી બાબતો મહાનતાની માન્યતાનો ભાગ બની ગઈ છે અને તેનું રાષ્ટ્રની ઓળખ અને સંસ્કૃતિ તરીકે જતન કરવામાં આવે છે. તેમાના ઘણાં પાસાં તાર્કિક હોય એ જરૂરી નથી, પણ એ સામૂહિક માન્યતાનો ભાગ છે.

અન્ય દેશો અને સંસ્કૃતિમાં અસાધારણવાદ

અસાધારણવાદની આવી સ્થિતિ અન્ય સંસ્કૃતિ / દેશોમાં પણ જોવા મળે છે. જાપાન, કોરિયા, ચીન તથા અન્ય કેટલાક દેશોમાં આ સામૂહિક માન્યતા પ્રવર્તે છે અને પોતપોતાની માન્યતાઓનો પ્રચાર કરતા રહે છે. ચીન તેનો પ્રચાર ચાઈના ઈન્સ્ટિટ્યૂટ મારફત કરે છે. આ ઈન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં ૧૦૦ શાખા છે. તેઓ એવો પ્રચાર કરે છે કે તેઓ આધુનિકરણ કરે છે, પણ પશ્ચિમીકરણ નથી કરતા. તેમનું કહેવું છે કે તેમના આધુનિકરણનો આધાર તેમના પ્રાચીન વિચારક કન્ફ્યુસિયસ છે. બીજા શબ્દોમાં, તેમની આધુનિક્તા કન્ફ્યુસિયન આધુનિક્તા છે.

અસાધારણવાદની થીયરીને આવા ચશ્મા દ્વારા અમેરિકનો, જાપાનીઝ, કોરિયન અને ચાઈનિઝ પોતાની તેમજ બાકીની દુનિયાની સમીક્ષા કરે છે. અમેરિકનો ભારત અંગે અભ્યાસ કરે ત્યારે એ અમેરિકન અસાધારણવાદના માપદંડથી જૂએ છે. આવા તમામ અભ્યાસ અત્યંત વ્યાપક અને વિશાળ સ્તરના હોય છે અને તેને “સાઉથ એશિયન સ્ટડિઝ” શીર્ષક હેઠળ જૂથમાં મૂકી દેવામાં આવે છે. “સાઉથ એશિયન સ્ટડિઝ” એ અમેરિકન શબ્દ છે જેને યુરોપમાં ઈન્ડોલોજી તરીકે ઓળખવામાં આવે છે.

અસાધારણવાદના “ચશ્મા”

ફોર્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ, ચર્ચ વગેરે ભારત વિશે સતત અભ્યાસ કર્યા કરે છે. તેઓ ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) ઉપરાંત “થિંક ટેંક” નામે સંગઠનોને નાણાકીય સહાય આપે છે. અમેરિકાની આવી અસંખ્ય થિંક ટેંક ભારતમાં સક્રિય છે. તેમણે ભારતમાં અનેક સ્થળે શાખાઓ ખોલી છે અને પોતાના ચશ્મા-પોતાની વિચારધારા અનુસાર ભારતનો અભ્યાસ કરે છે. સતત આપણા ઉપર કેન્દ્રિત રહેલા આ દૃષ્ટિબિંદુને ઊલટાવવો હોય અને ચીન, અમેરિકા કે અન્ય કોઈ દેશ અંગે આપણો પૂર્વપક્ષ રજૂ કરવો હોય તો આપણે આપણા ચશ્મા-આપણા દૃષ્ટિકોણને સમજવો પડશે, આપણે એ જાણવું પડશે કે આપણે કેવા તર્કનો આધાર લઈશું, માત્ર એના આધાર ઉપર જ આપણે પૂર્વપક્ષ કરી શકીશું.

જે રીતે અમેરિકન અસાધારણવાદ માટે તેમના માપદંડ અસર કરે છે એ જ રીતે આ તાત્વિક દલીલો આપણા પોતાના માપદંડ તરીકે કામગીરી કરશે. પ્રાચીન કાળમાં ભારતીય વિચારધારા રામાયણ આધારિત હતી. અનેક ગામોમાં રામલીલા ભજવાતી અને તેમાં લોકો ભાગ લેતા, સંગઠિત થતા, એટલું જ નહીં પરંતુ રામાયણ અંગેના પોતાના વ્યક્તિગત વિચારો ઘડતા. રામાયણની વાર્તામાં વ્યક્તિગત સામેલગીરી અને હિત જોવા મળતા કેમકે એ સમગ્રતયા સામુદાયિક પ્રસંગ હતો. ટેલિવિઝનનો વિસ્તાર થયા પછી સામુદાયિક પ્રસંગોમાં વ્યક્તિગત સામેલગીરી ઘટવા લાગી અને બીજા લોકો દ્વારા એ પાત્રોની ભજવણી થતી જોવા ટીવી સામે બેસીને જોવાનું સામાન્ય થઈ ગયું. પરિણામે રામાયણ સાથેના લગાવમાં ઘટાડો થયો.

