India’s NGO Racket Of Human Trafficking- http://rajivmalhotra.com/library/articles/indias-ngo-racket-human-trafficking/
ભારતનાં સમાચાર માધ્યમોમાં છાશવારે કોઈક દૂરનાં પ્રદેશમાંની ગરીબ વ્યક્તિનાં દિલ્હીનાં કોઈ ઉચ્ચ વર્ગનાં શ્રીમંત દ્વારા થઈ રહેલા શોષણ વિષેનાં નાટકીય કૌભાંડો મુખ્ય ખબરોમાં/હેડલાઈનમાં છવાતાં રહેતાં હોય છે. તેમ છતાં પણ કોઈ જિજ્ઞાસુ પત્રકાર એ વિષે તપાસ કરવાનો પ્રયત્ન કરતો નથી જેથી અમુક બિન-સરકારી સંગઠનો દ્વારા ચલાવાતાં માનવ તસ્કરી નાં ઉદ્યોગ વિષેનું કડવું સત્ય ઉઘાડું પડી શકે. આ શાંતિ રાખવાનાં કાવતરાનું એક કારણ એ હોઈ શકે કે આ તસ્કરીનો વ્યવસાય કરનારાં રાજકીય રીતે સંકળાયેલા બિન-સરકારી સંગઠનો છે જે મોટાં શહેરોમાં શોષણનો ભોગ બનેલાં લોકો વતી અવાજ ઉઠાવવાનો ઢોંગ કરતા હોય છે. હકીકતમાં આ અવાજ આ બિન-સરકારી સંગઠનોનાં ઘૃણાસ્પદ કાર્યને છાવરવા માટેનો એક પડદો છે જે ખ્રિસ્તી ધર્મને દિલ્હી શહેર માટે કામવાળી લાવી આપવાનાં બદલામાં દૂરનાં ગામડાઓમાં પોતાનો ધર્મ ફેલાવામાં મદદ કરે છે.
આ જટિલ કાર્યક્રમ નીચે જણાવ્યાં મુજબ ચાલે છે. ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસી વિસ્તારોમાં ગરીબ પરિવારોને એવી લાલચ આપે છે જેને નકારવાનું કઠિન હોય છે. એ મુજબ જો કુટુંબ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો એ પરિવારની એક દીકરીને દિલ્હી અથવા અન્ય મોટાં શહેરમાં ઘરકામ માટે નોકરી અપાવવાં માટે મદદ કરશે.
મોટાં શહેરમાં આ સાથે સંકળાયેલા આડતિયા જે કુટુંબને કામવાળીની આવશ્યકતા હોય તેની પાસેથી રૂપિયા 50,000 લે છે. આ બંને ભરતી અને નિયુક્તિ વચ્ચેની પ્રક્રિયામાં વેચાણ, સ્થળાન્તર અને આ ગભરું બાળા કે કિશોરીને ને લઈ જવાની આપૂર્તિ શ્રુંખલા(supply chain)માં વચેટિયાઓ હોય છે. દરેક પગલે પૈસાની આપલે થતી રહે છે.
આ આડતિયાઓ આ કિશોરીઓને દર અમુક મહિને એક ઘરેથી બીજા ઘરે સ્થળાંતર કરાવતા રહે છે જેથી એમને વારંવાર નિયુક્તિ માટેનું મહેનતાણું મળ્યા કરે. આવાં વિચ્છેદથી આ કિશોરીનાં માનસિક જખમ વધું દર્દનાક બને છે. આ આડતિયાઓ દેખીતી રીતે કિશોરીની સલામતી માટેની એકમાત્ર આશા બની રહે છે અને એને કારણે તેણીનું આ આડતિયા દ્વારા વધું શોષણ થઈ શકે છે. એકલા દિલ્હીમાં જ આવી કેટલાક હજાર કિશોરીઓ દર વર્ષે લાવવામાં આવી રહી હોવાનો અંદાજ છે.