ઓળખ અંગેના પ્રશ્નો વિદ્વાનોને પણ મુંઝવે છે

એવું લાગે છે કે ભારતીય ઓળખ અંગે વિદ્વાનો પણ સ્પષ્ટ નથી અથવા તે વિશે મૌન રહેવાનું પસંદ કરે છે. આ મુદ્દો વિસ્તારથી સમજાવું. હું છેલ્લા ૪૫ વર્ષથી નિયમિત રીતે ભારતની મુલાકાત લઉં છું. આવી એક મુલાકાત દરમિયાન હું આશિષ નંદીને મળ્યો અને તેમને તેમની ઓળખ વિશે પૂછ્યું. આશિષે જવાબ આપ્યો કે પોતે સૌથી પહેલા બંગાળી છે, પછી ખ્રિસ્તી અને પછી એક વિદ્વાન છે. હવે જૂઓ તેમણે પોતાની ઓળખના ભાગ તરીકે ભારતનો ક્યાંય ઉલ્લેખ પણ ન કર્યો. આ અંગે વધુ પૂછપરછ કરી તો તેમણે કહ્યું, આક્રમક રાષ્ટ્રવાદીઓ દ્વારા ભારતીય ઓળખને લોકો ઉપર લાદવામાં આવે છે. આ પછી મેં તેમને પૂછ્યું કે જેમ અમેરિકન અને ચાઈનિઝ અસાધારણવાદ છે એ રીતે ભારતની કઈ વિચારધારાને મૂકી શકાય તથા એક દેશ તરીકે ભારતે શા માટે સંગઠિત રહેવું જોઈએ તથા આટલા બધા વૈવિધ્ય છતાં શા માટે બધા સંગઠિત રહ્યા છે. તેમણે પ્રામાણિક્તાથી એ વાતનો એકરાર કર્યો હતો કે આ પ્રશ્નનો જવાબ પોતે જાણતા નથી.

અગાઉની સરકારમાં નેશનલ ઈન્ટિગ્રેશન કાઉન્સિલ (રાષ્ટ્રીય એકતા પરિષદ)ના વડા રહેલા જ્હોન દયાલ જેવા બીજા કેટલાક લોકોના અભિપ્રાય આ દેશની એકતા માટે સહાયક નથી.

આઈએફએસ તાલિમાર્થીઓ પણ “બ્રાન્ડ ઈન્ડિયા”થી અજાણ

આ બાબત આપણને એ સવાલ કરવા પ્રેરે છે કેઃ “બ્રાન્ડ ઈન્ડિયા” એટલે ખરેખર શું? આ મુદ્દો એક ઉદાહરણ આપી સમજાવીશ. થોડા સમય પહેલાં વિદેશ મંત્રાલય હેઠળ આવતા વિદેશ સેવા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વક્તવ્ય માટે મને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજદ્વારી સેવાના એ યુવા વિદ્યાર્થીઓને મેં કહ્યું હતું કે ભારત એક બ્રાન્ડ છે અને તેમણે તેનું પ્રતિનિધિત્વ કરવાનું છે. “ભારતીય” એ એક વ્યાપક વિચારધારા છે, તેની એક વિશિષ્ઠતા છે વગેરે વગેરે. મેં તેમને એ અંગે પણ માહિતી આપી કે ઘણા લાંબા સમય સુધી આપણે ગણિત, વિજ્ઞાન, તત્વજ્ઞાન, યોગ સહિત અન્ય મહત્ત્વની બાબતોની નિકાસ કરતા રહ્યા છીએ. મારાં વક્તવ્ય પછી સવાલ-જવાબનું સત્ર હતું જેમાં શ્રોતાઓ લગભગ બે જૂથમાં વિભાજિત થઈ ગયા. પ્રથમ અડધા હિસ્સામાં જે લોકો હતા તેઓ વ્યાપક ભારતીય વિચારધારા અંગે ગૌરવ કરતા હતા. તેમણે મને કહ્યું કે અગાઉ સ્કૂલમાં કે પછી વિદેશ સેવા સંસ્થામાં તેમને કદી આ બાબત શીખવવામાં આવી નહોતી અને તેઓ આ વિશે જાણવા માગે છે.

બાકીના અડધા લોકો ગુસ્સે થયા હતા. તેમાંથી ઈશાન ભારતના એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને આ વિચારધારામાં વિશ્વાસ નથી. અન્ય એકે કહ્યું કે પોતે દલિત સમુદાયનો છે અને જીવનભર તેનું દમન થયું છે.

આ ચિંતાજનક બાબત છે કેમકે આ એ લોકો છે જેઓ વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે.
તેઓ બ્રાન્ડ મેનેજર, બ્રાન્ડ એમ્બેસેડર થવાના છે છતાં તેઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે ભારતમાં તેમને વિશ્વાસ નથી. કોઈ એક માર્કેટિંગ કંપનીના વાઈસ-પ્રેસિડેન્ટને તેમની પોતાની બ્રાન્ડમાં વિશ્વાસ ન હોય એવી જ અતાર્કિક આ બાબત છે. આ અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા ઘણી વિચિત્ર કહેવાય કેમકે તેમાં રાષ્ટ્રપ્રેમ અથવા ભારતીય ઈતિહાસ પ્રત્યે કોઈ માન જ નથી. આ પ્રક્રિયા તો જાણે કેટલીક પરીક્ષા પાસ કરીને અહીં સુધી પહોંચી જવા જેવી છે. આ ઉમેદવારોની વિચારધારાને આધારે પસંદગી થાય એ અત્યંત મહત્ત્વનું છે અને અત્યાર સુધી આવું કેમ નથી થયું એ મુંઝવણભર્યો મુદ્દો છે.

વિચારધારા વિરોધી હોય એવા લોકોને ઓળખીને દૂર કરી દેવાની જરૂર છે
ભારતીય વિચારધારાને સમજતાં પહેલાં આજકાલ જે તેના વિરોધી વિચારધારા પ્રચલિત થયેલી છે તેને નાબૂદ કરી દેવી પડે. વિચારધારા વિરોધીઓને ઓળખી લેવાની અને તેમને નાબૂદ કરી દેવાની પણ જરૂર છે. વ્યક્તિ જો ફૂલનો છોડ રોપવા માગતી હોય તો નકામું ઘાસ, જીવાત વગેરે દૂર કરી દેવું આવશ્યક છે. આ ચીજો અવરોધક-વિધ્વંસક છે. (અને) ઉપયોગી તથા ફૂલનાં છોડ રોપવાની પ્રવૃત્તિ રચનાત્મક છે. આપણા માટે રચનાત્મક અને અવરોધક એમ બંનેના સંકલનની આવશ્યક્તા છે. માત્ર હકારાત્મક બાબતોની વાત કરવી એ પૂરતું નથી. નકારાત્મક વિચારધારાને દૂર કરવા માટે અવરોધક દરમિયાનગીરી કરવામાં નહીં આવે તો હકારાત્મક્તા નષ્ટ થઈ જશે.

ભારતમાં બૌદ્ધિક વર્તુળોમાં ડાબેરીઓની પકડ છે. મેં સમીક્ષા કરીને પશ્ચિમી વિચારધારાનો પૂર્વપક્ષ તૈયાર કર્યો છે. મેં ડાબેરી વિચારધારાની પણ સમીક્ષા કરી છે. તે ઉપરાંત “બ્રેકિંગ ઈન્ડિયા” પુસ્તકમાં મેં “ભારતને તોડનારાં” પરિબળોની પણ સમીક્ષા કરી છે. તેમાં એ દર્શાવ્યું છે કે આ પરિબળો વિદેશી હાનિકારક તત્વો, ધાર્મિક બહુરાષ્ટ્રીય સંગઠનો, ફાઉન્ડેશનો, થિંક ટેંક (વૈચારિક સંગઠનો) વગેરે સાથે કેવી સાંઠગાંઠ ધરાવે છે. અનેક ભારતીઓએ આવાં તત્વો સાથે હાથ મિલાવેલા છે અને તેથી તેઓ તેમના પ્યાદાંની જેમ કામગીરી કરે છે. આ પ્યાદાં નાણાં માટે કામ કરે છે. તેમાંના કેટલાક ફાઉન્ડેશનો જેવી વિચારધારા પણ ધરાવે છે. પરંતુ ભારતને તોડવા માટેના તેમના હેતુમાં તેઓ એક થઈ ગયેલા છે.