ભારતનાં આદિવાસીઓ અને ભારતનાં મોટાં શહેરનાં રહેવાસીઓ વચ્ચેનું સાંસ્કૃતિક અંતર દિલ્હી અને ન્યુ યોર્ક શહેરોનાં રહેવાસીઓ વચ્ચેનાં અંતર કરતાં વધું છે. પીડિત કિશોરીને એવું વિચારવા માટે ભ્રમિત કરાય છે કે ભારતનાં મોટાં શહેરો સારી જિંદગી માટેનો સુલભ માર્ગ છે અને એનાં માબાપ મોટે ભાગે તેણીને વેચી દેવાનાં આ કાવતરામાં સામેલ હોય છે. એમને દેવાયેલ પૈસા ધર્મ પરિવર્તન માટેનો પહેલો હપ્તો હોય છે જેમાં એમની પુત્રીને ઘરકામની નોકરી માટેની નિયુક્તિ એ આ સોદાનો એક હિસ્સો જ ગણાય છે. ઘણાં ખ્રિસ્તી દેવળો સહીસલામત રીતે કિશોરીનો માસિક પગાર માબાપને મોકલવાની સવલત પણ આપે છે અને આ સવલત માટે તેઓ અમુક રકમ “દાન” તરીકે વસુલ કરે છે. આ બધું એમને “બચાવવા”(ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવા) માટેનો એક ઉચ્ચક સોદો છે.
શરૂઆતથી અંત સુધીની આ વ્યવસ્થા આફ્રિકાથી અમેરિકા અને અન્ય ખંડોમાં લઈ જવાતા જૂનાં ગુલામોનાં વ્યાપારની જેમ જ કાર્યરત છે-જેમાં એ સમયે પણ ચર્ચની મહત્વની ભૂમિકા હતી.આજનું આ કૌભાંડ પછાત લોકોને દૂર પ્રદેશમાં નોકરી શોધી આપવાની મદદ કરવાનાં બહાના હેઠળ છુપાયેલું છે. હું એમ કહેવાં નથી માંગતો કે ગામડાંમાંથી ઘરકામ માટે શહોરોમાં લવાયેલી બધી બાળાઓ બાબતનો બધો ભ્રષ્ટાચાર માત્ર આ જ વ્યવસ્થાને કારણે થાય છે, પણ એ હકીકત તો છે જ કે આ વ્યવસ્થા અન્વેષણ કે સમીક્ષાની સીમાની બહાર છે જે નોંધનીય છે.
એક તાજેતરની આવી દુઃખદ ઘટના મુજબ એક ફ્રેન્ચ આંતરરાષ્ટીય કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી એક મહિલાની ઝારખંડ રાજ્યનાં સંથાલ જિલ્લાની એક બાળા ઉપર અત્યાચાર ગુજારવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી. આ કામવાળી સાહિબગંજ નામનાં જિલ્લામાંથી છે જે ભારતનાં બહુ ગરીબ પ્રદેશોમાંનો એક છે. પોલીસે એનાં ગામમાં રહેલાં દસ્તાવેજ મુજબ આ બાળાની આયુ 18 વરસથી વધું છે એ વાતની પુષ્ટિ આપી હોવા છતાં પ્રસાર માધ્યમો આ બાબતને બાળ-ઉત્પીડન તરીકે ખપાવીને સનસનાટી ફેલાવા માટે પડાપડી કરી રહ્યાં છે. આ કર્મચારીને ત્યાં આ મહિલા માત્ર ત્રણ મહિનાથી જ કામ કરતી હતી, અને તે અગાઉ તેણીએ 15 વર્ષની આયુથી શરુ કરીને દિલ્લીનાં અનેક ઘરોમાં કામ કર્યું હતું. એટલે બાળ-ઉત્પીડનની ઘટનાની શરૂઆત એનાં આ પહેલાનાં માલિકોને ત્યાં જ થઈ ગણાય. પણ એ વિષેની કોઈ તપાસ કરાતી નથી. શા માટે?
સત્તાધિકારીઓ દ્વારા અગાઉનાં માલિકોની તપાસ ન કરવા પાછળનું કારણ એ છે કે આ યુવતી ખુબ ગરીબ પરિવારમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલી છે; અને બધાં બનાવોની સંપૂર્ણ સાંકળ ખોલવા જતાં અને બધાં સંડોવાયેલા પક્ષોની તપાસ કરતાં ઝારખંડ ચર્ચ, રાજકીય પક્ષો (જે આવા ગરીબ લોકોને પોતાની વોટ બેંક તરીકે ઉપયોગમાં લે છે) અને “માનવીય હક્કો”ના નામે ઓળખાતા કાર્યક્રમોમાં સંડોવાયેલા અન્ય બિન સરકારી સંગઠનો વચ્ચેનાં સંબંધો છતાં થઈ જાય. નોકરી અપાવનાર આડતિયાનું કાર્યાલય એક ખ્રિસ્તી સ્ત્રી ચલાવે છે જેની ઝારખંડ ચર્ચ સાથે સાંઠગાંઠ હોવાની શક્યતા છે. પ્રસાર માધ્યમો આને એક છુટોછવાયો સ્થાનિક બનાવ ગણીને સનસનાટી મચાવે છે જયારે હકીકતમાં એની માફિયા-સમકક્ષ છૂપાં ગિરોહ જેવાં ષડયંત્રની જાંચ-પડતાલ કરવાની આવશ્યકતા છે.
સામ્યવાદી પક્ષનાં ઝનૂની નેતા બ્રિન્દા કરાત આ ઘરકામવાળી બાઈનાં માલિક ઉપર આક્ષેપો લગાવવા માટે ખુબ ત્વરાથી કૂદી પડયા, પણ દૂરનાં ગામડાઓમાં જ્યાં આનું મૂળ હતું એની વિસ્તીર્ણ તપાસની તરફેણમાં ન હતાં જ્યાં એમનો રાજકીય પક્ષ ચર્ચ અને બિન-સરકારીસંગઠનો પાસે ટેકો માંગતો હોય છે.
અન્ય ઘણાં રાજકીય પક્ષોએ પણ આ બાબતમાં દલિત સમાજ કે જેમના મતોથી ચૂંટણીનાં પરિણામોમાં નિર્ણાયક અસર પડી શકે તેમનો ટેકો મેળવવાની તક જોઈ છે. આ દૂરનાં વિસ્તારોમાં માઓવાદીઓ રાજકીય વ્યવસ્થા ઉથલાવવા માટે પણ ખુબ સક્રિય છે. ખાટવાં માટેનાં રાજકીય લાભો અગણિત છે અને બિન-સરકારી સંગઠનો ગરીબોની દુર્દશા માટે શ્રેષ્ઠ લડત આપનાર તરીકે પોતાની યોગ્યતાનો દાવો કરવા માટે એકબીજાની સાથે હોડમાં રહેતાં હોય છે. આ બધાં બિન-સરકારી સંગઠનો ભિન્ન ભિન્ન “ઉમદા” કાર્યોનાં બહાના હેઠળ ભંડોળ પણ એકત્ર કરતાં રહે છે.
પ્રસાર માઘ્યમોએ માત્ર બોલીવુડિયા પ્રકારનાં એક્શન ડ્રામા વેચવાને બદલે વધું જવાબદારીપૂર્વક એમનું કાર્ય કરવું જોઈએ. આવાં વિસ્તીર્ણ ગુનાહિત માળખાંને અને એનાં મૂળિયાને ઉઘાડું પાડવા માટે તેઓએ સર્વાંગી બદલાવ માટે આગ્રહ રાખવો પડશે. સૌથી પહેલાં તો કોઈ પણ ગરીબ કે નિર્બળ વ્યક્તિને નોકરી અપાવવી કે ચીજવસ્તુઓની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવું એ કાર્ય ગેરકાનૂની જાહેર કરવું જોઈએ ખાસ કરીને 18 વર્ષથી નીચેનાઓને નોકરી અપાવવાનાં કાર્યમાં સંડોવાયેલાં ચર્ચ, માબાપ અને આડતિયાઓ ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. જયારે પણ આવાં દુર્વ્યવહારનાં કિસ્સા જાહેર થાય ત્યારે કાનૂની કાર્યવાહી માટેનું ધ્યાન આ સાંઠ-ગાંઠ પર કેન્દ્રિત કરવું જોઈએ.