અમેરિકામાં વાર્તાલાપ દરમિયાન હું જ્યારે કહું કે હું ભારતનું પ્રતિનિધિત્વ કરું છું, અથવા કોઈ ચોક્કસ વિચાર ભારતીય નથી એવો હું દાવો કરું ત્યારે લોકો મને એવા સવાલો દ્વારા પડકારે છે કેઃ કોનું ભારત? શું એ દલિતોનું ભારત, મુસ્લિમોનું ભારત કે બ્રાહ્મણોનું ભારત કે પછી એ ભારત જ્યાં મહિલાઓની હત્યા થાય છે? ભારતને વિભાજીત કરવાના અને વેરવિખેર કરી નાખવાના તેમના ધ્યેયમાં તેઓ સ્પષ્ટ છે. ભારત એક વિચાર છે એ વાત તેઓ નહીં સ્વીકારે. એ લોકો આ માટે “ગૌણ-રાષ્ટ્રવાદ” શબ્દપ્રયોગ કરે છે. ગૌણ-રાષ્ટ્રવાદ અર્થાત્ વ્યાપક રાષ્ટ્ર અથવા રાષ્ટ્રીય ઓળખનો અભાવ અને તેના સ્થાને અનેક નાનાં નાનાં રાષ્ટ્ર અને વંશીય ઓળખ. એ લોકો તેમના ઉપર એક વિચારધારા લાદવાનો અમે ખોટો પ્રયાસ કરીએ છીએ એવો દાવો પણ કરે છે.

ભારતીય ઈતિહાસની ખોટી રજૂઆત

ઘાતકી વિદેશી આક્રમણના ઈતિહાસને વાજબી ઠેરવવા માટે તદ્દન ઉપજાવી કાઢેલી વાતોનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતે એવો દાવો કરવામાં આવે છે કે આ આક્રમણકારો ભારત આવ્યા હતા કેમકે ભારતમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું અને કચડાયેલા લોકોને મુક્ત કરાવવા માટે આક્રમણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં એવા ઘણા દમનની વાતો કરવામાં આવે છે – જેમ કે, આર્યો દ્વારા દ્રવિડિયનોનું દમન, બ્રાહ્મણો દ્વારા દલિતોનું દમન, હિન્દુઓ દ્વારા મુસ્લિમોનું દમન વગેરે. અલગતાવાદ સૌપ્રથમ વૈચારિક છે અને પછી તે વાસ્તવિક બને છે. વૈચારિક અલગતાવાદને ફેલાવવા માટે એ લોકો જે વૈચારિક તંત્ર ઊભું કરવા માંગે છે તે માટે દુશ્મન દેશો / સંગઠનો તરફથી બૌદ્ધિક પીઠબળ તેમજ નાણાકીય સહાય, સંશોધન અને તાલીમ આપવામાં આવે છે.

અધ્યાત્મિક્તાના ખોટા અર્થઘટન

આ સમસ્યા વકરાવવામાં આપણા ગુરુઓનો પણ ફાળો છે. તેઓના ઈરાદા ઉમદા હતા તેમ છતાં તેમને કારણે ગુંચવાડા ઊભા થયા છે. સામાન્ય રીતે અદ્વૈત બે તબક્કે શીખવવામાં આવે છે – એક વ્યક્તિગત સ્તરે અને બીજું બ્રહ્મ સ્તરે. આ બંને વચ્ચે પણ ઘણાં સ્તર છે, જેમ કેઃ પરિવાર, ગામ, સમુદાય, સમાજ, રાષ્ટ્ર વગેરે. આ તમામ સ્તરનું અસ્તિત્વ છે એ શીખવવામાં આવતું નથી. શીખવવામાં એવું આવે છે કે વ્યક્તિ આ તમામ સ્તરને ઓળંગી જઈ શકે અને બ્રહ્મ થઈ શકે. પરંતુ આપણે રાષ્ટ્રની ચિંતા કરવી જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. તેઓ તો આ સમસ્યાઓનો સામનો કરવા પણ તૈયાર નથી. તેમના માટે આ માત્ર વિવાદનો મુદ્દો છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં તો મંદિરોની અંદર આ વિશે ચર્ચા પણ કરવા દેવામાં નહોતી આવતી કેમકે તેમના માટે આ મુદ્દો વિવાદાસ્પદ હતો. આથી વિરુદ્ધ ચર્ચ, સાયનાગોગ, મદ્રેસા અને બૌદ્ધ મંદિરોમાં સમાજને અસર કરનારા સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મુદ્દાઓની ચર્ચા કરવા દેવામાં આવે છે. પરંતુ સરેરાશ હિન્દુ આવી કોઈ ચર્ચા કરતાં ડરે છે.