દરમિયાન, ભારતનાં મોટાં શહેરોમાં ઘરકામ માટે નોકરોની યથાર્થ આવશ્યકતાને પણ સ્વીકારવી જોઈએ. આ માંગને પહોંચી વળવા આડતિયાઓને અવારનવાર તેઓ બધાં કાયદાઓનું પાલન કરે એ માટે એમને પ્રમાણિત કરવા જોઈએ. એમાં દરેક નોકર અને જ્યાં એમણે કામ કર્યું હોય ત્યાંનાં દરેક માલિકની સંપૂર્ણ વિગત પારદર્શકતાપૂર્વક આપવી જોઈએ. એવી પ્રક્રિયા હોવી જોઈએ કે ઘરકામ માટે ભરતી કરવા પહેલાં એની કાયદાને માન્ય કામ કરવાની ઉંમર ઔપચારિક રીતે નિર્ધારિત થવી જોઈએ અને આડતિયાએ ઘરકામ માટે નિયુક્ત કરવા પહેલાં ઉંમરની સાબિતી આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. આડત માટે અને પગારની ચુકાવાતી રકમ કાયદેસર નક્કી થવી જોઈએ.
પ્રસાર માધ્યમોએ મોટાં શહેરનાં માલિકોને ન્યુનતમ પગાર અને આ વિષયને લગતી અન્ય કાયદાકીય વિગતોથી વાકેફ કરવા જોઈએ. આજની તારીખમાં મોટાં ભાગનાં દિલ્હીનાં માલિકો આવી બાબતોથી અજાણ છે અને પ્રસાર માધ્યમો આ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાને બદલે અથવા બનાવની વિગતની તલસ્પર્શી તપાસ કરવાને બદલે માત્ર સનસનાટી ફેલાવવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઘણાં વિપરીત શોષણનાં કિસ્સાઓ પણ થાય છે જેની નોંધ લેવી યે આવશ્યક છે. દિલ્હીનાં વયસ્ક લોકો ઉપર ઘરકામ કરનારા નોકરો દ્વારા હુમલા થાય છે અને આ નોકરો વળી બિન-સરકારી સંગઠનોની મદદથી કાયદાકીય પગલાં લેવાની માલિકોને ધમકી પણ આપે છે. જેથી આ ગુનાઓની નોંધ થતી અટકી જાય છે. મને અમુક કિસ્સાઓની જાણ છે જેમાં એક યુવાનોની ટોળકી એક એકલી રહેતી વયસ્ક સ્ત્રીનાં ઘરમાં વારંવાર લૂંટ ચલાવતાં હતાં અને પોલીસખાતું કોઈ પણ ફરિયાદની નોંધ લેતું ન હતું કારણ કે બિન-સરકારી સંગઠનો ધમકી આપતા હતાં કે ટોળકીનાં યુવાનો સગીર છે. એટલે આ સાથે સાથે કિશોરોને સ્પર્શતા કાયદાઓને સખત બનાવવાની અને લાગું કરવાની પણ આવશ્યકતા છે.
આ પ્રકારનાં બિન-સરકારી સંગઠનોનાં ટેકાથી આચરાતા ગુનાઓ વિષે મેં છેક નેવુંના દાયકાથી અનુમાન લગાવ્યું હતું જયારે હું વિદેશી સાંઠ-ગાંઠ દ્વારા ભારતનાં કહેવાતાં આદિવાસી વિસ્તારોમાં થતાં હસ્તક્ષેપ વિષે માહિતગાર થયો. ઈન્ફિનિટી ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત હાર્વર્ડ ગોળમેજી પરિષદ દરમિયાન મેં જાણ્યું કે પાશ્ચાત્ય વિદ્વાનોને “મુંડા” પ્રકારની ભાષાનો ઉપયોગ કરતાં ભારતીય સમાજનાં લોકોમાં ઘણો રસ પડવા મંડયો હતો. જે સિદ્ધાંત નિરૂપણ કરાયો એ મુજબ મુંડા જાતિના લોકો જ ભારતનાં એકમાત્ર “મૂળ સ્થાનિક” લોકો હતાં. તેમની ઉપર સૌ પહેલાં મધ્ય પૂર્વમાંથી આવેલાં “પરદેશી દ્રવિડિયન” લોકોએ હુમલો કર્યો અને પછી આ બંને ઉપર “પરદેશી આર્ય” લોકોએ હુમલો કર્યો. આ રીતે ભારતીય લોકોને ભિન્ન ભિન્ન સ્તરમાં વહેંચી નાંખ્યાં એ ઉદ્દેશથી કે એક જૂથ બીજાં જૂથની સામે લડતું રહે. મારાં આ પહેલાંના પુસ્તક “બ્રેકિંગ ઈન્ડિયા”માં મેં અમુક મહત્વની અમેરિકા-સ્થિત સંસ્થાઓ દ્વારા ભારતમાં માનવશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રનાં અભ્યાસ થકી કરાતાં હસ્તક્ષેપ વિષે ઉલ્લેખ કર્યો છે.