૯/૧૧ની ઘટનાની અસરને કારણે આ સ્થિતિમાં ધીમેધીમે પરિવર્તન આવી રહ્યું છે. અન્ય સમુદાય અને ધર્મના લોકોએ આ મુદ્દાઓની જાહેરમાં ચર્ચા કરવાનું શરૂ કર્યું છે અને પરિણામે હિન્દુઓએ પણ તેની ચર્ચા શરૂ કરી છે. પરંતુ ભારતમાં હજુ આજે પણ એવા ઘણા ધાર્મિક વડા છે જેઓ માને છે કે આ મુદ્દાઓની ચર્ચા કરવી એ વિવાદાસ્પદ છે. ભગવદ્ ગીતામાં ધર્મ-અધર્મની ચર્ચા છે. વિશ્વમાં કોઈપણ વ્યક્તિ માત્ર અધ્યાત્મિક ન હોઈ શકે. તેનામાં સામાજિક નિસબત હોવી જ જોઈએ. અન્યથા, મહાભારત અને ગીતા જેવા ગ્રંથોનો અર્થ શો?

વાસ્તવમાં ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર પૂરતાં ભણાવવામાં આવ્યાં નથી. ભગવદ્ ગીતા, અદ્વૈત વગેરે ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હોય એવું લાગે છે. ગીતા, અદ્વૈત વગેરે ચોક્કસ મહત્ત્વનાં છે, પરંતુ આપણે વ્યવહારૂ, સામાજિક તેમજ રાજકીય હોય તેવાં અન્ય પુસ્તકોનો પણ સમાવેશ કરવાની જરૂર છે. ધર્મગુરુઓએ કંઈપણ વિવાદાસ્પદ હોય તેની ચિંતા કરવાની જરૂર નથી કેમકે આ દુનિયા વિવાદોથી ભરેલી છે. જો આપણે તેની ચર્ચા નહીં કરીએ તો પછી આપણી ભાવી પેઢીઓ કેવી રીતે તેનો સામનો અને ચર્ચા કરી શકશે?

સમાધાનકારી બુદ્ધિજીવીઓ

ભારતના મોટાભાગના બુદ્ધિજીવીઓને પશ્ચિમી વિચારધારા પ્રત્યે વધારે પ્રેમ છે. ધર્મને લગતી બાબતોની ચર્ચાનો મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે તેઓ મુંઝાઈ જાય છે. તેઓ પશ્ચિમની વ્યાપક વિચારધારામાં નાનકડી ભૂમિકા ભજવવામાં પણ ગૌરવ અનુભવતા હોય એવું લાગે છે, જ્યારે ભારતીય વ્યાપક વિચારધારામાં તેઓ ઘણી મોટી ભૂમિકા ભજવી શકે તેમ હોવા છતાં તેને સ્પર્શવા પણ તૈયાર થતા નથી. મારા પુસ્તક “બીઇંગ ડિફરન્ટ”માં મેં જે લઘુતાગ્રંથીની વાત કરી છે તે આ છે.

લઘુતાગ્રંથી ઓળખ અંગેના ગુંચવાડા તરફ દોરી જાય છે

વિશાળ ભારતીય વિચારધારા ઊભી કરવાની વાત આવે ત્યારે જોવા મળતી તીવ્ર લઘુતાગ્રંથીનો મુકાબલો કરવાની જરૂર છે. મેં મારા મુસ્લિમ મિત્રોમાં લઘુતાગ્રંથીની અસર જોઈ છે. તેઓ મારા બાળપણમાં ખૂબ સારા મિત્રો હતા પરંતુ આગળ જતાં તેમણે મુખ્યત્વે આરબ વિચારધારા અપનાવી લીધી, કેમકે એમ કરવાનું વધારે પ્રચલિત-આધુનિક હતું. આરબો વધારે શ્રેષ્ઠ હોવાનું તેઓ માનતા હોય તેમ લાગે છે અને તેથી તેમના માટે વધારે અરબી બનવાનો રસ્તો યોગ્ય હોવાનું તેમને લાગ્યું. એ જ બાબત શિયા મુસ્લિમોને પણ લાગુ પડે છે જેમણે પર્શિયન વિચારધારા અપનાવી કેમકે ભારતીય વિચારધારા સાથે લઘુતાગ્રંથી જોડાયેલી છે. વિશ્વમાં કોઈપણ જગ્યાએ સ્થાનિક ભાષા, રીતરિવાજો તથા સંસ્કૃતિ અપનાવીને વ્યક્તિ સારા મુસ્લિમ બની શકે છે એ હકીકત હોવા છતાં આવું થઈ રહ્યું છે. તેમના માટે સ્થાનિક પરિસ્થિતિથી અલગ થવાની કોઈ જરૂર નથી પરંતુ વિદેશી સાંઠગાંઠ એવી વાતને પ્રોત્સાહિત કર્યા કરે છે કે સારા મુસ્લિમ માટે સ્થાનિક પરિસ્થિતિમાં રહેવાનું પૂરતું નથી અને એક સારા મુસ્લિમે અરબીકરણ દ્વારા ઊંચા સ્તરે જવું જોઈએ.

લઘુતાગ્રંથી અને લોકો ઉપર તેની અસર એ ગંભીર મામલો છે અને ભારતીય વ્યાપક વિચારધારા મૂળ આધારને તોડી નાખે છે. ભારતીય વિચારધારા અગ્રીમ સ્થાને હોવી જોઈએ અને ત્યારપછી અન્ય વિચારધારાઓને સન્માનપૂર્વકનું સ્થાન મળવું જોઈએ. મને ઘણીવાર સવાલ કરવામાં આવે છે કે આવી વિચારધારામાં તમે લઘુમતી ધર્મોનો સમાવેશ કેવી રીતે કરશો. એ અંગે મારો જવાબ નીચે પ્રમાણે છેઃ

ભારતીય વ્યાપક વિચારધારામાં લઘુમતી ધર્મોનો સમાવેશ

જે લઘુમતી ધર્મોનો મૂળ આધાર વિદેશમાં હોય તેમના માટે સૌથી મોટો પડકાર હોય છે કેમકે તેમનો આધાર અને સંપર્કો અન્ય દેશમાં હોય છે. આપણે આ મુદ્દાની વિચારણા કરવી પડશે. જો આપણે એ નહીં કરીએ તો કદી તેનો ઉકેલ લાવી શકીશું નહીં. વિદેશમાં મૂળ આધાર ધરાવતા તમામ લોકોને ભારતીય બનાવવા માટે ત્રણ બાબતો જરૂરી છે. આ ભારતીયો બીજા દરજ્જાના ભારતીયો ન ગણાવા જોઈએઃ

૧. એ લોકોએ પરસ્પર સન્માનના સિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ. પરસ્પર સન્માન એટલે શું તેની વ્યાખ્યા “બીઇંગ ડિફરન્ટ” પુસ્તકમાં કરવામાં આવી છે. પરસ્પર સન્માન એટલે સહિષ્ણુતા નહીં. સહિષ્ણુતા એ પશ્ચિમમાં શીખવવામાં આવતો સિદ્ધાંત છે. તેમાં સન્માનના અર્થનો પૂરેપૂરો સમાવેશ થતો નથી. પરસ્પર સન્માનનો અર્થ એ છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનું તે જે છે જ સ્થિતિમાં સન્માન જાળવે. એક વ્યક્તિ બીજી વ્યક્તિના ધર્મપાલન વગેરેનું સન્માન કરે પરંતુ અહીં “પરસ્પર” નો અર્થ છે બંને પક્ષ તરફથી એક સરખું વલણ. એક વખત આ પરસ્પર સન્માન જાગશે તો કોઈ ધર્માંતર, સ્પર્ધા, બીજા કરતાં પોતે ઊંચા જેવી ભાવના રહેશે જ નહીં. વિવિધ ધર્મ વચ્ચે સંવાદ અંગેના પરિસંવાદમાં મેં આ પરસ્પર સન્માનનો વિચાર રજૂ કર્યો હતો ત્યારે અબ્રાહમિક ધર્મના લોકોના પ્રતિભાવ રસપ્રદ હતા. અબ્રાહમિક ધર્મના લોકો બીજા ધર્મના લોકો પ્રત્યે સન્માન વ્યક્ત કરે એ અત્યંત મુશ્કેલ છે અને તેઓ જ્યારે આવી અસમર્થતા વ્યક્ત કરે ત્યારે તેમની સાથે વાતચીત કરવી જોઈએ.