છેલ્લાં કૌભાંડમાં જે ઘરકામવાળી કિશોરીની અહીં વાત થાય છે તે ભારતનાં કહેવાતાં આદિવાસી ક્ષેત્રનાં એક સૌથી મોટાં સમાજોમાંના એક એવાં સંથાલ સમાજની છે. અંગ્રેજોનાં સમયથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જ મોટાં ભાગનો આ સમાજને લગતો માનવશાસ્ત્રનો અભ્યાસ કરાયો છે. યુરોપની બહાર જે “ચશ્મા”થી અન્ય બિન-ખ્રિસ્તી લોકોની ગણના કરાઈ હતી એ જ “ચશ્મા” આ સાંસ્થાનિક-ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવા વાળાંઓએ પણ વાપર્યા અને એમાંનાં ઘણાં પૂર્વગ્રહો આધુનિક ભારતીયોએ સ્વીકાર્યા છે. આદિવાસીઓને ” પેગન ” (ખ્રિસ્તીધર્મ દ્વારા મૂર્તિપૂજક લોકો માટે વપરાતું વિશેષણ) કહેવાય છે કારણ કે તેઓ “સર્વચેતનવાદ” માં માને છે, એટલે કે તેઓ માને છે કે સમગ્ર સૃષ્ટિમાં દૈવિક તત્વનો વાસ છે (જોવાનું એ છે કે તાંજેતરમાં આ જ પાશ્ચાત્ય વિચારકો હિન્દૂ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને આ વિચારોને લઈને, યહૂદી- ખ્રિસ્તી ઢાંચામાં બંધબેસતા કરીને તેમને “સર્વેશ્વરવાદ” અને ” સર્વવ્યાપક્તા”ને નવે નામે પ્રસ્તુત કરી રહ્યા છે.) છેલ્લી થોડી સદીઓથી આ ગામડાંઓ મિશનરી પ્રવૃત્તિ માટેનો અડ્ડો બની ગયા છે અને 1914માં બાઈબલનું સંથાલી ભાષામાં પહેલું સંપૂર્ણ ભાષાંતર એક નોર્વેજિયન મિશનરીએ કર્યા બાદ આ પ્રવૃત્તિને વધું વેગ મળ્યો.
દેખીતી રીતે, ભારતીયોનું વિભાજન કરવાનું યુદ્ધ એક નવા જ તબક્કે દાખલ થયું છે. “માનવીય હક્કો” મેળવી અપાવવાનાં બહાના હેઠળ “આદિવાસી” ભારતીયોનું ભિન્ન ભિન્ન રીતે શોષણ વધું ને વધું થશે. આવાં કિસ્સાને પ્રસાર માધ્યમો દ્વારા રડયા-ખડયા “બિનસાંપ્રદાયિક” ગુના તરીકે ગણવાં એ એક છીછરો અને અપૂરતો પ્રયાસ છે જયારે હકીકતમાં આ બાબત ખુબ ઊંડી છે અને અનેક સ્તર પર અસ્તિત્વ ધરાવે છે.
ઘ્રુણાસ્પદ અને આક્રોશ જન્માવે તેવી કથની. આશા રાખીએ કે, નવો રાજકીય પ્રવાહ આ દૂષણ/ અંધારી આલમને તહસ નહસ કરી નાંખશે.