૨. બીજી જરૂરિયાત એ છે કે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના અનુયાયીઓએ વિદેશી વડાંમથકોના અધિકાર અને સત્તાનો ત્યાગ કરવો પડશે. ચીને આ કર્યું છે. વિશ્વની સૌથી વિશાળ ખ્રિસ્તી પ્રજા ચીનમાં છે, પરંતુ ત્યાં બિશપની નિમણૂક વેટિકન દ્વારા થઈ શકતી નથી. તેમની નિમણૂક સ્થાનિક સ્તરે જ થાય છે. શું કરવાનું, કોની નિમણૂક કરવાની, વિચારધારા કેવી હશે વગેરે બાબતો નક્કી કરવા માટે કોઈ વડું મથક નથી. ચીને શરત લાદેલી છે કે વિચારધારા બીજેથી લાવી ન શકાય કેમકે ચર્ચ એ ચાઈનિઝ ચર્ચ છે. આ બાબત માત્ર ભાષા પૂરતી મર્યાદિત નથી. ભારતમાં દેવળોમાં સ્થાનિક ભાષાનો તો ઉપયોગ થાય છે, પરંતુ તમામ બિશપની નિમણૂકનો નિર્ણય વેટિકન સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવે છે. આને કારણે વફાદારીના પ્રશ્નો ઊભા થવા ઉપરાંત હિતોનો સંઘર્ષ સર્જાય છે. આમ બીજી જરૂરિયાત એ છે કે આ ધર્મો પરની વિદેશી વડાંમથકોની સત્તા લઈ લેવામાં આવે અને એ સત્તા સંપૂર્ણપણે ભારતીય હોવી જોઈએ. વિદેશી સત્તાવાળાઓને દરમિયાનગીરીનો અધિકાર ન હોવો જોઈએ. આ જ બાબત કુરાનને પણ લાગુ પડે છે. કુરાનનું અર્થઘટન કરવાની આખરી સત્તા ભારતની બહાર કોઈને હોય એવી પરવાનગી કેવી રીતે આપી શકાય? આ ગ્રંથનું અર્થઘટન કરવા આપણું પોતાનું સત્તામંડળ શા માટે ન હોય?

૩. ત્રીજું, જે ભારતીયો આ ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં છે તેમણે એ ધર્મના લોકો ભારત આવ્યા ત્યારે હિંસા અને અત્યાચાર થયો હોવાના ઈતિહાસનો સ્વીકાર કરવો જોઈએ અને આવી બાબતોનો ઈનકાર ન કરવો જોઈએ. ઔરંગઝેબના કૃત્યો માટે આજના મુસ્લિમો જવાબદાર નથી. એ જ રીતે આજના ખ્રિસ્તીઓનો કોઈ વાંક નથી કે ઈતિહાસમાં કેટલાક ખ્રિસ્તીઓ ભારતમાં હિંસક ભૂતકાળ ધરાવે છે. તેમણે (એટલે કે ભારતીય ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ) કહેવું જોઈએ કે તેઓ પહેલાં ભારતીય છે અને તેઓ તેમના ભારતીય ભાઈઓ અને બહેનોની સાથે છે. ક્રિશ્ચિયાનિટી અને ઈસ્લામ અનુસાર તેઓ ખ્રિસ્તી કે મુસ્લિમ હોઈ શકે, પરંતુ ઈતિહાસમાં તેમના ધર્મના લોકો દ્વારા કરવામાં આવેલા અપરાધને માન્ય નહીં રાખે.

આ ઉપરોક્ત ત્રણ સિદ્ધાંતો સાથે આપણે એક સુગ્રથિત સમાજની રચના કરી શકીએ. ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા આડે રહેલી સમસ્યાઓને એક વખત આપણી સમજી લઈએ તો તે રજૂ કરવાનું સરળ બની રહેશે. આ કવાયત માટે ઉમદા બ્રાન્ડ એમ્બેસેડર્સની જરૂર છે. આ તરફ હું અમેરિકામાં હિન્દુ વિદ્યાર્થી પરિષદની ૫૦ શાખા સાથે કામ કરી રહ્યો છું. તેની પાછળનો આશય શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એકત્ર કરીને તેમને શું રજૂઆત કરવી, કેવી રીતે રજૂઆત કરવી અને કઈ રજૂઆત ન કરવી તે શીખવવાનો છે. હું તેમના સૌથી ગંભીર પ્રશ્નો સાંભળું છું, એ પ્રશ્નો જે તેમને પરિસ્થિતિનો સામનો કરતાં મુંઝવે છે અને એ પ્રશ્નોના જવાબ આપવા પ્રયાસ કરું છું જેના જવાબ તેમને તેમનાં માતા-પિતા અને શિક્ષકો પાસેથી નથી મળતા. આવા પ્રશ્નો કોઈપણ દ્વારા પૂછવામાં આવી શકે અને હું તેના જવાબ આપવા તૈયાર છું.

ભારતીય વિચારધારા

ભારતીય વિચારધારા રાજદ્વારીઓ, સશસ્ત્ર દળોના જવાનો તથા ઉદ્યોગપતિઓને સમજાવવાની છે. ઉદ્યોગપતિઓ માટે આ બાબત એ સમયે હાથવગી સાબિત થશે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન, ચાઈનિઝ, જપાનિઝ, બ્રિટિશ, ફ્રેન્ચ વગેરે સાથે બિઝનેસ માટે વાટાઘાટ થાય ત્યારે એ લોકો પોતાની સંસ્કૃતિના અસાધારણવાદ અંગે તેઓ સ્પષ્ટ હોય છે. પરંતુ ભારતીયો બહુ સ્પષ્ટ નથી હોતા. આ ભારતીય ઉદ્યોગપતિઓ ભાંગડા, બોલિવૂડ, ક્રિકેટ વગેરે વિશે જાણકારી હોઈ શકે, પરંતુ પોતાની સંસ્કૃતિ અસાધારણ છે એ અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. છેલ્લે હું બે મુદ્દાને ટૂંકમાં આવરી લઉં :

૧. ભારતનું બંધારણ વ્યાપક ભારતીય વિચારધારા પ્રત્યે સુસંગત – સંવેદનશીલ નથી. એ બદલવા માટે કોઈએ વાતચીત શરૂ કરવી પડશે. કોઈએ અર્થ અને ધર્મ શાસ્ત્રોનો આધાર લઈને તેમાં જણાવવામાં આવેલી મૂળભૂત ભારતીય વિચારધારાને કેન્દ્રમાં રાખીને ચર્ચા-વિચારણા અને પરિષદો ભરવી પડશે.

૨. માત્ર વાતચીત પૂરતી નથી, પણ તેને આધાર આપવા માટે ઊંડાણપૂર્વકના ગંભીર સંશોધનની જરૂર છે. પ્રસ્થાપિત સંશોધનના મહત્ત્વ ઉપર ભાર મૂકવાનું પૂરતું નથી. વાસ્તવિક સંશોધન વિના આ રીતે માત્ર વધુ કોન્ફરન્સ યોજ્યા કરવાથી એકના એક વિચારોની નકલ અને પુનઃઉચ્ચારણ થયા કરશે. જેમણે ખૂબ ઊંડાણપૂર્વક સંશોધન કર્યાં હોય એવા વિદ્વાનો તથા સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ ઉપર મજબૂત પકડ ધરાવતા હોય એવા તેમજ ચર્ચા કરવામાં નિપુણ હોય એવા લોકોને તાલીમ આપવી પડશે. આ એક ધીમી પ્રક્રિયા છે.

વિદ્વાનોની અછતની સમસ્યા

જો કોઈને વધારે ફળની અપેક્ષા હોય તો તેમણે ફળ આપે એવાં વધુ વૃક્ષ ઉગાડવાં પડે. આ વૃક્ષો ફળ આપવાનું શરૂ કરે તેમાં થોડા વર્ષ તો જશે. એ જ રીતે જ્ઞાનનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે સમય અને નાણાંનું રોકાણ કરવું જરૂરી છે. આશય એ છે કે એવા વધુને વધુ વિદ્વાનો તૈયાર કરવા જે ભારતીય અભિગમને આગળ વધારે અને આ દિશામાં કામગીરી શરૂ કરવાનો સમય હવે આવી ગયો છે.

લેખકઃ રાજીવ મલ્હોત્રા
અનુવાદઃ અલકેશ પટેલ
સમીક્ષક: ઉદિત શાહ
“Idea of Bharatiya Exceptionalism” – Idea of Bharat International Conference.

Leave a Reply